Ajay Parker ' ભાવિ '

Children Stories Children

4.0  

Ajay Parker ' ભાવિ '

Children Stories Children

મોજમાં રે'વું

મોજમાં રે'વું

3 mins
20


“ હે પક્ષી રાજ તમે કોણ છો ? મને તમારો પરિચય આપો.” પોતાના આંગણે આવીને બેઠેલા કાળા પક્ષી તરફ જોઈ ચિન્ટુ બોલ્યો.

“હું કાગડો, રંગે કાળોમેશ. હું રાજી થાઉં ત્યારે ‘કા કા’ કરીને અવાજ કરું. જોકે બધા સમયે મારો અવાજ આવો જ હોય ! ખાલી કા કા કરવાની ઝડપ બદલાય.

આમ તો હું એક પક્ષી જ છું પણ તમે માણસ જાત મારો ઉપયોગ તમારી જરૂરિયાત પ્રમાણે કરો છો.’

‘એ લોકો કહે: ‘સવાર સવારમાં ઘરના આંગણે કાગડો બોલે તો શુભ કહેવાય, આપણા ઘરે મહેમાન આવે !’ આવું બોલીને રાજી થાય. આપણે તો એવું કંઈ જાણતા નથી.’

‘વળી આપણે કાયમ મોજમાં રહેનારા. તમારા આંગણા સિવાય બીજી જગ્યાએ મારા સમયે બોલું તો મારો અવાજ આ માણસને કર્કશ લાગે. એમાં મારો શું વાંક ? બોલો !’

‘મને વાર્તાઓમાં જોડીને કહે: ‘ફૂલણશી કાગડો.’ શિયાળ મૂરખ બનાવી પૂરી લઈ જાય. ક્યારેક મને ‘ચતુર કાગડો’ બનાવી દે ! મને કુંજામાં કાંકરા નાખીને પાણી પીતો બતાવે ! આમાં હું તો કાંઈ ના જાણું લો !’

‘હા, પાછા કાગડાને તો ‘કુદરતનો સફાઈ કામદાર’ એવું કહે. અરે ભાઈઓ, એ તો મારો ખોરાક છે. મારા ખોરાકને લીધે કુદરતી રીતે સફાઈ કાર્ય થતું હોય તો એ તો સારું કહેવાય ને !’

‘ઘણીવાર મને કહેવતોમાં પણ વાપરે. લો સાંભળો: ‘નાની વાતમાં તો ‘કાગ નો વાઘ’ કરી નાખ્યો.’ ભાઈ કાગનો વાઘ તો મેં જોયો યે નથી. કોઈ માણસ ઊંઘતો હોય અને તોય જાગતો હોય એમ લાગે તો કહે કાગડા જેવી ઊંઘ છે.’

‘તમે માણસ જાત આમ પાછાં દયાળુ પણ ખરાં ! તમારા વડવાઓની યાદમાં એક દિવસ મને ખીર ખવડાવો. છાપરે ખીર મૂકીને અમે ન આવીએ ત્યાં સુધી વાટ જુઓ. પાછાં કહો પણ ખરાં, ‘અમે તો કાગડાની ‘કાગડોળે’ વાટ જોઈએ છીએ.’

‘ક્યારે બાળકો અમને ગીતોમાં વણી લે ‘આવને કાગડા કઢી પીવા.’

‘ઘણીવાર કાંઈ ખરાબ થાય ત્યારે બોલે પણ ખરાં, ‘કાગડા બધે જ કાળા હોય’  એમાં અમારો શું વાંક ? અમારો વાન કાળો છે એમાં અમે શું કરીએ ?’

‘ક્યારેક અયોગ્ય વ્યક્તિને વધારે પડતું મળી જાય ત્યારે કહે, ‘કાગડો દહીંથરું લઈ ગયો.’ ભાઈ ! મને તો કંઈ દહીથરું મળતું જ નથી. નાહકનો મને બદનામ કરી દો છો !’ 

એમ તો કાગડા કકળવા, કાગડા ઊડવા, કાગડાની ડોકે રતન,કાગારોળ કરવી વગેરે જેવા કેટલાય પ્રયોગો અમારા નામે છે.

‘ઘણીવાર અમે આવા ચાલાક હોવા છતાં પણ પેલી કોયલબેન અમારા માળામાં ચોરીછૂપીથી ઈંડાં મૂકી જાય અને પાછા અમે એવા ભોળા કે એ ઈંડાં સેવીએ. જીવનનો એક જ મંત્ર રાખ્યો છે ‘મોજમાં રહેવું.’

‘પહેલાં તો બધાંના ઘરના આંગણે લીમડા હોય અને લીમડાના ઉપર અમે માળો બાંધતા. હવે લીમડા રહ્યા નથી. અમારે માળા કરવા ય ક્યાં ? અમે પણ અમારો રસ્તો શોધી કાઢ્યો છે હોં!’

‘તમે માણસ જાત તમારા માટે ઊંચા મોબાઈલ ટાવર બનાવ્યાં છે ને ! એમાં જ અમે અમારી કોલોની એટલે કે રહેઠાણ બનાવીએ છીએ. જેમ માણસ ફ્લેટ બનાવે છે તેમ અમે પણ એક ઉપર એક છેક સુધી માળા બાંધીએ. અમને કોઈ હેરાન ન કરી શકે ને એટલા માટે. 

એ… ચાલો હવે રજા લઉં !’

‘હમણાં તડકો આવશે અને અમારે ગરમીમાં ખોરાક શોધવા માટે બહાર નીકળવું પડશે. પાછું ગરમીમાં અમારો ખોરાક બગડી જાય અને અમે કાળા પડી જઈએ ! એટલે ઠંડો પહોર છે ત્યાં સુધી ખોરાક શોધી આવીએ. ભોજન બાદ અમે નિરાંતે વડલા ઉપર બેસીએ અને પાછા મોજમાં ‘કા કા કા’ કરીએ.‘ કાગડાએ ટૂંકમાં પોતાનો પરિચય પૂરો કર્યો.

ચિન્ટુ આંખો પહોળી કરીને ‘કા કા’ કરીને ઊડેલા કાગડા તરફ જોઈ રહ્યો.


Rate this content
Log in