mariyam dhupli

Drama Thriller

4  

mariyam dhupli

Drama Thriller

છટકબારી

છટકબારી

9 mins
297


"પચીસ વર્ષની હતી જયારે મારા નાનકડા ટાઉનમાંથી હું આ મહાનગરીમાં ભાગી આવી હતી. મારી યુવાન આંખોમાં હજારો સ્વપ્ન હતાં. બી એ નું ભણતર ફર્સ્ટ ક્લાસ જોડે પૂરું કર્યું હતું. જ્યાં દીકરીઓને ઈમરજન્સી કે કટોકટી કે લગ્ન પ્રસંગો સિવાય ઘરમાંથી બહાર નીકળવાની અનુમતિ ન મળતી હોય એવા સમાજની વચ્ચે મારા બાપુએ મને ભણાવી. હું પગભર બનું એ માટે એણે લોકોના કડવા વેણ મૂંગે મોઢે પચાવી લીધા. મને વાંચનનો ભારે શોખ હતો. બાપુ સેકન્ડ હેન્ડ પુસ્તકો ઊંચકી લાવતા. ભાતભાતના ને જાતજાતના. હું એને બાની નજરથી છૂપાવી રાખતી. એની નજરે ચઢતું પુસ્તક સીધું કચરાપેટી ભેગું થતું અથવા અગ્નિએ ભડતુ થતું. 

" આટલા લાડ સારા નહીં. આટલું ભણાવી એ ઓછું છે ? ગામ આખું કેવી કેવી વાતો કરે છે. તમને શી લેવા દેવા ? તમતમારે સવારે ટિફિન લઈ નીકળી પડો ફેકટરીએ. દસ વાતો તો મારે સાંભળવી પડે. કોલેજમાં છોકરાઓ ને છોકરીઓ ભેગા મળે. હરે ફરે. શું શું નહીં કરે ? હું અહીં રસોડામાં પટકાયેલી ને તમે ફેકટરીમાં લોહી વહાવતા હોવ. તમને શી ખબર પડે કોલેજમાં શું થતું હોય ? દીકરી જાત છે. કાચ જોઈ લો. એક તિરાડ પડી કે કોઈ કિંમત નહીં આંકે એની. અન્ય છોકરીઓ પણ છે ને નાતમાં. કેવી કહ્યાગરી ! માબાપનો પડ્યો બોલ ઝીલે. ને એક આ તમારી સીતા. કઈ બોલો કે નાકના ટેરવા ચઢી જાય. આવા લખ્ખણ રહ્યા તો થઈ રહ્યા એના હાથ પીળા. તમેજ બગાડી મૂકી છે. આટલું ભણાવીને શું કરવાનું છે ? ચૂલોજ ફૂંકવાનો છે મારી જેમ. બે રોટલા બનાવતા આવડશે તો ઘર માંડી શકશે. નહીંતર આ બળ્યું અંગ્રેજી બુદ્ધિ ભ્રષ્ટ કરી મૂકશે એની. દીકરી હાથમાંથી નીકળી ગઈ તો મારી પાસે રડવા ન આવતા. "

બાના શબ્દો અમારા શ્વાસ રૂંધાવી મૂકતા. નામનાજ ઓરડાવાળાં ખખડધજ ઘરનું વાતાવરણ વધુ અસહ્ય બનાવી મુકતા. ભીંત ઉપરથી ઊડી ગયેલ રંગ બાપુના ચહેરાના રંગ જોડે આબેહૂબ મેળ ખાતો. એ ભીંત કોઈ નવા રંગ માટેની આશ વર્ષોથી છોડી ચૂકી હતી. એમજ બાપુ પણ જીવન પાસેથી નવી અપેક્ષાઓની કોઈ ચમત્કારિક આશ છોડી ચૂક્યા હતાં. પત્નીનો કકળાટ એના શરીર અને મનનો વર્ષો જૂનો થાક હતો અને એની ઉપર કાનમાં આડોશ પાડોશથી ભેગો થતો વિચારોનો કચરો. એ બાને એમજ સ્વીકારી ચૂક્યા હતાં. હવે આ ઉંમરે બાથી જુદા થવું એમને સામાજિક અને માનસિક બન્ને સ્તરે પોષાય એમ ન હતું. ક્યારેક મને લાગતું બાપુએ જાણે કોઈ સમજ રૂપી અદ્રશ્ય ઈયરફોન કાને લગાડી દીધા હતાં. જે બાનો અવાજ મન સુધી પહોંચવા દેતાજ નહીં. તેથીજ તો બાના રોજિંદા બૂમ બરાડાઓ વચ્ચે પણ એ ફેકટરીના થાક જોડે નસકોરા બોલાવતા શાંતિએ ઊંઘી જતા. પણ મારી ઉંમરમાં હજી એ સમજ વિકસીજ ક્યાં હતી ? 

બા પોતાના બૂમ બરાડાઓથી છાતી દુઃખાવી થાકીને ઘેનને વશ થતીજ કે હું મારા પુસ્તકોની છટકબારીમાંથી એ અરુચિકર સૃષ્ટિમાંથી પોતાનો જીવ બચાવી અવનવી સ્વપ્નસૃષ્ટિઓમાં વ્યસ્ત થઈ જતી. એ સમયે સમાજના મહેણાં ટોણા, બાની કડવી વાતો કે ઘરની જર્જરિત રંગના આવરણો વિનાની ભીંત દૂર દૂર સુધી મને સ્પર્શી શકતી નહીં. હું ભાગી છૂટતી. લોકોએ નક્કી કરેલા નીતિનિયમોનાં શાસ્ત્રોને અંગુઠો બતાવતી. જ્યાં બાપુ ઉપર બાની દાદાગીરી હું નિહાળી ન શકું. જ્યાં બા જેવુંજ નીરસ મારું ભાવિ મને ડરાવતું ન હોય. જ્યાં લગ્ન ફેરાજ સ્ત્રી માટે સર્વસ્વ ન હોય. જ્યાં કલ્પનાની કોઈ મર્યાદા ન હોય. જ્યાં કઈ પણ અશક્ય ન હોય. બધુજ કાલ્પનિક છતાં હકીકતથી પણ વધુ સાચું હોય. મારું અને ફક્ત મારું વિશ્વ. જ્યાં બા તો શું ? સમાજનો કોઈ માઈકેલાલ પગ પસારવાનું વિચારી પણ ન શકે. 

જે બાપુએ મારો એ અલૌકિક સૃષ્ટિ જોડે પરિચય કરાવ્યો એ થોડાંજ મહિનાઓમાં લૌકિક જગતને છોડી ગયા. મને છોડી ગયા. પૈસાના અભાવે છાનીમાની ધરબી રાખેલી માંદગી એવી ફાટી કે.....

અને એમની વિદાય જોડે એ અલૌકિક સૃષ્ટિ પણ મારા હાથમાંથી સરી પડી. મારા અભ્યાસ પર બાપુના જીવન ઉપર લાગેલું પૂર્ણવિરામ આવી નડ્યું. બાએ આગળનો અભ્યાસ અટકાવી રસોડાની વાટ દેખાડી. બે રોટલા ટીપવા શરૂ થયા. બાના બૂમ બરાડાઓ બાપુનાં ગયાં પછી બમણાં થઈ ગયા. હું નોકરી કરવા તૈયાર હતી. પણ બાને પોતાની સામાજીક ફરજ જેમ બને એમ જલ્દી પતાવી ગંગા નહાવું હતું. 

" દીકરીની કમાઈ ન ખપે. લોકો ઓછું બોલે છે કે હવે તને નોકરી કરાવું. તારો હાથ કોઈ થામી લે ને હું છૂટું. તારો બાપુ તો એની ફરજ મારા માથે લાદી મુક્ત થઈ ગયો. ભીખ માંગીશ પણ તારા કમાયેલા પૈસાથી આ ઘર તો નજ ચાલે. "

બાના શબ્દો અંતર કોતરી ખાતા. ન તો હવે બાપુ હતાં, ન મારું છટકબારી વાળું વિશ્વ. કોઈ પંખીની પાંખ કપાઈ ગઈ હોય એવી લાચારી જોડે હું બાના બૂમબરાડાઓ વચ્ચે દરરોજ બે રોટલા ટીપતી. 

અને એક દિવસે બાના ચહેરા ઉપર અચાનક એવા હાવભાવો એ દર્શન આપ્યા જે પહેલા કદી એ ઘરની ભીંતો એ જોયા ન હતાં. એના ચહેરા ઉપરનું મધુર હાસ્ય મનમાં ઊઠી રહેલા સંતોષમાં ડૂબકી લગાવી રહ્યું હતું. એ કેટકેટલો સામાન બજારથી ખરીદી લાવી હતી. નવા વસ્ત્રો, નવી મોજડી, નવા લટકણિયાં. બધું એક પછી એક મારા શરીર ઉપર એ રીતે લાદી રહી હતી જાણે બલી ચઢાવવા પહેલા કોઈ પ્રાણીને શણગારવામાં આવી રહ્યું હોય. એની લાલ લિપસ્ટિકનો સ્વાદ આજે પણ હોઠથી છૂટો થયો નથી. મને ઘરના એક ખૂણે ઢીંગલી જેમ ગોઠવી એ આગંતુકને સત્કારવા ભાગી છૂટી હતી. 

" બસ આજે હા થઈ જાય. યુવક વિદેશનો છે. જીવન સુધરી જશે તારું. "

મારી નજર ચોરીછૂપે ઘરના આગળ તરફના ભાગ ઉપર મંડાઈ. એ યુવક ક્યાં હતો ? એક આધેડ વૃદ્ધ પુરુષ. હું એની પત્ની નહીં, દીકરી લાગીશ. મારું શરીર ધ્રૂજવા માંડ્યું હતું. મારા કાન ઉપર અચાનક બાપુનાં નસકોરા સંભળાયા. મારી નજર હેબતથી ચારે દિશામાં ફરી વળી. બાપુ ક્યાંય ન હતાં. ફક્ત એક નાની બારી જે ઘરનાં પાછળના ભાગ તરફ ખુલ્લી મૂકાઈ હતી અને હવાથી આમતેમ અફળાઈ રહી હતી. 

મારી છટકબારી !

મનમાંથી પડઘો ઝીલાયો. એક એવું વિશ્વ જ્યાં બાના બૂમ બરાડા ન હોય, જ્યાં બા જેવું નીરસ ભાવિ ન હોય, જ્યાં લગ્ન ફેરા જ સ્ત્રી માટે સર્વસ્વ ન હોય, જ્યાં કલ્પનાની કોઈ મર્યાદા ન હોય, જ્યાં કશું અશક્ય ન હોય, ફક્ત મારું અને મારું વિશ્વ...!

એ છટકબારીમાંથી એક કૂદકો લગાવી હું સમાજે નક્કી કરેલા નીતિનિયમોનાં શાસ્ત્રોને અંગુઠો બતાવતી ભાગી છૂટી. એટલી દૂર નીકળી ગઈ જ્યાં કોઈ મારી જૂની ઓળખ પારખી ન શકે. નવું જગત જેટલું કાલ્પનિક લાગી રહ્યું હતું એટલુંજ હકીકતની નજીક પણ. મહાનગરીના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર મધ્યરાત્રીએ મારું શણગાર સજેલું શરીર ઉતર્યું. રાત્રીના ભેંકાર વચ્ચે હું ચાની લારી ઉપર આવી ગોઠવાય. મારી આંખો ચારે દિશામાં મૂંઝવણથી ફરી રહી હતી. ચાની સુગઁધ ભૂખથી નિધાળ સ્નાયુઓને લલચાવી રહી હતી. નવું શહેર, નવું જીવન પણ એજ જૂની ભૂખ. આંખો સામે ધરવામાં આવેલા ગરમ સમોસાને ટાળવું અશક્ય હતું. શીઘ્ર પડીકું હાથમાં ઝુંટવી હું રીતસર તૂટી જ પડી. બે સમોસા નામનીજ ક્ષણોમાં હું ગળી ગઈ. ગરમ ચાની પ્યાલી એકજ શ્વાસે ગટગટાવી ગઈ. ત્યાર બાદ આગળ ધરનાર વ્યક્તિને નિહાળવાની ફૂરસદ મળી. 

" ઈતની દેર રાત ઈસ સ્ટેશન પે એસે તૈયાર હોકર.....કહાઁ સે આયી હો ? નામ ક્યા હે તુમ્હારા ? " 

વૃદ્ધ સ્ત્રીના પ્રશ્નો સાંભળ્યાં છતાં ન સમજવાનો ડોળ રચ્યો. પોતાની ચાની લારી ઉપર પહોંચેલા નવા ગ્રાહક માટે ચા કાઢવા એ પાછળ તરફ ગઈ. મને તાકી રહેલી ચા પીવા આવેલા પુરુષની નજરમાં વાસના અને હવસ છલકાઈ ઊઠી. હું અંદરોઅંદર ધ્રૂજી ઊઠી. ચાની પ્યાલી ગ્રાહક આગળ ધરતી એ વૃદ્ધ સ્ત્રી મારી અને એ પુરુષની વચ્ચે અભેદ દીવાલ બની ઊભી રહી ગઈ. મારા મનમાં હાશકારો થયો. 

" મેરા ઘર પાસમેં હી હે. તુમ ચાહો તો આજકી રાત ઠહર જાઓ. કલ સુબ્હ નયા ઠિકાના ઢૂંઢ લેના. રાજુ, સંભાલ લેના. " 

પોતાના દીકરાની આયુના યુવકને લારી સંભાળવાનો આદેશ આપી એ અનુભવી જીવ રેલવે સ્ટેશનના બહારના માર્ગ તરફ ઉપડી. મારા ડગલાં અનાયાસે એની પાછળ દોરવાયા. એની ખોલીમાં પ્રવેશતાંજ અચાનક મારું રંગ વિહીન ભીંત વાળું ઘર મને મહેલ હોવાનો ભાસ થયો. એકજ રાત્રિનો પ્રશ્ન હતો. મારા ભારેખમ પોશાક અને ઘરેણાં જોડે મેં કોઈ પણ પાથરણાં વિના લંબાવી મૂક્યું. થાકથી નિધાળ મારું શરીર શીઘ્ર જ નિંદ્રાધીન થઈ ગયું. જયારે મારી આંખો ખૂલી ત્યારે એ વૃદ્ધ સ્ત્રી મારી નજીક હતી. હું કોઈ પણ પ્રકારનું હલનચલન કરું એ પહેલા મારાં શરીરમાં એક પીડા દાયક સોંય ભોંકાઈ. પછી શું થયું કશું યાદ નથી. ફક્ત એટલુંજ યાદ છે કે ત્યારથી જ હું અહીં છું. 

વર્ષો વિતી ગયા. 

હમ હે યહીં. હમ થે જહાં. અપને યહીં દોનો જહાં. ઈસકે સિવા જાના કહાં ? "

એક ખડખડાટ હાસ્ય જોડે પોતાની જીવન કથા એણે ફરી એકવાર પૂરી કરી. કેટલા વર્ષોથી આ સત્ય કથા એ અગણિત પુરુષોને સંભળાવી ચૂકી હતી. કદચ કોઈના મનમાં કોઈ માન સન્માન જાગી ઊઠે અને એ એમની નજરમાં પણ ડોકાય આવે. એજ એકમાત્ર આશ જોડે. પણ દર વખતે એ જુદી જુદી આયુ, જુદી જુદી માનસિકતા અને જુદા જુદા વર્ગ અને જાતિના પુરુષોની નજરમાં એક સમાન લાલસા સિવાય કશું નજરે ચઢતું નહીં. એને નવાઈ લાગતી. અહીંથી બહાર જઈ અંદરોઅંદર કેવા લડતા ? જાતિને નામે, ધર્મને નામે, આર્થિક સ્તરને નામે. પણ અહીં આવી બધાંજ એકસરખા. ચાલો, ક્યાંક તો સમાનતાનો સ્વીકાર હતો ! 

પરંતુ સામે લેપટોપ ઉપર બેઠા પુરુષની વાતજ જુદી હતી. એની સિગારેટ નિયમિત ટેવ પ્રમાણે ઓરડાને ધુમાડાના ગોળ ગોળ ચક્કરોથી ભરી રહી હતી. પોતાની જીવન કથા સાંભળી એનો પ્રતિભાવ જરૂર અન્ય પુરુષો કરતા જુદો જ હશે એની મનમાં ખાતરી હતી. એ લેપટોપ પાસે પહોંચી. શર્ટ વગરની ગરદન ઉપર હળવેથી મસાજ આપવાનું શરૂ કર્યું. પુરુષની નજર હજી પણ એજ વેબસાઈટ ઉપર હતી જ્યાં દરેક વખતે ચોંટેલી રહેતી. એણે ટાઈપિંગ વડે અંતિમ વાક્યને પૂરું કર્યું. 

આ શું? 

એણે તો અન્યજ કોઈ વાર્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પોતાની વાર્તા ઉપર. 

આંચકો લાગ્યો. 

પણ ભાવનાઓ ઉપર કાબુ સશક્ત હતો. 

સામે બેઠો પુરુષ એના વ્યવસાયમાં નિપૂણ હતો. તેથીજ તો ઘરનો શોર, પત્નીની કચકચ અને બાળકોના ધમાલથી દૂર એ અહીં પોતાની વાર્તાઓ લખવા આવતો. અહીં કોઈ ખલેલ પહોંચાડી શકતું નહીં. થોડા સમય પહેલા હૃદયમાંથી નીકળેલી કોઈની સત્ય જીવનકથા પણ નહીં. 

એને તો હતું કે એક સંવેદનશીલ જીવ કદાચ એની સત્ય જીવનકથામાં રસ દાખવશે. પણ.....

પુરુષનું યુવાન, સુડોળ શરીર પાછળની દિશામાં ફર્યું. લેપટોપની સ્ક્રીન ઉપર અંધકાર છવાઈ ગયું. વાર્તા સમાપ્ત કર્યાની તૃપ્તિ એનાં રોમેરોમમાં છવાઈ ગઈ. હવે એ ઓરડામાં અન્ય કોઈ પણ હતું એનું ભાન થયું. સામેના શરીર જોડે સમય વિતાવવાની મોં માંગી કિંમત ચૂકવી હતી એ પણ યાદ આવ્યું અને ઓરડાની વીજળી પણ બંધ થઈ ગઈ. 

વીજળી જયારે પરત થઈ ત્યારે લેપટોપ બેગમાં સજ્જ હતું અને યુવાન શરીર એના વસ્ત્રોમાં. એના યુવાન ચહેરા ઉપર અનેરી ચમક હતી. સંતોષ અને તૃપ્તીની. સામેની પથારી ઉપરનું આધેડ સ્ત્રી શરીર હજી પણ ત્યાંજ હતું. 

" મજા આવી ગઈ. મન થાય છે જે માંગે એ આપી દઉં. બોલ શું જોઈએ છે ?" 

અલાદીનના ચિરાગનો જીની જાણે સામે ઊભો હતો. 

સ્ત્રીએ પોતાના વસ્ત્રો ચઢાવતા એ યુવાન આંખોમાં પોતાની આંખો સ્થિર કરી. 

" સમાજમાં માન, સન્માન અને આદર !"

યુવાન ખડખડાટ હસી પડ્યો. એની સિગારેટ ઓરડાને ફરીથી વર્તુળાકાર ધુમાડાથી છલકાવી બહારની દિશામાં આગળ વધી ગઈ. સ્ત્રીએ તરતજ બારણું અંદરથી વાંસી દીધું. 

એની પાસે બહુ સમય ન હતો. એણે તરતજ મોબાઈલ ઉઠાવ્યો. થોડા સમય પહેલા યુવાન જે વેબસાઈટ ઉપર વ્યસ્ત હતો એ વેબસાઈટની એપ્પ મોબાઈલમાં ખોલી લોગ ઈન કર્યું. પોતાનું એકાઉન્ટ ખોલતાંજ પોતાનું યુઝર નેમ ચળકતું આંખ આગળ તરી આવ્યું. 

' અભિસારિકા ' 

એ ઉપનામ પાછળ એણે ઘણું બધું છૂપાવી રાખ્યું હતું અને એના થકી ઘણું બધું વ્યક્ત પણ કરી દીધું હતું.  

આ એનું વિશ્વ હતું જ્યાં સમાજનો કોઈ માઈકાલાલ એની મરજી વિના પગ પસારી ન શકે. અહીં કલ્પ્નાઓની કોઈ મર્યાદા ન હતી. છતાં બધુજ સત્યથી પણ વધુ હકીકતવાળું હતું. જ્યાં જીવનની નીરસતા ન હતી. જ્યાં ફક્ત લગ્નના ફેરા સ્ત્રીનું સર્વસ્વ ન હતું. અહીં તો ફક્ત એની સર્જનાત્મકતા જ સર્વસ્વ હતી. 

એની છટકબારી ! 

ફક્ત એનું અને એનુંજ વિશ્વ. 

બ્લોગમાં પરિણામ જાહેર થઈ ચૂક્યું હતું. એની વાર્તા ' સ્વપ્નોની પાંખ ' વિજેતા જાહેર થઈ હતી. પ્રથમ પુરસ્કાર જોડે શુભકામનાઓનો વરસાદ વરસ્યો હતો અને એ દરેક અભિનંદન ઠાલવી રહેલા શબ્દોમાં લેખિકા માટેનું માન, સન્માન અને આદર એણે સમાજ પાસેથી વ્યાજ સહિત વસૂલ કર્યું હતું. 

બારણે ફરી ટકોરા પડ્યા. એણે તરતજ એપ્પમાંથી લોગઆઉટ કર્યું. મોબાઈલ તકિયા નીચે સરકાવી દીધો અને લાલ લિપસ્ટિક વડે હોઠને પુનઃ સુશોભિત કરતા કરતા બારણું ખોલ્યું. બીજો ગ્રાહક અંદર પ્રવેશ્યો અને સુરીલીએ વ્યવસાયિક અંદાજમાં દરવાજો ફરી અંદર તરફથી વાંસી દીધો. 

એના હોઠ ઉપર રમી રહેલું ગીત બહારના લાલ વીજળીથી ચળકી રહેલા રસ્તાઓ ઉપર આછું આછું સંભળાઈ રહ્યું.

"જીના યહાં.મરના યહાં.ઈસકે સિવા જાના કહાં ?

જી ચાહે જબ હમકો આવાઝ દો.

હમ હેં યહીં, હમ થે જહાં.

અપને યહીં દોનો જહાં...." 

અને એ પંક્તિ જોડે ફરી એ ઓરડાની વીજળી બંધ થઈ ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Drama