Ajay Parker ' ભાવિ '

Drama Inspirational

4  

Ajay Parker ' ભાવિ '

Drama Inspirational

સાત દિવસ

સાત દિવસ

4 mins
10


“મમ્મી, મને અહીંથી લઈ જાઓ.” રડતાં રડતાં માલતી બોલી.

“જો મલ્લુ, એવું ના હોય ! શાંતિથી વાત કર ! શું થયું ?”

“મમ્મી, મને આ લોકો જોડે ફાવતું નથી, મારે છૂટાછેડા લેવા છે.”

“ભલે, પણ મારી એક વાત માન. આજથી લઈ સાત દિવસ સુધી હું કહું તેમ કરવાનું. આઠમા દિવસે સવારે હું અને પપ્પા બંને લેવા આવીશું. બોલ પ્રોમિસ ?”

“હા, પણ સાત દિવસની ઉપર એક મિનિટ પણ નહીં.”

“તારે બધાં સાથે પ્રેમથી વર્તવાનું છે.”

“એ નહીં બને મમ્મી !”

“તો પણ તારે એમ કરવાનું છે.”

માલતીએ રડતાં રડતાં ફોન મૂક્યો. બીજા દિવસથી સાત દિવસ ક્યારે પૂરા થાય એની રાહ જોવા માંડી.

સાંજે સાસુને પૂછ્યું, “મમ્મી શું ખાવાનું બનાવું ?”

એની અપેક્ષા મુજબ જ વંદનાબહેને જવાબ આપ્યો. ‘બનાવ તારે જે બનાવવું હોય અમને પૂછીને થોડું બનાવે છે ?’

માલતીના મનમાં થઈ ગયું કે સંભળાવી દઉં, પણ એને મમ્મીને આપેલું પ્રોમિસ યાદ આવ્યું.

એણે રસોઈ બનાવી લીધી. સાંજે મિનેષે તેના હાથે પાણી પણ ન પીધું.

બીજા દિવસે સવારે ટિફિન માટે પૂછ્યું તો મિનેષે કંઈ જવાબ ન આપ્યો. તે ઓફિસે નીકળી ગયો. 

માલતીને એક એક દિવસ કાઢવો અઘરો થવા માંડ્યો. હવે પાંચ દિવસ રહ્યા. કેલેન્ડરમાં દિવસો ગણતી જાય.

સાંજે ફરીથી પાછો સો મણનો સવાલ, “મમ્મી શું ખાવાનું બનાવું ?”

આજે વંદનાબહેનના વર્તનમાં ફરક આવ્યો. ‘બટાટા પડ્યા છે બનાવવા હોય તો.’

મિનેષ રાત્રે મોડો આવ્યો. એણે માલતીના હાથનું પાણી લીધું.

આજે છઠ્ઠો દિવસ.

સવારમાં નીકળતાં માલતીએ મિનેષને ટિફિન આપી દીધુ.

સાંજે ફરીથી એનો એ જ સંવાદ “મમ્મી શું ખાવાનું બનાવું ?” 

મમ્મીએ જવાબ આપ્યો, “એમ કર, તારા સસરા માટે થોડું તીખું ઓછું બનાવજે. મિનેષને ભીંડા ભાવે છે તો ભીંડા બનાવજે.”

સાંજે મિનેષ આવ્યો. આજે તો એને હાથો હાથ પાણી પીધું.

આજે સાતમો અને છેલ્લો દિવસ હતો. માલતી વિચારતી હતી કે આજનો દિવસ પૂરો થઈ જાય પછી મમ્મીને ફોન કરીને કહી દઉં કે ‘મમ્મી લઈ જાવ મને.’

આજે ઊઠવામાં અને ટિફિન બનાવવામાં પણ થોડું મોડું થયું. ત્યાં તો મિનેષે બૂમ પાડી, ‘માલું, મારું ટિફિન ક્યાં છે ?’ માલતીને પણ નવાઈ લાગી. છેલ્લા ત્રણ મહિનાથી ટિફિન વગર જતો માણસ આજે સામેથી ટિફિન માંગે છે ? 

માલતીએ ઝટપટ ટિફિન ભરીને આપી દીધું. એક નાનકડા સ્મિત સાથે. માલતી પાછી પોતાના કામમાં પરોવાઈ ગઈ. બપોરે ગીતાબેન અને મીનાબેન આવ્યાં. બે-ત્રણ દિવસે આવી જાય અને ઓટલા પરિષદ ભરે. બધાંના ઘરની પંચાત કરે. તેમના આવતા વેંત જ વંદનાબેન થોડાંક અસ્વસ્થ થયાં. કારણ કે એ બેઠાં હોય તોય માલતી એમને ગમે તેવું સંભળાવી દેતી. આવીને બંને બેઠક રૂમમાં બેઠાં. સીધુ જ વંદનાબેનને ફરમાવ્યું, “વંદનાબેન, આજે તો તમારા ઘરની લસ્સી પીવાની ઈચ્છા છે પીવડવશોને ?”

વંદનાબેનને પેટમાં ફાળ પડી, ‘કાપો તો લોહી ન નીકળે’. માલતીને કહેવું કેવી રીતે ? મારું અપમાન કરી નાખશે તો ? રસોડામાં આવીને તેમણે દબાતા સ્વરે કહ્યું: “માલતી વહુ, ગીતાબેન આવ્યાં છે તો થોડી લસ્સી…” વાક્ય પૂરું કરતાં વંદનાબેનને ફડક પેઠી. ત્યાં તો માલતી બોલી, “અરે મમ્મી, એવું હોય, હું લસ્સી બનાવીને લઈને આવું છું.” વંદનાબેન થોડાંક ખુશ અને થોડાંક અવઢવમાં ગયાં.

થોડીવારમાં તો માલતી પ્લેટમાં ચાર ગ્લાસ લસ્સીને લઈને આવી. ત્રણેય જણાં જોઈ રહ્યાં. એમને લસ્સી પીને જતાં રહેવું યોગ્ય લાગ્યું. તોય એકે તો કહી દીધું, “હવે તો વહુ તમારી જોડે બેસીને પીતી હશે કેમ ?” ત્યાં તો માલતી બોલી ઊઠી, “મને લસ્સી નથી ભાવતી, પણ ત્રણ તમારી અને એક પપ્પા માટે બનાવી છે.” પેલાં બે જણાંની બોલતી બંધ થઈ ગઈ. તે રસોડામાં પોતાના કામે વળગી.

વંદનાબેન પાછળથી રસોડામાં આવીને ઊભાં રહ્યાં. માલતીના માથે હાથ મુક્યો. “બેટા માલતી, મને માફ કરી દે ! મેં તને ના ઓળખી, આવા ખાનદાન કુળના સંસ્કાર ધરાવતી દીકરીને મેં ખોટી વગોવી.” બોલતાં બોલતાં ગળે ડૂમો બાજી ગયો. ત્યાં તો માલતીને પણ થયું કે પોતે પણ સામે ખરાબ વ્યવહાર કર્યો છે. એ પણ સામે માફી માંગવા માંડી. આજે સાસુ વહુ નહીં પણ મા દીકરી બની અને એકબીજાને ભેટી પડ્યાં.

સસરા પ્રમોદભાઈ મા દીકરીના મિલનને દૂરથી જોઈ રહ્યા હતા. નજીક આવીને એમણે માલતીને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો, “બેટા, આ તારા મા બાપના સંસ્કાર જ છે.”

માલતી વિચારવા માંડી, ‘મારું સુખ મારાથી ખાલી સાત દિવસ જ છેટું હતું !’

શરૂઆતના ત્રણ દિવસને બાદ કરતાં પાછળના ત્રણ ચાર દિવસ કંઈક જુદી જ રીતે પસાર થયા. તેને ધ્યાન પણ ન રહ્યું ક્યારે સાતમો દિવસ આવી ગયો. રાતના 08:00 વાગ્યા હતા પણ હજુ મિનેષ આવ્યો ન હતો. માલતીની નજર ઘડીકમાં રસોડાના પ્લેટફોર્મ ઉપર તો ઘડીકમાં ઘડિયાળના કાંટા પર બદલાતી રહેતી. તેને પોતાની જાત પર નવાઈ લાગી કે પોતે કેમ આવું કરે છે ?

આવા વિચારે તંદ્રામાં ચડી ગઈ. ત્યાં તો અચાનક એને પાછળથી કોઈનો સ્પર્શ થયો. પાછા વળીને જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. મિનેષ એની સામે ઘૂંટણિયે પડીને બેઠો હતો. હાથમાં સરસ મજાનું ગુલાબ લઈને માલતી સામે ધરીને બેઠો હતો. “આઈ એમ સોરી માલુ, આઈ રીયલી રીયલી લવ યુ.”

બે ઘડી તો માલતીને જ ખબર ન પડી કે શું કરવું. એ મિનેષના ગુલાબવાળા હાથને પોતાના હાથથી પકડી રહી. એની આંખો ભરાઈ આવી. મિનેષની સામે જ એ પણ ઘૂંટણીયે બેસી ગઈ.

“મિનેશ આઈ એમ ઓલસો સોરી.”

બે યુવાન હૈયાં એકબીજાને લાગણીથી ભીંજવી રહ્યાં. ત્યાં તો અચાનક મોબાઇલ રણક્યો.

“હલો, મલ્લુ, હું બોલું છું મમ્મી, કાલે સવારે હું અને તારા પપ્પા ગાડી લઈને આવીએ છીએ. તારો સામાન બાંધીને તૈયાર રાખજે.”

માલતી તો આ સાતમા દિવસે ભૂલી જ ગઈ હતી.

એણે એની મમ્મીને વળતો જવાબ આપ્યો. 

“માય ડિયર મમ્મી, દીકરીના ઘરે આવો છો તો મહેમાનગતિ માણવા આવજો. હું, મિનેશ અને નાનો રાહુલ બધાં તમારી રાહ જોઈએ છીએ.”


Rate this content
Log in

Similar gujarati story from Drama