ડાયરીનું પાનું
ડાયરીનું પાનું
તુષાર અને રાધિકા વચ્ચે વિચારોની અસમાનતાના કારણે થતાં ઝઘડાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. તુષાર ટિફિન લીધા વગર જ ઓફિસે જવા રવાના થયો. તુષાર એને ક્યારેય સમજતો જ નથી એ વાતનું દુઃખ રાધિકા માટે અસહ્ય બનતું હતું. રાધિકાએ પણ પોતાના પીયર જવા કપડાની બેગ તૈયાર કરી !
અચાનક તિજોરીના ખૂણામાં દબાયેલી તેની ડાયરી હાથમાં આવી. પોતે ભણવામાં કેટલી તેજસ્વી હતી અને રોજેરોજ રાત્રે ડાયરી પણ લખતી હતી. આ ડાયરી સાથે એના બાળપણને યુવાનીના ઘણા સંસ્મરણો જોડાયેલા હતા. ડાયરી પણ તેને કેટલી વહાલી હતી ! એ ડાયરીમાં જ રાધિકાએ પ્રથમ પ્રેમને વાચા આપી હતી. તે ડાયરીના પાના ઉથલાવવા લાગી. અચાનક કોઈ ચુંબકીય શક્તિએ એેજ પાનું ખોલી આપ્યું જે તેના જીવનનું યાદગાર પાનું હતું.
એ દિવસે જિલ્લાકક્ષાના યુવા મહોત્સવની ઉજવણી હતી. લગભગ ૩૦ જેટલા કોલેજના વિદ્યાર્થીઓએ યુવા મહોત્સવના દિવસે પોતાનું વક્તવ્ય અલગ અલગ વિષય ઉપર આપ્યું. મારી કોલેજની શ્રેષ્ઠ વક્તા તરીકે મારી પસંદગી થઈ હતી. મેં મારું વક્તવ્ય પૂર્ણ કર્યું અને સહુએ મને તાળીઓના ગળગળાટથી વધાવી લીધી. મને થોડી ખુશી થઈ પરંતુ મારી આ ખુશીનું આયુષ્ય ઘણું ઓછું હતું. મારા વક્તવ્ય બાદ સુરતની એક કોલેજના વિદ્યાર્થીનું નામ બોલાયુ અને ત્યાં તો એના આવતા પહેલાં જ એના સ્વાગત માટે તાળીઓની વર્ષા થઈ. સૌની સાથે મારી નજર પણ સ્ટેજ તરફ આવતા એ સુંદર યુવાન પર અટકી. મધ્યમ ઊંચાઈ, સુડોળ કાયા અને એક ખૂબ જ સુંદર પર્સનાલિટી. આ પહેલા ક્યારેય મારી નજર કોઈ યુવાન તરફ નહોતી અટકી પણ આ યુવક તરફ કોઈ ચુંબકીય શક્તિ મને ખેંચવા લાગી. હૃદય એક ધબકાર ચૂકી ગયું !
યુવકે બોલવાની શરૂઆત એક સુંદર શાયરીથી કરી અને ફરી સીટીઓ, કીકીયારીઓ અને તાળીઓનો ગળગળાટ થયો. કોઈ ચુંબકીય શક્તિ હતી જે સહુને એની તરફ આકર્ષિત કરતી હતી ! એની દરેક શાયરીઓમાં એના દરેક શબ્દ પર મારું દિલ ઘવાતું હતું. મને થયું આ સ્પર્ધામાં પ્રથમ એજ આવવો જોઈએ.
પહેલી વખત હારવામા પણ મને ખુશી લાગી. વન્સ મોર વન્સ મોરનો નાદ ગુંજતો હતો. મારું ઘાયલ દિલ પણ ઈરછતું હતું કે સમય જાણે થંભી જાય. આજીવન બસ આમ જ હું એને જોતી સાંભળતી રહુ. પહેલી નજરનો પ્રેમ કદાચ આને જ કહેતા હશે. મારા અને એના વિચારો બધી રીતે મળતા આવે છે એવું એના વક્તવ્ય પરથી લાગ્યું. હૃદયના દરેક તાર ઝણઝણી ઉઠ્યા ! હૃદય એ અજનબી માટે પ્રેમના ગીત ગાવા લાગયું. આ પ્રેમ હતો કે આકર્ષણ ખબર નથી. પરંતુ ખૂબ જ અદભુત હતી એ ક્ષણો ! એનું વક્તવ્ય પૂર્ણ થયા બાદ મારી આંખો, મારું મન સતત એને શોધવા લાગ્યું. હજારોની મેદનીમાં એ યુવક ક્યાં ગયો ? અરે ! મેં તો એનું નામ પણ નથી સાંભળ્યું. સુરતની કઈ કોલેજનો વિદ્યાર્થી હતો ? એ પણ નહોતી ખબર.
સાંજ ઢળતી હતી અને હું વર્ષોથી તેની શોધમાં હતી એવી અનુભૂતિ થઈ. એને મળવા, એના વિશે જાણવા, એની સાથે મિત્રતા કરવા અને મારા પ્રેમનો સ્વીકાર કરવા વ્યાકુળ બની. મને આટલી વ્યાકુળ આજ સુધી મારા મિત્રોએ નહોતી જોઈ. ક્યાંથી જુએ ? હું હતી જ પુસ્તકીયા કીડા જેવી. એના સિવાય મારા હૃદય પર આજ સુધી કોઈએ હસ્તાક્ષર નહોતા કર્યા. મેં મારી બેસ્ટ ફ્રેન્ડને વાત કરી અને કહ્યું પ્લીઝ પ્લીઝ એને શોધવામાં મારી મદદ કર. ફંકશન પૂર્ણ થઈ જશે તો એને મળવું મારા માટે મુશ્કેલ છે. એ સમયમાં મોબાઈલનો આટલો વ્યાપ નહોતો. હું એને મળવા અધૂરી બની આજ સુધી કોઈ પુરુષની સામે નજર પણ નહોતી કરી. આજે હજારો પુરુષોના થોડામાં એને શોધવા લાગી. સુરતની કોલેજના વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા એક યુવકે મને પૂછ્યું તમે રાજેશ ઝાલરીયાને તો નથી શોધી રહ્યા ને ? એ તો હમણાં જ પાણીની પરબ તરફ ગયો. હું એ તરફ દોડી. ભીના વાળમાં રાજેશ કોઈ કૃષ્ણથી ઓછો મનમોહક નહોતો લાગતો. કદાચ એટલે જ રાધાની જેમ કોઈ ચુંબકીય શક્તિથી હું તેના તરફ ખેંચાતી જતી હતી.
ત્રણ કલાકની શોધખોળનો અંત આવ્યો. હવે એ મારી સામે હતો અને થોડા હિચકિચાટ ભર્યા અવાજે મેં મારો પરિચય આપ્યો. તેની સાથે થોડી વાતો કરી ત્યાં તો મારા અને એના મિત્રો અમારો મજાક ઉડાવવા લાગ્યા. તેણે મને એક સ્મિત આપ્યું અને કહ્યું આ મારો નંબર છે અને નીચે એનું નામ લખ્યું. એ નામ કાગળ પર નહીં પરંતુ મારા હૃદય પર લખાયું. હું ખુશીથી નાચી ઉઠી. એ મારો પ્રથમ પ્રેમ હતો. ફંકશન તો પૂરું થયું પણ રાજેશ મારા લોહીની જેમ વ્યાપી ગયો છે. બીજે દિવસે કોલેજ પહોંચીને મારા મિત્રો એના નામથી મને ખીજવવા લાગ્યા પરંતુ મને ગમ્યું અને સાથે સાથે મને એ પણ જાણવા મળ્યું કે હું એક જ નહીં પણ મારા જેવી તો કેટલી બધી છોકરીઓ એની દિવાની હતી. થોડા સમયની મુલાકાત પણ હું જીવનભર એની સાથે રહેવાના સપના જોવા લાગી. ફોન નંબર તો મળ્યો પણ ફોન કરીએ પ્રેમનો એકરાર કરવાની હિંમત ન ચાલી. રોજ રાત્રે ડાયરીના પાના એની સાથેની થતી કાલ્પનિક પ્રેમભરી વાતોથી ભરાવા લાગ્યા. આમ એક વર્ષ ચાલ્યું. એ શું અનુભવે છે ખબર નથી. બસ હું તો રાધામાંથી મીરાં બની એના પ્રેમની માળા જપવા લાગી અને રુકમણી બની એની સાથે જીવન જીવવાના સપના જોવા લાગી.
અચાનક એક દિવસ ખબર પડી કે પપ્પાએ મારા લગ્ન એક સારા પરિવારમાં નક્કી કરી દીધા છે મારી પર જાણે આભ તૂટી પડ્યું ! હું દોડી ટેલિફોન બૂથ તરફ અને એનો નંબર ડાયલ કર્યો.
“હેલો, હેલો, હેલો... રાજેશ છે ?
“હા હા બોલો કોણ ?” ને ખબર નહીં કેમ પણ એ ફોન મે કટ કરી દીધો. હું ક્યાં જાણું છું વધુ એ યુવક વિશે ? શું અમારો સમાજ તેને સ્વીકારશે ? શું મારા મમ્મી પપ્પા એની સાથે મારા લગ્ન કરવા તૈયાર થશે ? મનમાં અનેક વિચારો, પ્રશ્નો ઉઠ્યા. જેનો કોઈ જવાબ ન હતો. એ પણ મને પ્રેમ કરે છે એનો જવાબ ના હશે તો ? પ્રેમનો ઈજહાર કરવાની હિમ્મત ના તો મારામાં એ દિવસે હતી ના આજે. પિતાની આબરૂ સાચવવા મારો પ્રથમ પ્રેમ હૃદયના ખૂણે તથા ડાયરીના પાને અકબંધ કર્યો. મારા પતિને સમાજની દ્રષ્ટિએ પ્રેમથી સ્વીકાર કર્યો છતાં આજે પણ એની એક ઝલક જોવા મન તડપે છે. કોઈક તો ચુંબકીય શક્તિ હતી જે મને આજે પણ એની યાદો તરફ ખેંચે છે. થોડી હિંમત કરી મારા પ્રેમનો ઈજહાર કર્યો હોત તો ? મેં મારા મમ્મી પપ્પાને મારા મનની વાત જણાવી હોત તો ? રાધિકાની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી.
કોઈકે સાચું જ કહ્યું છે કે
કિસી સે તુમ પ્યાર કરો, તો ફિર ઈજહાર કરો,
કહી ના ફિર દેર હો જાયે, કહી ના ફિર દેર હો જાયે.

