STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Drama Inspirational

3  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Drama Inspirational

ચતુર કરો વિચાર-૭ : ચાન્સ

ચતુર કરો વિચાર-૭ : ચાન્સ

2 mins
347

ગજાનન ટ્રેડિંગના માલિક અર્પિતભાઈ આજે રવિવાર હોઈ રોજ કરતા મોડા ઉઠ્યા. ચા પીતા પીતા દૈનિક સમાચાર પત્ર હાથમાં લીધું...ને આંખો ચમકી ઊઠી.

નગર સદનના અધિકારી લાંચ લેતા પકડાયાં તેવા સમાચાર વાંચી સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચારથી પ્રજાને થતો ત્રાસ અને નુકસાન અંગે સમસમી ઉઠ્યા. વળી પછીના પાને એક બીજા નિવૃત્ત અધિકારી આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ફસાયાના સમાચાર હતા. બબડ્યા...

"અમારી જેમ ધંધો કરી નીતિનો રોટલો ખાઈ જુએ તો ખબર પડે. આ ધોળા હાથીઓ આમ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે... આ શું થવા બેઠું છે ? આ અમારા જેવા મહેનતુને નીતિવાળા માણસોથી જ દેશ ટકી રહ્યો છે હવે !''

જાહેર સેવકો અને સરકારી વ્યવસ્થા પર ભારોભાર નફરત ચહેરા પર લાવી પાનું ફેરવ્યું. બીજા પાને વળી કોરોના કાળમાં ખડે પગે અને સતત પોતાના ઘર પરિવારની પરવા વિના ફરજ નિભાવનાર પોલીસ, વહીવટી તંત્ર ને આરોગ્ય કર્મીઓના કિસ્સાઓનો વૃતાંત હતો. પોતાની નિયમિત ફરજથી ઉપર ઉઠીને પણ કાયદો, વ્યવસ્થા અને આરોગ્ય જાળવવા કરેલ પ્રયાસ અંગેની વાતો ઉપર અછડતી નજરનાખી ચહેરા પર કોઈ ભાવ લાવ્યા વગર અર્પિતભાઈ પાનું ફેરવવા જતા હતા ત્યાં.

"એ ગુડ મોર્નિંગ...અર્પિતભાઈ...!"

સામે રહેતા સરકારી કર્મચારી શશીકાંત પોતાની કારને દરવાજાની બહાર લાવી પાણી વડે ધોઈ રહ્યા હતા અને છાપુ વાંચતા અર્પિતભાઈને સવારનો ટહુકો કરી રહ્યા હતા.

"હા... હા... ગુડ મોર્નિંગ...શું ચાલે છે ? ...આજે તો રજા તમારે..., જલ્સા છે ભાઈ...તમારે."

શશીકાંત જવાબ આપ્યા વગર પોતાના કામમાં પરોવાઈ ગયો. જાણે જાણતા હતા કે આ કટાક્ષ કાયમના છે.

હવે ત્રીજા પાને બિઝનેસ કોર્નરમાં એક સમાચાર જોઈ..વળી, આંખો ચમકી...

"રાજસ્થાન બાજુ શ્રમિકોની હડતાળના કારણે માલનો સપ્લાય અટકતાં બજારમાં માલની તંગી "

આ સમાચાર વાંચ્યા ને થોડો મૂડ જાણે બદલાયો...

"કામિની, એક કપ ચા બીજી આવવા દે... ત્યારે, આજે જોરદાર ચા બની છે..'

થોડું મન જાણે હળવું થયું ને ભાગીદાર રાજેશને ફોન જોડ્યો.

"રાજુ.. ગઈકાલના ભાવે કોઈને સપ્લાયના વાયદા હોય તે સિવાય નવો ઓર્ડર આજે કોઈ લેવાનો નથી."

"કેમ અર્પિતભાઈ, માલ તો ગોડાઉનમાં ઘણો પડ્યો છે."

" એ..હા,ભાઈ...પણ ..હું કહું છું ને...સાંભળ. માલનો શોર્ટેજ ઊભો થશે ભઈલા... કમાવાનું વિચારો..."

"...હમમ"

"ને,...સાંભળ...કાલે સવારે દુકાને લગાવેલ પાટિયામાં માલનો નવો ભાવ લખવાનો છે હવે...કમાવાનો 'ચાન્સ' આવ્યો છે."

આમ, કહી ફોન બંધ કર્યો ને સામેવાળા શશીકાંતના ઘર તરફ તીક્ષ્ણ નજર જાણે નાખતા હોય તેમ જોઈ પછી છાપાનું પછીનું પાનું ફેરવ્યું.

હવે, ચોથા પાને "નીતિ, રીતી ને પ્રામાણિકતાની વ્યાખ્યા શું ?" એવો લેખ હતો. પણ, અર્પિતભાઇને હવે છાપામાં રસ રહ્યો ન હતો. મન જાણે આવતી કાલે દુકાને ભાવના પાટિયામાં કયો કેટલો ભાવ વધારો કરવો તેમાં પરોવાઈ ગયું હતું. છાપુ બંધ કરી બિડલું વાળી તેનો જાણે ઘા કર્યો સોફા ઉપર, ને બોલી પડ્યા,

"કામિની...હું નહાવા જાઉં છું."


Rate this content
Log in

Similar gujarati story from Abstract