ડરામણી દુનિયા
ડરામણી દુનિયા
એ ઘટના આજે પણ ભૂલાય તેમ નથી. ડર કોને કહેવાય એ મેં ત્યારે અનુભવ્યું હતું. ધ્રૂજતાં પગ હોટેલ તરફ વળી શકતાં ન હતાં. દોડવાની શરૂઆત કેમ કરું એ ભુલાઈ ગયું હતું. ઠંડા પવનના સૂસવાટામાં પરસેવો બાજેલા કપાળમાં ટીપા સાથે એ અથડાઈને વધુ શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન કરતાં હતાં.
આજે શિવરાત્રિએ એક વર્ષ પૂર્ણ થયું. પરંતુ, જાણે હજુ હમણાં જ જઈને આવ્યાં હોય તેવું લાગે. ગૃપમાં પાંચ મિત્રોએ નક્કી કર્યું કે,આ શિવરાત્રી મહાકાલના દર્શન કરવાં ઉજ્જૈન જવું. તંત્ર મંત્રમાં તો અમે કોઈ નહતા માનતા પણ, હા મહાકાલની અનુભૂતિ ત્યાં મંદિર પરિસરથી એક કિલોમીટર દૂર હોઈએ ત્યાંથી લાગવા લાગે. હું પ્રથમ વખત જતો હતો એટલે સ્વાભાવિક છે કે મારો ઉત્સાહ વધુ હતો. અમદાવાદથી ટ્રેનમાં બેસી અમે ઉજ્જૈન જવા નીકળ્યાં. શિવરાત્રીની મહાઆરતીમાં અમે સમયસર પહોંચી ગયાં તેનો ખૂબ આનંદ હતો. આરતી બાદ જમીને હોટેલમાં થોડો આરામ કરવા ગયાં.
શિવરાત્રી એટલે તેરસની રાત અને ખૂબ ભયાનક રાત કહેવાતી. ગૃપના સભ્યોની આગ્રહવશ થઈ હું પણ સ્મશાન ઘાટ જવા નીકળ્યો. ત્યાનું દ્ર્શ્ય કલ્પના બહારનું હતું. ખૂબ ભયાનક દ્ર્શ્યો હતાં. તંત્ર મંત્રની પણ એક દુનિયા છે એ સાંભળ્યું હતું પરંતુ, આજે પ્રત્યક્ષ નિહાળ્યું. કોઈ અલગ-અલગ કુંડ બનાવી તો, કોઈ અલગ અલગ પોતાની સાધન સામગ્રી લઈને બેઠા હતાં તો કોઈ ઊભા ઊભા પોતાની તાંત્રિક વિધિ કરતું હતું. અચાનક એક વ્યકિત ઉપર મારી નજર સ્થિર થઈ અને હું ડઘાઈ જ ગયો.
એ વ્યકિતએ વિચિત્ર કપડાં પહેર્યા હતાં. ડરામણો ચેહરો અને ડરામણો પહેરવેશ અને તેની ગતિ વિધિ પણ ડરામણી હતી.ઊભા ઊભા કોઈ વસ્તુઓને હવામાં ફેંકતો હતો પણ એ વસ્તુ પાછી આવતી નહતી.પણ પછી કોઈ ચીસ સંભળાતી. મેં ધ્યાનથી જોયું તો નાની લાકડી ,ચશ્માં ,બંગડી,રમકડાં અને ચંપલ હવામાં નાની નાની ખીલી ભરાવી હવામાં ફેંકે અને એ ગાયબ સાથે ચીસો સંભળાય..!હજુ હું કોઈ વાત સમજુ એ પહેલાં જ હું ધ્રૂજતાં શરીરે દોડીને હોટેલ સુધી આવી ગયો.મારા સાથીઓ પણ આવ્યાં.
સારું હતું કે ખરાબ, સાચું હતું કે જુઠ પણ, જે દુનિયા એ હતી એ હું નથી સમજી શક્યો કે ના આગળ સમજવા માંગુ છું.

