ધોધમાર વરસાદ
ધોધમાર વરસાદ
વૃંદાને આજે ઓફિસમાંથી કામને કારણે મોડું થઈ ગયું. કામ પુરુ કરીને ઓફિસ બહાર નીકળી અને કાળા ડિંબાગ વાદળો ઘેરાઈ ગયાં. અને અચાનક જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. વૃંદા વરસાદમાં પલળતી પલળતી રિક્ષા રોકવાની ઘણી કોશિશ કરી. પણ એકપણ રિક્ષા ઊભી ન રહી. વૃંદા પુરી પલળી ગઈ હતી. ત્યાં જ એક કાર તેની પાસે આવીને ઊભી રહી અને વિન્ડો ખોલી એક હેન્ડસમ યુવાન બોલ્યો..
" આપને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપ આવી શકો છો !"
થોડીવાર વૃંદા વિચારવા લાગી. પછી ઘડિયાળમાં જોયું તો મોડું પણ બહુ થયું હતું. તો તે કોઈપણ સવાલ કર્યા વગર કારમાં બેસી ગઈ.
વૃંદા પલળી ગઈ હતી તો પણ પોતાની જાતને સંકોરતા બેસી. આ જોઈ એ યુવાન બોલ્યો..
" ઇટ્સ ઓકે,. આપ આરામથી બેસો. હું વિહાન ,આપ શાયદ મને જાણતાં નથી. પણ હું આપની સોસાયટીમાં જ રહું છું."
વૃંદા: " હું વૃંદા, અહીં બેંકમાં જોબ કરું છું. આપને કયારેય જોયાં નથી !"
વિહાન: હા, હું થોડાં દિવસ પહેલાં જ અહીં એક કંપનીમાં મેનેજર તરીકે આવ્યો છું.
વૃંદા કશું બોલતી નથી. ઘર આવી જતાં વૃંદા બસ " આભાર" કહી ચાલી જાય છે.
ઘરે આવી વૃંદા કપડાં બદલાવીને ફ્રેશ થઈ બાલ્કનીમા ચા નો કપ લઈને વરસતા વરસાદને જોતી હતી, અને તે ભૂતકાળની યાદોમાં સરી પડે છે.......
આવા જ વરસાદમાં વૃંદા અને વંશની મુલાકાત થઈ હતી. અને તે પણ આવી જ રીતે ..કોલેજથી નીકળીને ઘરે જતાં અચાનક વરસાદ આવ્યો, અને વંશે તેને લીફટ આપી. બસ પછી તો બંને દોસ્ત બની ગયાં. અને દોસ્તી ધીમે-ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ. વૃંદા અને વંશ બંને રોજ મળતા અને બંનેનો પ્રેમ પરવાન ચડયો હતો. બંનેને વરસાદ ખૂબ ગમતો હતો તો એકવાર કોલેજ પછી વૃંદા અને વંશ બાઈક લઈને વરસતાં વરસાદમાં લોંગ ડ્રાઈવ પર ગયાં. વરસાદી બૂંદોને હાથમાં ઝીલતી વૃંદા અને વંશ વાતોમાં મશગૂલ હતાં, ને સામેથી આવતા ટ્રક સાથે બાઈકનો અકસ્માત થયો. તાત્કાલિક હોસ્પિટલ ગયાં, પણ વંશ હવે ન રહ્યો. આ જોઈ વૃંદાની આંખોમાં આંસું થીજી ગયાં. તે કંઈપણ બોલતી કે ચાલતી ન હતી. એક જીવતી લાસ બની ગઈ. સમય જતાં તેનાં માતા-પિતાનાં સપોર્ટ અને પ્રેમને કારણે કળ વળતાં વૃંદાએ જીવન જીવવાની શરૂઆત કરી. અને બેંકમાં નોકરી મળતાં હાલ જ વડોદરા આવી હતી. જૂની વાતો યાદ આવતાં વૃંદાએ આંખોના આંસું લૂછયાં. આજે વિહાનને જોઈને વૃંદાને વંશની યાદ આવી.
સવાર થતાં જ વૃંદા તૈયાર થઈ બેંક જવા નીકળી તો ફરી તેની પાસે એ કાર આવી ઊભી રહી ગઈ. દરવાજો ખુલ્યો.
વિહાન : ગુડ મોર્નિંગ, ચાલો હું પણ એ બાજુ જ જાઉં છું તમને છોડી દઉં.
વૃંદા કોઈપણ સવાલ વગર બેસી ગઈ. આમ, વિહાન વૃંદાને રોજ બેંક છોડી દેતો. બંને વચ્ચે થોડી વાતચીતો થતી. વિહાનને પણ હવે વૃંદા ગમવા લાગી હતી. એક દિવસ બંને ગાર્ડનમાં ફરવા ગયાં. તો વિહાને કહ્યું,
" હું બહુ સાદો સીધો છું, મને ઘૂંટણીએ પડીને, લાલ ગુલાબ લઈને પ્રપોઝ કરતાં નહીં ફાવે. જો. આપને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપને હું મારી જીવનસંગિની બનાવવા માગું છું."
વૃંદા પણ વિહાનને પસંદ કરવા લાગી હતી. વિહાનમાં તેને વંશની ઝલક દેખાતી હતી. વૃંદાએ પોતાનો ભૂતકાળ વિહાનને કહ્યો.પણ વિહાન કહે," મને તમારા ભૂતકાળથી કોઈ મતલબ નથી. બસ, હું તો વર્તમાનમાં જીવવા માગું છું." અને વિહાને વૃંદાને પોતાની પાસે ખેંચી ગાઢ આલિંગનમાં જકડી લીધી. વિહાન અને વૃંદાના મિલનને વધાવવા વરસાદ પણ વરસવા લાગ્યો. બંને પ્રેમી હૈયાઓ એકબીજાનાં આલિંગનમાં તરબતર થઈ રહ્યાં હતાં ત્યાં જ ગીત વાગે છે.
" ટીપ ટીપ બરસા પાની, પાનીને આગ લગાઈ....."

