Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

JHANVI KANABAR

Tragedy Action


4.5  

JHANVI KANABAR

Tragedy Action


ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 10

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 10

5 mins 234 5 mins 234

આગળના અંકમાં આપણે જોયું કે, દેવવ્રત ભીષ્મ સમગ્ર આર્યવર્તના રાજાઓને માત આપી કાશીરાજની ત્રણેય કન્યાઓને હસ્તિનાપુર લઈ આવે છે. તેમાંની રાજકુમારી અંબા શાલ્વરાજ પ્રત્યેના પોતાના પ્રેમને અભિવ્યકત કરે છે. માતા સત્યવતી રાજકુમારી અંબાને સસન્માન શાલ્વરાજ પાસે મોકલે છે પરંતુ દેવવ્રત ભીષ્મના પ્રહારથી અપમાનિત શાલ્વરાજ ક્રોધ અને અહમ્ થી રાજકુમારી અંબાને સ્વીકારવાની ના પાડે છે અને તેને અપમાનિત કરે છે. રાજકુમારી અંબા હસ્તિનાપુર પરત ફરે છે અને પોતાની આ અવદશાના કારણભૂત દેવવ્રત ભીષ્મ સાથે લગ્ન કરવાની હઠ કરે છે. કુમાર દેવવ્રત પોતાના આજીવન બ્રહ્મચર્ય પાલનની ભીષ્મપ્રતિજ્ઞા વિશે જણાવે છે અને વિવાહની ના પાડે છે. કુમારી અંબા પોતાની અવહેલનાથી દુઃખી થાય છે અને મનોમન કુમાર દેવવ્રત સાથે પ્રતિશોધ લેવાનો નિર્ણય કરી હિમાલય પર તપ કરવા ચાલી જાય છે. હવે આગળ....

કાશીરાજ કન્યા અંબા વ્યથિત અને ક્રોધિત હૃદયે પોતાના દુર્ભાગ્ય પર અશ્રુ વહાવતી ચાલી જાય છે. અચાનક તેના મનમાં મહર્ષિ પરશુરામનો વિચાર જન્મ લે છે. સમગ્ર આર્યવર્તમાં આ વાત પ્રચલિત હતી કે, મહર્ષિ પરશુરામનો પરમ શિષ્ય એટલે આ જ દેવવ્રત ભીષ્મ ! તેની આંખોમાં ચમક આવે છે અને હૃદયમાં એક આશા જન્મ લે છે. તે વિચારે છે કે, `મહર્ષિ પરશુરામ પોતાના શિષ્ય દેવવ્રતને મારી સાથે વિવાહ માટે આજ્ઞા કરી શકે છે અને તે છતાં જો દેવવ્રત ના માને તો એક ગુરુ તરીકે તેને યોગ્ય દંડ તો જરૂરથી આપશે. એનાથી મારી પ્રતિશોધની અગ્નિને શાતા મળશે.’ આવા અનેક વિચારોએ તેના પગમાં જાણે કે જોર જગાડ્યું અને તે બમણી ઝડપથી આગળ વધી રહી હતી. હવે તેના ચરણો મહર્ષિ પરશુરામ પાસે જઈને જ અટકે એમ હતા.

રાજકુમારી અંબા મહેન્દ્ર પર્વત પર તપ કરી રહેલા મહર્ષિ પરશુરામ પાસે પહોંચી. સૂર્યસમાન દૈદીપ્યમાન, જરાએ જેને સ્પર્શ પણ કર્યો નથી તેવા, ભયંકર પરશુને ખભા પર ધારણ કરી રહેલા, વિશાળ દાઢી ને જટાથી ભયંકર લાગતા અને તે છતાંય વાત્સલ્યમૂર્તિ જણાતા મહર્ષિ પરશુરામ અન્ય ઋષિમુનિઓ સાથે ધર્મચિંતન કરી રહ્યા હતા.

રાજકુમારી અંબાએ મહર્ષિ પરશુરામને પ્રણામ કરતાં કહ્યું, `હે મહર્ષિ ! હું કાશીરાજ કન્યા અંબા.. મારી જોડે તમારા શિષ્ય દેવવ્રતે ઘોર અન્યાય કર્યો છે. આપ મને ન્યાય અપાવશો એ જ અભિલાષા સાથે આપના ચરણોમાં આવી છું.’ રાજકુમારી અંબાએ પોતાની દુઃખભરી કથા કહી સંભળાવી.

મહર્ષિ પરશુરામે અશ્રુ સારતી અંબા સામે જોઈને સ્નિગ્ધ સ્વરે કહ્યું, `પુત્રી ! તું ઈચ્છે છે તેમ હું તેને તારી સાથે વિવાહ કરવાની આજ્ઞા કરી શકું છું. પરંતુ જ્યાં સુધી હું મારા શિષ્યને ઓળખું છું, તે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન છે. તે છતાંય હું તેની કસોટી અવશ્ય કરીશ. હું તેને યુદ્ધનું આહવાહન આપીશ. જો દેવવ્રતની સાથે સત્ય અને ધર્મ હશે તો તે મને પરાસ્ત કરશે જ. જો તે અધર્મ અને અસત્યનું આચરણ કરતો હશે તો મારી સાથે યુદ્ધમાં ટકી નહિ શકે.’

રાજકુમારી અંબા મહર્ષિ પરશુરામના વચનોથી આશ્વસ્થ થાય છે. મહર્ષિ પરશુરામ પોતાના એક શિષ્ય દ્વારા કુમાર દેવવ્રતને સંદેશો મોકલાવે છે. કુમાર દેવવ્રત પણ પોતાના ગુરુ મહર્ષિ પરશુરામની આજ્ઞાનું પાલન કરતાં આવી પહોંચે છે અને મહર્ષિ પરશુરામને બે હાથ જોડી અર્ધ્ય તથા પ્રણામ કરે છે. મહર્ષિ પરશુરામ કુમાર દેવવ્રતના પ્રણામ સ્વીકારી તેની સમક્ષ રાજકુમારી અંબા સાથે વિવાહનો પ્રસ્તાવ મૂકે છે. કુમાર દેવવ્રત પોતાની ભીષ્મપ્રતિજ્ઞા અંગે જણાવે છે તથા કાશીરાજની સભામાં બનેલી ઘટના અને ત્રણેય રાજકુમારીને હરી લાવવાની વિષમ પરિસ્થિતિ અંગે જણાવે છે. શાલ્વરાજના અહમને કારણે રાજકુમારી અંબાની આ દુર્દશા થઈ છે, એમ પણ કહે છે. મહર્ષિ પરશુરામ કુમાર દેવવ્રતને રાજકુમારી અંબાના હિત ખાતર સમજાવે છે કે, લગ્ન કરીને પણ તે બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. પરંતુ દેવવ્રત વિનમ્રતાથી કહે છે કે તેઓ સત્ય સાથે કોઈ જ બાંધછોડ કરવા તૈયાર નથી. આખરે મહર્ષિ પરશુરામ તેને યુદ્ધ માટે લલકારતા કહે છે, `જો સત્ય અને ધર્મ તારી સાથે છે તો યુદ્ધમાં મને પરાસ્ત કર. નહિ તો મારી આજ્ઞાનું પાલન કર.’ કુમાર દેવવ્રત મહર્ષિ પરશુરામની ઈચ્છાને માન આપી યુદ્ધ માટે સજ્જ થાય છે.

ગુરુ શિષ્ય વચ્ચે ધર્મયુદ્ધ શરૂ થાય છે. યુદ્ધ આરંભ કરતા પહેલા કુમાર દેવવ્રત ગુરુ પરશુરામને પ્રણામ કરીને કહે છે, `હે ભૃગુશ્રેષ્ઠ ! આપ મારા ગુરુ અને ધર્માત્મા છો. મને આશીર્વાદ આપો.’

મહર્ષિ પરશુરામ પોતાના શિષ્ય દેવવ્રતની આ શાલીનતા અને વ્યવહારથી પ્રસન્ન થયા અને કહ્યું, `જા અને ધર્મયુદ્ધ કર.’

મહર્ષિ પરશુરામ અને કુમાર દેવવ્રત વચ્ચે બાણોની વર્ષા થવા લાગી. એક તરફ સત્ય અને ધર્મની કસોટી થઈ રહી હતી તો બીજી તરફ ધર્મ અને સત્ય પોતાને સાબિત કરી રહ્યું હતું. ઋષિઓ અને તપસ્વીઓ હાહાકાર કરી ઊઠ્યા. ગુરુ અને શિષ્ય વચ્ચેના આ યુદ્ધના પરિણામની સૌ રાહ જોઈ રહ્યા હતા. આખરે યુદ્ધનો અંત આવ્યો અને મહર્ષિ પરશુરામ પોતાના શિષ્યથી પરાસ્ત થઈ મૂર્છિત થઈ ગયા. કુમાર દેવવ્રત દોડીને ગુરુના ચરણો પાસે આવ્યા અને તેમને ભાનમાં લાવવાના પ્રયાસો કરવા લાગ્યા. મહર્ષિ પરશુરામે આંખો ખોલી અને ગર્વથી પોતાના શિષ્ય તરફ જોઈ રહ્યા. `ધન્ય છે તને ગાંગેય ! તું મારાથી પરાજિત નહિ થાય. તને પરાજિત કરનારો અને મારનારો તો નરનો અવતાર થશે. હું તારા પર પ્રસન્ન છું. તે ધર્મ અને સત્યને ધારણ કર્યા છે. તારું કલ્યાણ થાઓ.’ કહી મહર્ષિ પરશુરામ સિંહ સમાન ડગ ભરતા રણભૂમિ છોડીને ચાલ્યા ગયા.

કુમાર દેવવ્રત ક્રોધિત અને હતાશ એવી રાજકુમારી અંબાને જોઈ રહ્યા. કુમારી અંબાની આ સ્થિતિ જોઈ તેમને દયા ઉપજી પરંતુ કુમાર દેવવ્રતની ઉદારતા અને ધર્મનિષ્ઠા ક્રોધિત કુમારી અંબાને સમજી ન શકી અને તેણે આવેગમાં કહ્યું, `હે દેવવ્રત ભિષ્મ ! તમારા જીવનની શાંતિ હણાઈ જશે. જે હસ્તિનાપુરની સુખ શાંતિ અને સેવાર્થે તમે તમારું જીવન અર્પિત કર્યું છે એ જ હસ્તિનાપુરના સિંહાસન પર ધર્મની સ્થાપના માટે જીવનભર સંઘર્ષ કરશો. તમે કદીય સુખી નહિ રહો.’

કોને ખબર હતી કે, રાજકુમારી અંબાથી ક્રોધમાં બોલાયેલ આ શબ્દો સાચે જ હસ્તિનાપુરનું ભાવિ હશે ? કુમાર દેવવ્રતે કુમારી અંબાની કઠોર વાણી સાંભળીને પણ તેમને પ્રણામ કર્યા અને હસ્તિનાપુર તરફ પોતાનો રથ હંકાર્યો.

હવે રાજકુમારી અંબા હતાશ થઈ ગઈ હતી. `ઓહ ! શું આ ભીષ્મને કોઈ જ નહિ હણી શકે ? મારી નહિ શકે ? ના.. હું તેને હણીશ.’ એકાએક તેને સ્ફુરણા થઈ અને તેણે નક્કી કર્યું કે, `વરદાન વડે હું ભીષ્મને મારીશ. દેવોના દેવ મહાદેવને આરાધીને હું વરદાન મેળવીને જંપીશ.’ અંબાએ ઘોર તપ શરૂ કર્યું. બાર-બાર વર્ષની ઘોર તપસ્યા કરી તેણે મહાદેવને પ્રસન્ન કર્યા.

મહાદેવે દર્શન આપી કહ્યું, `માગ માગ પુત્રી ! તારી આરાધનાથી હું પ્રસન્ન છું. વરદાન માગ..’

`ભગવન્ ! મહર્ષિ પરશુરામે કુમાર દેવવ્રત ભીષ્મને વરદાન આપ્યું છે કે, તેને મારનારો નર અવતાર હશે. હું નર અવતાર ધારણ કરી, ભીષ્મનો વધ કરું એવું વરદાન આપો.’ રાજકુમારી અંબાએ કહ્યું.

મહાદેવ `તથાસ્તુ’ કહી અંતર્ધાન થઈ ગયા. રાજકુમારી અંબાએ વિચાર્યું, `આ જન્મ ધારણ કરવાનો શો અર્થ ? આવતા જન્મમાં નર અવતાર ધારણ કરી હું ભીષ્મનો અંત કરીશ.’ આમ વિચારી તે પોતાના શરીરનો નાશ કરવા લાકડા એકત્રિત કરી ચિતા પ્રગટાવી બેઠી અને બોલી ઊઠી, `મારા હવે પછીના જન્મમાં ભીષ્મનો વધ કરવાની ઈચ્છાથી અગ્નિપ્રવેશ કરું છું.’ અને હસ્તે મુખે રાજકુમારી અંબા બળીને ભસ્મ થઈ ગઈ.


Rate this content
Log in

More gujarati story from JHANVI KANABAR

Similar gujarati story from Tragedy