ડર
ડર
ગાઢ અંધકાર, તમરાંના અવાજ, મૂશળધાર વરસાદ, પવન પણ જાણે વરસાદ સાથે બાથ ભીડવાનું નક્કી કરી ચુક્યો હતો. કંઈ જ દેખાતું ન હતું. અમારી ગાડી હાઈવે પર આગળ વધી રહી હતી. અમારો સાથ હેડલાઈટનો પ્રકાશ માર્ગદર્શક બનીને આપી રહ્યો હતો. અમે હાઈવે પર હતા, ને ડર લાગતો હતો. જો સડક કે કાચો રસ્તો હોય તો શું થાય.?
અચાનક વિજળી ચમકી અને પલવારમાં અજવાળું અંધારામાં ગરકાવ થઈ ગયું. કંઈ જ ન સમજાયું. મારા પતિ સમજી ચુક્યા હતા કે હું ડરી રહી છું. જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમ મારા ધબકારાની ઝડપ પણ બમણી થતી જતી હતી. મેં પુછ્યું કે "ક્યારે હવાઈમથક પહોંચશું ?" આદત મુજબ જવાબ આપી દીધો કે "બસ, હવે હાઈવે પર ગાડી લઈ લઉ પછી વાર નહી લાગે." મારાથી બોલાઈ ગયું ... "હેં...." અને એ ચમક્યા. વાતને વાળતા હોય એવું મને લાગ્યું. મને કહેતા રહ્યા, સમજાવતા રહ્યા, પણ મારા કાને એટલું જ પડ્યુ કે પાંચ કિલોમીટર હાઈવેથી દૂર હતા. મારો જીવ ચપટીમાં આવી ગયો. મે પુછયુ કે "આટલી વાર થોડી લાગે ? હાઈવે તો નજીક જ છે." મારા પતિ હસવા લાગ્યા, "આવા મૂશળધાર વરસાદમાં ગાડીની ઝડપ ક્યાં છે ? કાચબા ગતિએ તો જઈએ છીએ. ત્યાં તો પત્થર આવતા ગાડી ત્રાંસી થતા રહી ગઈ. કંઈ દેખાતું ન હતું.
મારા પતિએ હેડલાઈટનાં પ્રકાશમાં ગાડી હાઈવે પર લઈ લીધી. મને કહે બસ હવે હાઈવે પર આવી ગયા. સુસવાટા સાથે પવન ગાડીની બારીમાં પછડાતો હતો અને વરસાદ પણ ભટકાઈ ને પાછો કાચ પર જ, ત્યાં તો વિજળી પાછી થઈ અને આ વખતે ઉપરાઉપર બે વાર થઈ. વીજળીના ચમકારામાં હળવેથી આંખ ખોલીને જોયુ તો રાડ ફાટી ગઈ. એક લાંબા વાળવાળી, લાંબા નખવાળી અટ્ટહાસ્ય કરતી સ્ત્રી દેખાઈ. મારા પતિએ ગાડીમાં જોરદાર બ્રેક મારી. મને ખુબ જ ડર લાગતો હતો.
ચામાચીડિયાં, કાગડાં અને કુતરાનો અવાજ વાતાવરણને બિહામણું બનાવતું હતું. મને ઊંચું મોં રાખીને ભસતો કુતરો જોઈને વધારે ડર લાગતો હતો. પેલી સ્ત્રી મારી તરફ આગળ વધી, મારી બાજુના કાચ પર ખખડાવવા લાગી. મેં દરવાજો ન ખોલ્યો. એ સ્ત્રીએ કંઈક બતાવતાં આગળની તરફ ઈશારો કર્યો.
અમે આગળ વધ્યા. થોડે દૂર એક સ્ત્રી પડી હતી. હું અને મારા પતિ ડરતાં-ડરતાં એ સ્ત્રી પાસે ગયા. એ લોહીલુહાણ હાલતમાં પડી હતી. મારા પતિએ એક્સો આઠ અને પોલીસને બોલાવી લીધી. મેં જોયું કે એ સ્ત્રીની મુઠ્ઠીમાં કંઈક હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એ સ્ત્રીને પહેલાં કોઈએ ઝેર આપીને મારી નાખી હતી, પછી આ સ્ત્રીની હત્યાને અકસ્માતમાં બતાવવા અહીં હાઈવે પર ફેંકીને ભાગી ગયાનું જાણવા મળે છે.
હું અચાનક પાછળ ફરીને જોવા લાગી. પેલી સ્ત્રીનો પડછાયો જાણે અમારો આભાર માનીને માથું ન નમાવતો હોય !

