ડિવોર્સ
ડિવોર્સ
પાત્ર: 3 સુહાની, સુહાસ એડ્વોકેટ સુનિતા મેડમ
(પોતાનાં સફળ લગ્નજીવનને આજે પચીસ વર્ષ થયાં હતાં અને સુહાનીને એના પતિએ પુષ્પગુચ્છ આપીને સુખી લગ્નજીવન માટે ધન્યવાદ કહ્યા હતાં. એ સાથે જ ચોવીસ વર્ષ પહેલાંની એક વાત યાદ કરાવી હતી, એ સાથે જ બંને હસી પડ્યાં હતાં. સુહાસ એને પૂછે છે, "બોલ આપવા છે હવે ડિવોર્સ તારે ?"
"ના હોં, હવે નહીં" કહીને સુહાની શરમાઈ ગઈ અને સુહાનીનાં સ્મરણપટ પર ચોવીસ વર્ષ પહેલાંની વાત તાજી થઈ ગઈ.)
ફલેશબેક....
દૃશ્ય: ૧
સ્થળ: એડ્વોકેટ મેડમની ઓફીસ. એડ્વોકેટ સુનિતા મેડમનાં ઓફીસનાં બહાર એમનાં નામનું સુંદર પાટિયું વાંચી અચાનક પૂરપાટ વેગે પોતાની ઓડી ગાડી દોડાવતી સુહાનીએ ગાડી થોભાવી. ગાડીને પાર્ક કરી એક મિનિટ ઓફિસના બહાર જ બોર્ડ વાંચતી ઉભી રહી, પછી અંદર પ્રવેશી, મેડમના સામેની ખુરશીમાં ગોઠવાઈ ગઈ. પોતાના લેપટોપમાં કંઈક અભ્યાસ કરતાં મેડમે એને જોઈને પોતાની ડોક ઉંચી કરીને એને પૂછ્યું, "યસ.....પ્લીઝ....!"
મોડર્ન સુહાનીએ તો બેધક કહી દીધું, "મેડમ હું મારા પતિ સુહાસને ડિવોર્સ આપવા માંગુ છું. શું તમે મને અપાવશો ?"
મેડમે કહ્યું, " હા હા જરૂર! એ તો અમારું કામ જ છે. તમે તમારું નામ અને પૂર્ણ માહિતી આપો. જેમ ડૉક્ટર પાસે જતાં કોઈ બીમારી ના છુપાવવી જોઈએ તેમ વકીલ પાસે જતાં પણ કોઈ ખાનગી વાત ના છુપાવવી જોઈએ. તમે સુશિક્ષિત અને સંપન્ન પરિવારનાં લાગો છો.
સુહાની: મેડમ મારુ નામ સુહાની છું. હું સુખી સંપન્ન પરિવારની વહુ છું. મેં એમ.બી.એ. કર્યું છે અને મારા પતિના જ ઓફિસનું મેનેજરનું કામ જોવું છું.
મેડમ: "અરે વાહ! ખૂબ સરસ, આગળ બોલો."
સુહાની: "મેડમ, મારા લગ્નને એક વર્ષ થયું છે. મારા સુહાસ મારા બહુજ લાડ કરે છે. મારો ખૂબ ખ્યાલ રાખે છે, હદથી વધુ પ્રેમ કરે છે. ક્યારેજ ઉદાસ થવા નથી દેતાં. અનેક ભેટસોગાદોનો ઢગલો કરી દે છે.
મેડમ: આ તો બહુ સારી વાત કહેવાય, તમે તો બહુ નસીબદાર છો પરંતુ તમને ડિવોર્સ કેમ જોઈએ છે એનું યોગ્ય કારણ તો કહો.
સુહાની: "મેડમ ,મારા લગ્નને એક વર્ષ થઈ ગયું છે. આ એક વર્ષમાં મારા પતિ મારા પર કોઈ દિવસ ગુસ્સે નથી થયાં.મારા સાથે કોઈ દિવસ ઝગડો નથી કર્યો. એમને ઉશ્કેરવાં મેં અનેક ઉટપટાંગ હરકતો કરી છે પરંતુ તેવો એ કોઈ દિવસ મીઠો ઠપકો પણ નથી આપ્યો. મેડમ, એમના આ અતિ પ્રેમ, અતિ કાળજીનાં લીધે હું કંટાળી ગઈ છું. મેડમ હું એક ઝગડા માટે તડપી રહી છું અને એટલે જ મને મારા પતિથી ડિવોર્સ જોઈએ છે.
મેડમ: તમારો કેસ અલગ છે,આવો કેસ મેં મારી જિંદગીમાં પહેલીવાર સાંભળ્યોછે. આવતીકાલે તમારા પતિને લઈને આવજો. એમના સાથે વાત કર્યા પછી હું આગળ વધીશ.
સુહાની: હા મેડમ, આવતીકાલે આજ સમયે હું આવીશ.પરંતુ મારા કેસની સ્ટડી કરી રાખજો હોં.
સુહાની તો જતી રહી અને મેડમ વિચારતાં રહ્યા, શું અતિ પ્રેમનો પણ કોઈને કંટાળો આવી શકે ? લોકો ઝગડાથી દુઃખી થાય છે, જ્યારે આ ઝગડો કરવા માટે તડપી રહી છે, વાહ આજની યુવાપીઢી !
દૃશ્ય:૨
સ્થળ: એડ્વોકેટ મેડમની ઓફીસ: બીજે દિવસે એજ સમયે, સુહાની તો એક સુંદર યુવાન સાથે મેડમના ઓફિસમાં દાખલ થાય છે. મેડમ હસીને એમનું સ્વાગત કરે છે અને ખુરશી પર બેસવા કહે છે.
મેડમ: મિ.સુહાસ! કેમ છો તમે ? શું તમે જાણો છો, હું કોણ છું ? તમે અહીંઆ કેમ આવ્યા છો ?
સુહાસ: મેડમ, મેં તમારું બોર્ડ વાંચ્યું એટલે તમે કોણ છો એ મને સમજાયું. મારી વ્હાલી અહીંઆ મને લાવી છે, બસ એટલું જ હું જાણું છું.
મેડમ: શું તમે તમારી સુહાનીને ખૂબ પ્રેમ કરો છો ?શું તમે એના સાથે ક્યારેય ઝગડો કર્યો છે ?
સુહાસ: હા મેડમ ! હું ખૂબ જ પ્રેમ કરું છું સુહાનીને. એની ખુશી માટે હું બધું જ કરું છું. મેં કોઈ દિવસ એના સાથે ઝગડો નથી કર્યો, ના કરીશ.હું એક આદર્શ, પ્રેમાળ પતિ છું અને રહીશ.
મેડમ : સુહાસ તમારા અતિ પ્રેમથી સુહાની કંટાળી ગઈ છે, એ તમારા સાથે ઝગડો કરવા તડપી રહી છે. તમે રોજ મીઠાસજ પીરસો છો. એથી જ સુહાનીને તમારા પ્રેમનો મધુમેહ થઈ ગયો છે. દાંપત્યજીવનમાં બધાજ રસ જળવાવા જોઈએ. ક્યારેક પ્રેમની ખાટીમીઠી તકરાર, ક્યારેક ક્રોધની તિખાશ, ક્યારેક નાનકડાં ગુસ્સાની તુરાશ, ક્યારેક અબોલાની કડવાશ.યાદ કરો, નાનપણમાં દોસ્તો સાથે કટ્ટી કર્યા પછી બટ્ટી કરવાથી કેટલો આનંદ મળતો. એવું જ રુઠેલી પત્નીને મનાવવાની મજા જ અલગ હોય છે. વિયોગ પછી મિલનની મજા ડબલ હોય છે. તમારા અતિ પ્રેમથી તમારી સુહાનીનો જીવ અકળાઈ ગયો છે અને એ તમારાથી ડિવોર્સ ઈચ્છે છે ? શું તમે આપશો ?
સુહાસ એકદમ ક્રોધથી લાલપીળો થઈ ઉભો થાય છે અને સુહાનીનાં નાજુક ગાલ પર એક લપડાક લગાવતાં ગુસ્સામાં બોલ્યો, "તારી હિંમત કંઈ રીતે થઈ ? મારા પ્રેમનો ડિવોર્સ આપીને તું બદલો આપીશ?"
સુહાનીને ત્યાંજ મૂકી એકલો જવા માંડે છે, અને સુહાની ડરી ગઈ, ભાગતી ભાગતી જઈ એનો હાથ પકડે છે અને બોલે છે, "મને સાથે નહીં લઈ જશે ? સૉરી સુહુસ !મને તારો ગુસ્સો સમજાઈ ગયો."
સુહાનીનો હાથ પકડી સુહાસ પાછો મેડમ પાસે આવે છે અને બોલે છે, "ખૂબ ખૂબ આભાર મેડમ, આપે મારી આંખ ખોલી. આપે યોગ્ય અને સાચી સલાહ આપી અને વગર માંગે દશહજારની ગડ્ડી એમનાં ટેબલ પર મૂકે છે. હસતાં હસતાં સુહાનીને આંખ મારતાં બોલ્યો, મારી એક્ટિંગ કેવી રહી ? અને સુહાની એને પ્રેમથી વળગી પડી.
