ઢાંકણું
ઢાંકણું


મમ્મી નાનીને ત્યાંથી ગઈકાલે રાત્રેજ પરત થઈ હતી. નાનીની તબિયત સારી ન હોવાથી એક અઠવાડિયું એ નાનીને ત્યાં જ રોકાઈ ગઈ હતી. પણ હવે તબિયતમાં સુધારો થયો હતો. એક અઠવાડિયા સુધી ઘરનો સમગ્ર કારોભાર મારા અને પપ્પનાં જ ખભે હતો. જમવાનું મમ્મી મોકલાવી દેતી હતી. એટલે કામને નામે ફક્ત ઘરની સાફસફાઈ અને સગવડ જ બાકી રહેતી. પપ્પા અને મારા તરફથી એ ફરજ પ્રત્યે મહત્તમ પ્રમાણિક પ્રયાસો થયા હતા. આમ છતાં પોતાના કામોમાં સંપૂર્ણતાની આગ્રહી મારી મમ્મી સવારથી આખા ઘરની પરિક્રમા કરી રહી હતી. એક પછી એક, દરેક સ્વચ્છતા અને વ્યવસ્થાનું ઊંડું નિરીક્ષણ થઈ રહ્યું હતું. પોતાની ગેરહાજરીમાં મારા અને પપ્પાના હાથે કોઈ બેદરકારી તો નથી થઈ, એની ચોક્કસ ખાતરી કરવાનો સ્પષ્ટ ધ્યેય હતો. કોઈને કોઈ મુદ્દો એના હાથે લાગશે જ એની મારા યુવાન મનને ખાતરી હતી. દીદી લગ્ન કરીને જતી રહી ન હોત તો કદાચ આ તપાસ અને નિરીક્ષણ હાથ જ ન ધરાયા હોત. પણ પપ્પા અને મારી ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ પણ ખરો. ઘરના કાર્યોમાં ખપ પુરતાજ સમયનું રોકાણ અમારા વતી શક્ય હતું. એ અમે પણ જાણતા હતા ને મમ્મી પણ. એક પછી એક ઉલટ તપાસ મારી આસપાસ થઈ રહી હતી. એ સમયે હું મારા મોબાઈલના જગતમાં ઊંડો ઉતરી ચુક્યો હતો. સ્ક્રોલ, સ્ક્રોલ, સ્ક્રોલ. બધાજ ફેસબુક પેજ ઉપર એકજ સમાચાર વાયરલ હતા. નવયુવાન અભિનેતાની આત્મહત્યા. મારુ મન ચકરાવે ચઢ્યું હતું. ભાવનાઓ જાણે સ્તબ્ધ થઈ ગઈ હતી. એક પછી એક વીડિયો ક્લિપ્સની અંદર ડોકિયાં દેતું એ સુંદર, મોહક, નિર્દોષ વ્યક્તિત્વ જાણે મનને હલબલાવી રહ્યું હતું. આમ કઈ રીતે થઈ શકે ? નિષ્ફ્ળતાથી સફળતા સુધીની કપરી કસોટી પાર પાડ્યા પછી પણ ? પોતાના સ્વપ્નોને મક્કમતા જોડે વાસ્તવિકતામાં પરિવર્તિત કર્યા પછી પણ ? મનના માર્ગે આગળ વધી અશક્યને શક્યમાં ઢાળવા પછી પણ ? શું કમી રહી ગઈ હતી ? શેનો ડર હતો ? સફળતાનાં શિખરો સર કર્યા પછી પણ આર્થિક પડતીને કારણે રસ્તા ઉપર આવી જનાર અભિનેતાઓની વાતો સાંભળી હતી. એમના સંઘર્ષનો ઈતિહાસ વાંચ્યો હતો. ને જો બાહ્ય દબાણની વાત હોય તો એવા કેટલાય વ્યક્તિત્વો હતા અને હજી આજે પણ છે, જેઓ આવી દાદાગીરીઓ અને અન્યાય સામે બળવો પોકારતા પોકારતા નીડર આગળ વધી રહ્યા છે. મારી આંખો આગળ પ્લે થઈ રહેલ દરેક વીડિયોમાં, અભિનેતાના જૂનાં ઈન્ટરવ્યૂઝ માં મને તો કોઈ મેન્ટલ ડિપ્રેશન દેખાઈ રહ્યું ન હતું. હું તો જોઈ રહ્યો હતો આત્મવિશ્વાસથી છલકાતા હાસ્ય, વિજ્ઞાનનું ઊંડું જ્ઞાન, મન અને બુદ્ધિને સ્પર્શનારી તર્કસભર ફિલોસોફી. તો પછી 'મેન્ટલ' શબ્દનું બળજબરીપૂર્વક પ્રયોજન શા માટે ? શા માટે આવા પ્રેરણાસભર વ્યક્તિત્વને આવું એક્સ્ટ્રીમ પગલું ભરવું પડ્યું ? શા માટે એણે પોતાના મિત્રો જોડે મનનો ભાર ન વહેંચ્યો ? શું એને સમજી શકે, સાંભળી શકે, એની ચિંતા, તાણ વહેંચી શકે એવી એક વ્યક્તિ પણ આખી સૃષ્ટિ ઉપર ઉપલબ્ધ ન હતી ? આજે એ યુવાનના ગયા પછી હજારો લાખો લોકો એજ વિચારી રહ્યા છે. શા માટે ? અમને કહ્યું હોત. અમારી જોડે વાત કરી હોત. એક વીડિયોમાં અભિનેતાએ જાતે કબુલ્યું હતું. એનાં બહુ મિત્રો નથી. નામના જ મિત્રો છે. હું જાતે બહિર્મુખ વ્યક્તિત્વ છું. બોલું છું. શું ગમે, શું ન ગમે, શું યોગ્ય લાગે, શું અયોગ્ય, કઈ વાત પજવે છે, કઈ વાત નડે છે. મિત્રો બનાવવું પણ સહેલું બની જાય છે. પરંતુ અંતર્મુખી જગત માટે કેટલું કઠિન હશે ને આ બધું ? અંતર્મુખી સ્વભાવ વ્યક્તિની પ્રકૃતિ છે. એ જન્મજાત મળતી હોય છે. જેમ મારા માટે અભિવ્યક્તિ સહજ છે કારણકે પ્રાકૃતિક છે. એજ રીતે અંતર્મુખી, ઈન્ટ્રોવર્ટસ માટે કદાચ અભિવ્યક્ત ન કરવું, મનની અંદર સંગ્રહી રાખવું એ સહજ છે. અને જે પ્રાકૃતિક હોય એ ભૂલ ન કહેવાય. પરંતુ કદાચ દુનિયાદારીની દુકાન ચલાવનારા સ્વાર્થી, રાક્ષસી માનવીઓ આ પરિસ્થિતિનો ચોક્કસ ગેરલાભ ઉઠાવી શકે. મારા યુવાન મનના વિચારો મને ગૂંગળાવી રહ્યા હતા. એક માનવી તરીકે હું શું કરી શકું ? મને શી ખબર એક હસતો, આત્મવિશ્વાસથી છલોછલ માનવી એની અંદર શું દબાવી બેઠો હોય ? કદાચ એને મારી જરૂર હોય. પણ મને એની જાણ કઈ રીતે થાય ? હું અંતર્યામી તો નથી જ ને ? મારા મનના વિચારો અતિવેગે દોડી રહ્યા હતા. હૃદય એટલુંજ ભારે થઈ રહ્યું હતું. " વિનોદ, આ શું છે ? " મમ્મીના પ્રશ્નએ મને ઢંઢોળ્યો. હું અચાનકથી જાણે અન્ય કોઈ ગ્રહ ઉપરથી સૃષ્ટિમાં આવી પછડાયો. " શું થયું મમ્મી ? " જરૂર એના હાથમાં કોઈ મુદ્દો ઝડપાયો હતો. " અહીં આવ. " એના અવાજ ઉપરથીજ હું સમજી ગયો કે પુલિસને હાથે ચોક્કસ કોઈ સુરાગ જડ્યો છે. ફોન નીચે મૂકી હું ઊભો થયો. બીજીજ ક્ષણે મારુ મોઢું મમ્મીના હાથમાં થમાયેલા ડબ્બાની અંદર ડોકાવા વિવશ થયું. વિચિત્ર દુર્ગન્ધથી મારુ માથું ભમી ઉઠ્યું. " આ શું છે ? " મારા ચહેરા ઉપર અણગમાના હાવભાવો ફેલાઈ ગયા. " આ ડબ્બામાં બ્રેડ હતી. ફ્રિજમાં મૂકવી જોઈએ ને. ફૂગ ચઢી ગઈ. " કચરાના ડબ્બામાં બ્રેડ ઠાલવતા મમ્મી પણ અકળાઈ. મારી અને પપ્પાની બેદરકારી દર વખતની જેમ એણે રંગે હાથે પકડી. હું પણ બચાવ પક્ષના વકીલની જેમ મારા અને પપ્પાના બચાવનો પ્રયાસ કરી રહ્યો. " અમને કેમ ખબર પડે કે અંદર ફૂગ ચઢી હશે ? " મારો પ્રશ્ન સાંભળતાજ મમ્મીની અકળામણ વધુ તીવ્ર થઈ ઉઠી. " સરળ છે વિનોદ. બહારથી બધું સારું લાગતું હોય એટલે અંદર પણ સારુંજ હોય એ જરૂરી નથી. થોડા થોડા સમયે ઢાંકણું ખોલી જોતા રહેવું પડે. " મમ્મી કામમાં વ્યસ્ત થયા. પણ હું સ્તબ્ધ થયો. તરતજ મોબાઈલ હાથમાં ઉપાડ્યો. વિધિનો સંકેત કહો કે અર્ધજાગ્રત મનનો ઈશારો. વ્હોટ્સએપ ઉપર અનુજની પ્રોફાઈલ ખોલી. અનુજ,મારો સૌથી અંતર્મુખી મિત્ર. ખુબજ સાંભળતો પણ નહિવત બોલતો. અમે બધા હાકલ પાડી હસતા ત્યારે એ ફક્ત મંદ, મૌન હાસ્ય આપતો. અમે લાંબી લચક ચર્ચાઓ કરીએ અને એ ક્યાંતો ડોકું ધુણાવે ને ક્યાંતો 'હા' કે 'ના ' એકજ શબ્દમાં પોતાના મંતવ્યો દર્શાવે. અત્યંત મહેનતુ અને ખુબજ પ્રતિભાશાળી. પરંતુ એના મનના તાળાની ચાવી ફક્ત એનીજ પાસે રહેતી. વ્હોટ્સએપ અને ફેસબુક ઉપર આશાવાદી અને હકારાત્મકતા ભર્યા કોટ્સ અને વિચારો રેડતા મૂકવું એને અતિપ્રિય હતું. બે વર્ષ કોલેજમાં સાથે પસાર કર્યા અને પછી એણે ભણતર છોડી દીધું. એના અપેક્ષાથી ભરપૂર પિતા એના આ અણધાર્યા નિર્ણયથી અત્યંત નાખુશ હતા. આમ અધવચ્ચે અભ્યાસ પડતો મૂકી ધંધો શરૂ કરવો ? જેને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું એ ફક્ત જીન્સ અને શર્ટની નાની દુકાન ખોલી બેસે એ કેમ સ્વીકારી લેવાય ? આમ છતાં પોતાના મનનું સાંભળી જીવનને નવું સ્વરૂપ આપવાનું સાહસ એણે ખેડ્યું ખરું. પછી એ પોતાના વ્યવસાયમાં અને હું મારા આગળના અભ્યાસમાં વ્યસ્ત થયા. જીવનના રસ્તાઓ અલગ દિશામાં આગળ વધ્યા. સંપર્ક ધીમે ધીમે ઓછો થતા થતા લગભગ નહિવત જેવો થઈ ગયો. વ્હોટ્સએપ અને ફેસબુક સિવાય કશે મળવાનુંજ થતું ન હતું. મારી નજર ફરીથી એના અને મારા વ્હોટ્સએપ સંદેશો પર ફરી વળી. મારા તરફથી અંતિમ પાંચ સંદેશાઓ મોકલ્યા હતા. એકનો પણ ઉત્તર મળ્યો ન હતો. અંતિમ સંદેશને પણ એક મહિનો થવા આવ્યો હતો. વ્હોટ્સએપ માંથી બહાર નીકળી હું ફરી ફેસબુકમાં પ્રવેશ્યો. અનુજની ફેસબુક પ્રોફાઈલમાં અંતિમ પોસ્ટ દોઢ મહિના પહેલા અપલોડ થઈ હતી. તે પછી કાંઈજ નહીં. મારા મનમાં એક વિચિત્ર પ્રકારની બેચેની ફરી વળી. મોબાઈલ ગજવામાં સરકાવી હું ઊભો થઈ ગયો. બાઈકની ચાવી ઝડપથી હાથમાં લીધી. " આ સમયે ક્યાં જાય છે ? " મમ્મીનો પ્રશ્ન વધુ સમયનો વ્યય કરે એ પહેલાજ હું અનુજ સુધી પહોંચવા રીતસર દોટ મૂકી રહ્યો. મમ્મીને ફક્ત બેજ શબ્દો કહ્યા. " ઢાંકણું ખોલવા...."