STORYMIRROR

Raman V Desai

Action Classics Crime

0  

Raman V Desai

Action Classics Crime

ચોરોનો ટોળકી

ચોરોનો ટોળકી

13 mins
1.5K


‘હવે બધા વેરાઈ જાઓ.’ વંડાની બહાર નીકળી આગેવાને કહ્યું. સહુનાં શરીર અને પગ એવાં ચાલતાં હતાં કે જાણે જડ વસ્તુઓ સાથે તેમને કશો સંબંધ ન જ હોય.

ચાર માણસો એક બાજુએ ગયા; બીજા ચાર માણસો બીજી બાજુએ. ગયા. બાકી રહેલા માનસીંગ, હરિસીંગ અને બીજા બે માણસો ઝૂંપડીઓ તરફ પાછા વળ્યા. પ્રથમથી જ આ યોજના કરેલી હતી. ચાર માણસો વંડાની બહાર અંધારું શોધી ઊભા રહ્યા હતા. આઠ માણસો વંડાની અંદર ગયા, અને તેમાંના ચાર માણસો પ્રથમ ધીમેધીમે ખુલ્લી બારીમાં થઈને મૉજ કરી ચૂકેલા યુવાન મિત્રવાળા ઓરડામાં પ્રવેશ કરવાની યુક્તિ શોધી રહ્યા. એ યુક્તિ સફળ થઈ. માનસીંગે અને હરિસીંગે પહેલા જ પ્રસંગે ખૂબ દક્ષતા દર્શાવી. વંડા ઉપર પણ તેઓ જ પહેલા ચઢ્યા. બારીમાંથી પણ તેમણે જ પ્રથમ પ્રવેશ કર્યો. ચોરીની લાંબા સમયથી ટેવ હોય એમ એમણે ચડવા ઊતરવામાં કાબેલિયત દર્શાવી. દોરડું ચોરોના હાથમાં એક સબળ સાધન બની જાય છે. માનસીંગ અને હરિસીંગે ઘરેણાં તથા પૈસા પણ ઠીક કઢાવ્યા.

ઝૂંપડાં ભણી જનાર ટોળી પાસે ચોરીનો કશો જ માલ ન હતો. જુદે જુદે માર્ગે ગયેલા ચાર ચાર જણની ટોળી પાછી પેલા મંદિર આગળ ભેગી થવાની હતી એમ માનસીંગ તથા હરિસીંગને કહેવામાં આવ્યું હતું. તેમના પ્રયત્ને સફળ થયેલી ચોરીમાંથી અત્યારે તો તેમના હાથમાં કશું જ આવ્યું ન હતું. પરંતુ માતાજીનો અને તેમનો ભાગ મળી સારી રકમ તેમના હાથમાં આવશે એમ તેમની ધારણા હતી. એ ધારણાએ તેમના હૃદયમાં ઉત્સાહ ઉપજાવ્યો. હવે પોતાને ગામ પાછા જવું કે આ ટોળી ભેગા રહી આ કાર્યમાં પ્રગતિ સાધવી એની ગૂંચવણ તેમના હૃદયમાં ઊભી થઈ.

રસ્તામાં અજવાળું અને અંધારું બંને હતાં. કૂતરાં પણ પોતાની ચપળતા તજી શાન્ત બનવા લાગ્યાં. પડછાયાને ભસી ભસી, ટોળીઓ રચી કારણ વગર નહોરબાજી કરી લડી પરવારેલાં એ જાનવરમાંનું કોઈ અસ્થિર પ્રાણી જરા જરા ભસી ઊઠતું હતું, ભસતાં ભસતાં રડવાનો પણ પ્રકાર સંભળાતો.

‘બે જ જાતને રડતી જોઈ.' માનસીંગે ધીમેથી કહ્યું.

'કયી કયી ?' હરિસીંગે પણ ધીમેથી પૂછ્યું.

'એક કૂતરું અને બીજું માણસ.' માનસીંગ બોલ્યો.

'ખરું અલ્યા! ગાય, ઘોડો, વાઘ, વરુ, ઘેટા, બકરાં મરી જાય એટલું વાગે તોય ન રડે.' એક સાથીદાર બોલ્યો. ડાંગ ખાઈ જમીન ઉપર તૂટી પડેલો યુવક તેના ધ્યાનમાં આવ્યો.

'હૉલ્ટ હુકમદાર !' પાસેની શેરીમાંથી બે પોલીસ સિપાઈઓ કડિયાળી ડાંગ ખખડાવતા નીકળી આવ્યા.

‘રૈયત !' એક સાથીદારે જવાબ આપ્યો. ચારે જણે બુકાની બાંધેલી ખસેડી નાખી અને ગરીબી તથા નિર્દોષતાનો રંગ મુખ ઉપર લાવી તેઓ ઊભા રહ્યા.

'કોણ છો અલ્યા ?' એક સિપાઈએ હાથફાનસ સહુના મુખ ઉપર નાખી પૂછ્યું.

'મજૂર છીએ, બાપજી !' એક જણે જવાબ આપ્યો.

‘મધરાત પછી મજૂરી ? હરામખોરો ! ચાલો થાણામાં.' બીજા પોલીસે કહ્યું.

'હા બાપજી ! જેવો હુકમ.'

કહી ચારે જણ પ્રમાણિકતાપણાની મૂર્તિ બની સિપાઈઓ જોડે જવાને તૈયાર થયા.

‘રાતે ભટકવું, ચોરીઓ કરવી, ડાંગો લઈ લોકોને ડરાવવા એ તમારો ધંધો ! ક્યાંથી આવો છો ?' ચારે જંજાળોને સાથે લઈ થાણામાં જવાની મહેનતના ખ્યાલથી થાકેલા સિપાઈએ ધમકી આપી.

'બાપજી ! ખરું કહું ? ચોરી તો કાંઈ કરી નથી ઊલટા અમે લૂંટાયા !'

‘ક્યાં લૂંટાયા ?' નવી આફતથી ઊગરવા પોલીસે પૂછ્યું.

'પીઠામાં, સાહેબ !'

'પીઠામાં જાઓ તે એમ જ થાય ને ? દારૂ પીઈને પડ્યા હશો એટલે કોઈ ખિસ્સાં ખાલી કરી ગયું હશે ! ભોગ તમારા !'

‘અમારા જ ભોગ છે ને સાહેબ ! હાથનાં કર્યા હૈયે વાગે છે. એક પાઈ પણ ખિસ્સામાં રહી નથી.'

જોઉં !' કહી એક સિપાઈએ વધારે ખાતરી કરવા બે જણાનાં ખિસ્સાં તપાસ્યાં. ખિસ્સાં બન્ને કપાયેલાં હતાં.

'ફરિયાદ કરવી હોય તો કાલે થાણે જજો.'

‘અમારે ગરીબ લોકોને ફરિયાદ કેવી ? હાથઘડિયા માણસ અમે.

મજૂરી કરીશું એટલે અમારો ગુજારો થઈ રહેશે.’

‘ક્યાં રહો છો ?'

‘શહેરની બીજી ભાગોળે, ઝૂંપડાંમાં.'

'જાઓ, ભાગો ! ફરી રાતે રખડશો તો કેદમાં જશો.’ કહી પોલીસના સિપાઈઓએ ડાંગ ખખડાવી આગળનો માર્ગ લીધો. અને 'જાગતા રહેજોની' બાંગ પોકારી. ચોરો સામી બાજુએ આગળ વધ્યા. માનસીંગ હસ્યો.

‘કેમ અલ્યા ?' એક સાથીદારે પૂછ્યું.

'લોકો જાગતા રહેશે તો સિપાઈઓ શું કરશે ?’ માનસીંગે પૂછ્યું. એ પ્રશ્નનો જવાબ ન હતો; ચારે જણ આછું હસ્યા અને આગળ વધ્યા. દારૂ પી પડી રહેલા કેટલાક માણસો મધરાત પછી પીઠાવાળાની લાતો ખાઈ પૈસા ખોઈ અડધા જાગતા પોતાના ઘરભણી જાય છે. એ નિત્યક્રમના બહાના નીચે બચી ગયેલા આ ચાર નિશાચરો થોડી વારે ઝૂંપડીમાં પહોંચ્યા.

માનસીંગને શંકા ઉત્પન્ન થઈ. આ બધાય લોકો તેમને ભાગ ન આપે તો શું કરી શકાય ? આટલી મોટી સંખ્યાની સામે ઝઘડો થઈ શકે એમ ન હતું. ઝગડો કર્યા છતાં ચોરીનો માલ મળી શકે એમ પણ ન હતું. ઝૂંપડીઓમાં પાછી વળેલી ટોળી પાસે એક પાઈ પણ રાખી ન હતી; અને એ વાસ્તવિક પણ કહેવાય છતાં હવે પછી તેમને હાંકી કાઢે તો તેમને દાદ ક્યાં મળે ?

એ જે થાય તે ખરું. પરંતુ ચોરીનો - વ્યવસ્થિત ચોરીનો પહેલો અનુભવ હવે માનસીંગને રોમાંચક લાગ્યો. બાવાઓનો વેશ શો લેવો ! હવેલીમાં પેસવું શું ! માલિકની અણધારી કૃપા કેવી ! એ કૃપાના બળથી ઘરની ઝીણી ઝીણી વિગતો શી મેળવવી ! અને અંતે હવેલીનો વંડો કૂદી આનંદનિમગ્ન ઓરડામાં પ્રવેશ કરી મિલકત શી ઝૂંટવવી ! એ બધું કેમ સફળ બન્યું ?

ચોરી કરવી એ બહુ મુશ્કેલીભર્યું કામ ન કહેવાય. ઘરમાલિકો બાયલા હોય છે. ચોરની સામે થવાની હિંમત બહુ જ થોડા માણસો કરી શકતા હોવા જોઈએ, અને પોલીસ તો તદન બેદરકાર જ હોય છે ! ચોક્કસ ચોરી કરી આવેલાને પણ તેઓ ઓળખી શકે નહિ !

આમ સરળતાથી થતી ચોરી સારી રકમ મેળવી આપે તો થોડા સમયમાં સંઝેર જવાય અને જઈને તેજલ જોડે લગ્ન પણ કરી શકાય. પૈસો હોય તો ઘેમરપટેલ ના શા માટે કહે ?

અને ના કહે તો તેજલને ઊંચકી લાવતાં શી અડચણ પડે એમ હતી? હવે માનસીંગમાં અણધાર્યું બળ ઊભરાતું હતું. હરિસીંગ જેવાની તે બરોબરી કરી શકતો હતો. મારામારીનો તેને ડર ન હતો. મંદિર પાસેના ઝગડામાં તેને બેચાર ડાંગ પડી હતી, પણ તેથી કાંઈ તેને દુઃખ બહુ થયું લાગ્યું નહિ; વંડા ઓળંગવા એ તેને રમત વાત હતી; હવેલીઓ ઉપર ચડવું એમાં ખાસ મુશ્કેલી તેને લાગી નહિ, અને ધનિકોનાં સંતાનોમાં ચોર કે ડાકુની સામે થવાની તાકાત પણ રહી નથી એની એને ખાતરી થઈ ગઈ. ભય બતાવ્યું ભલભલા નાસે ! ઘેમરપટેલને પણ ઠેકાણે લાવી શકાય એવો માર્ગ તે કરી શકે એવી તેને હિંમત આવી.

રાત્રીનો અંધકાર ખૂબ ઘટ્ટ બની ગયો હતો. ઝૂંપડીની બહાર એક ખૂણે તે સૂતો હતો; તેની થોડે દૂર હરિસીંગ સૂતો હતો અને બીજા પુરુષો પણ ખૂણા ઉપર પડ્યા. સહુ નિદ્રાવશ બની ગયા હતા.

પરંતુ આજનો અનુભવ માનસીંગને ઊંઘવા દેતો ન હતો. આવી કેટલીયે 'આજ' તેણે એ સ્થળે પસાર કરી. બન્ને મિત્રોને ખોરાક મળતો, રાતે વાતો કરવાની મળતી અને ભજનોમાં ભાગ લેવાના પ્રસંગ પણ આવતા, ઉપરાંત ત્રણ ચાર જગ્યાએ ચોરીની શક્યતા હતી એ સંબંધમાં યોજનાઓ પણ ઘડાતી. એકાદ ચોરીમાં તેમને નાસી પણ જવું પડ્યું. થોડી રકમ પણ હાથમાં છેવટ મુકાઈ એટલે આગળને માટે તેમને આશા પડી અને આ ટોળા ભેગું જ જીવન ગાળી શહેર તથા આસપાસનાં ગામડાંનો તેમણે અનુભવ મેળવવા માંડ્યો. તેનો સાથી હરિસીંગ પણ જાણીતો નીકળ્યો ! તેજલ એને અપાત - જો એના કાકાએ એને દુઃખી ન કર્યો હોત તો. હરિસીંગની સોબત તેને અવનવા અનુભવ કરાવી રહી હતી. માનસીંગ ન જાણે એવું ઘણું ઘણું હરિસીંગ જાણતો હતો. છતાં પેલા વશરામ જેવો એ ખરાબ નહિ ! ચોરી કરવા ગયો ત્યાં પેલી છોકરીને અડપલું કર્યું ! અને એના વાંસામાં એક જોરભર્યો ગુમ્મો માનસીંગે ન લગાવ્યો હોત તો વશરામ શું ન કરત ? એને તો બાઈને ઊંચકી લાવવી હતી ! એ બાઈના બેત્રણ હજાર રૂપિયા ઊપજત ! એને શી રીતે ઊંચકી લવાય ? એના એટલા બધા રૂપિયા કોણ આપે ? શા માટે આપે ? કેવી રીતે આપે ? બૈરાં તે વેચાય ? ઘેમરપટેલ તેજલને આમ વેચે ખરા ?

એક રાતે આંખો મીંચી વિચાર કરતા માનસીંગની બાજુમાં કોઈ સૂતું છે એમ તેને લાગ્યું. હરિસીંગ પાસે આવી સૂઈ ગયો હશે ? એને એકલાને

ગમ્યું નહિ હોય ? અગર બીજાઓના ભેગા સૂવાનું તેને ન પણ ફાવ્યું હોય ! પરંતુ માનસિંગને પોતાને કોઈ અડીને સૂએ - અગર બહુ નજીક સૂએ એ જરાય ફાવતું નહિ. તે સહજ દૂર ખસ્યો.

છતાં જરા વારમાં તેને લાગ્યું કે તેના ખસવાથી તેની બાજુ ખાલી થતી ન હતી. હાથ વડે પાસે સૂતેલા શરીરને ખસેડવા તેણે પ્રયત્ન કર્યા. પ્રયત્નની શરૂઆતમાં જ તેને લાગ્યું કે પોતે કોઈ સ્ત્રીના દેહને ખસેડે છે !

સ્ત્રીનો આટલો નિકટ સંસર્ગ એને અત્યારે જ થયો. તે ચમક્યો અને તેણે પોતાના હાથ ખસેડી લીધા. પરંતુ એથી સામો સ્પર્શ અટક્યો નહિ. કોઈ સ્ત્રીના કુમળા હાથ તેના દેહને વળગતા હતા. એને સમજ ન પડી કે એ હાથને કેમ ખસેડવા ! તેના દેહ ઉપર લંબાયલા હસ્તને હલકેથી તેણે પકડ્યો અને પોતાના દેહથી દૂર કર્યો, પરંતુ એમ કરતાં એણે જોયું કે એનો પોતાનો જ હાથ સ્ત્રીદેહ પર લંબાય છે ! એના હાથને સ્ત્રીદેહ ગમ્યો શું ?

માનસીંગે એક પ્રકારની પરવશતા અનુભવી. અત્યંત કુમળી પરંતુ કુશ્પીના તાણ જેવી અસહ્ય ઊર્મિમાં તે ખેંચાતો હોય એમ તેને લાગ્યું. એ તાણમાંથી છૂટવાની પણ તેનામાં શક્તિ કે ઇચ્છા રહ્યાં નહિ. મીંચી દીધેલી આંખો ઉઘાડવા જેટલીયે મહેનત કરવા પ્રવૃત્ત થયો નહિ. અંધકારમાં સ્ત્રીનું મુખ દેખાય એવું ન હતું; દેખાયું હોત તોપણ તે ભાગ્યે જ તે સ્ત્રીને ઓળખી શક્યો હોત. હરિસીંગ ટોળાની બધી સ્ત્રીઓ જોડે હસતો, બોલતો અને તેમનાં કામકાજમાં ભાગ લેતો; માનસીંગ આટલા દિવસથી એ આખી વસ્તી જોડે રહ્યો હતો. છતાં તેણે સ્ત્રીઓનો પરિચય નહિ જેવો સેવ્યો હતો ! કોઈ સ્ત્રીએ તેના તરફ આંખ માંડી હોય એવી કલ્પના પણ તેને આવી ન હતી. કદાચ હરિસીંગ સમજીને આ સ્ત્રી તેની પાસે તો નહિ આવી હોય ?

તોય શું ?

છતાં માનસીંગના પરવશ બનેલા હૃદયે સંકલ્પ કર્યો અને ધીમે રહી સહજ આંખો ખોલી કહ્યું :

'હું માનસીંગ છું.'

'જે હોય તે. બોલ્યા વગર સૂઈ રહે.'

‘તું કોણ...'

માનસીંગના મુખ ઉપર કુમળો હાથ ઢંકાયો ! એ હાથ કુમળો હતો? આંટણ તો હથેળીમાં હતાં, છતાં પુરુષના હાથ કરતાં બહુ વધારે સુંવાળો એ હાથ, નહિ ?

માનસીંગને આ ક્ષણે સમજાયું કે સ્ત્રીઓના હજારો રૂપિયા ઊપજતા હોય તો તેમાં નવાઈ નહિ. માનસીંગના દેહમાં અકથ્ય સ્ફૂર્તિ આવી. તેણે ઉગ્રતા ધારણ કરી સ્ત્રીના દેહને બે હાથમાં લીધો અને એકાએક એ સ્ત્રી ત્યાંથી બળ કરી ખસી. માનસીંગને સમજ પડે તે પહેલાં તો તે બેઠી થઈ. અને આમતેમ જોઈ પ્રેત સરખી સરળતાથી અદ્રશ્ય થઈ ગઈ.

તે જ ક્ષણે માનસીંગના માથા આગળ કોઈનો પગઘસારો સંભળાયો. માનસીંગ ચમકીને બેઠો થયો.

'કોણ છે ?' માનસીંગે પૂછ્યું.

જવાબમાં પ્રથમ ડાંગ ખખડી અને પછી એક પુરુષનો અવાજ ધીમો પણ ગુસ્સાભર્યો સંભળાયો :

'ક્યાં ગઈ એ ?'

‘કોને ખોળે છે ? ગાંડો તો નથી બન્યો ને ?'

'હમણાં એને જતી જોઈ ને !'

'કોને ? હું તો અહીં ક્યારનો સૂતો છું. અહીં કોઈ આવ્યું જાણ્યું નથી.'

'જૂઠું ના બોલ. તારું અને એનું બન્નેનું ખૂન કરીશ યાદ રાખ !'

‘વશરામ ! સંભાળીને બોલ. ખૂન કરતાં તને એકલાને જ આવડતું હશે, કેમ ?' માનસીંગે ઊભા થઈ કહ્યું.

'સાળા ! મારી બૈરીને ભગાડવા તું આવ્યો છે, એમ ?' વશરામ બોલ્યો. માનસીંગે મારામારીને સરળ બનાવી દીધી હતી. તેનો હાથ જલદી ઊપડતો હતો. તેણે વિચાર કર્યો કે નહિ તેનો ખ્યાલ આવે તે પહેલાં માનસીંગે એક અડબોથ વશરામને મારી.

‘ગાળ દીધી છે તો ભોંયભેગો કરી નાખીશ !' માનસીંગે કહ્યું.

વશરામે અરબડિયું ખાધું. પરંતુ સ્થિર થઈ તેણે ડાંગ ઊંચકી અને માનસીંગના માથામાં મારી માનસીંગે વચ્ચે હાથ ન ધર્યો હોત તો તેના માથાના ફાચરા ઊડી ગયા હોત. તેના હાથ ઉપર સખત ફટકો પડ્યો, છતાં તેનું ભાન તે ભૂલી ગયો અને વશરામ ઉપર પૂર્ણ બળ સાથે તે તૂટી પડ્યો.

ઝૂંપડાંમાંથી માણસો બહાર નીકળી આવ્યા, અને બન્નેને છૂટા પાડ્યા.

‘અલ્યા, છે શું ?' એક આગેવાન લાગતા માણસે પૂછ્યું.

‘આ વશરામ કહે છે કે હું એની બૈરીને ભગાડી જાઉ છું.' માનસીંગે કહ્યું.

‘એ એ જ દાવનો છે, એની નજર જ બૈરાં ભણી.' બીજા કોઈએ કહ્યું.

'પેલી હવેલીમાં પણ એ જ એનો ધંધો ! માનસીંગે જરા ટોક્યો એટલે એને જ માથે આ ગુનો ઓઢાડ્યો !' ચોરીમાં સાથ આપનાર એક જણે કહ્યું.

‘કેમ અલ્યા ? આ બધા શું કહે છે ? છાનામાના ધંધો કરવો છે કે આવા ઝઘડામાં પડવું છે ?’ આગેવાને પૂછ્યું.

'એના વહેમનો પાર નહિ. ને જાતે તો પાછો રામનો અવતાર !' વશરામને વસતીમાં બધાય ઓળખતા હતા. સ્ત્રીપુરુષનાં ટોળાં સાથેસાથે રહેતાં ફરતાં હોય ત્યાં નીતિનાં બંધન હળવાં હોય છે; ઘણાં ઘણાં સ્ખલનો તેઓ જતાં કરે છે, અને પ્રત્યેક વ્યક્તિએ અનેક અનુભવો લીધેલા હોવાથી પ્રચલિત નીતિની તેમને બહુ પરવા હોતી નથી.

છતાં સ્ત્રીને મિલકત ગણવાની જુગજૂની ટેવ અન્યની મિલકત ચોરવાનો ધંધો કરનારથી પણ છોડી શકાતી નથી. અન્યની સ્ત્રીરૂપી મિલકત લૂંટનાર પણ પોતાની મિલકત માટે બહુ બહુ કાળજી રાખે છે; અને એ મિલકત કોઈ લઈ જાય એના કરતાં એ મિલકતને ભાંગવા તોડવાનો પ્રયત્ન પણ કરે છે. જાતે ધર્મ ન સાચવનાર અન્યાયના અધર્મીપણાને જોઈ આવેશમાં આવી જાય છે. એ જ માનસ ચોરી કરનારને પોતાની ચોરી થતાં ખૂની બનવા પ્રેરે છે. વશરામનો સ્ત્રીશોખ ભારે હતો, છતાં પોતાની સ્ત્રી તરફ બીજું કોઈ નજર પણ કરે છે એનાથી સહ્યું જતું નહિ. એને લીધે આ ચોર ટોળીઓમાં પણ ઘણા ઝઘડા થતા અને વશરામની સ્ત્રી પણ કમનસીબે હસમુખી, શોખીન અને પુરુષોને પરવશ બનાવવામાં પ્રવીણ હતી.

‘લો ! હું તો આખી રાત અંબા પાસે પડી રહી હતી. અને તોય આ ઝઘડો !' વશરામની સ્ત્રીએ પાછળથી આવી લાજ કાઢી કહ્યું.

‘એને જ પૂછો ને કે એ રાતે આવીને ક્યાં સૂતો હતો ? મોટો શાહુકારનો દીકરો !' અનેક પુરુષો અને અનેક સ્ત્રીઓની નીતિને જમીનદોસ્ત કરવાના સફળ પ્રયોગો કરી ચૂકેલી આધેડ અંબાએ કહ્યું. વશરામ સુધ્ધાં ટોળીના સઘળા પુરુષોની ખામીઓ અને ખૂબીઓ અંબા જાણતી હતી. એ સામી થાય ત્યારે પુરુષોએ પણ પાછા હઠવું પડતું હતું. બહુ વર્ષથી એ સ્ત્રી આ ટોળી ભેગી ભળી ગઈ હતી અને આગેવાનોની માનીતી બનીને ટોળીની રાજનીતિ અને કાર્યક્રમ ઘડવામાં પણ તે અગત્યનો ભાગ લેતી બની ગઈ હતી. એના બે દીકરાઓ ધીમે ધીમે કાર્યક્રમમાં ભાગ લેતા થઈ ગયા હતા, અને તેની એક દીકરી પણ આ ટોળીના એક યુવક સાથે પરણી હતી, એટલે અંબાનું મહત્ત્વ તેની ચબરાકી અને માનીતાપણા ઉપરાંત તેના સંબંધને લઈને પણ વધી ગયું હતું.

વશરામ ત્યાંથી બડબડતો ચાલ્યો ગયો, અને ધીમે ધીમે સઘળા ત્યાંથી વેરાયા. સવાર થવા આવ્યું હતું, માનસીંગને સમજ ન પડી કે શું કરવું, કોઈ સ્ત્રી તેની પાસે આવી હતી એ વાત એ ચોક્કસ, એ વશરામની સ્ત્રી હતી કે કેમ તેની એને પૂરી ખબર ન હતી, કારણ આટલા દિવસના વસવાટમાં પણ તે બધી સ્ત્રીઓને ઓળખતો થયો ન હતો. એ સ્ત્રી પાછી પણ આવે અને ઝઘડો વધે પણ ખરો. શા માટે એ સ્ત્રી એને શોધતી આવી હશે ? સ્ત્રીઓ તેને ગમતી હતી, તેમના તરફ જોવાનું પણ તેને મન થતું હતું. તેની આસપાસના લોકો સ્ત્રીઓ સંબંધી રસપૂર્વક વાતો કરતા હતા અને વાતો કરી હસતા તથા આનંદ પણ મેળવતા હતા. સુધારશાળામાં પણ છોકરાઓ સ્ત્રીઓ સંબંધમાં કાંઈ કાંઈ કથાઓ કહેતા હતા. સહુ પુરુષોને સ્ત્રીઓમાં અને સ્ત્રીઓને પુરુષોમાં રસ પડતો - માત્ર પતિને પત્નીમાં અને પત્નીને પતિમાં દુશ્મનનું દર્શન થતું ! મારામારી કે ગાળાગાળી કે ઝઘડા માટે પતિ-પત્ની નિર્માણ કર્યા હતાં, તે સિવાયનાં સ્ત્રીપુરુષો એકબીજાની મીઠી નજર મેળવવા મથતાં હતાં

એક સ્ત્રીની મીઠી નજર માનસીંગ ઉપર પડી ચૂકી. એનાં પરિણામ શાં ? એક પરિણામ એ કે વશરામે તેને ડાંગ મારી, એ ક્રમ આગળ પણ વધે. માનસીંગ શું ડાંગથી ગભરાતો હતો ? કદી નહિ. તો પછી સામે ચાલી ચલાવી આવતી વશરામની સ્ત્રીને શા માટે હા કે ના કહેવી ?

‘કેમ માના ! ખોટો ફસાયો, નહિ ?' હરિસીંગે પાછળથી આવી કહ્યું.

'કશું નામ કે નિશાન નહિ, તોય અમારા ઉપર આરોપ !' માનસીંગે સતવાદી દેખાવા પ્રયત્ન કર્યો. તેને લાગ્યું કે આ વાત હરિસીગથી પણ છુપાવવા સરખી છે.

‘એ તો મારા ભણી આવવાની હતી ! બહાર નીકળતાં વશરામ જોઈ ગયો હશે ! પણ અલ્યા, તું ઠીક હાથમાં આવ્યો !' કહી હરિસીંગ ખૂબ હસ્યો.

‘અહીં રહેવાશે ખરું ?'

‘હવે બીજો માર્ગ શો ?'

'પૈસાનો પૂરો ભાગ મળી જાય તો આપણે ચાલ્યા જઈએ.'

'ક્યાં ચાલ્યા જઈશું ?'

'તું તારે ગામ અને હું મારે ગામ.’

હરિસીંગે વિચાર કર્યો.

‘ત્રીજે પહોરે વાત. ચોરીની વાત. જાહેર થઈ છે એમ સાંભળ્યું એટલે

આપણી ઝૂંપડીઓ પોલીસ તપાસશે. તપાસ થઈ રહે પછી જોઈશું.' હરિસીંગે કહ્યું.

‘પછી શું જોઈશું ? પકડીને લઈ જશે ત્યારે ?'

‘પણ મુદ્દામાલ અહીં નથી ને ? એ તો લઈને આગળ ગયા. આપણને પૈસા ન આપે તો બધી બાજી ખુલ્લી કરવાની ધમકી તો આપી છે જ !'

ત્રીજો પહોર થયો. સંધ્યાકાળ થવા આવ્યો. પોલીસ તરફથી કશી જ હિલચાલ ન હતી. વશરામની પત્ની એકબે વાર તેમની આગળથી પસાર થઈ. હરિસીંગે લાલચભર્યું મુખ કરી ધીમેથી કહ્યું : 'અરે એ વશરામના ઘરવાળાં ! જરા કહો તો ખરાં કે આજે કેટલા ડબ્બા ઘડ્યા ?'

લોખંડી પતરાંના ડબ્બા ઘડવામાં કે ચાળણીઓ બનાવવામાં દિવસભર મશગૂલ રહ્યાનો દેખાવ કરતા આ ટોળાના સ્ત્રીવર્ગને આ પ્રશ્ન પૂછી શકાય એમ હતું. પરંતુ વશરામની સ્ત્રીએ ખભા ઊંચક્યા અને આંખોમાં સ્મિત અને રોષ બન્નેનું પ્રદર્શન કર્યું.

હરિસીંગ હસ્યો. માનસીંગને એમાં હસવા સરખું કાંઈ લાગ્યું નહિ. રાત્રે સહુ સ્ત્રીપુરુષે દારૂ પીધો અને જમીને સઘળા ફાવે તેમ આડાંઅવળાં સૂતાં.

માનસીંગે પહેલી વાર દારૂ ચાખ્યો. એને એ ભાવ્યો નહિ, એટલે બધાંની સાથે પીવાનો દેખાવ કર્યા છતાં તેણે દારૂ પ્રમાણમાં ઘણો ઓછો પીધો. પ્રથમ તો એને ઝણઝણાટ થયો; સહજ ચકરી પણ આવતી તેને લાગી, મનમાં એક પ્રકારની હળવાશ – પ્રફુલ્લતાનો ઉદ્દભવ થયો સમજાયો. પોતાની એકાંતમાં સૂવાની નક્કી કરેલી જગાએ તે જવા ઊઠ્યો. એના પગને લાગ્યું કે જમીન રેતીભરેલા રણ સરખી પગ ગરકી જાય એવી છે. અસ્થિર બનતા પગ તેને પોતાને સ્થળે લઈ ગયા અને ત્યાં ગાઢ નિદ્રામાં પડ્યો. આખી વસ્તીમાં કોઈ હાલતું ચાલતું ન હતું.

છતાં તે જાગ્યો ત્યારે વશરામની સ્ત્રી ઊજળી તેને અડીને બેઠેલી દેખાઈ. કદાચ તેણે જ એને હાથ કે પગ અરાડી જગાડ્યો હશે. તેણે નાકે આંગળી મૂકી ચૂપ રહેવા આજ્ઞા કરી. પછી તે તદ્દન પાસે મુખ લાવી પવન પણ ન સાંભળે એમ બોલી : ‘જીવવું હોય તો કાલ ને કાલ નાસી જાઓ.’

‘કેમ ?’ માનસીંગે પૂછ્યું.

‘તમારા રોટલામાં બે દિવસથી કાચ વટાય છે. આઠમે દહાડે મરી જશો.' માનસીંગનું આખું અંગ શૂન્યતા અનુભવી રહ્યું. બે દિવસ તો કાચ પેટમાં ગયો જ.

'આટલો સઢ કેમ બની ગયો ?' જરા રહી ઊજળીએ કહ્યું.

‘અમસ્તો જ. પણ અમે જઈએ તો અમારા ભાગનું શું થાય?’

‘ભાગબાગ કાંઈ ના મળે. જીવ બચાવીને જાઓ એ જ ભાગ !'

'એમ ?'

‘બીજો ભાગ જોઈએ તો મને લઈ જાઓ. હું તમારી ભેગી ચાલી આવીશ.'

‘કેમ એમ ? તારો વર...'

‘વર અને ઘર ! મને કોઈ ગમતાં નથી. રડ્યો બીજે રખડે છે, અને હું સહેજ કોઈ જોડે હસું બોલું તો મને ધીબે છે '

માનસીંગને દયા આવી ? પ્રેમ ઉત્પન્ન થયો ? તેને આવેશે ઘેર્યો કે ભાગ ન મળવાના સંભવમાં એ ટોળી ઉપર વેર લેવાનું તેને મન થયું ?

માનસીંગને કશી સમજ ન પડી. અનુકૂળ બનતી ઊજળીને સાથમાં લેઈ તે ઝૂંપડીને ઓથે સૂતો.


Rate this content
Log in

Similar gujarati story from Action