છુટકારો
છુટકારો
આખું ગામ જ નહીં પણ આખી નાત વાતો કરતી હતી આજે, આ તે કેવું સાસરું આશા માટે શોધ્યું ?
આશા ભલે બહુ દેખાવડી ન હોય પણ ઘાટીલી તો ખરી જ, વળી ઉંમર પણ હજુ માંડ ૨૧ ની, હજુ મોટી છોકરી પણ બાકી તો આ આશા એ કેમ કરી હા ભણી હશે?
આવા કેટલાય સવાલોના જવાબ લોકો શોધી રહ્યા હતા..બીજે દિવસે આશા ઘરકામ કરવા પોંહચી એટલે તરત એની શેઠાણી એ કહ્યું,
'આશા, લોકો વાતો કરે છે કે તારું નક્કી કર્યું અને ૧૫ દિવસમાં લગ્ન છે ?'
હા, શેઠાણી..
(એકદમ ટૂંકો જવાબ, કોઈ ઉત્સુકતા નહીં કે કોઈ હરખની રેખા પણ એનાં મોઢા પર દેખાતી હતી)
' પણ તેં હા કેમ કહી ? મેં જાણ્યું કે એ બીજવર છે અને બે સંતાનો પણ છે ? હજુ તારી મોટી બહેન બાકી છે તો તું શું કામ હા કહે છે ? વાર છે હજુ મળશે સારું તારા લાયક'.
' હા બેન એ બીજવર છે, બે છોકરા
ઓ છે, મોટી છોકરી છે જે મારાં કરતાં ૪ વરસ નાની છે અને છોકરો ૯ વરસ નો...'
' શું ? આટલી મોટી ઉંમરનો વર ? ના પાડી દે તું, હું તારી મા ને વાત કરીશ..'
'ના બેન, મેં જ તો હા ભણી છે, મારી બેન ને જીભ તોતડાય એટલે એમણે ના પાડી અને મારું પૂછ્યું, એ શહેરમાં રીક્ષા ચલાવે છે અને એમનાં ઘરમાં કોઈ બૈરા કામ પર નથી જતાં, અને એ લોકોમાં કોઈ દારુ નથી પીતાં..
બેન, ભગવાન અમારા જેવી જિંદગી કોઈને ના આપે, ભણવું હતું ત્યારે માં જોડે લોકોના એંઠવાડ સાફ કર્યા, રોજ દારુ પીધેલ બાપ માં ને મારે અને છોડાવવા જતાં પોતેય માર ખાવાનો, અને શોખ ના નામે ફક્ત આ વિમલની પડીકી ખાવાની.
હવે બેન થાકી છું, આ જિંદગીથી છુટકારો મળશે એ જ આશાથી આ આશાએ હા ભણી છે....''
(શેઠાણી અવાક્ બની આ સદાય હસતી બેફીકરી છોકરીનાં હૃદયમાં દબાયેલા દર્દને જોઈ રહ્યા, સાચે આશાનો છુટકારો થયો..)