JHANVI KANABAR

Drama Horror Thriller

4.1  

JHANVI KANABAR

Drama Horror Thriller

ચીસ

ચીસ

7 mins
23.9K


   (આ વાર્તાના પાત્રના સાચા નામ અને જગ્યા ગુપ્ત રાખવામાં આવી છે.)

   અનુપ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવા મુંબઈ આવ્યો હતો. તેનું એડમિશન મુંબઈની એક કોલેજમાં થઈ ગયું. અહીં તેણે કોલેજની જ હોસ્ટેલમાં એડમિશન લીધું હતુંં. કોલેજના પહેલા જ દિવસે સિનિયર્સ દ્વારા રેગીંગ થયું. આ કોલેજમાં સિનિયર્સનો રેગીંગ બાબતે ખૂબ જ ત્રાસ રહેતો પણ અનુપે પહેલા જ દિવસે રેગિંગ દરમ્યાન સિનિયર્સ જોડે દોસ્તી કરી લીધી. હવે તે કોલેજના અભ્યાસ પછી હોસ્ટેલમાં વધુ સમય તેના સિનિયર્સ રાજન અને દીપક જોડે જ વીતાવવા લાગ્યો હતો. સિનિયર્સનું હોસ્ટેલ બિલ્ડિંગ અલગ હતુંં. આ હોસ્ટેલ બિલ્ડિંગને સ્ટુડન્ટ્સ 'હવેલી’ કહેતા. તે લાગતું પણ એકદમ ખંડેર જેવું. જાણે કોઈ નવવધુ જેવી લાગતી હવેલી વિધવા થઈ ગઈ હોય તેવું તેનો દેખાવ હતો.

   અનુપની રાજન અને દીપક જોડે અહીં રોજની બેઠક હતી. અનુપે શરૂઆતમાં માર્ક કર્યું કે, રોજ રાતના બાર વાગ્યાથી એક વાગ્યા સુધી બારણા પછડાવવાનો ધબાક ધબાક એવો જોરજોરથી અવાજ આવતો. એકવાર અનુપે આ વિશે દીપક અને રાજનને પૂછ્યું. દીપકે કહ્યું, `હા, એ તો રોજનું છે, ઉપરના માળથી આ અવાજ અમને પણ સંભળાય છે... કંઈક અજુગતુ તો છે જ પણ અમે ધ્યાન નથી આપતા.’ બીજે દિવસે ફરી બાર વાગ્યા પછી પાછો ધબાક ધબાક અવાજ આવ્યો. આ વખતે અનુપે રાજન અને દીપકને ઉપર જઈને ચેક કરવા કહ્યું. અનુપ, રાજન અને દીપક ઉપરના માળ પર ગયા. ત્યાં એકજ રૂમ હતો અને એને પણ તાળુ હતુંં. ત્રણેય મિત્રો પાછા રૂમ પર આવી ગયા. રાજન અને દીપકને આલ્કોહોલની આદત હતી. તેઓએ અનુપને પણ આ ખરાબ આદત પાડી દીધી હતી. રૂમ પર પાછા આવી ત્રણેય મિત્રોએ ડ્રિંક કર્યું. અનુપે વધારે ડ્રિંક લઈ લીધુ, એટલે દીપક અને રાજને તેને પોતાના રૂમમાં જ રાતે સૂઈ જવા કહ્યું. અનુપ ત્યાં જ સૂઈ ગયો. એ સમયે ગરમીનો અસહ્ય ત્રાસ હતો. અડધી રાત્રે અનુપને ખૂબ જ પરસેવો થતાં તે ઊઠી ગયો અને ગરમીથી રાહત પામવા બાથરૂમમાં નહાવા ગયો. બરાબર બે વાગ્યાનો સમય હતો. અનુપે પોતાના કપડા ઉતાર્યા ત્યાં જ અચાનક બાથરૂમની લાઈટ ઓફ થઈ ગઈ. પંદર સેકન્ડ પછી લાઈટ પાછી આવી. અનુપને રાહત થઈ ત્યાં તો પાછી લાઈટ ઓફ થઈ ગઈ. અનુપ ડરી ગયો હતો એટલે તેણે નહાવાનું માંડી વાળ્યું અને કપડા પહેરી બહાર નીકળી ગયો. આવીને તેણે સૂવાની કોશિષ કરી, પણ તેને ઊંઘ ન આવી. એક કલાક પડખા ફર્યા પછી, તેની આંખો મીંચાઈ ગઈ. એટલામાં તેને પોતાના ઉપર કંઈક ભારેભારે લાગવા માંડ્યું. અતિશય વજન લાગતા તેની આંખો ખૂલી ગઈ. જોયું તો એક ખુલ્લા અસ્તવ્યસ્ત વાળ, સફેદ ચહેરા પર આંખોની જગ્યાએ માત્ર બે કાળા ધાબા અને કાળા ગાઉનમાં એક સ્ત્રી તેના પર ઘૂંટણભેર બેઠી હતી. અનુપ એક ભયાનક ચીસ નાખી બેહોશ થઈ ગયો.

   `ઊઠ ઊઠ અનુપ.. શું થયું ?’ જેવા બોદા અવાજો કાને પડતા અનુપને કળ વળી. તેણે જોયું તો દીપક અને રાજન તેને હચમચાવી ઉઠાડી રહ્યા હતા. `શું થયું યાર ? તારી ચીસ સાંભળી.. છેલ્લા અડધી કલાકથી ટ્રાય કરીએ છીએ તને ઉઠાડવાનો..’ અનુપે કંઈ જ જવાબ આપ્યા વગર મોબાઈલમાં સમય જોયો. પરોઢના પાંચ વાગી ગયા હતા. ઉનાળાનો સમય હોવાથી આછુ અજવાળુ થઈ ગયું હતુંં. તેણે કંઈ જ બોલ્યા વગર પોતાના ચંપલ પહેર્યા અને ઝડપભેર એ હોસ્ટેલબિલ્ડિંગની બહાર નીકળી પોતાના બિલ્ડિંગમાં આવી ગયો.

   આખો દિવસ અનુપ કોલેજમાં પણ ડિસ્ટર્બ રહ્યો. તેના મગજમાંથી વિચારો જતા નહોતા. એ દિવસે તે એ હોસ્ટેલ બિલ્ડિંગમાં ગયો જ નહિ. રાજન અને દિપકને નવાઈ લાગી અને તેઓ અનુપને મળવા આવ્યા. અનુપે એ રાતે શું બન્યું એ બધી જ વાત રાજન અને દિપકને કરી. રાજન અને દિપક બંને ડરી ગયા હતા, કારણકે રોજ બારણાનો અવાજ સાંભળવાથી તેમને અંદાજો તો હતો જ કે, કંઈક ગરબડ છે. તેમણે હોસ્ટેલના ઈન્ચાર્જને બધી વાત કરી, પણ તેમણે `આવું કંઈ જ ન હોય. તમારા જેવા એજ્યુકેટેડ સ્ટુડન્ટ્સને આ ન શોભે’ કહી વાત રફેદફે કરી નાખી.

   આમ ને આમ બે-ત્રણ દિવસ વીતી ગયા. રાજન અને દિપકને અનુપ કોલેજમાં જ મળતો. તેણે રૂમ પર આવવાનું બંધ કરી દીધુ હતું. આજે દીપક અને રાજને નોટિસ કર્યું કે, રાત્રે દરવાજાનો અવાજ સંભળાતો નહોતો. થોડી રાહત સાથે બંને મિત્રો સૂઈ ગયા. રાતના લગભગ બે વાગ્યાની આસપાસ દિપકને કોઈ તેનું ઓઢવાનું ખેંચતું હોય એવું લાગ્યું. બે-ત્રણ વાર આ ક્રિયા ચાલી, અંતે દિપકની આંખ ઊઘડી. આંખ ખોલતા જ તેની નજર ઉપર છત પર પડી, એવી જ સ્ત્રી ખુલ્લા વાળ, સફેદ ચહેરા પર કાળા ધાબા વાળી આંખો અને કાળુ ગાઉન.. આ સ્ત્રી ઘુંટણભેર ઉંધી છત પર ચાલી રહી હતી. દિપકની ચીસ નીકળી ગઈ અને તે પલંગ પરથી નીચે પડી ગયો. ત્યાં એ જ સ્ત્રી પલંગની નીચે તદ્દન દિપકની નજીક હતી. દિપક પણ કારમી ચીસ નાખી બેહોશ થઈ ગયો. થોડીવારે તેને હોશ આવ્યો તો રાજન તેની પાસે બેઠો હતો. રાજને દિપકને પૂછ્યું, `શું થયું દિપક ? આજે તારી જોરથી ચીસ સાંભળી હું પણ ડરી ગયો હતો. બોલ યાર શું થયું હતુંં ?’ દિપકે પાણી પીધું અને તેને સંકેત દ્વારા બહાર મળવાનું કહ્યું.

   દિપકે બીજે દિવસે રાજન અને અનુપને પોતાની સાથે બનેલી ઘટના કહી. હવે તેઓ ખૂબ ડરી ગયા હતા. આ રૂમમાં રહેવા નહોતા માંગતા. તેમણે ડિનને રૂમ ચેન્જ કરવા માટેની અરજી કરી, પણ એન્યુઅલ એક્ઝામ પાસે જ હતા અને માત્ર પંદર જ દિવસનો સવાલ હતો એટલે રૂમ બદલી આપવાનો તેમણે ઈન્કાર કર્યો.

   પરીક્ષા નજીક હોવાથી બધા ભણવામાં વ્યસ્ત થઈ ગયા. એકવાર રાજન અડધી રાત્રે દર્દથી ચીસ પાડી બેહોશ થઈ ગયો. દીપક તેની ચીસથી ડરી ગયો અને તેને હોશમાં લાવવા પ્રયત્ન કર્યો. રાજન હોશમાં આવ્યો અને તરત તેણે પોતાના જમણા હાથના કાંડા તરફ જોયું. દિપકના હોશ ઊડી ગયા. રાજનના હાથના કાંડા પરથી લોહી અને માંસ બહાર નીકળી ગયું હતુંં. કોઈએ જોરથી બટકુ ભરી તેને નોચી લીધું હોય એવું લાગ્યું. એટલામાં બાથરૂમમાંથી કોઈનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. કાંડા પર રૂ મૂકી રાજન અને દિપક અવાજની દિશા તરફ ગયા. બાથરૂમનો દરવાજો ખોલતા જ જોયું તો, એ જ સ્ત્રીના મોઢામાં રાજનના હાથના માંસનો ટુકડો હતો. બંને જણે ત્યાંથી લગભગ દોટ જ મૂકી અને હોસ્ટેલની બહાર નીકળી ગયા. હવે સહન થાય એવું નહોતું એટલે તેમણે કોલેજના પ્રિન્સિપાલને ફરિયાદ કરી. ગમે તેમ કરી રૂમ ચેન્જ કરવા કહ્યું. દીપક અને રાજનની હાલત જોઈ પ્રિન્સિપાલે રૂમ ચેન્જ કરી દીધો. અનુપ, દીપક અને રાજનને હાશકારો થયો.

   પણ હજુ મુસીબત ટળી નહોતી. જે તેમની સાથે એ રૂમમાં થયું એ જ હવે તેમને વારેવારે સ્વપ્નમાં આવવા લાગ્યું. એકવાર તો હદ થઈ ગઈ. દીપક ઊંઘમાં બે અવાજોમાં બોલતો હતો... `હું બહાર આવી ગઈ છું. નહી છોડું કોઈને... હા હા હા હા...’ રાજન ખૂબ ડરી ગયો હતો. પરીક્ષાની તૈયારી પણ મન દઈને કરી શકતો નહોતો. એ તો ઠીક પણ હવે આલ્કોહોલ પણ કંઈ કામ નહોતો આવતો.

   પરીક્ષાના પહેલા દિવસે સિક્યોરિટી ગાર્ડે રાજનને રોકી તેને કહ્યું, `તમને લોકોને આ હોસ્ટેલ બિલ્ડિંગમાં કંઈક અજુગતુ અનુભવાયું ને ?’ રાજનને આ ગાર્ડ પાસે કંઈક ઉપાય મળી રહેશે એવું લાગતા તેણે બધી વાત કરી. ગાર્ડે તેને એક બાબાનું એડ્રેસ આપ્યું. રાજને હવે આ પરિસ્થિતિમાંથી ગમે તેમ બહાર આવવાનું નક્કી કર્યું.

   એ જ દિવસે રાજન, દિપક અને અનુપ ત્રણેય એ બાબા પાસે ગયા. સઘળી વાત જાણી બાબાએ રાજનના કાંડા તરફ જોયું. થોડીવાર બાબાએ આંખો બંધ કરી ધ્યાન ધર્યું. લગભગ પંદરેક મિનિટ પછી બાબાએ આંખ ખોલી અને વાતની શરૂઆત કરતા કહ્યું, `વર્ષો પહેલા આ હોસ્ટેલની જગ્યાએ એક હવેલી હતી. ત્યાં એક દંપતી રહેતું હતુંં. પતિ ખૂબ જ વ્યભિચારી હતો, તે રોજરોજ નશો કરી આવતો અને પોતાની પત્નીને મારતો. એકવાર મારઝૂડ કરતાં કરતાં તેની પત્નીને ધક્કો વાગ્યો અને તે હવેલીના ત્રીજા માળેથી નીચે પડી, નીચે જ કંઈક અણીદાર વસ્તુ ભોંકાતા તેનું મૃત્યુ થયું. આ બધું અડધી રાત્રે થયું. પતિએ તેની લાશ એ જ ત્રીજા માળના રૂમમાં ભીંતમાં જ ચણી દીધી અને એ રૂમને અઘોરીઓની મંત્રવિદ્યાની મદદથી બંધ કરી દીધો. હવે તે સ્ત્રીની આત્મા શક્તિશાળી બની ગઈ છે અને બહાર નીકળી ગઈ છે. એટલે જ હવે ત્યાં બારણા પછડાવાનો અવાજ બંધ થઈ ગયો છે.’

  અનુપ, રાજન અને દિપક વાત સાંભળીને જાણે કાપો તો લોહી ન નીકળે એવા ઠંડા થઈ ગયા. હિંમત કરી અનુપે પૂછ્યું, `હવે આનો શું ઉપાય બાબા ? રૂમ તો અમે છોડી દીધો પણ હજુ પણ તે હેરાન તો કરે જ છે.’

   `એ પ્રેતાત્મા બદલો નહિ લે ત્યાં સુધી તે ભટકતી જ રહેશે. એમાંય આ છોકરાનું લોહી ચાખી લીધું છે, એટલે એ છોડશે તો નહિ તેથી આ ઘા રૂઝાય નહિ ત્યાં સુધી એ જગ્યાએ જતાં પણ નહિ. આ લો તાવીજ અને હનુમાનજીની છબી. તમારા બધા પાસે રાખજો. એ પ્રેતાત્મા કંઈ જ નહિ કરી શકે.’ બાબાએ ઉપાય બતાવતા કહ્યું.

   અનુપ, દિપક અને રાજન તાવીજ અને હનુમાનજીની મૂર્તિ લઈ રવાના થયા. હનુમાનજીની રક્ષાથી ત્રણેય જણે શાંતિથી પરીક્ષાઓ પૂરી કરી અને વેકેશન પડતાં જ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા.

   સિક્યોરિટિ ગાર્ડ પોતાની ડ્યુટી પતાવી, એ બિલ્ડિંગ પાસેથી પસાર થતો હતો ત્યાં ગેટ પાસે જ કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો.


Rate this content
Log in