purvi patel pk

Crime Inspirational Thriller

4.6  

purvi patel pk

Crime Inspirational Thriller

દગો

દગો

3 mins
388


સાકરથી સીંચી હોય, એવી અરજણના ખેતરની શેરડી અને અરજણ-મુંજાની દોસ્તી આખાય પંથકમાં પ્રખ્યાત. અરજણના માવતરે અનાથ મુંજાને દસ વર્ષની ઉંમરથી જ પાંખમાં લઈ લીધેલો. અરજણને પોતાના કરતાં પણ વધારે મુંજા પર ભરોસો. સરપંચે એકવાર ચેતવેલો કે, 'પારકું લોહી છે, ક્યારે દગો દે ખબર નૈ પડે.' મુંજા વિરુદ્ધ લોકો ગમે તેટલું કહે, પણ અરજણના કાન પર જૂ પણ નહોતી રેંગતી. 

સંધ્યા ટાણે મહાદેવના મંદિરે શંખનાદ ગૂંજ્યો. આથમણે કેસર ખર્યું, ઉગમણે પુનમનો ચાંદ સોળે કળાએ ખીલી રહ્યો. અરજણ-મુંજો વાળુ કરી ખેતરે જવા નીકળ્યા. ઘણીવાર બંને ખેતરે જઈ છાપરી નીચે ખાટલા ઢાળી સૂઈ જતાં. અષાઢયો ગોરંભાયો હતો. વીજળી અચાનક ચમકીને જાણે સાવચેત કરી રહી હતી.

"લ્યા, મુંજા આજ આમ કાં ?"

"હું કાં ? કાંય હમજાય એમ બોલ."

"લ્યા, આ વાદળાં આજ કંઈ નોખી રીતે જ ગરજે સે."

"ના, ના. એવું કાંય નથ. અમથો ભેં નો રખાય."

"ના, મુંજા. કુદરત ઈશારો તો કરે જ, કોકવાર ઇ આપણને નો હમજાય."

"ડરી ગ્યો ? હું સું ને ! તને ઊની આંચ નો આવવા દઉં. હાલ્ય, ફીકર નૈ."

બંને ખાટલામાં આડા પડ્યા. કોણ જાણે કેમ પણ આજે અરજણનું મન અશાંત થવા લાગ્યું. તેણે નજર કરી તો બાજુમાં મુંજો તો ટેસથી ઊંઘી ગ્યો. અરજણે કટાર પર હાથ મૂકી ખાતરી કરી, સુવાનો પ્રયત્ન કર્યો. 

થોડી વારે કંઈ સળવળાટ ને અવાજ સંભળાતાં અરજણ સાવધ થયો. સૂતાં સૂતાં જ કટાર પર હાથ મજબૂત કર્યો. તેણે મુંજાને હલાવી ધીમા અવાજે ફુસ્ફુસાવ્યું.

"મુંજા, મુંજા. સાવધ."

મુંજો પણ સમય વર્તે સાવધાન થયો, ખાટલા નીચે રાખેલા ભાલાને તેણે મુઠ્ઠીમાં ઝાલ્યો. 

"હું લાગ સ ? ડાકુ કે સાવજ ?"

"જે હશે, જોયું જશે."

હજી કંઈ વિચારે ત્યાં જ અરજણના ગળા પર ચાકુની અણી ભોંકાય. 

"જાળવીને, હોશિયારી કરી તો ચાકુ ગળા બારે નીકળી જાહે. હાલો, માલમત્તા જે હોય ઇ આપી દયો. ને, એય કમા...ભીખા... બેય આ શેરડીના કાતરાં ઉપાડીને નાંખો ગાડામાં."

બીજા બે જણ મુંજાને તલવારની ધારે ઘેરી રહ્યાં.

"એ ભાઈ ! તમારે જે જોઈએ ઇ લઈ લ્યો. પણ, પહેલાં આ ચાકુ હટાવી લ્યો."

"અરજણ, ગાંડો થા મા. આ આપણી મહેનતનું સે. બધું આલી દેય તો આખું વરહ ફાંકા થઈ જાહે."

"મુંજા, જાવા દયે. જીવ રેહે તો બીજું કાંઈ કરી લેહુ."

પણ, આ તો મુંજો. એમ અરજણનું નુકસાન કેમ થવા દે. એણે તો આખે આખો ખાટલો અરજણ બાજુ ઉલાળ્યો ને, પોતે પેલા બેયને બાજુએ ફેંકી દીધા. અરજણે પણ પલટવાર કર્યો. કટાર ડાકુની છાતીને ચીરતી નીકળી ગઈ. પાંચ ડાકુઓ પર બંને એક સાથે તેજીલા તોખારની જેમ તૂટી પડ્યા. અરજણને બચાવવા મુંજો બને તેટલા વાર પોતાના પર લેતાં લેતાં ખૂબ જ ઘાયલ થઈ ગયો. બધાંને મૃત સમજી લઈ અરજણ મુંજાને સહારો આપી રહ્યો, ત્યાં એકે રહી સહી હિંમત ભેગી કરી બાજુમાં પડેલી કટારનો ઘા કર્યો. બરાબર એ જ સમયે મુંજાએ અરજણને ધક્કો મારી, કટાર સીધી તેની છાતીએ ઝીલી. કટાર હૃદય સોંસરવી ઉતરી ગઈ. અરજણ ડાકુને ઉપરાઉપરી પાંચ-છ ઘા મારી મોતને ઘાટ ઉતારી મુંજા પાસે પહોંચ્યો, પરંતુ મુંજાનો જીવ નીકળી ગયો હતો. વિસ્ફારીત થયેલી આંખો જાણે કહી રહી કે, તેણે અરજણને બચાવી જીવનભરના ઉપકારનો બદલો વાળ્યો. 

ભળું ભાંખળુ થતાં ગામલોકો દોડી આવ્યા. લોહીથી લથબથ મુંજાના મૃત શરીર સાથે બાથ ભરીને બેઠેલો અરજણ સરપંચ સામે બડબડયો.

"મુંજો, મને દગો દઈ છોડી ગ્યો."


Rate this content
Log in

Similar gujarati story from Crime