Kavish Rawal

Thriller

3  

Kavish Rawal

Thriller

છેલ્લો એવૉર્ડ

છેલ્લો એવૉર્ડ

6 mins
14.5K


"મેઘના મેડમ?" એક મધુર અવાજ સંભળાયો. મેઘનાએ ચશ્માં પર આંગળી અડાડીને જરાક ઉપર કર્યાં અને નજર ઉપર કરી.

એક પાંત્રીસેક વરસની સ્ત્રી સફેદ કોટનનો ડ્રેસ પહેરીને દરવાજામાં ઊભી હતી. બેઠી દડીની કાઠી, ગોળ ગોરો ચહેરો, મોટી લગભગ ગોળાકાર આંખો અને ઘાટા કથ્થાઈ વાળ.

જરાક ઝૂકીને તેણે ફરી પૂછ્યું, "મેડમ, આવું કે?" મેઘનાએ જરા કડક મોં કરીને પૂછ્યું, "કામ શું છે?" પેલી સ્ત્રી પણ ઠાવકી હતી મેઘનાનું વાક્ય પૂરું થાય તે પહેલાં તો તે સામેની ખુરશીમાં ગોઠવાઈ ગઈ હતી.

"સરસ ઓફિસ છે. અગાસી પર ઓફિસ કરવાનો વિચાર જ અદભુત ગણાય. એક અવૉર્ડ માટે તમારું નોમિનેશન જોતું હતું." હવે મેઘનાનાં મોં પર ચમક આવી. મેઘના એટલે લાંબી પાતળી, ઘઉં વરણી, મહત્વકાંક્ષી આર્કિટેક્ટ. તેને સુંદર ગણાય કે કેમ તેવો સવાલ જાગે ત્યારે પરિસ્થિતિ કેવી રીતે સાચવવી તે તેને ખબર હતી.

અવૉર્ડની વાત સાંભળતાજ તેણે પાણી મંગાવ્યું. "આવોને બહેન. તમે જુઓ છો ને કામની વ્યસ્તતા કેવી રહે છે. અને એટલેજ એવોર્ડની વાત આવે એટલે બધાને મારુંજ નામ યાદ આવે. તમે કઈ સંસ્થામાંથી આવો છો?" મેડમ હું લાઈફ ડિઝાઇન સ્ટુડિયોમાંથી આવું છું અને સ્પેસીઅલ કેટેગરીમાં તમારું આ કામ પસંદ થઈ ગયું પછી યાદ આવ્યું કે કેટલાક પેપર પર તમારી સહી બાકી છે." મેઘનાને આ સંસ્થાનું નામ જાણીતું લાગ્યું પણ પોતે કોઈ નકશો કે પેપર મોકલ્યા હોય તે યાદ આવતું ન હતું. નકશો ખુલ્યો અને મેઘના ચમકી.

આતો રાહુલનું કામ છે. નસીબ પણ કેવો સાથ દે છે. રાહુલ નો અવૉર્ડ પણ મને?

મેઘના ઇન્ટર્નશિપ માટે રાહુલને ત્યાં જતી. રૂપાળો, સ્માર્ટ અને મલ્ટીટેલેન્ટેડ રાહુલ તેની નજરમાં વસી ગયો. હશે મેઘનાથી સાતેક વરસ મોટો. મેઘનાને ઘણી બધી બાબતોમાં સમજ ન પડતી. પણ તે બાજુમાં બેસીને શીખવાડતો. મેઘના એ નક્કી કર્યું, "મારા માટે આજ પરફેક્ટ મેરેજ મટીરીઅલ છે." પણ ચાર મહિનામાં ઓફીસમાં પેંડા વહેંચાયા ત્યારે ખબર પડી કે રાહુલના ઘરે દીકરો આવ્યો છે. તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે રાહુલને બરબાદ કરવાનો નિર્ણય લઇ લીધો. રાહુલ એક સંસ્થામાં ડાઈરેક્ટર હતો. ત્યાં પોતાના પપ્પાની ઓળખાણથી તે પોતે ગોઠવાઈ ગઈ. તેના બધા પ્રોજેક્ટ પણ મફતમાં કરી આપવાની લાલચે તે પડાવી લેતી. રાહુલ હજુ પણ મેઘના પર ભરોસો કરતો.

એક દિવસ રાહુલે મેઘનાને કહ્યું, "મેઘના દીકરાની સ્કુલની ફી ભરવાના પૈસા નથી. મારે ખરેખર કોઈ નિર્ણય લેવો પડશે." મેઘના ખુબ રાજી થઈ. રાહુલે ઓફિસ પર લોન લીધી. તેણે ફરી વધારે હેરાન કરવા માટે મેઘનાએ બેંક મેનેજરના દીકરા પરિતોષ સાથે લગ્ન કરી લીધા. પરિતોષ પણ એક જમાનામાં રાહુલનો જ વિદ્યાર્થી હતો.

એક દિવસ અચાનક રાહુલ ગામ છોડીને જતો રહ્યો. આજે છવ્વીસ વરસ પછી રાહુલનો પ્રોજેક્ટ મેઘનાની સામે પડ્યો હતો. પેલી વેદના પાછી સળવળી. તેણે બધાજ કાગળ પર સહી કરી દીધી.

"મેઘના. હું સીધોજ હોલ પર પહોંચી જઈશ તું કાયમની માફક મોડી ના પડતી. આજનો દિવસ કેટલો ખાસ છે તે હું જ જાણું છું." મેઘનાને પરિતોષ ખૂબજ ચાહતો. પણ મેઘના ધાર્યું જ કરતી. બધાંજ જાણતાં કે મેઘના મેડમ પાસે સાહેબનું કંઈ ચાલતું નથી. વળી પરિતોષ તેનો ગર્વ પણ લેતો. તેના પપ્પા નોકરીમાંથી સસ્પેન્ડ થયા ત્યારે મેઘનાની આવડતથીજ ઘર ચાલતું તે પોતે પણ જાણતો હતો.

જોકે હવે પરિસ્થિતિ બદલાઈ હતી. એકાદ મહિનાથી પરિતોષ થોડો દુઃખી હતો. આજે તેને ખુશ જોઈને મેેઘના પણ રાજી હતી.

તેણે રાહુલને ગમતા રંગની સાડી પહેરી. લાઈટ મેકઅપ પણ કર્યો. વિચાર્યું. "એ આવશે તો ખરોજ. અને જ્યારે એને ખબર પડશે કે ભૂલથી એનો અવૉર્ડ મને મળ્યો છે, તો તેની કેવી હાલત થશે? હું એને ક્યારે પણ માફ નહિ કરું તે નક્કી છે."

આજે તે સેલ્ફ ડરાઇવ કરીને હોલ પર પહોંચી. હંમેશની માફક તે મોડી હતી. કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ હતી. તે પરિતોષની બાજુમાં ગોઠવાઈ અને તેનું નામ બોલાયું. આજે તેના મનમાં ખૂબજ દ્વિધા હતી. ખબર નહિ કેમ પણ કંઈક ખોટું કર્યાની લાગણી ભારોભાર હતી. તેણે આસપાસ નજર કરી પણ રાહુલ દેખાયો નહિ. તે ઊભી થવા ગઈ ને સાડી પર પગ આવ્યો. તે લગભગ પડવા જેવી થઈ ગઈ.

પરિતોષે તેનો હાથ પકડી લીધો એને સ્ટેજ સુધી દોરી ગયો. મેઘનાના આશ્ચર્ય વચ્ચે સ્ટેજ પર રાહુલ ઊભો હતો. "ઓહ, આટલા વર્ષ પછી તેનામાં મોટા ફેરફાર થયા નથી. આ માણસ હજુ પણ આટલો સુંદર કેમ દેખાય છે? એ અહીં શું કરે છે?"

તે એક પગથિયું ચૂકી ગઈ. ફરી પરિતોષે તેને પકડી લીધી. રાહુલ બે ડગલાં આગળ આવ્યો. મેઘનાના હાથમાં અવૉર્ડ આપ્યો. પરિતોષ આગળ આવીને રાહુલને પગે લાગ્યો. રાહુલ આશીર્વાદ આપીને બોલ્યો, "મેઘનાની આ વાત તો મને ખબર જ ન હતી."

તેણે મેઘનાનાં માથે હાથ મૂક્યો. મેઘનાએ એક હાથથી તેનો હાથ ઝાટકી નાખ્યો અને સ્ટેજ પરથી નીચે ઉતરી ગઈ.

તે જેવી પોતાની જગ્યા એ બેસવા ગઈ ત્યાં બાજુવાળા બેને કહ્યું, "તમને પહેલી નજરે જોઈને કોઈને લાગે નહિ કે તમને આ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હશે." મેઘનાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે મોઢું બગાડીને કહ્યું કે તમને પૂછે છે કોણ? અવૉર્ડ હાથમાં છે તે દેખાતો નથી?

પેલા બેન મોં ફેરવી ગયાં. હવે એક પછી એક એવોર્ડ આપતા ગયા અને મેઘનાનો ગુસ્સો વધતો ગયો. આ એવોર્ડ તો માનસિક રીતે અસ્વસ્થ લોકોના કોઈ ખાસ કામ માટે હતા. તેને યાદ આવ્યું તે સ્ટેજ પર ગઈ ત્યારે ફૂલ ફૂલવાળું કોઈ ચિત્ર પાછળ પરદા પર આવ્યું હતું. દરેકનું કામ આ પરદા પર દેખાડતું હતું. તેને હવે યાદ આવ્યું કે, "ઓફિસમાં તો ખૂબજ સિક્યુરિટી છે. આટલી ટાઈટ સિકયુરિટી છતાં પેલી સ્ત્રી મારી ઓફિસમાં સીધીજ આવી કેવી રીતે?"

તેણે અવૉર્ડને છુટ્ટો સ્ટેજ પર ફેંક્યો અને બૂમો પાડવા લાગી. તેની આંખો ચકળ વકળ થતી હતી, હાથ કાંપતા હતા, વાળ જરૂર કરતા વધારે ઝડપથી હલતા હતા. અવાજ મોટો થઈ રહ્યો હતો. સ્ટેજની પાછળથી રાહુલ દોડીને આવ્યો. પરિતોષે તેણે ઝકડી રાખી. બે ચાર લેડી ગાર્ડની મદદથી તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી.

મેઘનાએ માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. તેને રાહુલ માટે ભારોભાર નફરત થઈ રહી હતી. તે વિચારતી હતી કે રાહુલે બદલો લીધો છે.

"મેઘના મને સાફ કરવા માંગતી હતી તે મને ખબર હતી. પણ પરિતોષ, મારા માટે તો તે મારી દીકરી જેવી હતી. હું જ્યારે ખરેખર તકલીફમાં હતો ત્યારે એકવાર મેં તેને કહ્યું પણ હતું કે મારા દીકરાની ફીનાં પણ પૈસા નથી પણ તે અટકી જ નહિ. અંતે મારે ગામ છોડવું પડ્યું. ઈશ્વરની કૃપાથી બધું સારું છે મારા બહેન ડોક્ટર છે એટલે છેલ્લા દસેક વર્ષથી અમે આ અવૉર્ડ આપીએ છીએ. મને મેઘનાની આવી હાલતની જાણ જ ન હતી."

કદાચ પરિતોષ પણ આ ઘટનાથી ડઘાઈ ગયો હતો. તેની આંખમાંથી આંસુની ધાર થઈ. "સર, મેઘના તમને પ્રેમ કરતી હતી ને તમારી સાથે લગ્ન કરવા માંગતી હતી. તમે પરણેલા હતા એટલે તમને ખતમ કરવા માટે તેણે આ બધાજ કાવા દાવા કર્યા હતા." રાહુલે માથું ધુણાવ્યું. "ના, સાવ એવું નહિ હોય." પરિતોષે વાત આગળ ચલાવી. "તેણે મારો પણ આ કામમાં ઉપયોગ કરેલો. અમે મિત્ર હતા, પછી પતિપત્ની થયાં. પણ મેઘના મને હજુ પણ મિત્ર જ સમજતી હતી. ગયા મહિને તેણે મને ઉત્સાહમાં આવીને બધીજ વાત કરી. હું દુઃખી થઈ ગયો. લગ્નના ત્રેવીસ વર્ષ પછી પણ મારી પત્ની તમને ચાહતી હતી. એક દિવસ ભૂલથી તમારા જુના નકશા મારા હાથમાં આવ્યા ને મારું મન તોફાને ચડ્યું. મેં તમારા નામ સાથેના નકશા બનાવીને આ માનસિક અસ્થિર લોકો માટેના અવૉર્ડનાં ફોર્મ ભરાવ્યા. મને ખબર જ ન હતી કે સ્ટેજ પર તમે હશો. મારી નાની મજાક એક મોટી ભૂલ બની ગઈ." તે રાહુલને ભેટી પડ્યો. રાહુલે તેના માથે હાથ મૂક્યો. બીજા દિવસે છાપામાં સમાચાર હતાઃ "જાણીતા આર્કિટેક્ટ મેઘનાબેનને માનસિક રોગનો ફરી એટેક. લાઈફ ડિઝાઇન સ્ટુડિયો એ તેમને અવૉર્ડ આપ્યા બાદ સાજા કરી આપવા આપેલું વચન."


Rate this content
Log in

Similar gujarati story from Thriller