અંત
અંત
“મને નોકરી મળી ગઈ મા !” ખુશ ખુશાલ ચહેરે કાર્તિકે કહ્યું.
માતા વિમળાબેને કાગળ હાથમાં લીધો. આંખો ભરાઈ આવી. હૈયે ડૂમો બાઝી ગયો. ભરતભાઇની છબી સામે ઊભાં રહીને એકધારું રડ્યા કર્યું. થોડાંક હળવાં થઈને કહ્યું.” બેટા કાર્તિક, વર્ષોની તપસ્યા આજે જાણે સાકાર થઈ.”
“હા મા, હવે તો ખુશને ?”
“બેટા, તારા પપ્પા માટે આ પળ…” કહેતાં જ વિમળાબેન વિચારે ચડી ગયાં.
“તારી સૌથી મોટી બહેન સંધ્યા, જેને અમે ટીકુ કહેતાં. કેટલીય માનતાઓ પછી ટીકુ થઈ હતી. ટીકુથી અમારા જીવનમાં આનંદ આનંદ થઈ ગયો હતો. તારા પપ્પાએ આખા ગામમાં પેંડા વહેંચ્યા હતા. લોકો પૂછતાં તો કહી દેતા કે ‘મારે મન દીકરો અને દીકરી સરખાં છે.”
“એક દિવસ અમે બધાં ખેતરમાં હતાં. ત્યાં નવો બોર બન્યો હતો. ટીકુ પણ ત્યાં રમતી હતી. જુનો બંધ થયેલો બોર ખોલી નાખેલો. કોઈનું ધ્યાન ન હતું અને ટીકુ એ બોરવેલના પાઇપમાં… અમારા માથે જાણે આભ તૂટી પડ્યું. કેમેય કરીને અમે એ દીકરીને ભૂલાવી નહોતાં શકતાં.”
“સમય જતાં તારો મોટો ભાઈ મોન્ટુ થયેલો. મોન્ટુ હતો પણ એવો જ ! વાંકડિયા વાળ, ભૂરી આંખો અને સાવ રમતિયાળ ચહેરો. જોઈને કોઈને પણ રમાડવાનું મન થઈ જાય એવો મોન્ટુ.”
“એકવાર કરસનકાકાને ત્યાં મોન્ટુ રમવા ગયો હતો. ગામમાં ઘણાંની કુટેવ કે વીજળીના થાંભલે આંકડી લગાવીને વીજળી વાપરે. આવી જ એક આંકડી ત્યાં પણ લગાવેલી. કોઈક સમાચાર લાવ્યું કે ગામમાં લાઈટવાળાની જીપ આવી છે. કરસનકાકા દોડ્યા થાંભલા પરથી આંકડી પાડવા. આપણો મોન્ટુ ત્યાં જ રમે. કરસનકાકાની સહેજ ચૂક થતા એમના હાથમાં રહેલો પાઇપ વીજળીના તારને અડીને મોન્ટુને અડી ગયો. આપણો મોન્ટુ … તારા પપ્પા તો કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા
હતા.” વિમળાબેન આગળ બોલી ન શક્યાં. ગળામાં ડૂમો ભરાઈ ગયો.
“એના ચાર વર્ષ પછી તારો જન્મ થયો. આ વખતે તો તારા પપ્પાએ નક્કી કરી લીધું હતું કે ‘ગામમાં કે શેરીમાં કોઈને ગોળ પણ ખવડાવવો નથી.’ એમના મનમાં એક બીક બેસી ગયેલી કે બે બાળકોની જેમ ત્રીજા બાળકને પણ કશુંક થઈ જાય તો ! સમય જતાં અમે બેઉ ટીકુ અને મોન્ટુને વિસરીને તારા ઉછેરમાં લાગી ગયાં. તને જોઈને ક્યારેક તો લાગે કે તું મોન્ટુ જ છે.”
“હવે તો તારા પપ્પા ઊંચા ઓફિસર બની ગયા હતા. તને પણ ઓફિસર બનાવવા માંગતા હતા. કહેતા હતા કે ‘મારો દીકરો મારા કરતાં પણ મોટો ઓફિસર બનશે. ’ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું છે.’ તારા પપ્પા સ્કૂટર ચલાવતાં હેલ્મેટ પહેરતા જ નહીં. એક દિવસ એ આદત પરિવારને તારા પપ્પાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી.”
“હું સાવ તૂટી ગઈ. તારા પપ્પા હતા ત્યારે આપણું ઘર સમૃદ્ધ હતું. એકમાત્ર તારા ભરોસે આટલી આવડી જિંદગી કાઢી. કાયમ મને થયા કરે કે આપણા દુઃખનો કેમ અંત આવતો નથી ? મારાં નાની ઉંમરમાં લગ્ન થયેલાં. હું પણ વધુ ભણેલી નહીં. આજે તને જોઈને એમ થાય છે કે તારા પપ્પાનું સપનું પૂરું થયું. તારા પપ્પાની જેમ જ તેં પણ ખૂબ જ ખંતથી મહેનત કરી. આજે તું ઓફિસર બની શક્યો. મને ગર્વ છે દીકરા, હા, એક વાતનો અફસોસ જરૂર છે કે તારા પપ્પા હોત…”
“મમ્મી હું સમજુ છું કે પપ્પા હોત તો આનંદ બેવડાઈ જાત પણ તમે મને કોઈ દિવસ પપ્પાની ઓછપ આવવા દીધી નથી. તમે જ મમ્મી અને પપ્પા બંને બનીને રહ્યાં છો. તમે ખૂબ જ યાતના વેઠી છે. હું વચન આપું છું મમ્મી કે હું તમને ક્યારેય દુઃખી નહીં થવા દઉં.”
વિમળાબેને પોતાના દીકરાને બાથ ભરીને રડી લીધું એમના ઊનાં આંસુ કાર્તિકને સ્પર્શી રહ્યાં.