ઢીંગલી બા
ઢીંગલી બા
એકવાર એક હોટલમાં એક યુગલની હત્યા થઈ જાય છે. કંઈક તો કારણ હશે જ. તપાસ કરવા માટે પોલિસ પહેલાં હોટલ અને પછી આ યુગલનાં ઘરે પહોંચી જાય છે. ઘર નહીં બંગલો હતો. બેઠા ઘાટનો ગોળ લાડવા જેવો, સપાટ થાળી જેવી લીલીછમ લોનની વચોવચ. પોલીસને બંગલો ગમી જાય છે. કદાચ હરાજી થાય તો પણ હું લઈ શકવાનો નથી. એમ મનોમન બોલી હસતાં -હસતાં ઈન્સ્પેક્ટર રોહન બંગલાની અંદર જાય છે. ઘણીબધી તપાસ અને નોકરોની પૂછપરછ કર્યા બાદ પણ કોઈ જ કારણ હાથ આવતું નથી.
થોડા દિવસ પછી જે હોટલમાં હત્યા થઈ હતી, ત્યાં ઈન્સ્પેક્ટર રોહન ફરીથી જાય છે. આ વખતે કબાટ ખોલે છે, ટેબલનાં ખાના જુએ છે. ઝીણવટભરી નજરને એક ફોટો દેખાય છે. લઈ લે છે. બાથરૂમ વગેરે જોઈ તપાસીને બહાર નીકળે છે. દરવાજો બંધ કરવા જાય છે, ત્યાં જ સામે અરીસામાં......એક ઢીંગલી દેખાય છે. ઢીંગલી કબાટ ઉપર ચડાવેલી હોય છે. હોટલનાં મેનેજરને પુછતાં ખબર પડે છે કે ઘણાં સમય પહેલાં કોઈ ભૂલી ગયું હતું. ઈન્સ્પેક્ટર રોહનને લાગ્યુ કે ઢીંગલીને આમ અભરાઈએ રાખી છે, એના કરતા તો સાથે લઈ જાવ. ઈન્સ્પેક્ટર રોહન ઢીંગલીને ફોરેન્સિક લેબમાં મોકલે છે. હું અહી સારી રીતે( પોલિસ સ્ટેશનમાં) આરામથી વિચારી શકીશ, એવું વિચારી ચા નાસ્તાનો ઓર્ડર આપે છે.
થોડીવાર પછી બંગલાની દેખરેખ રાખનાર રામુકાકા પોલીસ સ્ટેશન આવે છે. ઈન્સ્પેક્ટર રોહન રામુકાકાને આવેલા જોઈ ખુશ થાય છે કે બધાં પોતાની ફરજ આવી રીતે નિભાવે તો દેશમાં કેસ ફટાફટ ઉકેલી શકાય. બંગલાના માલિક જીવતા ન હોય ત્યારે આવો સહકાર આપવો ખરેખર સરાહનીય છે.
રામુકાકા: સાહેબ, આપે મને બોલાવ્યો.
ઈન્સ્પેક્ટર રોહન: હા, કાકા તમે ફોટાનું આલ્બમ લાવ્યા છો ને ?
રામુકાકા: હા, હા.
રામૂકાકા આલ્બમ ઈન્સ્પેક્ટર રોહનને આપે છે. ઈન્સ્પેક્ટર રોહન જોવાનું શરુ કરે છે. મૃતક યુગલનાં ફોટા જોઈ વિચારે છે કે યુગલ એકબીજા સાથે ખુશ હશે. અચાનક એક ફોટો જોઈને વિચલિત થઈ જાય છે.
તરત રામુકાકાને પૂછે છે કે આ કોનો ફોટો છે ?
રામુકાકા: આ તો શેઠના દીકરી છે. આઠ વરસના ઢીંગલી બા સ્વર્ગ સિધાવી ગયા.
ત્યાં તો બીજા આલ્બમમાં એ જ ઢીંગલીના ફોટા શેઠ-શેઠાણી જોડે જુએ છે. ધારીને જોતા ખબર પડી કે......શેઠાણી બીજા છે.
રામુકાકા : આ અમારા દયાળું પ્રેમાળ સારા શેઠાણી અને ઢીંગલી બા ના મમ્મી છે. તેમના અવસાન પછી શેઠે બીજા લગ્ન કર્યા. બીજા શેઠાણી બહું માથાભારે અને ઢીંગલી બા ને તો સાચવે જ નહીં. શેઠને ગુસ્સો પણ આવે કે ઢીંગલી બા ની સાચવણ માટે જ તો બીજા લગ્ન કર્યા હતા.
એકવાર ત્રણેય ફરવા ગયા ને ઢીંગલી બા અને શેઠનું રહસ્યમય મૃત્યુ થયું. પણ બીજા કોઈ ઠગ શેઠ બનીને, પ્લાસ્ટિક સર્જરીની કમાલથી શેઠાણી જોડે બંગલામાં પાછા આવી ગયા, એટલે કોઈને શંકા ન ગઈ. ઢીંગલી બા મામાની ઘરે છે એવી જાણ અમને બધા નોકરોને કરી.
આટલું સાંભળ્યા પછી ઈન્સ્પેક્ટર રોહન ઊભા થઈ એક આંટો મારે છે.
ત્યાં તો ઢીંગલીને લઈને હવાલદાર અંદર આવે છે. તેનાં હાથમાં રિપોર્ટ હોય છે. ઢીંગલીને જોતા જ રામુકાકા રડી પડે છે. રડતાં રડતાં ઢીંગલી બા ની ઢીંગલી .......બોલીને નિસાસો નાખે છે. ઈન્સ્પેક્ટર તરત જ રિપોર્ટ ખોલે છે. કારણકે ફોટો એમાં જ હતો. ફોટો રામુકાકાને બતાવે છે. રામુકાકા ખુરશીમાંથી ઊભા થઈ જાય છે. આ અમારા શેઠ નથી.
ઈન્સ્પેક્ટર બધું સમજી જાય છે. અસલી શેઠ-શેઠાણી તો સ્વર્ગે સિધાવી ચૂક્યા છે. અને આ ઢીંગલીના નવા મમ્મી પપ્પાનો ફોટો છે. પ્લાસ્ટિક સર્જરી પહેલાનો.
ઘણાં વરસે પાછા એ જ હોટલ, એ જ રુમ, ને ત્યાં ઢીંગલી બા ની ભૂલાઈ ગયેલી ઢીંગલી...
ઢીંગલી ઓળખી ગઈ. બાપ-દીકરીના મારનારને....ત્યાં ઢીંગલી બા નો આત્મા પણ ઢીંગલી ને કારણે આસપાસ જ હતો.
આટલાં વરસોમાં કોઈને નુકશાન ન પહોંચાડનાર ઢીંગલી બા બદલો લઈ લે છે. પોતાના દુશ્મનોને નજર સામે જોઈ એક ઢીંગલી બની જાય છે ભયાનક ઢીંગલી.
ઢીંગલીના ફ્રોકમાં ચિઠ્ઠી હતી કે મારા પપ્પા અને મને મારનાર નવા શેઠ -શેઠાણીનો અંત કરી દઉં પછી મારી ઢીંગલીની દફન વિધિ જરુર કરજો.
મારી ઢીંગલી કોઈને હેરાન નહીં કરે. ----ઢીંગલી બા.

