Ajay Parker ' ભાવિ '

Inspirational

4.7  

Ajay Parker ' ભાવિ '

Inspirational

જર

જર

3 mins
381


" પપ્પા, આ ' જર જમીનને જોરૂ ' એટલે શું ? " નાનકડા દીકરા વત્સલના આ સવાલે વર્તમાનપત્ર વાંચી રહેલા અનિલભાઈને છાપામાંથી બહાર જોવા પ્રેર્યા. બાર વર્ષનો દીકરો આ સવાલનો જવાબ સમજી નહિ શકે એમ માની અનિલભાઈએ એને કહ્યું : 'બેટા, આ સવાલનો જવાબ તું થોડોક મોટો થાય ત્યારે આપીશ. હાલ નહિ' એમ કહી અનિલભાઈ એ જવાબ ટાળી દીધો. આ વાતને ઘણાં વર્ષોનાં વહાણા વાઈ ગયાં. વત્સલ એ અનીલભાઈનો મોટો દીકરો, બીજો ચેતન અને ત્રીજા ક્રમનો સુમન. અનિલભાઈને છવ્વીસ વીઘા જમીન અને પોતે સરકારી નોકરિયાત. 

સમયને જતાં ક્યાં વાર લાગે છે ? ત્રણેય દીકરાઓને પરણાવી પરવાર્યા ત્યાં તો જુવાન અનિલભાઈ પ્રૌઢ પણ થઈ ગયા. આખરે નોકરીમાંથી નિવૃત્ત પણ થયા. નિવૃત્તિ બાદ અનિલભાઈને નોકરીમાંથી સારી એવી રકમ પણ મળી. લગભગ ચાલીસ લાખ જેવી. પણ કહેવાય છે ને કે પૈસો આવે એની પાછળ પરેશાની પણ લઈને આવે છે. એમ પૈસા જોઈને ત્રણેય દીકરાઓ પોતાના ભાગમાં કેટલા આવશે એના તર્ક વિતર્ક કરવા માંડ્યા. અનીલભાઈથી આ વાત છાની ન રહી. એમનું મન દુભાયું પણ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એ વાત મનમાં રાખી ત્રણેય દીકરાઓને રકમ સરખા ભાગે વહેચવાની વાત કરી.

ખરું કમઠાણ તો હવે શરૂ થયું. બધા દીકરાઓ માબાપની મિલકત લેવા તૈયાર હતા પણ માબાપને સાથે કોણ રાખશે એ વાત ટાળે જતા હતા. ફરીથી અનિલભાઈ એ દુઃખનો કડવો ઘૂંટડો પી ગયા. દીકરાઓ મિલકતનો ભાગ લઈ શહેરમાં ચાલ્યા ગયા. અનિલભાઈ પોતાની પત્ની સાથે ગામમાં નિવૃત્ત જીવન વ્યતીત કરવા લાગ્યા. થોડાક સમય પછી વચેટ દીકરો ચેતન અનિલભાઈને મળવા આવ્યો. દીકરો મળવા આવ્યો છે એમ જાણી અનિલભાઈ એ એમની પત્ની વસુધાબેનને કંઈક સારી વાનગી બનાવવા કહ્યું. જમ્યા પછી દીકરા સાથે દંપતી વાતો કરવા બેઠું. થોડીક જ ક્ષણોમાં ખબર પડી ગઈ કે દીકરો મળવા નથી આવ્યો પણ એ તો બાપદાદાની જે જમીન છે તેની બાજુમાંથી મુખ્ય રસ્તો પસાર થાય છે એટલે જમીન વેચીને રોકડી કરવાની વાતમાં જ રસ હતો. રહી સહી આશા પણ ઠગારી નીવડી.

વૃદ્ધ થયેલાં માબાપ પર જાણે આભ તૂટી પડ્યું. માંડ માંડ સ્વસ્થ થયા ત્યાં ખબર પડી કે સાંજે તો બાકી બેઉ દીકરા આવી પહોંચ્યા. એમને પણ જમીન જ વેચવી હતી. અનિલભાઈ મક્કમ હતા કે બાપિકી જમીન ક્યારેય વેચીશું નહિ. સૌથી નાનો દીકરો સુમન તો વકીલ પાસે લખાવીને પણ લાવ્યો હતો. બધા દીકરાઓનો એક જ મત હતો કે અમે શહેરમાં જ રહેવાના છીએ અને આ જમીન ક્યારેય ખેડવાના નથી અને એટલે જ અમે આ જમીન વેચવા માંગીએ છીએ. આ સાંભળીને અનિલભાઈ અને વસુધાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. ભારે હૃદયે જમીનના ભાગ પાડ્યા. દીકરાઓ અને વહુઓ રાજી રાજી. જમીન વેચાઈ ગઈ. છેલ્લે રહી ગયાં ઘરડાં માબાપ.

સૌથી મોટો દીકરો ઉડાઉ નીકળ્યો. એમાં વળી સૌથી નાનો દીકરો સુમન તો જુગારની લતે ચડી ગયો. ધીમે ધીમે બધી મિલકત ગુમાવી દીધી. વચેટ દીકરો ચેતનને સ્ત્રી સંગ કરવામાં ઘર પણ વેચવાનો વારો આવ્યો. એની પત્ની પણ આવા ગોરખધંધાથી કંટાળી તેને છોડીને ચાલી ગઈ. અનિલભાઈ અને વસુધાબેન એમના ભાગમાં આવેલી દસ વીઘા જમીન વાવતાં હતાં અને પેન્શનથી બાકીનું શેષ જીવન વિતાવતાં હતાં. હવે ત્રણેય દીકરાઓને ખાવા પીવાના પણ સાંસા પડવા લાગ્યા. વળી પાછી વાટ પકડી ગામની. બધા દીકરાઓ અને વહુઓ અનિલભાઈ અને વસુધાબેનના પગમાં પડી કરગરવા લાગ્યાં. ઘણી કાકલૂદી પછી અનિલભાઈ તૈયાર થયા પણ એમણે એક શરત મૂકી કે ' તમારે બધાએ ગામમાં જ રહીને અહીં જ ખેતી કરવી પડશે, બધાએ સંપીને સાથે રહેવું પડશે.' બધાંની સાન ઠેકાણે આવી ગઈ હતી. બધા જ સાથે રહીને સંપીને રહીશું એમ બધાં એક સૂરે બોલ્યા.

ત્યારે અનિલભાઈ મોટા દીકરા વત્સલની સામે જોઈ બધાંને સંબોધીને બોલ્યા: " બેટા વત્સલ, યાદ છે તને ? તેં એક દિવસ મને સવાલ કરેલો કે ' જર, જમીન ને જોરૂ ' એટલે શું ? તારો સવાલ અડધો હતો આજ હું સમજાવું કે 'જર, જમીનને જોરૂ એ ત્રણેય કાજિયાના છોરું.' એમાંની જર એટલે કે પૈસો, જમીન તો તમે જાણો જ છો અને જોરૂ એટલેકે સ્ત્રી. જગતમાં કોઈપણ લડાઈ મુખ્યત્વે આ ત્રણ કારણો પૈકી જ હોય." બધા દીકરાઓ અને વહુઓને પોતાની ભૂલ સમજાઈ અને કાનની બૂટ પકડી બોલ્યાં, 'બાપુજી, હવેથી આવી ભૂલ નહિ થાય.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational