Kavish Rawal

Crime Thriller

3  

Kavish Rawal

Crime Thriller

છેલ્લો પ્રહાર

છેલ્લો પ્રહાર

7 mins
13.6K


ફ્લાય ઓવરની નીચે ચાર રસ્તા ભેગા થાય પણ ત્યાં ભીડ ભાગ્યેજ જોવા મળે. એ દિવસે હજુ તો માંડ કૂકડો બોલ્યો હશે ત્યાં માણસોની ભીડ જામવા લાગી. રસ્તા ભીના ભીના હતા અને દુર્ગંધથી મગજ ફાટી જતા હતા. પણ કુતુહલને તેડું થોડું જ હોય છે? થોડીવારમાં સાયરન વાગ્યું અને પોલીસની ગાડી આવી. બે કોન્સ્ટેબલ જેવા માણસો આવ્યા અને ભીડને ખસેડીને અંદર ગયા. દુર્ગંધના લીધે તેમણે મોઢા પર રૂમાલ ઢાંકી દીધા. ખૂણા પર કોઈ લાશ પડી હોય તેવું લાગતું હતું. લાશ પાણી પીય ગઈ હતી. પણ તે અહીં આવી કેવી રીતે?

કોન્સ્ટેબલે સાહેબ ને ફોન પર વિગત આપી અને ગાડી લઈને એક માણસ પાછો નીકળી ગયો. આસ પાસથી માણસોને દૂર ખસેડાયા. કોન્સ્ટેબલ કિરીટસિંહને દ્વિધા એ વાતની હતી કે જો ઉનાળો છે તો રસ્તા પર પૂર આવ્યું હોય એટલું પાણી કેમ છે? સાહેબ બીચારા નાહ્યા વિનાના જ આવી ગયા. રખેને તેમની પહેલા મીડિયાવાળા પહોંચી જાય!

બે ત્રણ સવાલ ઉદ્ભવ્યા તે હતા, "લાશ કોની છે અને અહીં કેવી રીતે આવી? રાત્રે વરસાદ નથી પડ્યો તો પણ આટલું બધું પાણી કેમ છે? અને જો લાશ અહીં રસ્તા પર જ પડી છે તો કોઈ એ રિપોર્ટ કેમ ન કર્યો?"

છેલ્લા સવાલનો જવાબ સામે પાટિયા પર જ હતો. "અંધ વિકાસ મંડળ" આ જગ્યાનું સરનામું જ એ હતું. અહીં માણસોની અવરજવર ભાગ્યેજ રહેતી કારણકે ડબલ ફ્લાયઓવરના લીધે ચાર રસ્તા પર ટ્રાફિક નહોતો થતો. અને જે કોઈ અહીંથી પસાર થતા તેમાંથી અંધ વધારે રહેતા. આઝાદી પહેલા બનેલી આ સંસ્થામાં લગભગ પંદરસો અંધ માણસો રહેતા. પરિવારજનો તેમને કામ શીખવવા અહીં મૂકી જતા. અને પછી સરકારી નોકરી મળી જતી. હવે તો સંસ્થાને કરોડો રૂપિયા દાન માં મળતા એટલે વ્યવસ્થા પણ સુધરી હતી. સાત વર્ષ પહેલા અહીં એક ખુન થયું હતું, પછી આટલા વરસોમાં આ પહેલી ઘટના હતી. ગંધના લીધે ઇન્સ્પેક્ટરનું માથું ભમી રહ્યું હતું પણ તપાસ પણ એટલી જ જરૂરી હતી. તે લાશની નજીક ગયો. કોન્સ્ટેબલને રૂમાલ લઈને તેને સીધી કરવા કહ્યું અને એકદમ યાદ આવ્યું કે ફોટા પાડવાના બાકી છે એટલે તે અટકી ગયો. માનવ મહેરામણ વધી રહ્યું હતું.

તપાસમાં ખબર પડી કે આ માણસ દિપક અગ્રવાલ હતો. તેના ત્રણ પેટ્રોલ પમ્પ હતા. તેને સમાજ સેવામાં રસ હતો અને તેના બધાજ પમ્પ પર માત્ર છોકરીઓ જ કામ કરતી. તેના પમ્પ પર કામ કરતી છોકરીઓનાં તે લગન પણ કરાવી આપતો. તેની ઉમર હશે ઓગણ ચાલીસની પણ તેના છેડા ખૂબ ઉપર સુધી અડેલા હતા. જેવું તેનું નામ ખબર પડી કે ઉપરથી ફોન પણ આવવા લાગ્યા. વધારે પડતા પાણીના લીધે કૂતરાને પગેરું શોધવામાં નિષ્ફળતા મળી. આ ચાર રસ્તા પર કેમેરા હજુ લાગ્યા ન હતા. હવે એક માત્ર સહારો હતો તે અંધ વિકાશ મંડળ જ ગણાય. ઇન્સ્પેક્ટરને ઉતાવળ હતી કારણકે કોઈ નવો ફોન આવે તે પહેલા તેને માહિતી મેળવવી જરૂરી હતી. તેણે દરવાજા આગળ પડેલું રજીસ્ટર ચેક કર્યું પણ તેમાં દિપકનું નામ મળ્યું નહિ. તેણે ચોકીદારને પૂછ્યું પણ તે તો કાંઈ જાણતો જ ન હતો. વળી તે રહેતો હતો પણ કેમ્પસમાં એટલે ચાર રસ્તા સુધી તે ગયો પણ ન હતો. અચાનક તેની નજર દરવાજા પર લાગેલા કેમેરા પર ગઈ. તે ઓફિસ તરફ ગયો. એક સિત્તેરેક વરસના ભાઈ જાણે જીવનની છેલ્લી ચા પીતા હોય તેવી રીતે ચા પીતા હતા. સાહેબને જોઈ ને તે ઊભા થઈ ગયા. આખી વાત સાંભળીને તેમણે દુઃખ પ્રગટ કર્યું અને જ્યારે કેમેરાનો ડેટા આપવાની વાત થઇ ત્યારે બબડ્યા. "જેમની આંખ નથી તેમને કેમેરાની આંખમાં તમે થોડા જોઈ શકશો. સાહેબને શરમ આવી પણ ફરજના ભાગ રૂપે તેમને ડેટા લેવો જરૂરી હતો. એક ફોન આવ્યો અને તેમણે કડકાઈ ચાલુ કરી.

થોડીજવારમાં મેનેજર વેદેશભાઈ ભાંગી પડ્યા. "સાહેબ, દિપક શેઠ અહીં ઘણી મદદ કરતા પણ તેમની ઈચ્છા નહોતી કે કોઈને ખબર પડે એટલે તેમને કોઈ સહી વગર જ અહીં આવવાની છૂટ રહેતી. વળી, એ આવે ત્યારે કેમેરા પણ હું જ બંધ કરી દેતો. દરેક વખતે તેમની સાથે અલગ અલગ છોકરી રહેતી. પણ તે ચારિત્રના ખરાબ ન હતા. પેલી બેન તો ઓફિસમાં અમારી સાથે રહેતી. એ અને જે તે દાનવીરો છોકરાવના ભજન સાંભળતા અને બધાને કાંઈને કાંઈ આપીને જતા. આ મારા કપડાં પણ એ જ લાવ્યા હતા. ટૂંકા પગારમાં પૂરું ન થાય એટલે આવા દાનવીરોને સાચવી લેવા પડે. સાહેબ અમારો તો આધાર ભાંગી ગયો." વેદેશભાઈ પોક મૂકીને રડી પડ્યા.

વળી પાછો ફોન આવ્યો એટલે સાહેબ ઊભા થઈને બહાર ગયા. તેમની બીજી ટીમ પેટ્રોલ પમ્પ પર તપાસ કરી રહી હતી. ત્યાંથી મળેલી માહિતી પ્રમાણે સોહની નામની છોકરી છેલ્લા ચાર વખતથી શેઠ સાથે જતી હતી અને પરમ દિવસે તે રજા પર હતી. શેઠ વારંવાર તેને નોકરી પર આવી જવા આગ્રહ કરતા હતા. એક પમ્પમાં રેશ્મા રજપૂત નામની છોકરી અઠવાડિયા પહેલા નોકરી છોડીને જતી રહી હતી તેના લીધે પણ ઘણી ગરમાગરમી થઈ હતી. પોસ્ટમોર્ટમમાં માહિતી મળી કે માથાના પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ મારવાથી મૃત્યુ થયું હતું.

રેશ્મા અને સોહનીના સ્ટેટમેન્ટ સ્ફોટક હતા. દિપક તેને ત્યાં રાખેલી છોકરીઓને મોટા માણસોને ત્યાં મનોરંજન માટે મોકલતો. અને તેની સામે જે તે છોકરીને મનગમતા છોકરા સાથે ધામધૂમથી પરણાવી દેતો. પણ હા, તે પોતે ક્યારેય કોઈની સાથે જબદસ્તી કરતો નહિ. અને અનિચ્છાએ કોઈને મોકલતો પણ નહિ. મંડળમાં તે છોકરીઓને શું કામ લઈ જતો તે કોઈને સમજાતું નહિ. એ દિવસે પણ રાત્રે તેનો મંડળમાં જવાનો પ્લાન હતો. પણ તેનાથી આગળ કોઈ જ માહિતી મળતી ન હતી. દિપકના ફોનનો ડેટા તપાસતા ઘણા બધા નંબર મળ્યા. જેમાંથી બે નંબર જોઈને પોલીસ ચોંકી ગઈ. જો કે તેમને ગણકાર્યા વિનાજ તપાસ થાય તે જરૂરી હતું. જે ત્રણ નંબર સાથે પેલા દિવસે સહુથી વધારે વાત થઈ હતી તેમનો સંપર્ક કરાયો. એક માણસ તો સાવ સામાન્ય ટેમ્પાવાળો હતો જે દિપકનો સામાન પહોંચાડવામાં કાયમ મદદ કરતો. તે સામાન લઈને પહોંચ્યો ત્યારે રસ્તા પર ખૂબ પાણી હતું. તેણે બહુ ફોન કર્યાં પણ દીપકે ફોન ઉપાડ્યો ન હતો. એટલે તે સામાન લઈને પાછળના ગેટ પર ગયો હતો અને સામાન ઉતારીને નીકળી ગયો હતો. તેની વાત સાચી હતી કારણકે તેણે દીપકને આ વાતનો મેસેજ કર્યો હતો.

બાકીના બેમાંથી એક તો મંડળનો જ નંબર હતો અને એક તેના મિત્રનો નંબર હતો જે કાયમ કોઈ પણ કાર્યમાં તેની સાથે રહેતો. રાહુલ છ ફૂટ ઊંચો ગોરો કસાયેલો યુવાન હતો. તેની પાસેથી માહિતી મળી તે પણ અધૂરી હતી. રાહુલ અને દિપક એ રાત્રે મંડળ જવાના હતા. પણ કોઈ કારણસર દિપક એકલોજ નીકળી ગયો. મંડળની દીવાલને અડીને જ એક મોટી પાણીની ટાંકી હતી તે પડું પડું થતી હતી દિપકને તેની ચિંતા પણ હતી. તે ફાટી ગઈ હતી. રાહુલને થોડી ધોલધપાટ કરતા તે ભાંગી પડ્યો.

"સાહેબ, દિપકના લીધે મારું ઘર ચાલતું. તેમને લગ્નમાં રસ ન હતો. મને ખૂબ મદદ કરી એટલે હું એમની જરૂરિયાત સંતોષતો. અમે મંડળમાં જઈને ઓફિસમાં એક છોકરીને વાતો કરવા બેસાડી દેતા. છોકરાઓને ભજન ગાવા બેસાડી દેતા. અને અમે એમની રૂમમાં.." તેની આંખો શરમથી ઝૂકી ગઈ કારણકે સામે તેની નાની દીકરી ઊભી હતી. "પણ સાહેબ એ રાત્રે અમે ભેગા ન હતા. હું એને મનાવવા ત્યાં પહોંચ્યો ત્યારે ટાંકી ફાટી હતી અને રસ્તા પર પાણી ખૂબ હતું. મેં એને ખૂબ ફોન કર્યાં પણ ફોન લાગતા ન હતા. મેં મેનેજરને ફોન કર્યો પણ એ પણ ફોન ઉપાડતા ન હતા. અંતે હું અંદર ગયો ત્યારે મેનેજર મારા પર ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે જોતા નથી આ તબાહી મચી છે? ખબરદાર જો ફરી અહીં આવ્યા છો તો."

મેનેજરને મારવાની જરૂર ન પડી. તેની વાર્તાનો નવો અધ્યાય શરુ થઈ ગયો. "સાહેબ રાહુલ અને દિપક અહીં શું કામ આવતા તે મને ખબર હતી. સંસ્થાની એક રૂમ વાપરવામાં જો સંસ્થાને મોટા ફાયદા મળતા હોય તો આ ઉંમરે એ શીખવા જવાનું ન હોય. અમારે ત્યાં થોડા એવા પણ વિદ્યાર્થીઓ છે જેને આંશિક દ્રષ્ટિ છે. એક દિવસ એમાંથી એક છોકરો આ બંનેને જોઈ ગયો. આ વાત દિપકના ધ્યાન પર લાવતા દીપકે એને મળવાનો આગ્રહ રાખેલો. સાત વરસ પહેલા જે ઓળખાયા વિનાની લાશ મળી હતી તે એની હતી. ન્યાય ન મળતા એના સગાને દુઃખ થયેલું. ત્યારબાદ આવું ફરી ન થાય એટલે હું બધાને ભજન કરવા ભેગા કરી દેતો. થોડા દિવસ પહેલા એક રૂપાળો છોકરો અહીં આવ્યો છે. દિપક એને મળવા માંગતો હતો. એ દિવસે એના વારંવાર ફોન આવતા હતા. હું સમજાવવામાં નિષ્ફળ રહ્યો કારણકે તેની વગ મોટી હતી. મેં દિપકને પતાવી દેવાનો નિર્ણય કર્યો. સાહેબ, આ છોકરાવ મારી જવાબદારી છે. દિપક કાયમની જેમ આવ્યો. બધા ભજન ગાતા હતા, કેમેરા બંધ હતો. વાત થયા મુજબ હું પેલાને લઈને નીચે આવ્યો. દિપક એને લઈને બાજુના વર્કશોપમાં ગયો. હું પાછળ જાઉં એ પહેલા તો દિપકની રાડ સંભળાઈ. પેલો છોકરો લોહી નીતરતો હથોડો લઈને બહાર આવ્યો, ત્યાંજ ટાંકી ફાટી. લાશ એની મેળે જ બહાર જતી રહી. કુદરતને પણ આ અંધ છોકરાંવની દયા આવી હશે."

"પેલો છોકરો કોણ હતો?"

"સાહેબ એના વતી મને પકડી લ્યો. મેં એને ઘરે મોકલી દીધો છે. આમ તો હું જ આ કામ કરવાનો હતો." ખૂબ આગ્રહ કરતા અને કોઈ એક્સન નહિ લેવાની ખાતરી આપતા ખબર પડી કે સાત વર્ષ પહેલા જે છોકરો મરી ગયો હતો તેનો નાનો ભાઈ અંધ હોવાનું નાટક કરીને અહીં આવ્યો હતો. તે પણ રૂપાળો હોવાથી દિપકનું મન લલચાયું અને…" ઈન્સ્પેક્ટરે "અકસ્માત મૃત્યુ" લખીને ફાઈલ બંધ કરી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Crime