Jay D Dixit

Horror

4.2  

Jay D Dixit

Horror

ચોથો રસ્તો ?

ચોથો રસ્તો ?

2 mins
23.8K


"પહોળો રસ્તો, એક તરફ માટીના પહાડ, એક તરફ ખાઈ, એ મારી બાજુમાં તો પણ કાર ખાલીખમ જાય, બીજુ કોઈ નહીં તો પણ અવાજ જ અવાજ, એ રસ્તાનુંજ રાજ, કોઈ વળાંક નહીં, તોય આવ્યો પાછોત્યાંજ."


૧૭ મે ૧૯૯૮, શનિવાર, વૈશાખી અમાસનો દિવસ હતો અને વાગ્યા હતા બપોરના દોઢ જેવું કંઈક. નિશાંત, ઉર્વેશ અને રાહુલ ઘાઢ મિત્રો અને ત્રણ દિવસની ટુર પર નીકળેલા. નાસિકથી આગળ જતા વાન્છીની ચોકડી આવે અને એ પણ એક કિલોમીટરે ટોલનાકું છે. આ ચોકડી પરથી ડાબા હાથે અડધો કિલોમીટર જાઓ પછી ત્રણ રસ્તા પડે. પણ બપોરના બેથી અઢીની વચ્ચે ત્યાં ચોકડી થઇ જતી. આ ચોથો રસ્તો કોઈને અખા દિવસમાં જડતો જ નહિ બસ બે થી અઢી. અને એટલેજ આ રસ્તે આ સમયગાળામાં કોઈ પણ ટ્રાવેલ ન કરતુ. કહેવાય છે કે કોઈ અદ્રશ્ય શક્તિ છે જે આ રસ્તો બતાવે છે અને પછી... આ બધી સાંભળેલી વાતો છે, બાકી કોઈનો અનુભવ નથી અને જે અનુભવ લેવા ગયું છે એક્યારેય પાછું નથી આવ્યું.

નિશાંત અને એના બે મિત્રો બરાબર દોઢ વાગ્યે ટોલનાકે હતા અને આ વાત ચર્ચામાં આવી. નિશાંતને વાત જરા ગળે ઉતરી નહીં અને મજાકમાં ઉડાવી દીધી, ઉર્વેશે વાતને વધારી અને એ સામર્થ્ય પર આવી ગઈ. નિશાંત પીછે હઠ કરે એમ હતો નહીં અને એને એ રસ્તે કાર વાળી. ઉર્વેશ અને રાહુલ ગભરાયા, ગાડી થોભાવી ઉતારી ગયા અને નિશાંતને પણ સમજાવ્યો, ઉર્વેશે શરણાગતિ સ્વીકારી લીધી પણ નિશાંત માટે હવે અહમનો પ્રશ્ન થઇ ગયો. બંને મિત્રોને ઉતારી એ આગળ ચાલ્યો ગયો, બંને એ બહુ રોક્યો પણ નિશાંત માને એમ જ નહોતો. કાર સડસડાટ આગળ વધી ગઈ. બરાબર પોણો કલાકે કાર પછી આવી, નિશાંતજ ચલાવીને લાવ્યો પણ એ નિશાંત અલગ હતો. ચૂપ, નિસ્તેજ અને ગભરાયેલો.

નિશાંત એકવીસ વર્ષનો હતો ત્યારથી એક અજીબ બીમારીથી પીડાતો હતો, જે આમરણ એની સાથે જ રહી અને એની સાથે જ ગઈ. હાઈ-વે ફોબિયા. મનોચિકિત્સક જ આવું જ કહેતા હતા, ઘણા પ્રયત્નો પછી પણ મોટા મોટા માનસિક રોગોના ડોક્ટર્સ પણ એની તકલીફનું કારણ સમજી ન શક્યા. પણ, એના બે મિત્રો ઉર્વેશ અને રાહુલ કારણ જાણતા હતા, એમની પાસેથી જાણીને નિશાંતના પરિવારે દવા સિવાય પણ બધા જ પ્રયત્નો કરી જોયા, પણ..ડોક્નુંટર્સનું કહેવું હતું કે એને એક પ્રકારનો આઘાત લાગ્યો હોવો જોઈએ અને બાકીના કહેતા કે કોઈ વળગણ છે. પણ ઈલાજ કોઈ પાસે નહોતો.

ઘણી વખત એના પરિવારે ત્યાં જઈને જોવાનો પ્રયત્ન કર્યો એ રસ્તાને પણ... ત્રણ જ રસ્તા.. ચોથો રસ્તો...?!

બેત્તાલીસ વર્ષની વયે નિશાંત મૃત્યુ પામ્યો. ત્યાં સુધી ફક્ત એટલું જ બોલતો હતો કે...


"ખુલ્લો રસ્તો, પહોળો રસ્તો...

એક તરફ માટીના પહાડ, એક તરફ ખાઈ,

એ મારી બાજુમાં તો પણ કાર ખાલીખમ જાય,

બીજુ કોઈ નહીં તો પણ અવાજ જ અવાજ,

એ રસ્તાનું જ રાજ,

કોઈ વળાંક નહીં,

તોય આવ્યો પાછોત્યાંજ.

ખુલ્લો રસ્તો."


Rate this content
Log in

Similar gujarati story from Horror