Kavish Rawal

Drama Inspirational Romance

3  

Kavish Rawal

Drama Inspirational Romance

છેલ્લી ચિતરેલી આંખો

છેલ્લી ચિતરેલી આંખો

6 mins
14.6K


ખેડબ્રહ્માની નિશાળમાં અગિયાર વાગે એટલે ખીચો ખીચ છોકરાઓ ભરાય જાય. નજીકથી પસાર થવાવાળાને તો એવુ જ લાગે કે સાક્ષરતા અભિયાન અહી જ ચાલી રહ્યું છે. જેવું મધ્યાન ભોજન પતે કે બધા ઘરે, શિક્ષકો પણ. આખી નિશાળના પાટિયા કોરા હોય પણ દીવાલો પર જાત જાતની આંખો દેખાય. માપ જુદા હોય પણ જોવાથી પ્રેમમાં પડી જવાય તેવી આંખો. મોટી બદામ જેવી આંખોમાં ગોળાકાર કિકીને ફરતે લાંબી આગળથી વળેલી પાંપણો અને કમાનાકાર  નેણ. કેટલાકને તે મીનાક્ષી લાગતી તો કેટલાકને મૃગનયની. એ આંખો હતી ધૂળીની. પાતળી સાડાચાર ફૂટ ઊંચી ધૂળીના ગાલ બેસી ગયેલા હતા. અને હોય જ ને. આ ગરીબ વિસ્તારમાં બધાની એ જ હાલત હતી. પચરંગી ઘાઘરી અને કાળું પોલકું. એક જ જોડી કપડાં એટલે રાત્રે મા એ આપેલું ફરાક પહેરી ને સુઈ જવું પડતું. ભૂખરા વાળમાં તે રંગ બેરંગી રીબીન નાખતી એટલે લોકો તેને શોખીન ગણતા. આઠમા ધોરણમાં હતી પણ તેની ચાલમાં મસ્તી હજુ પણ નાના બાળક જેવી હતી. ધૂળીને સુંદર ગણવી કે નહિ તેના અંગે સવાલ જરૂરથી ઉદ્ભવે. પણ તેની આંખો પર નજર જાય એટલે  બધાનો જવાબ ફરી જાય. ઉપરવાળા એ ખુબજ ફુરસતથી એ આંખો બનાવી હશે. અને એનાથી પણ વધારે ફુરસત હતી કીરણીયા પાસે. માસ્તરનો દીકરો શહેરમાં ભણતો. એક વાર રજાઓમાં તે ખેડબ્રહ્મા આવ્યો અને તે ધૂળીની આંખ પર મોહી ગયો. બે મહિનામાં તો નિશાળની બધી દીવાલો તેણે ચિતરી મૂકી. નવા સત્રમાં નિશાળ ખુલી ત્યારે તેના બાપુને ઠપકો પણ સાંભળવો પડ્યો હતો. એક તો નિશાળમાં પગાર માંડ આવતા. એમાં ફરી રંગાવવાનું તો થોડું પોષાય? "સાહેબ, એને વઢીશું." કહીને વાત વાળી લીધી. કિરણ  ટી ડીમાં ભણતો. એને શહેરમાં હવે ગોઠતું નહિ. તે વારે તહેવારે ગામડે આવી જતો અને આવતા જતા ધુળીને તાક્યા કરતો.

"બાપુ, હું લગન તો ધૂળી હારે જ કરીશ." સાંભળીને માસ્તર ના પગ નીચેથી જમીન સરકી ગઈ. ધૂળીનો બાપ દારૂડિયો. મા બિચારી ખેતમજૂરી કરીને આઠ જણને ખવરાવે. ધૂળી બિચારી ખાય ઓછુને કપડામાં ટીંગાડેલી થેલીઓમાં વધારે ભરે. એને નાના ભાઈ બહેનની ચિંતા થતી. એ ભણવામાં કેવી હતી તે કોઈને ખબર ન હતી કારણ કે નિશાળ માત્ર મધ્યાન ભોજન પુરતી જ ચાલતી હતી. પણ એને તૈયાર થવું ગમતું. માસ્તરે આવી વહુની કલ્પના નહોતી કરી, એટલે કઈ બોલ્યા વિના કિરણ સામે જોયા કર્યું. અંતે કિરણે જાતે જ ધુળીના ઘરે જઈને માંગુ નાખી લીધું. "અમારે તો દીકરી દેવાની જ છે. બસ, એક લાખ લઈને આવ એટલે વાત નક્કી. અને હા, એક વાર દીકરી દીધી એટલે તમારી. અમારી કોઈ જવાબદારી નહિ." કિરણને ખબર હતી કે બાપુ માનશે નહિ અને લાખ રૂપિયા એક સાથે તેણે ક્યારેય જોયા નહોતા. મોઢું લટકાવીને તે ચાલવા લાગ્યો. પણ, મનોમન નક્કી કરી લીધું કે જે નાનું મોટું કામ મળે તે કરીને પૈસા કમાવા છે. પરણીશ તો આને જ. શહેરમાં બધા કિરણને કામ કરતો જોઈ ને દયા ખાતા. કોઈક કામ ના સો તો કોઈક ના પચાસ મળે તો પણ તે કામ લઇ લેતો. હવે તો તે રાત્રે ચોકીદારની નોકરી પણ કરતો. માંડ પચીસ હજાર થયા હશે ત્યાં ખબર પડી કે ધૂળીના બાપુ હવે તેને પરણાવા ઉતાવળીયા થયા છે.

દોઢ લાખમાં બધું નક્કી થયું. એમાં પચાસ હજાર ઓળખાણ કરાવનારા લઈ ગયા. લગનમાં પચાસ હજાર જતા રહ્યા. અને ધૂળી સાવ અજાણ્યા માણસો સાથે નીકળી પડી. માએ સમજાવ્યું હતું કે સાસરે બે ટંક પેટ ભરીને ખાવાનું મળશે અને પાકું છાપરું મળશે એટલે ધૂળીને ઉતાવળ હતી. સાસુ વગરના ઘરમાં ધૂળી પહોંચતા જ એક માજીએ તેની આરતી ઉતારી. નાની મોટી પૂજા પુરી થાય તે પહેલા તો તે ઝોકે ચઢી ગઈ. સવારે કોઈએ બૂમો પાડીને તેને ઉઠાડી. "સુરજ બહાર આવી ગયો. રોટલા ટીપી દે. જાવાનું મોડું થાય છે." ધૂળીનો વર જગલો એકલો જ રહેતો. માંજરી આંખોના લીધે બધા એને ભૂરો કહેતા. ભૂરાને રોટલા ઘડવા કોઈની જરૂર હતી. એમાં ધૂળીની ખબર પડી. પૈસાની વાત થઈ, દીકરી પાછી નહિ મોકલવાની વાત પણ થઈ, પણ એને રોટલા આવડે છે કે નહિ તે વાત નહોતી થઈ. ધૂળી તો પોતેજ બિચારી નિશાળમાંથી ખાવાનું લાવતી હતી. મહા મહેનતે તે ઉઠી અને વરને સમજાવ્યું કે ઘરમાં ખાવાનું નિશાળમાંથી આવે. તેની ભોળી આંખો વધારે ભોળી લાગતી હતી. ભૂરાને પૈસા પડી ગયા ની લાગણી થઈ અને લગનની બીજી સવારેજ ધોલ ધપાટ શરૂ થઇ ગઈ. આજુ બાજુ વાળાએ ન છોડાવી હોત તો એ દિવસે ધૂળીનું ઢીમ ઢળી ગયું હોત.

કિરણીયાનું ચિત્ર લાખ રૂપિયાનું ઈનામ જીત્યું હતું. એનું નામ હતું,"સુનયના." પૈસા હાથમાં આવતા જ તે ગામડે ભાગ્યો. પહોંચતા જ ખબર પડી કે હજુ અઠવાડિયા પહેલા જ તેની સુનયના પારકી થઈ ગઈ છે. તેને ઉદાસ જોઈને માસ્તરે સમજાવ્યું કે આપણાથી તો એમની જાતમાં ન જ કરાય. અને કોને ખબર, એનો બાપ પણ માનત કે નહિ?" કિરણને સમાજના કોઈ નિયમો જાણવા ન હતા. તે ધૂળીનું સરનામું લઈ ને તેને ગામ પહોંચી ગયો. તપાસ કરતા તેને ઘર તો મળી ગયું. હવે એનો ઉત્સાહ ઘટી ગયો કારણકે ધૂળી તો એને ઓળખતી જ ન હતી. તેના પગ અટકી ગયા અને અંતે નજીકમાં એક ઓરડી ભાડે લઈને તે રહેવા લાગ્યો. ધૂળી મોટા ભાગે ઘરમાં ભરાયેલી રહેતી. ક્યારેક તેના ઘરમાંથી ચીસાચીસ સંભળાતી અને ટોળું ભેગું થઈ જતું. એકવાર થોડી વધારે ધમાલ થઈ એમાં કિરણને પણ ઘરની સાવ નજીક જવાનો મોકો મળી ગયો. ધૂળીને શરીરમાં ઠેક ઠેકાણે વાગેલું હતું. તેના કપાળમાંથી લોહી નીતરતું હતું. અને પેલી મનમોહક આંખો સાવ ઊંડી ઉતરી ગઈ હતી. તે ચુપચાપ રસ્તા પર પડી હતી અને એનો વર લાતો મારતો હતો. લોકો વચ્ચે પડી ને ધૂળીને બચાવવા મથી રહ્યા હતા. થોડાક લોકોની મદદથી તેને છોડાવીને કિરણ દવાખાને લઈ ગયો. આંખ બચી ગઈ હતી. બાંકડા પર બેઠેલી ધૂળી દીવાલને તાક્યા કરતી હતી.

બીજા લોકોની વાત પરથી ખબર પડી કે ભૂરો એના સસરાને મળવા ગયો હતો. પણ સસરાએ હાથ ખંખેરી નાખ્યા એટલે એને ગુસ્સો આવ્યો હતો. ભૂરો વ્યાજે પૈસા લાવ્યો હતો અને તો પણ રોટલા ઘડવાવાળી તો ન જ મળી. ધૂળીને જોઈને કિરણનું હૃદય દ્રવી ઉઠ્યું. એને ઘરે મૂકીને તે ધૂળી ના બાપને મળવા ગયો. ધૂળી ના હાલ સંભળાવ્યા. બાપના બદલે માએ જ  કહી દીધું. "દુઃખ તો અમે પણ વેઠીએ છીએ. એક વાર નક્કી થાય પછી દીકરી પાછી ન લેવાય. ને હવે દોઢ લાખ પાછા આપવાની કમરેય જોઈએ ને?" કિરણે પૈસાની મદદ કરવા જણાવ્યું પણ કોઈ ફેર ન પડ્યો. ધૂળીની ચૌદ  વરસની બેનનું નક્કી કરવા એ લોકો તૈયાર થઈ ગયા. કિરણ પાછો શહેરમાં આવ્યો. નવું ચિત્ર બનાવ્યું. હવે પેલા સુનયનાવાળા ભાવ ક્યાંથી લાવવા? અંતે ધૂળીનું હાલનું ચિત્ર જ બન્યું. એક બાજુ ધૂળીની ચિંતા અને બીજી બાજુ રાષ્ટ્રીય સ્તરની પસંદગી માટેનું ભારણ. કિરણને બેઠા બેઠા જ ચક્કર આવવા લાગ્યા. અંતે દવાખાનામાં દાખલ થયો. અઠવાડીએ બહાર આવ્યો ત્યારે એના સાહેબે પેલું ચિત્ર મોકલી આપ્યું હતું. કિરણને સાહેબ પર ગુસ્સો આવ્યો પણ હવે તે લાચાર હતો.

કિરણ ફરી ધૂળીને ગામ ગયો. હવે તે ઘરમાં નહોતી રહેતી, કારણકે ભુરાએ તેને ઘરની બહાર મૂકી દીધી હતી. તે આકાશને તાક્યા કરતી. ક્યારેક પોતાની રીબીનને હાથ પસારતી. અને ક્યારેક થોડુંક સ્મિત આપીને પાછી આકાશ ને તાક્યા કરતી. કિરણ માટે સહુથી દુઃખદ ઘટના આ જ હતી. તે ધૂળીની નજીક ગયો. તેને પાણી પીવરાવ્યું. પોતાની થેલીમાંથી જામફળ કાઢીને ખાવા આપ્યું. વરસોની ભૂખી હોય તેમ તે ખાવા લાગી. ધૂળીના કપડાં પણ ફાટી ગયા હતા. તે ગામમાં જઈને નવા કપડાં લઈ આવ્યોને બાજુના ઘરવાળાને વિનંતી કરી કે જરા બદલાવી આપોને. બાજુવાળા માજી એ હોંશે હોંશે ધુળીને નવરાવીને તૈયાર કરી દીધી. ધૂળી હવે છતને તાક્યા કરતી હતી. કિરણ ગાદલું, ધાબળો અને ખાવાનું લઈ આવ્યો. આસપાસવાળાને થોડા પૈસા આપીને ધૂળીને સાચવવા સમજાવ્યા. તેને સમજાતું ન હતું કે હવે આ પારકી થાપણને પોતે કેવી રીતે મદદ કરે.

કિરણે પોતાની ઓરડીનો દરવાજો ખોલ્યો અને એક લાફો એના ગાલ પર પડ્યો. ધૂળીને મારીને થાકી ગયેલો ભૂરો તેના પર તૂટી પડ્યો. થોડી વારે તેને ટાઢો પડ્યા પછી કિરણે લાખ રૂપિયા હમણાં અને પચાસ પછી આવતા જતા આપવા નું નક્કી કર્યું.

બે દિવસમાં લાખ રૂપિયા મળતા ભૂરો તો ભાગતા ભૂતની ચોટલી સારી, માની ને રાજી થઈ ગયો. હવે બાપુને કેમ સમજાવવા તેનો વિચાર આવ્યો. હજુ પચાસ હજાર અને સારવારના પૈસાની જરૂર તો હતી જ. ધૂળી હજુ પણ આકાશને તાકી રહી હતી. ભૂરો તેને લઈને ટેક્સીમાં બેઠો. ગામની ઊડતી ધૂળ ગામને ઝાંખું કરી રહી હતી. શું? ક્યાં? કેવી રીતે? જેવા અનેક સવાલો કિરણના મનમાં અથડાતા હતા. અંતે શહેર આવી ગયું. પોતાની રૂમમાં ધૂળીને બેસાડી ને કિરણ કોલેજ જવા નીકળ્યો. નોટિસ બોર્ડ પર લખાણ હતું,"રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં આપણા વિદ્યાર્થી ને બે લાખ રૂપિયાનું પહેલું ઇનામ  રૂપિયા મળ્યું છે. "નીચે ધૂળીનું ચિત્ર હતું જેની નીચે લખ્યું હતું "ચીતરેલી દીવાલો.."


Rate this content
Log in

Similar gujarati story from Drama