Kavish Rawal

Others

1.7  

Kavish Rawal

Others

છેલ્લા તલ્લાક

છેલ્લા તલ્લાક

7 mins
14.6K


                          ઇન્ડોનેશિયાના નાના એવા ટાપુ પર એક પતંગિયા પાછળ કેટલીક નાની બાળકીઓ દોડી રહી હતી. અચાનક એમાંથી એક ના હાથમાં એ પતંગિયું આવી ગયું. એણે પતંગિયાને પકડી અને હાથ ઉપર કર્યા," લો હવે તે આઝાદ થઇ ગયું." બધા તેની ભોળી આંખો સામે જોવા લાગ્યા." એની આંખો કેવી કબૂતર જેવી લાગે છે નહિ?" એક બાળકીએ બધા સામે જોઈને કહ્યું અને આબા દોડીને નારિયેળી ના વૃક્ષની પાછળ સંતાઈ ગઈ. આબા સામાન્ય  પરિવારની દીકરી. ભણવામાં ખુબજ તેજ અને રૂપાળી પણ ખરી. ગોળ મોઢા પર મોટી ચમકતી આંખો જેમાં ઠાંસી  ઠાંસીને ભોળપણ ભરેલું હતું. હશે સાતમા ધોરણની વિદ્યાર્થીની, પણ ભોળપણ સાત વરસની બાળકી જેવું હતું . એને પાંચીકા રમવા ખુબ ગમે. રૂઢિચુસ્ત સમાજમાં ઉછરેલી એટલે બહાર જવાની બહુ છૂટ નહિ. પણ બાપુ જેવા આઘા પાછા થાય કે આબાના પગમાં પાંખો ફૂટે. એની મા વિચારતી કે, "આ બાર જણ ના પરિવારમાં એકજ ફરજંદ એવું છે કે તેને સાચવવામાં નવ નેજા આવી જવાના છે. "આબાને ભણવું હતું, મોટા માણસ બનવું હતું અને દુનિયા ફરવી હતી. તે ધાર્મિક પણ હતી એટલે જાત જાતના ધર્મની ચોપડીઓ વાંચતી અને માને તેના વિષે સમજાવતી. માને સમજાતું નહિ પણ તે ડોકું હલાવ્યે જતી. આબા સામાન્ય લાગતી પણ તેની સુજ અને આવડત અસામાન્ય હતા તે તેની મા સારી રીતે જાણતી.

                     આખા ટાપુ પર એકજ છોકરી એ કોલેજનું ભણવાનું શરુ કર્યું એટલે બધેથી માંગા પણ આવા લાગ્યા. પણ આતો આબા. એને તો વિદેશ જઈ વધારે ભણવું હતું. એની મોટી આંખોમાં સપના પણ મોટા હતા. માંડ ગ્રેજ્યુએટ થઇ ત્યાં તો બાપુએ નિકાહ પઢાવી દીધા. પૉલ- છ ફૂટ ઊંચો ફૂટડો યુવાન. એની મદમસ્ત ચાલ પર આખા ટાપુની છોકરીઓ ફિદા. એનું મુખ અને બાંધો બંને આકર્ષક. વળી લંબગોળ ચહેરા પર ઘાટી મૂછો અને સોપારી જેવી આંખો તેને વધારે આકર્ષક બનાવતા. બધાને લાગ્યું કે આબા ખાટી ગઈ. હા પૉલ ભણવામાં કઈ બહુ હોશિયાર નહતો. તેની નોકરી પણ બહુ ખાસ નહતી પણ પગાર સારો હતો. આબાના બાપુ એ વિચાર્યું કે,"દીકરી સચવાઈ જશે." "આબા" એટલે પાણી જેવી પવિત્ર. આબા પણ એવી જ હતી. તેને ઘરમાં ભળતા વાર ન લાગી .પહેલાજ દિવસે આબાએ પોતાના વરને માપી લીધો. તેનું છીછરાપણું નજરમાં તરવા લાગ્યું. ન ધર્મનું સરખું જ્ઞાન કે ન જીવનની સાચી સમજ. નવરો પડે એટલે ધુમાડા કાઢ્યા કરે અને મિત્રો સાથે ટોળ ટપ્પા કરે. આબાએ સમયવર્તી ને એક નોકરી શોધી લીધી. તેનો પગાર પૉલ કરતા સારો હતો . હવે  રહેવા માટે ઘર પણ મળી ગયું એટલે ભાડું ભરવાની ચિંતા ટળી. પૉલના ખર્ચા મોટા હતા. પણ આબા તેને જે જોઈએ તે લાવી આપતી. જોતામાં બે બાળકો પણ ઘરમાં આવી ગયા. આબા પૉલ અને બંને બાળકોને સાચવી લેતી. હવે આબા આખો દિવસ કામમાં રહેતી. તેની પાસે પોતાના માટે જ સમય ન રહેતો. પણ આ પાંચ વરસમાં તેના નામે ઘર થઇ ગયું. ક્યારેક તો પૉલના મિત્રો તેની ઈર્ષા કરતા, કારણકે તેમની પત્નીઓ માત્ર ઘર સાચવી સકતી. આબાની આવડતથી બધા પ્રભાવિત હતા. અને આ વાત ક્યારેક ને ક્યારેક ચર્ચાઈ પણ જતી.

                    પૉલને જુના મિત્રો ન ગમતા એટલે નવા મિત્રો બન્યા. એ મિત્રો પોતાને પાયલોટ કહેતા. ના, પેલા વિમાન ઉડાડવા વાળા પાયલોટ નહિ. આ તો કબૂતર ઉડાડવા વાળા પાયલોટ. આ ટાપુ પર કબૂતરને ઉડાડવાની હોડ  લાગતી અને પછી તેના પર પૈસા બોલાતા. આના માટે કબુતરોને ખાસ માવજત સાથે ઉછેરવામાં આવતા. તેમને ખાસ પ્રકારે તૈયાર કરાતા જેથી તે વધારે ઝડપથી ઉડી શકે. બધા પોત પોતાના કબુતરોને લઇને ભેગા થતા. જેવો બંધુકનો ભડાકો થાય કે બધા પોત પોતાના કબુતરો ઉડાડે. જે કબૂતર વધારે ઝડપથી ઊંચાઈને આંબી ને પાછું આવે તે જીતી જાય. આબાના ઘરમાં કબુતરો આવ્યા, હવે ઘરમાં કબૂતર જેવી આંખો વધી ગઈ. આબા વિચારતી,"આ માણસને મારી આંખો એટલી બધી ગમતી હશે કે તે સાચા કબુતરો ઉપાડી લાવ્યો?" એને બિચારીને હકીકત ક્યાં ખબર હતી. પૉલ આબા પાસે વારે તહેવારે પૈસા માંગી લેતો. ભોળી આબા કોઈ પણ સવાલ પૂછ્યા વિના તેના પાકીટમાં પૈસા ભર્યા કરતી. હવે આબા ઓફિસમાં વધારે કામ કરતી. તેના બાળકોની ફી પણ ભરવાની હતી ને! પૉલને દારૂ અને સિગરેટની સાથે કબૂતરબાજીની પણ લત લાગી અને નોકરી છૂટી ગઈ.

               પૉલ હવે કબુતરોની પાછળ સમય ગાળતો. તેના બાળકો નજીક આવે તો પણ તેને હવે ઓછું ગમતું. તેને કબુતરોને ઉડાડીને આબા કરતા વધારે પૈસા કમાવવા હતા. પહેલા તેને આબાની આંખોમાં કબૂતરની આંખો દેખાતી. હવે તેને કબુતરની આંખોમાં ધન વર્ષા દેખાતી. એક દિવસ આબાને ખબર પડી જ ગઈ કે પૉલ ની નોકરી છૂટી ગઈ છે. તેને દુઃખ થયું કે પોલે તેનાથી વાત છુપાવી. પૉલને જયારે તેને જણાવ્યું કે તેને આ વાતની ખબર પડી ગઈ છે ત્યારે પૉલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો." તલાક..."  આબા માટે આ આઘાતજનક ઘટના હતી. આબા પગમાં પડી ગઈ. તેને સમજાતું ન હતું કે તેનો વાંક કયો હતો. પૉલ અટકી ગયો. હવે આબાને તેનો ડર લાગતો. તે બંને બાળકોને ઉછેરવામાં ધ્યાન આપતી. વારે તહેવારે પૉલ પૈસા માંગી લેતો અને આનાકાની થતા જ તલાક ...ની વાત થતી. આબા સતત ભયમાં રહેતી. જે ઘરમાં ખુશીઓના વાવેતર થયા હતા ત્યાં દર્દ અને ભય હિલોળા લેતા હતા. આબાનો દીકરો દસમા ધોરણમાં પ્રથમ આવ્યો. તેણે પૉલને ફોન કર્યો પણ કોઈ એ ફોન ઉપાડ્યો નહિ. આબા એ જાતેજ એના ભાગની મીઠાઈ ખાઈને સંતોષ માની લીધો. આબાની ભોળી આંખો જવાબદારીના ભારથી ઢળી રહી હતી. હજુ પણ તેનામાં બાળપણ જીવતું હતું. તે ખુબજ સહજ રીતે બધાને માફ કરી  સકતી. સમયને જાણે મોડું થતું હોય તેમ બે વરસ ખુબ ઝડપથી નીકળી ગયા. દીકરાની કોલેજની ફી ભરવાની હતી. આબાની બચત તો પૉલ ખાઈ જતો હતો. ઘરમાં એવા પૈસા હતા નહિ. અંતે ઓફિસમાંથી લોન લેવાનું નક્કી કર્યું અને પૈસા ઘરમાં આવી પણ ગયા.

               સવારે આબા એ કબાટ ખોલ્યું તો તેની આંખો ખુલ્લીજ રહી ગયી. કબાટ માંથી પેલા પૈસા ગાયબ. તપાસ કરતા ખબર પડી કે સવાર સવારમાં પૉલ આવ્યો હતો. આબા એ બુરખો પહેર્યો. તે દરિયા કિનારે કબુતરની બાજી લાગતી તે સ્થળ પર પહોંચી. ત્યાં ગયા પછી તેને સમજાયું કે, કેમ કોઈ સ્ત્રી હજુ આ જગ્યાએ આવતી ન હતી. વિચિત્ર વાસ અને વાણીથી તેના પગ થંભી ગયા. આગળ જવું કે નહિ તેની અસમંજસ ઉભી થઇ. પ્રેમ જયારે એકપક્ષીય બની જાય છે ત્યારે કોઈકના અસ્તિત્વને લઇને સવાલો ઉભા થતા જ  હોય છે. આબા ને અત્યારે માત્ર પોતાના દીકરાનું ભવિષ્ય દેખાતું હતું. અચાનક કબૂતર ના ઉડવાના અવાજે તેનું ધ્યાન ભંગ થયું. હાકોટા પડકારા શરુ થયા. ચિચિયારીઓ પણ સંભળાઈ. અને થોડી વારમાં કબુતરો પાછા આવી ગયા. આબા એ નજર કરી તો તેને  પૉલ દેખાયો નહિ. પૉલ ક્યાં હતો? કે પછી અત્યાર સુધી મળેલી માહિતી ખોટી હતી? તેની નજર જીણી થઇ અને પૉલ મળી ગયો. એક ખૂણામાં બેસીને તે તમાસો જોઈ રહ્યો હતો. એક સ્થૂળકાય માણસે તેની સામે નજર કરી અને પૂછ્યું,"કેમ હારી ગયો?" પોલે ખિસ્સામાંથી પૈસાનું બંડલ કાઢીને બતાવ્યું. તે ખંધુ હસ્યો. અને પૈસાને બીજા હાથથી પત્તા ચીપતો હોય તે રીતે ફેરવ્યા. આબા થોડેક જ દૂર હતી. તે ઝડપથી આગળ ગઈ અને પૈસા ઝુંટવી લીધા. પૉલ દોડવા ગયો પણ તે લથડિયું ખાઈ ગયો. ગભરાયેલી આબા એક ઝાડ પાછળ સંતાઈ ગઈ. પૉલને આબા ન દેખાતા તે ઝનૂને ચડ્યો. હવે તેનામાં રહેલો પુરુષ જાગી ગયો હતો. જો તે સામે હોત તો તલાક પણ બોલી નાખ્યું હોત પણ એકલા તો  ગુસ્સો પણ કોના પર કાઢવો. એણે બૂમ મારી."આ હોડ માં મેં મારું ઘર મૂક્યું." અને ઠઠ્ઠા મસ્કરી શરુ થઇ. જે કઈ ચર્ચાઓ થઇ એનો ભાવાર્થ એ જ હતો કે આબાના નામનું ઘર એ કેવી રીતે મૂકી શકે. માણસનો ગુસ્સો તેને આંધળો કરી દે છે. પૉલન મનમાં બદલાની ભાવના ઘૂંટાઈ રહી હતી. તેનું જાહેરમાં ચીર હરણ થયું હોય તેવા ભાવ સાથે તે બધાને ઘુરકી રહ્યો હતો. અચાનક તેના મગજમાં ઝબકારો થયો , આંખ ચમકી અને તે બરાડ્યો,"પણ આબા તો મારી છે ને? એને તો હું હોડ માં મૂકી શકું ને?" અને બધાએ ચિચિયારીઓ સાથે પ્રસ્તાવને વધાવી લીધો. પોલે કબૂતરના કપાળે ચુંબન કર્યું. તેનું ધ્યાન કબૂતરમાં હતું તેથી તેને દેખાયું જ નહિ કે આબા તેની પાછળ આવીને ઉભી રહી ગઈ છે. થોડી વારમાં  બંધુકનો અવાજ સંભળાયો તેની સાથેજ આબાનો અવાજ પણ ભળી ગયો. "તલાક..."

              હવે પૉલને પોતાની ભૂલ સમજાઈ. તે આબાનું સન્માન સાચવવામાં નિષ્ફળ ગયો હતો. જે આબા એક પણ સવાલ પૂછ્યા વિના તેને નિભાવી રહી હતી તેને આજે પોતે હોડમાં મૂકી દીધી? ફરી સંભળાયું," તલ્લાક..." હવે બધાની નજર આબા તરફ હતી કબુતરો આકાશમાં પોતાની  મરજીથી ઉડી રહ્યા હતા. પૉલ ફસડાઈ પડ્યો."ના, આબા, ના, તું આવું ન કરી શકે. મારી ભૂલ થઇ ગઈ. હું ક્યાં જઈશ? મારી તો નોકરી પણ છૂટી ગઈ છે. રહેમ કર આબા... હું હજુ પણ તારી કબૂતર જેવી આંખો ના પ્રેમમાં છુ. હું ભટકી ગયો હતો. મારે કાંઈજ જોતું નથી. "તલાક" બોલતાની સાથેજ આબાની આંખો માંથી આંસુ બહાર આવી ગયા. તેની કબૂતર જેવી આંખોમાં લાલાશ આવી ગઈ હતી. બધાની આંખો ખુલ્લી જ રહી ગઈ અને પૉલની આંખો ખુલી ગઈ. પણ હવે મોડું થઇ ગયું હતું. કબુતરો ધીમે ધીમે જમીન પર આવી રહ્યા હતા. કોઈને ખબર ન હતી કે કોણ જીત્યું અને કોણ હાર્યું.


Rate this content
Log in