નનામી અરજી
નનામી અરજી
"સાહેબ, આ લો આ ટપાલ આવી." પટાવાળો ટપાલ આપી ગયો.
ઓફિસમાં બેઠેલી બંને વ્યક્તિના ચહેરા પર આજે કંઈક અલગ જ ભાવ જોવા મળતા હતા. બેને નીકળતાં નીકળતાં પરમીડિયું ખોલ્યું. વાંચીને તેમણે સામે બેઠેલી વ્યક્તિને સહેજ હસતા ચહેરા સાથે એ ટપાલ આપી. આ બંને વ્યક્તિ બીજી કોઈ નહીં પણ ગ્રામ પંચાયતનાં સરપંચ અને તલાટી બેન હતાં. આ એક સંયોગ જ હતો કે સરપંચનો કાર્યકાળ આજે પૂરો થતો હતો અને તલાટી બેનની પણ આવતીકાલે બીજે ગામ હાજર થવાનાં હતાં.
"સાહેબ, કાર્યક્રમનો સમય થઈ ગયો છે." પટાવાળો યાદ કરાવી ગયો.
"હા, ચાલો." બંને સાથે બોલ્યાં.
ગામમાં જ તેમનો વિદાય કાર્યક્રમ હતો. કાર્યક્રમ ચાલુ થયો. સ્વાગત વિધિ પછી સરપંચ પ્રવચન કરવા ઉભાં થયાં. એમણે ગામ લોકોનો આભાર માન્યો. આ પાંચ વર્ષ દરમિયાન તેમણે જે પણ કામગીરી કરી તેનો સંતોષ વ્યક્ત કર્યો. આમ છતાંય આજે આવેલી નનામી 'અરજી' સરપંચને આ કાર્યક્રમમાં વિચલિત કરી ગઈ. એ અરજીમાં સરપંચ અને તલાટી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સરપંચબેન બોલ્યાં, "મારી વિરુદ્ધ તમે ગમે તે બોલ્યા હો હું સહન કરી લઈશ પણ આ તલાટીબેન એમનો પણ આજે સાથે વિદાય સમારંભ છે તેઓ પણ છેલ્લા છ વર્ષથી અહીં સેવા આપી રહ્યાં હતાં. આ ગામમાંથી બદલી થઈને બીજે જઈ રહ્યાં છે હું જ્યારે સરપંચ તરીકે ગામમાં જોડાઈ ત્યારે મને હતું કે કેવી રીતે કામ થશે પણ આ બેન કે જેમણે પગાર સિવાય એક રૂપિયો પણ લીધો નથી. ક્યારેય કોઈની ચા પણ મફતની પીધી નથી. એમનામાંથી જ હું શીખી છું કે માત્ર ને માત્ર સેવા કરવા માટે આપણે જોડાયાં છીએ. હું ધારું છું ત્યાં સુધી મેં મારી ફરજ પૂર્ણ નિષ્ઠાથી બજાવી છે. બેન ધારત તો આ ગામમાંથી ઘણું બધું કમાઈ શક્યાં હોત ! પણ તેમણે એક રૂપિયાની પણ વધારાની અપેક્ષા રાખી નથી અને કોઈને કામ માટે ખોટા ધક્કા ખવડાયા નથી એ આપણા માટે સારી વાત છે. આ ગામને આવા તલાટી મળે એ પણ આપણું નસીબ છે હું આ તકે આપ સર્વેનો આભાર માનું છું." કહી સરપંચ એમનું વક્તવ્ય પૂરું કર્યું.
ત્યારબાદ બદલીથી બીજે ગામ જઈ રહેલાં તલાટીબેન પણ પોતાનું પ્રવચન આપવા ઉભાં થયાં. એમણે કહ્યું કે "આજે અરજી આવી છે જેમાં લખ્યું છે કે મેં અને સરપંચે ભેગાં થઈ ગામમાંથી ઘણું બધું કમાયાં છીએ." " તો હું કહું કે હા અમે ઘણું કમાંયાં છીએ, લોકોના આશીર્વાદ, દુવાઓ અને સંતોષ કમાયા છીએ."
આ એજ સરપંચબેન છે કે જેમના ઘરની દિવાલ તૂટેલી હતી એ પાંચ વર્ષ પછી આજે પણ તૂટેલી જ છે. આખા ગામમાં આરસીસીના રોડ થયા, પણ એમના ઘર આગળની શેરીનો જે રોડ છે એ હજુ પણ કાચો જ છે, ગામમાં પાણીનો પ્રશ્ન હોય વેરાનો પ્રશ્ન હોય એ ખડે પગે ઉભાં રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં જેટલાં આવાસ યોજનામાં મકાન બન્યાં છે એ અગાઉ એટલા ક્યારે નથી બન્યાં. કચેરીએ કચેરીએ ફરી ફરી અને વિવિધ યોજનાઓનો લાભ ગામને અપાવ્યો છે એના માટે ક્યારેય એના કોઈ ખર્ચ કે વાઉચર્સ ક્યારેય પંચાયતમાં મૂક્યા નથી આ એ ગામનું નસીબ જ છે એમણે જે સહકાર આપ્યો છે એ ખરેખર કબિલેતારિફ છે આ ગામના લોકો નસીબદાર છે કે અમને આવા સ્વચ્છ સરપંચ મળ્યા." કહી તલાટી શ્રીએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.
ગામના લોકોએ બંને બહેનોને વધાવી લીધા તાળીઓના ગડગડાટથી એ ગામનો નાનકડો હોલ ક્યાં સુધી ગુંજી રહ્યો.
