Karan Mistry

Romance

3  

Karan Mistry

Romance

ચના-જોર ગરમ

ચના-જોર ગરમ

4 mins
405


"સાહેબ લોંગે ચના-જોર ગરમ"

"ઇસકો ચાહિયે ચાચા" ક્ષિતિજએ સંધ્યાની તરફ ઈશારો કરીને કહ્યું.

"ચૂપ રે ને મારે નથી ખાવું" સંધ્યાએ થોડુંક ચિડાઈને કહ્યું.

"ક્યાં દાદા આપ ભી ખાને કી ચીજ હે કોઈ ભી ખા સકતા હૈ"


ચાચાનો વળતો જવાબ સાંભળીને થયું કે ચાચા બંગાળી હશે, મીઠી જુબાન અને મીઠી મીઠી વાતો.

"પતા હૈ યહાઁ સબ અચ્છે અચ્છે લોગ આતે હૈ, ચના-જોર ગરમ ઔર ઢલતી શામકી મઝા ઉઠાતે હૈ, પુરે દિન કી થકાન ઔર ટેંશન બસ થોડી હી દેર ઇસ સાગરકે કિનારે બૈઠો તો ખત્મ હો જાતે હૈ"


એ બંગાળી ચના-જોર વાળા દાદાની વાત પણ સાચી હતી. છેલ્લા એકાદ વર્ષથી હું અને સંધ્યા પોતપોતાનું કામ પૂરું કરીને અહીં આવી જતા. મુંબઈનું જુહુ બીચ, દરરોજ રંગ બદલતી સાંજ અને સાથે જ એ આસમાની રંગ ઓઢી લેતો દરિયો. ઠંડી નરમ નરમ હવા અને દરિયાની લેહરો, રોજનો થાક ઉડાવી દેતા હતા.


આ દરિયાઈ શાંતિ અને રંગબેરંગી સાંજમાં જ મારા અને સંધ્યા વચ્ચેના પ્રેમની શરૂઆત થઇ હતી. એ સાંજ-રંગોની સાક્ષીમાં જ અમારા પ્રેમના રંગો ખીલી ઉઠ્યા હતા. દરિયાની લેહરોની સાથે જ અમારા પ્રેમની ભરતી ઓટની શરૂઆત થઇ હતી. હું નવો નવો જ મુંબઈમાં આવ્યો હતો. કોર્પોરેટ આઈ. ટી કંપનીમાં જોબ કરતો એટલે સવારે 9 વાગ્યાથી સાંજના 6 સુધીનો ટાઈમ હતો. દાદરમાં કંપની હતી ત્યાંથી છૂટીને લોકલ ટ્રેનમાં વિલેપાર્લે અને ત્યાંથી ટેક્ષીમાં જુહુ બીચ અને ત્યાં સાંજને માણીને અંધેરીમાં એપાર્ટમેન્ટ હતો ત્યાં. રોજનું રૂટિન થઇ ગયું હતું મારુ આ. આમ તો 10-12 કિલોમીટર થઇ જાય પરંતુ મુંબઈમાં આટલું અંતર સામાન્ય ગણાતું હોય છે.


લગભગ અઠવાડિયું એકલો બેઠો અને ત્યારપછી મને સંધ્યાનો સાથ મળી ગયો. ત્યારે તો ખબર ના હતી કે મને સંધ્યા અને સંધ્યાનો સાથ જીવનભર મળી જશે. ત્યારથી લઇને આજ સુધી અમે અહીં રોજ આવીયે સાથે બેસીયે અને હવે જીવનમાં એક જીવન-સાથી તરીકે પણ સાથ મળી જવાનો છે. અમે બંને ખુશ હતા કારણ કે અમારો પ્રેમ, આંગળીના ટેરવાને બદલે આ કુદરતના ખોલે ખુબસુરતી વચ્ચે થયો હતો .


JW Marriot હોટેલની આગળની ભાગે જે બીચનો ભાગ હતો ત્યાં જ રોજ આવીને બેસવાનું નક્કી હતું. સંધ્યા પણ ત્યાં આવીને જ બેસતી હતી. શરૂઆતમાં તો અજાણ્યું લાગ્યું કેમ કે બંને માટે અજાણ્યું શહેર અને અજાણ્યા લોકો હતા. એ વાતોની શરૂઆત કરવામાં ચના-જોર ગરમ વાળા બંગાળી દાદાનો પણ હાથ હતો. એ સાંજે, દરરોજ કરતા સંધ્યા થોડી મોડી આવી અને ચિંતિત પણ જણાતી હતી. આવીને બેસી ગઈ ચુપચાપ કઈ પણ બોલ્યા વગર અને ચિંતામાં નખ ચાવવા લાગી. ત્યાં જ એ બંગાળી દાદા આવ્યા.  


“સાહેબ લોંગે ચના-જોર ગરમ”

“એ મેડમ કો ભૂખ લગી હૈ દે દો ના દાદા, કબ સે નાખુન ચબા રહી હૈ” વાતની શરૂઆત ક્યાંથી કરવી એ ખબર નહોતી પડતી પરંતુ આજે હિમ્મત કરીને બોલી જ દીધું.

“હા હા હા, ક્યાં દાદા આપભી, લો મેડમ ચના-જોર ખાઓ ઔર ટેન્સન ભગાઓ”

બન્નેએ ચાના-જોર ગરમ લીધા અને વાતોની શરૂઆત થઇ.

“કયું આજ ટેન્સન મેં લગ રહે હો” મેં સંધ્યાને પૂછ્યું.

“ગુજરાતીમાં બોલોને હું પણ ગુજરાતી જ છું“

“ઓહ વાહ ભઈ વાહ અજાણ્યા શહેરમાં ગુજરાતી આથી વિશેષ શું હોય”

“બાય ધ વે હું સંધ્યા સંઘવી અહીં અંધેરી વેસ્ટમાં રહું છું અને અહીં જ નજીક વિલે પાર્લેમાં મારી કંપની છે. હું આઈ.ટી કંપનીમાં વેબ ડિઝાઈનર તરીકે કામ કરું છું. અને તમે ?“ જાણે એ પેહલાથી જ જાણતી હોય એમ તેણે વાતની શરૂઆત કરી.

“હું ક્ષિતિજ ભારદ્વાજ, હું અહીં TCSમાં પ્રોજેક્ટ મૅનૅજર છું. અહીં જ અંધેરીમાં જ મારુ એપાર્ટમેન્ટ છે અને દાદરમાં મારી ઓફિસ”

“પણ તમે મારા સવાલનો જવાબ ન આપ્યો” મેં સંધ્યાને જ્યાંથી અધૂરું હતું ત્યાંથી પૂછ્યું.

“જવા દો ને હવે, દાદા એ શું કીધું કે લોકો અહીં ટેન્સનને દરિયામાં પધરાવવા આવે છે મેં પણ એ જ કર્યું “

“વાહ વેલ ડન, સાચી વાતને બહુ જ ઝડપથી સ્વીકારી લીધી.”

“સાચું તો સ્વીકારવું જ રહ્યુંને”

“હમ્મ, એ તો છે જ ને, ચાલો તો નિકળીયે, 9 વાગ્યા હવે“ ક્ષિતિજે જવા માટે પહેલ કરી.

“તમારે ક્યાં જવાનું”

“મારે અંધેરી મેટ્રો સ્ટેશન છે ને ત્યાંજ, ત્યાંથી થોડું ચાલતા જ મારુ એપાર્ટમેન્ટ આવી જાય”

“ઓકે ચાલો તો ટેક્ષીનું શેરિંગ મળી ગયું.” સંધ્યા ચાલવા ઉભી થઇ અને થોડી મલકાઈ.


બસ એ દિવસેથી લઈને આજ સુધી અમારું દરરોજ લગભગ નક્કી જેવું જ હતું, કે બન્ને અહીં બીચ પર બેસવા મળીયે, ત્યાં સારો એવો ટાઈમ પસાર કરીને સાથે જ ટેક્ષીમાં પોતપોતાના ઘરે જતા રહીયે. મારા અને સંધ્યાના સ્વભાવમાં સામ્યતા હતી. બંને શાંત અને શીતળ સ્વાભાવના. વ્યવહારમાં એક દમ પ્રેકટીકલ અને સાચું હોય કે ખોટું સામે જ કહી દેવા વાળા. એકબીજાને કઈ સાચું-ખોટું કહીયે તો વાતને લઈને ક્યારેય નોક ઝોક ન થાય.


આમ જ વાતો વાતોમાં અમે બન્ને બોવ જ સારા દોસ્ત બની ગયા અને દોસ્તી પ્રેમમાં ક્યારે પરિણામી ખબરજ ના પડી. આ પ્રેમ થવો અને પ્રેમની સફળતા પાછળનું કારણ હતું. એ કારણ એ હતું કે અમે બન્ને એકબીજા માટે જે વિચારતા કે અનુભવતા તે કહી દેતા ફોનમાં કે ચેટમાં નહિ પરંતુ એકબીજાની સામે એકબીજાની આંખોમાં આંખ પરોવીને. એ પછી પ્રેમ હોય કે ગમો-અણગમો. વહાલ હોય કે ગુસ્સો. જે વાત કેહવાની હોય અને ના કહેવાની એ વાતનું મૌન પણ.  


સાચું કહું, મેં અને સંધ્યાએ ક્યારેય ચેટમાં વાત કરી જ નથી. કોલ કરે અને વ્યસ્ત હોય તો ભૂલથી પણ ઓટો મેસેજનો ઓટો રિપ્લાય પણ નહિ મોક્યો હોય. અમે ખુશ હતા કે અમારો પ્રેમ આ સોશિયલ મીડિયા અને નેટના તાંતણાથી ક્યાંય દૂર હતો. અમારી બંને વચ્ચે માત્ર અમારી જ દુનિયા હતી.


આ દરિયાની ભરતી ઓટ અને ખુબસુરત રંગબેરંગી સાંજ જેવો જ અમારો પ્રેમ હતો. ભરતી આવે તો એકબીજાને પ્રેમથી તારવી લેતા અને જો ઓટ આવે તો એકબીજાને પ્રેમની ભીનાશથી ભીંજવી દેતા હતા. આ બધા વચ્ચે અમારા પ્રેમના રંગ ને ક્યારેય ઝાંખો પાડવા દીધો નથી. અને ઉપરથી દાદાના પ્રેમભર્યા ચટપટા પણ બંગાળી પ્રેમની મીઠાશથી ભરેલા ચના જોર ગરમ.


Rate this content
Log in

Similar gujarati story from Romance