દાનવ
દાનવ




એ ગોળમટોળ પ્રાણી દડબડ દડબડ કરતું મારી આગળ આગળ દોડી રહ્યું હતું. ગાઢ અંધારું હતું. મને બહુ સ્પષ્ટ દેખાઈ પણ નહોતું રહ્યું.
મેં જોરથી રાડ પાડી,“અરે ! ઓયે ! ઊભો રહે ! કાયર ક્યાં ભાગે છે ?”
હું થોડી ગતિ વધારીને એની સાવ નજીક પહોંચી ગયો. એના કાળાડિબાંગ હાથમાં કેટલાંય પતંગિયાં હતાં જે મારી સામે જોઈને બચાવો બચાવોની બૂમો પાડી રહ્યાં હતાં.
“દગાબાજ મારા દર્દીઓને દગાથી પકડીને ક્યાં લઈ જાય છે ? તને છોડીશ નહીં હવે.”
અને એ ગોળમટોળ પ્રાણીએ પોતાની ચોતરફ રહેલાં એક મુખમાંથી એક મોં મારી તરફ ફેરવીને ઉપાલંભભરી નજર નાખતાં કહ્યું, “તમે માનવ આ વખતે કશું નહીં કરી શકો. અત્યાર સુધી મોકલેલા અમારા ડેન્ગ્યુ, ચિકનગૂનિયા, સ્વાઈન ફ્લૂ જેવા સાથીઓ તમારી દવાઓ સામે નબળા પડ્યા પણ હું દાનો દુશ્મન છું. આ વખતે તમારી સામે એવો શત્રુ છે કે તમને હંફાવીને હરાવી દેશે. તમે દવા કે રસી કોઈ ઉપાયમાં સફળ નહીં નિવડો.”
અને મેં એક વિશાળકાય ઈન્જેક્શન લીધું. એમાં છલોછલ દવા ભરી. એનો રીતસર પેલા ગોળમટોળ પર ફૂવારો માર્યો. પણ..એ પ્રાણી તો મારી સામે અટ્ટહાસ્ય કરતાં કરતાં ગાઢ અંધકારમાં અદ્રશ્ય થઈ ગયું.હું પરસેવે રેબઝેબ હતો. મારી સામે ધુમ્મસ છવાતું જતું હતું..જો આ રાક્ષસ હવામાં ઓગળીને ઘેર ઘેર પહોંચી ગયો તો માનવજાત પર દુ:ખના પહાડ તૂટી પડશે એમાં કોઈ શંકા નહોતી.પણ એ બહુમાથાળા દાનવને માત કેવી રીતે કરવો એ જ સમજાતું નહોતું. મને શ્વાસ ચડવા માંડ્યો હતો. હું અંધકારમાં ડૂબતો જતો હતો ત્યાં..કાનમાં એલાર્મનો રણકાર સંભળાયો..“અરે ! સપનું હતું ? પણ બહુ ભયાનક.પણ એમ હારી તો જવાય જ નહીં. ઈશ્વર પછી માનવ અમારા પર આંખ મિંચીને વિશ્વાસ કરે છે. એમના ભરોસાને તોડવાનો તબીબજગતને કોઈ હક નથી..”
છ મહિના બાદ:
એક સવારે રસીના ડોઝ સાથે દરેક હેલ્થ સેન્ટરમાં રસીકરણ શરુ થયાં. અને મેં પહેલું ઈન્જેકશન આપ્યું ત્યારે એ દાદાના ચહેરા પર કોઈ પણ મોટી મુસીબતને હવે હરાવી લેશું એ પ્રકારનો ભરપૂર વિશ્વાસ જોઈને મને ગોળમટોળ પ્રાણીનું મોત હવે નિશ્ચિત છે એ મહેસૂસ થયું.
મેં ઘણા સમય બાદ એક ઊંડો નિરાંતનો શ્વાસ લીધો.