Ajay Parker ' ભાવિ '

Romance Thriller

4.5  

Ajay Parker ' ભાવિ '

Romance Thriller

છેલ્લું મિલન

છેલ્લું મિલન

5 mins
379


લખમી, મૂળ નામ એનું લક્ષ્મી, પણ પરિવાર અને આડોશ પાડોશના લોકો પણ લખમી કહીને જ બોલાવતાં.

લક્ષ્મીને પણ આમાં કંઈ અજુગતું લાગતું નહોતું.

આજ કાલ કરતાં લક્ષ્મી અઢાર વરસની થઈ. રમેશ એનાથી બે વરસ નાનો. બે ભાઈ બહેન અને માતા પિતા. આટલો અને આવડો પરિવાર. પિતા દામોદરભાઈ હાથશાળનું કાપડ વણે. રૂમાલ, ચાદર કે પછેડી( એક પ્રકારની જાડી ચાદર જેવું)નું પોટલું બાંધી ગામેગામ વેચવા માટે નીકળી પડે. નિમ્ન મધ્યમ વર્ગ કહી શકાય તેવો પરિવાર. ગામમાં ભદ્ર(?) કહેવાતા લોકો દામોદરભાઈને માન આપતા નહીં. લગભગ તોછડાઈથી જ બોલાવતાં. સાવ નાનું છોકરું હોય તો પણ એ 'દોમા' એમ તુંકારે જ બોલાવે. દામોદરભાઈએ પણ પરાપર્વથી ચાલી આવેલી આ અપમાનિત ભાષાને સ્વીકારી લીધેલી. ક્યારેક સુખનો સૂરજ ઊગશે એ આશાએ પોતાના પરિવારનું ગાડું ગબડાવે રાખતા.

લક્ષ્મી ઘરકામમાં બનતી મદદ કરતી. ક્યારેક પિતાજીને હાથશાળ પર સુતરના તાંતણા જોડવામાં મદદ કરતી.

દામોદરભાઈ આજકાલ ચિંતામાં રહેતા હતા. એનું કારણ હતું લક્ષ્મી. લક્ષ્મી ભલે ગરીબ પરિવારમાં જન્મી, પણ યુવાન થતાં એ રૂપરૂપનો અંબાર લાગતી.

ગામના યુવાનીયાઓના આંટા ફેરા વધી રહ્યા હતા. પોતાની વસ્તીના છોકરાઓને તો દામોદરભાઈ કહી દે પણ આ બીજી કોમના લોકોનું શું ?

એકવાર ગામનો એક યુવાન આવ્યો. તેણે કહ્યું: "દામોદર કાકા નથી ઘરે ?"

બે ઘડી તો એને જવાબ આપવાનું મન ન થયું, પણ પછી વિચાર્યું 'લાવને જોવું તો ખરી, આવનાર કોણ છે ? અને એય પાછુ મારા પિતાજીને 'દામોદર કાકા' કહીને સંબોધે છે ?'

લક્ષ્મીને પોતાની ઉંમર પ્રમાણે એનેય વિજાતીય મૈત્રી ગમતી. પોતાના સ્વપ્નોના રાજકુમારનાં સ્વપ્નો જોયેલાં.

બહાર આવી લક્ષ્મીએ જોયું તો એક ફૂટડો યુવાન એકીટશે લક્ષ્મી સામે જોઈ રહ્યો હતો. લક્ષ્મી પણ કશું બોલે તે પહેલાં તે યુવાનને જોઈ રહી. બંનેની આંખો મળી. કશું સ્પષ્ટ થાય તે પહેલાં લક્ષ્મીની માતાએ સાદ પાડ્યો: "કોણ છે લખમી ?"

ત્યારે અચાનક જ સ્વસ્થ થઈને કહ્યું :"કોઈ નહિ મા !" પેલો યુવક વધારે કશું જ પૂછ્યા વિના જતો રહ્યો.

આ બાજુ લક્ષ્મી આજ પહેલી વાર બેચેની અનુભવી રહી હતી. પાણી ભરતાં કે વાસણ માંજતા એ ક્યાંક ખોવાઈ જતી. આવું લગભગ એક અઠવાડિયા સુધી ચાલ્યું. તે યુવક ફરીથી દેખાયો નહીં. ધીમે ધીમે એક મહિનો વીતી ગયો. હવે લક્ષ્મીને પણ એ યુવકની યાદ ઓછી થઈ ગઈ હતી.

એક દિવસ લક્ષ્મી ઘરના આંગણે બેઠી હતી. ત્યાંજ પેલો યુવક આવ્યો. પણ ત્યારે લક્ષ્મીનું ધ્યાન નહોતું. પેલો યુવક લક્ષ્મીની સુરાહી જેવી ડોકને ચાતકની જેમ તાકી રહ્યો. જ્યારે લક્ષ્મીનું ધ્યાન ગયું ત્યારે એ શરમાઈને લાલચોળ થઈ ગઈ. એની ઉપર જોવાની હિંમત નહોતી. કશું જ બોલ્યા વગર એ યુવક ત્યાંથી ચાલી નીકળ્યો. લક્ષ્મી ત્રાંસી નજરે એ યુવકના ઓછા થતા પડછાયાને જોઈ રહી.

આ ક્રમ નિયમિત ચાલ્યો. રોજ એ યુવક આવે, બંને એકબીજાને ધરાઈને જોઈ લે પછી છૂટાં પડી જાય. સમય જતાં મળતાં પણ ખરાં.

આ વાતની ગંધ દામોદરભાઈને થઈ. તેમનાં રૂવાંડાં ઊભાં થઈ ગયાં. એટલા માટે નહીં કે પોતાની દીકરીને કોઈ યુવક ગમી ગયો છે પણ એ યુવક પેલી ભદ્ર ગણાતી નાતનો હતો. દામોદરભાઈને ગળા સુધી વિશ્વાસ હતો કે આ લોકો આપણી નાતને ન સ્વીકારે. હા, દુરુપયોગ જરૂર કરે.

દામોદરભાઈ અને તેમનાં પત્નીએ લક્ષ્મીને બોલાવીને બધી વાત કરી: "બેટા, તારો સંબંધ અહીં જ અટકાવી દે, એ લોકો ક્યારેય તારી નાતનો સ્વીકાર નહિ કરે." લક્ષ્મી કશું બોલી નહિ.

દામોદરભાઈએ પેલા યુવક(નામે ધરમ)ને બોલાવ્યો. એને હાથ જોડી વિનંતી પણ કરી કે 'તમે માઈ બાપ અમ ગરીબને છોડી દો.' પેલા યુવકે કહ્યું: "કાકા, તમે આવડા મોટા થઈને મને 'તમે' કહીને બોલાવો છો ? એ શોભતું નથી. બીજું કે જો મારામાં કોઈ અવગુણ દેખાતો ન હોય તો મારો સ્વીકાર કરો." દામોદરભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. "અરે ! તમે શું વાત કરો છો, માઈબાપ, તમે રહ્યા રાજાના કુંવર જેવા, અમે રાંક." દામોદરભાઈ આજીજી કરતા રહ્યા. પેલા યુવકે કહ્યું : "કાકા, હું શહેરમાં ભણું છું. ત્યાં તો આવું ઊંચનીચ કંઈ નથી. તમે કયા જમાનામાં જીવો છો ? જો તમને એમ લાગે કે અહીં ગામમાં તમારી દીકરીની સલામતી નથી તો હું શહેરમાં લઈ જઈશ,બસ !" ધરમે આશ્વાસન આપ્યું. પણ દામોદરભાઈનો ઉચાટ ઓછો ન થયો.

ધીમે ધીમે આખા ગામમાં લખમી અને ધરમની વાતો થવા માંડી. ધરમને ઘરેથી ચેતવણી પણ મળી ગઈ કે 'આ બધું ભૂલી જા. એ છોકરી આપણા ઘરમાં ન શોભે. શાનમાં સમજી જા !'

પણ ધરમ માન્યો નહિ, છેલ્લે ધમકી પણ મળી : 'જીવ વહાલો હોય તો એનું નામ તારા મોઢે આવવું ન જોઈએ.'

કહેવાય છે ને કે જેની વધારે પાબંદી કરવામાં આવે તે તરફ જ મન વધારે લલચાય. એ ન્યાયે લખમી અને ધરમે જીવશું તો સાથે અને મરશું તો પણ સાથે ના વચન એકમેકને આપી દીધા.

ગામમાં આ વાતને લઈને વાતાવરણ વધુ તંગ બનતું જતું હતું. દામોદરભાઈ હવે કાપડની ફેરી કરવા નહોતા જતા. એમના અથાગ પ્રયત્નો પછી ના માનેલાં આ બેઉ પંખીડાંને પોતે રાતોરાત બહાર મોકલવાની તૈયારી કરી દીધી. થોડાક પૈસા અને ઘરેણાં આપી રાખ્યાં. અહીંથી ખૂબ દૂર જતાં રહેવું એવી સૂચના પણ આપી. આ બાજુ ધરમ અને લખમી હાથમાં હાથ પરોવી એક નવી જ દુનિયામાં આપણે મળશું એવા મિલનની ઝંખના કલ્પી રહ્યાં હતાં.

કરેલી ગોઠવણ મુજબ ધરમ વહેલી સવારે નિયત કરેલી જગ્યાએ પહોંચી જશે, આ તરફ દામોદરભાઈ પોતાની દીકરીને કશાય ઢોલ નગારાં વગર ચૂપચાપ વિદાય કરશે.

વહેલી સવારના આછા અંધકારમાં લખમી અને દામોદરભાઈ જઈ રહ્યાં છે. ગામડાના ભેંકાર રસ્તે, થડકતે હૈયે, બેઉ જણ, ચૂપચાપ.

અચાનક દામોદરભાઈ અટકી ગયા. એમને કોઈક પોતાનો પીછો કરતું હોય તેવો ભાસ થયો. પાછળ વળીને જોયું પણ કંઈ દેખાયું નહિ. હવે ડર પણ લાગવા માંડ્યો. દામોદરભાઈએ ઈશારા વડે ઝડપથી પગ ઉપાડવા કહ્યું. સામે કોઈ માણસ ઊભો હોય તેમ લાગ્યું. પહેલાં તો બેઉ જણ ડરી ગયાં પણ સામેથી આવવાનો ઈશારો થતાં ડર જતો રહ્યો. લખમી અને ધરમે ફટાફટ ત્યાંથી નીકળી જવું એવું ઈશારાથી જણાવ્યું.

પણ આ શું ! અહીં તો એક માણસ નહિ બે માણસ હતા. એક માણસ નીચે પડેલો હતો. સાવ નજીકથી જોયું તો એ ધરમ હતો. હજુ હમણાં જ તલવારનો ઘા થયો હશે. હજુ લોહી નીકળતું હતું. દામોદરભાઈને જેની બીક હતી તે જ થયું. દામોદરભાઈ કંઈ વિચારે એ પહેલાં તો લખમીના ગળા પર જનોઈવઢ ઘા થયો. કુમળા ફૂલ જેવી લક્ષ્મી આવડા જંગલી જેવા ઘા નો સામનો કરવા સમર્થ નહોતી. ઘડીના છઠ્ઠા ભાગમાં એ ઢળી પડી. દામોદરભાઈએ સહેજ નજર મળતાં જોયું કે એ ધરમના કાકા અને ભાઈઓ હતા. ક્યારેય માથું ઊંચું કરીને ઊભા નહિ રહેલા દામોદરભાઈ ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયા. પોતાની સામે આવતો ભાલો ક્ષણમાં પકડી લીધો. હાથશાળના કસાયેલા એ હાથે એજ પળમાં પરત ઘા કર્યો. ભાલો ફેંકનાર કંઈ સમજે તે પહેલાં તો તેના ગળાથી ભાલો આરપાર થઈ ગયો.

પણ આ એકલો માણસ શું કરી શકે? બાકી રહેલા ત્રણ જણા ભૂખ્યા વરુની જેમ તૂટી પાડ્યા. કેટલા ઘા થયા હશે એ તો મારનારને પણ ખબર નહિ હોય !

ધરમની આંખો હજુ ખુલ્લી હતી. સામે લખમીનું એક જ ઝાટકે પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. પોતાની પ્રિયતમા સાવ સામે હોવા છતાં આટલી બધી લાચારી ! છેલ્લું મિલન ઝંખતા ધરમે હાથ લંબાવ્યો. પણ બે તસુ જેટલું અંતર કાપતાં કાપતાં ધરમે અનંતની વાટ પકડી.


Rate this content
Log in

Similar gujarati story from Romance