દેશના ઝંડાનું અભિમાન
દેશના ઝંડાનું અભિમાન
ઉતરાયણની સવાર અને અગાસી પર બરાબરનો મેળો જામ્યો હતો. બાળકો અને જવાનીઆઓ પોતપોતના રંગમાં હતા. ક્યાંક આકાશમાં પતંગના પેચ લડાતા હતા તો ક્યાંક અગાસીમાં નજરોના પેચ લડાતા હતા. અગાસીમાં મોજૂદ હતો મારો દોસ્ત આકાશ અને એ જેને ચાહતો હતો એવી સ્નેહા. બનેં પતંગની સાથે શેરો શાયરીઓના પણ ખુબ શોખીન હતા.
મેં આકાશ અને સ્નેહાને કહ્યું કે યાર, આ મોજની અંદર થોડીક શાયરીઓની મઝા પણ ઉમેરી દો તો આકાશની સાથે અગાસી પણ રંગીન થઇ જશે. આકાશે મારું માન રાખીને લલકાર્યુઃ
એકાંત એનું પણ હવે થોડું મિટાવીએ,
આકાશને ભાતભાતના રંગે સજાવીએ.
તરત જ સ્નેહાએ પણ પોતાની ભાવના વ્યકત કરી.
સહેજ ભીની, સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચલ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ, બહુ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
જવાબમાં, આકાશે સ્નેહાની સામે જોઇને પાછું લલકાર્યુઃ
તમે ક્યારેય કોઇની નજરની દોરીથી ઉડ્યા છો?
ધારદાર દોરાથી ક્યારેય કપાયા છો?
કોઇના સપનાના લંગરથી ક્યારેય લૂંટાયા છો?
કે પછી હજી ચગ્યા જ નથી?
હવે સ્નેહાને વધુ ચાનક ચડી અને બોલી કે,
આ તો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરીથી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એને કપાવવાનું,
એટલે જ ઘણા હાથોમાં એ ચગે છે,
હવે આકાશનો વારો હતોઃ
વાદળ ઘણા સમયથી ભલે બોલતા નથી,
વાતો પતંગમાં ભરી બે ચાર મોક્લાવીએ.
સ્નેહાનો સસ્નેહ જવાબ આવ્યોઃ
પંખી બની ભલે ને ઉડી ના શકાયું પણ,
ઇચ્છાઓ ને પતંગ બનાવી ઉડાવીએ.
શાયરીઓની રમઝટ વચ્ચે, એ કાપ્યો છે – એ લપેટ – એ ઘસીટ ઘસીટની કિકિયારીઓ વચ્ચે ચિક્કી, બોરા, શેરડી અને ઉંધિયા-જલેબીની મિજબાની પણ ચાલુ હતી અને સ્પીકર્સમાં જોરદાર સાઉંડની સાથે ગીતો વાગવાનું શરુ થયું.. ચલી ચલી રે પતંગ મેરી ચલી રે, યે દેશ હૈ વીર જવાનોકા, અલબેલોકા, મસ્તાનો કા, અપની આઝાદી કો હમ હરગીઝ મિટા સકતે નહીં ના ગીતો સાથે પુરી અગાશી ઝુમી રહી હતી, ઘણા પતંગ ચગાવવામાં મસ્ત હતા.
આટલી ધાંધલ-ધમાલમાં, મારો પતંગનો સ્ટોક ક્યારે ખાલી થઇ ગયો તેનો મને ખ્યાલ ના રહ્યો. મેં આજબાજુ નજરો દોડાવી પતંગોનો મેળ કરવા. અગાસીમાંથી નીચે નજર કરતા મને હાશકારો થયો. નીચે કાસમ ઉભો હતો પતંગો લઇને. તે લૂંટાયેલી પતંગો વેંચતો હતો.
મને ધરપત થઇ ગઇ ચાલો હવે તો પતંગો પણ મળી જશે અને તે પણ કાના બાંધેલા. કાસમ મારી ઘરના ઝૂંપડાની સામે જ રહેતો હતો અને ૭માં મા ભણતો હોઇ, ઘણીવાર મારી પાસે નિબંધ ચેક કરાવવા અને લખાવવા આવતો. મેં એને ઇશારાથી ઉપર બોલાવ્યો.
ઉપર આવ્યો ત્યારે એના હાથમાં લૂંટેલા પાંચ પતંગો હતા. મેં ભાવ તાલ કર્યા તો એણે કહ્યુંકે એક પતંગના વીશ રુપિયા. સારૂં આ લે ૧૦૦ રુપિયા અને મને આ તારા પાંચ પતંગ આપી દે.
તેણે કહ્યું સાહેબ આ પાંચમો પતંગ તો હું નહી વેચુ જેના પર આપણા દેશના ધ્વજ / ઝંડાના રંગ છે. આ પતંગ તો હું પોતે ૨૬મી જાન્યુઆરીના લહેરાવીશ. મેં કહ્યુ કે થોડા વધુ રુપિયા લઇ લે પણ મને એ પતંગ પણ આપી દે. તેણે ઘસીને ના પાડી દીધી અને કહ્યું કે ના સાહેબ, ગમે તેટલા પૈસા આપો, એ પતંગતો નહીં જ આપું. એને તો હું મારા હાથે જ લહેરાવીશ. મને એની આંખોની કીકીમાં એ ધ્વજ / ઝંડા રુપી પતંગ લહેરાતો દેખાણો.
પ્રદેશ, જાતિ, જ્ઞાતિ કે ધર્મનું ક્યાં જ્ઞાન હોય છે,
દેશ માટે હોય છે ગૌરવ, દેશના ધ્વજ માટે અભિમાન હોય છે.

