છઠ્ઠી ઇન્દ્રિય
છઠ્ઠી ઇન્દ્રિય
ઓક્ટોબર 2012 એટલે કૅનેડામાં ગુલાબી ઠંડીની શરૂઆત. ક્યુબેક શહેરના વિશાળ કન્વેનશન સેન્ટરમાં ઇન્ટરનેશનલ કોઓપરેટિવ સમિટ યોજાયેલ અને મારે કી નોટ સ્પીકર તરીકે જવાનું થયેલ. કન્વેનશન સેન્ટરની બાજુમાં ક્યુબેક રાજ્યની પાર્લિયામેન્ટ અને તેની સામે બગીચા પાસે મહાત્મા ગાંધીનું અતિ સુંદર પૂતળું.
એ જ રોડ ઉપર એક ખુબ પુરાણું પરંતુ અતિ ભવ્ય રેસ્ટોરન્ટ. સમિટનું આયોજન ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ અને કૅનેડાની ખુબ મજબૂત બેંક તરફથી કરવામાં આવેલ. આયોજકો દ્વારા બધા કી નોટ સ્પીકર માટે આ રેસ્ટોરન્ટના પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડિનરનું આયોજન કરવામાં આવેલ. બેઠક વ્યવસ્થા બહુ સમજી વિચારીને રાખેલ જેથી દરેક ટેબલ ઉપર ઉપયોગી જાણકારી મળે અને રસપ્રદ વાતો થાય. દરેક ટેબલ ઉપર એક કી નોટ સ્પીકર, એક-એક કેનેડા તથા ક્યુબેક સરકારના પ્રતિનિધિ, બે વિદેશના કેનેડા સ્થિત એમ્બેસડર અને એક કોઓપરેટિવ કે ઈકોનીક્સના રિસર્ચર.
ક્યુબેક શહેરના અગ્રણી દરેક ટેબલના કોઓર્ડીનેટર. મારા ટેબલ ઉપર ક્યુબેક શહેરના ભૂતપૂર્વ મેયર હતા. ક્યુબેકમાં મોટાભાગે ફ્રેન્ચ ભાષા બોલાય. મેયર સાહેબ અમારી જોડે તો ઇંગ્લિશમાં વાત કરતા હતા પણ થોડી થોડી વારે મોબાઇલ ઉપર ફ્રેન્ચમાં વાત કરે. અમારા ટેબલ ઉપર સ્થિત બંને એમ્બેસડર ફ્રેન્ચ જાણતા હતા એટલે તેમને ખબર પડી ગઈ કે તેઓ વારે વારે ફોન કરી તેના કૂતરા 'રેનેં' અંગે જાણકારી મેળવે છે, કારણ કે સાહેબ એને મૂકીને આવતા રહ્યા એટલે 'રેને' રિસાયેલ અને ખાતો પીતો નહોતો.
મારા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે મેયર રાજકારણ સિવાય નાની મોટી ખેતી કરી લેતા હતા. મેં પૂછ્યું કેટલી જમીન છે, શું વાવો છો અને જમીન ક્યાં આવેલી છે? તેમને કહ્યું જમીન બહુ તો નથી પણ 2200 એકર છે! મોટા ભાગે ઘઉંનું વાવેતર કરીએ છીએ પણ મેપલના ઘણા વૃક્ષ છે. મેપલનું પર્ણ કેનેડાનું સત્તાવાર પ્રતીક છે. માર્ચ એપ્રિલના મહિનામાં મેપલના ઝાડમાં મેપલ સીરપ તૈયાર થાય છે. ઠંડી આબોહવામાં, આ વૃક્ષો શિયાળા પહેલા તેમના થડ અને મૂળમાં સ્ટાર્ચ સંગ્રહ કરે છે; પછી સ્ટાર્ચને ખાંડમાં રૂપાંતરિત કરવામાં આવે છે જે શિયાળાના અંત ભાગમાં અને વસંત ઋતુના પ્રારંભમાં ઝાડમાં સત્વ કે જે ગુંદર જેવો ચીકણો પદાર્થ હોય તે ઉગે છે. મેપલના ઝાડ તેમના થડમાં છિદ્રો કરીને એકત્રિત કરવામાં આવે છે, જે ગરમ પાણી દ્વારા બાષ્પીભવન કરવા માટે પ્રક્રિયા કરવામાં આવે છે, અને ઘટ્ટ ચાસણી છોડે છે. મોટાભાગનાં ઝાડ સીઝનમાં 5 થી 15 ગેલન સત્વ ઉત્પન્ન કરે છે. મેપલ સીરપ મધ જેવું કુદરતી હોય છે અને મધ કે ખાંડ જેવું મીઠું હોય છે. મૅપલની ચોકલેટ પણ બને છે.
ખેતર 500-550 કિલોમીટર દૂર છે. વરસમાં 5-7 વાર જવાનું થાય પણ અમે માર્ચ એપ્રિલ તો ખેતર જઈએ જ જયારે મેપલનો પાક તૈયાર થાય. 8-10 દિવસ ત્યાં જ રોકાઇ જઈએ. બિચારો નાનો ખેડૂત એટલે જવા આવવા માટે ફક્ત નાનું એવું વિમાન હતું અને પોતે પાયલોટનું લાઇસન્સ ધરાવતા હતા.
મેં પૂછ્યું તો રેને એટલા દિવસ રિસાતો નથી? મેયર સાહેબે કહેલી સ્ટોરી દિલધડક હતી. તેમને કહ્યું, કૂતરાને લીધા વગર જવાનો પ્રશ્ન જ નથી. રેને સર્વિસ ડોગ છે. સર્વિસ ડોગ તાલીમ આપેલ કૂતરો હોય છે અને તેની સરકારના રજિસ્ટરમાં તે રીતે નોંધણી થાય છે. આવા કૂતરા માલિકને અંગત સેક્રેટરી પ્રકારની મદદ કરે છે. આવા કૂતરા અપંગ લોકો, માનસિક બીમાર, હૃદય રોગના અને ડાયાબિટીસના દર્દીને મદદ કરે છે.
એક વખત અમે કુટુંબના ત્રણ સભ્યો રેનેને લઇ ખેતર જવા નીકળ્યા. ક્યુબેકથી નીકળ્યા ત્યારે ઝાકળ અને ધુમ્મસ હતી. વિમાન મારો દીકરો ચલાવતો હતો. એન્જિન ઓટો મોડ ઉપર હતું. અડધે પહોંચ્યા હઈશું ત્યારથી રેને બેચેન બની આમતેમ આંટા મારવા લાગ્યો અને મારા દીકરાની પાસે જઈ મોઢું હલાવવા મંડ્યો. કોઈએ જવાબ ના આપ્યો તો રડવા મંડ્યો. થોડી વાર પછી ભસવા મંડ્યો પણ અમે કોઈ સમજ્યા નહિ કે આ કેમ ભસે અને રડે છે.
35 મિનિટે વિમાન લેન્ડિંગ થયું અને રેને આક્રમકઃ મૂડમાં આવી ગયો. આકુળવ્યાકુળ બની ગયો અને મારો પગ મોઢામાં લઇ પાયલોટ કેબિનમાં લઇ ગયો. અમે સમાન લઇ રેનેને ઉતારીએ પણ તે અમને વિમાનમાં અંદર પાછો ખેંચે. આવી ખેંચતાણ 10 મિનિટ ચાલી પણ તે ટસ નો માસ ના થાય. મેં પહેલી વાર રેને સામે ગુસ્સો વ્યક્ત કાર્ય તો તે નીચે બેસી રડવા મંડ્યો.
અમે એને રીતસર ઘસડી નીચે ઉતર્યા અને થોડા આગળ ચાલ્યા ત્યારે એક પછી એક અમને બધાને મગજમાં લાઈટ થઇ કે અમે ખોટા એરપોર્ટ ઉપર ઉતરેલા છીએ. અમારી નેવિગેટર સેટ કરવામાં ભૂલ થઇ હોય કે નેવિગેટર બગડેલું હોય, પણ અમને હવે ખાતરી થઇ ગઈ કે રેને જાણતો હતો કે અમે એવી જગ્યાએ ઉતરીએ છીએ જ્યાં અમારે નથી જવાનું. અમે જયારે તેને સમજ્યા ત્યારે મેં માથે હાથ ફેરવ્યો એટલે તે પૂંછડી પટપટાવી ખુશી વ્યક્ત કરવા લાગ્યો. રેનેની છઠ્ઠી ઇન્દ્રિય અમારી બધાની બુદ્ધિ કરતા તો ચડિયાતી હતી પણ નેવિગેટર કરતાંય શક્તિશાળી હતી!
હવે અમને સમજાયું કે મેયર સાહેબ કૂતરાની ચિંતા આટલી બધી કેમ કરે છે?