Ajay Parker ' ભાવિ '

Tragedy

4.5  

Ajay Parker ' ભાવિ '

Tragedy

વરસાદ

વરસાદ

3 mins
411


"હેલી, હેલી, આ જો તો ખરી ! વાદળો કેવાં ગડગડાટ કરે છે !" આયુષે કહ્યું.

"હમમ…"

"શું હમમ…? તું બહાર આવીને જો તો ખરી, હમણાં જ વરસાદ તૂટી પડશે એવું લાગે છે."

"હમમ…, " હેલીએ ઉપર જોયા વગર જ જવાબ આપ્યો.

આયુષને હેલીનો આ જવાબ અને પ્રતિભાવ જરાય ન ગમ્યો.

ત્યાં તો મોટા તેજલીસોટા સાથે ધડાકાભેર વીજળી થવા માંડી. ઘડીકમાં તો મોટાં મોટાં ફોરાં સાથે વરસાદ તૂટી પડયો. 

આયુશને બહાર જવાનું મન થયું. અરે એ તો વરસાદમાં પલળવા નીકળી જ પડ્યો.

થોડીવાર તો એણે પોતાની મસ્તીમાં નહાયા કર્યું. પછી અચાનક તેનું ધ્યાન હેલી ઉપર ગયું. હેલી એકદમ રડમસ ચહેરા સાથે ગુમસુમ ઊભી હતી.

આયુષ અને હેલી કોલેજમાં સાથે અભ્યાસ કરતાં. આજે કોઈ કામ હોવાથી તે હેલીના ઘરે આવ્યો હતો. 

એણે હેલીને પૂછી જ લીધું. "એક સોળ વરસની મુગ્ધા વરસાદને લઈને તો કેવા સ્વપ્નાઓ જોતી હોય ! વરસાદમાં પલળવાનો એક પણ મોકો ચૂકતી ના હોય ! તેને બદલે તું આમ ગુમસુમ થઈ રડમસ ચહેરો બનાવે ? કંઈ સમજ ના પડી.

હેલીએ આયુષ સામે જોયું.

"મનેય વરસાદ ગમતો, હુંય ગાંડી થઈ જતી વરસાદને જોઈ, પલળવા મંડી પડતી. મારાં મા અને બાપુને ય બોલાવતી. "

"હા, તો પછી હવે કેમ આમ ?"

થોડીવાર હેલી કંઈ ન બોલી. રડવું હતું પણ ગળે ડૂમો બાજી ગયો. રડી ના શકી.

"મારા બાપુજી વ્યવસાયે ખેડૂત. ગામમાં ટ્રેકટર આવી ગયેલાં પણ બાપુ બળદ જોડીને હળ હાંકતા. જે પાકે એમાં ખુશ રહેતાં અમે."

"હા, તો એનું શું ?"

એક દિવસ મારા બાપુ ખેતરમાં હળ હાંકતા હતા. મારી ઉંમર એ વેળાએ બાર વરસની. મા એ મારા બાપુ માટે જમવાનું બનાવેલું. બા મને કહે, "હેલુડી, જા, તારા બાપુને ભાત આપી આવ." મને તો આ ગમતું. હું ફટ દઈને તૈયાર થઈ ગઈ ભાત આપવા જવા માટે.

હું ખેતરે પહોંચી ત્યારે બાપુ પરસેવે રેબઝેબ થઈ હળ હાંકતા. મને જોઈને બાપુએ બળદને છોડીને આંબા નીચે બાંધ્યા. હું બાપુને જમવાનું આપીને ખેતરમાં દોડાદોડી કરવા માંડી. એવામાં ન જાણે ક્યાંયથીય જોરદાર પવન ફૂંકાવા માંડ્યો. અમને ખબર તો હતી જ કે ચોમાસું નજીકમાં જ છે પણ આમ અચાનક જ.

ઘડીકમાં તો પવન સાથે છાંટા પણ ચાલુ થયા. વીજળીના ચમકારા થવા માંડ્યા. જોતજોતામાં તો મોટાં મોટાં ફોરે વરસાદ ચાલુ થઈ ગયો. હું તો દોડીને પહોંચી સીધી ખેતરમાં અને વરસાદમાં નહાવા માંડી. બાપુ મને આંબા નીચે બોલાવતા અને હું બાપુને વરસાદમાં હજુ મોટાં ફોરાંનો આનંદ લઉં ત્યાં સુધી તો કરા પડવાના ચાલુ થઈ ગયા. જાણે કોઈ માથા ઉપર નાના નાના કાંકરા મારતું હોય તેમ વાગવા લાગ્યા. વીજળી પણ જાણે હમણાં મસ્તીએ ચડી હોય તેમ ચમકારા પર ચમકારા વેર્યે જતી.

મને કરા વાગતા તોય હું વરસાદમાં નહાવાનો આનંદ જતો કરવા તૈયાર નહોતી. હવે તો બાપુને ય વરસાદમાં આવવાની ઇચ્છા થઈ આવી. બાપુ ઊભા થયા ત્યાં જ એક તેજ લિસોટો આવ્યો. મારી આંખો અંજાઈ ગઈ. વીજળી આટલી બધી નજીક આવી ગઈ તેથી હું ડરી ગઈ. બાપુ તરફ દોડી. મારા પગ જકડાઈ ગયા.

મારી નજર સામે આંબાના વૃક્ષના બે ફાડીયાં થઈ ગયાં હતાં. નીચે ઉભેલા બળદ કોલસો થઈ ગયા હતા ને મારા બાપુ…

મારા બાપુ પણ… હેલી આગળ બોલી ન શકી.

ત્યારથી આ વરસાદ, આ વીજળી મને રડવા માટે મજબૂર કરી દે છે.

આયુષ એકીટશે હેલીની વાત સાંભળી રહ્યો હતો. વિચારતો હતો વરસાદ આટલો ભયાનક અને ક્રૂર પણ હોઈ શકે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy