Kavish Rawal

Comedy

3  

Kavish Rawal

Comedy

છેલ્લું મકાન

છેલ્લું મકાન

7 mins
7.5K


"તમે જે કરો છો તેવું જ પામો છો. એટલે જ છૂટા હાથે દાન આપો. સાબરકાંઠામાં અનેક લોકોને પહેરવા કપડાં નથી, ઓઢવા ચાદર નથી અને રહેવા ઘર નથી. આવા સમયે તમે મદદ નહિ કરો તો તમારો પણ આવો સમય આવી શકે છે. આવતી કાલે સાંજ સુધીમાં તમારી મદદ સોસાયટી ઓફિસમાં જમા કરાવવા વિનંતી. - મેકર્સ સોસાયટી મેનેજમેન્ટ." આવું લખેલા ચોપાનિયા લગભગ ચારસો ઘરમાં પહોંચી ગયા. અને બે દિવસમાં તો ચાલીસેક લાખ રૂપિયાની મદદ આવી ગઈ. બધા જ રાજી હતા કે તેમણે પુણ્યનું કામ કર્યું છે, હવે તેમને કર્મ નહિ નડે. આમ પણ પૈસાદાર માણસોને પુણ્ય કમાવા માટે પણ ક્યાં સમય છે? તેમના વતી તેમના માણસો જ બધે જતા હોય છે. આ ફાળો ભેગો કરવાનો વિચાર દેવેશ ભાઈનો હતો. કોઈ કામથી તે પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાં સાહેબ કોઈની સાથે વાત કરતા હતા કે,"કોઈ અજાણી વ્યક્તિ પૂર પીડિતોની મદદ માટે બે ટ્રક ભરીને સામાન મોકલવા ઈચ્છે છે. વળી એમને પોતાનું નામ જણાવવામાં રસ પણ નથી." દેવેશ ભાઈને એકદમ વિચાર આવ્યો કે છેલ્લા એક વરસથી પત્ની નવી ગાડી માટે જીદ કરે છે. જો સરસ અપીલ કરવામાં આવે તો કામ થઇ જાય. વળી પેલી ટ્રકો આગળ ફોટા પડાવી લેવાય. એટલે કોઈને જવાબ આપવામાં તકલીફ પણ ન પડે. રજૂઆત ધાર્યા કરતા વધારે સારી થઈ એટલે પૈસા પણ વધારે આવ્યા. દેવેશભાઈએ પત્ની આગળ પૈસા નો ઢગલો કરી દીધો અને પૂછ્યું,"બોલ કઈ ગાડી લેવી છે?"

"હાય હાય. કોકના પૈસે ગાડી  લઈશું તો સામાન ક્યાંથી પહોંચાડીશું? વળી લોકો કંઈ સાવ મૂર્ખ નથી." દેવેશભાઈએ પત્નીનો હાથ પકડી અને પોતાની આખી રમત સમજાવી દીધી. તેમને ખાતરી હતી કે અત્યાર સુધી પોતાની દરેક બાજીમાં સાથ આપનાર તેજલ તેની તેજ બુદ્ધિથી કોઈ સરસ નિવારણ શોધી આપશે. અને તેજલે રજૂઆત કરી."જુઓ, આ બધું થાય ત્યારે આપણે કોઈ એક એવી વાર્તા બનાવીએ કે જેનાથી લોકોનું ધ્યાન તેના તરફ રહે અને આપણે બધું સમુંસુતરું પાર પાડી દઈએ." દેવેશભાઈની આંખમાં ચમક આવી અને બોલ્યા," છેલ્લું ઘર?" તેજલે તેમનો હાથ પકડી લીધો. સાચે જ છેલ્લું ઘર તેમનું નિશાન બની શકે તેવું હતું. એકાદ વરસ પહેલા એ ઘરમાં કેટલાક લોકો રહેવા આવ્યા હતા. પોતાની જ ધૂનમાં જીવતા. કોઈ કેમ છો પૂછે તો ભાગ્યે જ તેમની સામે જુએ. બસ પોતાની ધૂનમાં જીવ્યા કરે. કોઈની સાથે વાતચીત પણ ન કરે. સાવ મુંજી માણસો. સોસાયટીમાં કોઈ એમને ઓળખે પણ નહિ. ખાલી, એ લોકો શું કરે છે તે બધાની ચર્ચાનો વિષય હતો. એક બહેન સોસાયટીમાં વારે તહેવારે બાળકો માટે કલર કે રમકડાં આપવા આવતા તે ક્યારેક તેમના ઘરે પણ જતા. એ સિવાય એકાદ બે ગાડીઓ ત્યાં આવતી જતી. દેખાવે સાવ સાદા દેખાતા માણસો હતા. એટલે એમની પહોંચ પણ કેટલી હોવાની?

બીજા દિવસે તેજલે બધી બહેનોને કહેવાનું શરુ કર્યું,"તમને ખબર છે? પેલા છેલ્લા ઘર વાળા લોકો તમારી વિરુદ્ધ કેવી કેવી વાતો કરે છે? દેવેશ તો સમજાવવા પણ ગયા હતા પણ એવી ગાળો બોલ્યા કે બિચારા પાછા આવી ગયા. આખી સોસાયટીએ ફાળો કર્યો પણ એમણે એક રૂપિયો ન આપ્યો. વળી ફોન કરીને કહે છે કે જરુર તો અમને પણ છે. અમને આપોને. હાય હાય, મારું તો મન જ ભાંગી ગયું. એ બિચારા બે ટ્રક ભરીને સામાન મોકલે કે આવા બધાને મોઢે લાગે?" વાત બધા ઘરે પહોંચી ગઈ. ઇન્ટરકોમ પર રિંગ આપીને છેલ્લા ઘર વાળાને સોસાયટી ઓફિસમાં બોલાવવાનું નક્કી થયું. પણ કોઈએ ફોન ઉપાડ્યો જ નહિ. હવે એ મકાન લોકોના ટાર્ગેટ પર હતું અને તેજલે મર્સીડીસ લેવાનું નક્કી કરી દીધું. આવતા જતા લોકો એ ઘરનો દરવાજો ખખડાવીને ભાગી જતા. રાત્રે પથ્થરો પણ મારતા. પણ જાણે કાંઈ થયું જ ન હોય તેમ એ લોકો બીજા દિવસે આરામથી બધા સામેથી પસાર થઈ જતા. બે દિવસ પુરા થઈ ગયા. દેવેશભાઈ પોલીસ સ્ટેશન પાસે ગયા પણ કોઈ ટ્રક દેખાઈ નહિ. હવે ડર વધવા લાગ્યો. તેમણે કોન્સ્ટેબલને પૂછ્યું તો ખબર પડી કે સાહેબ જાતે જ પેલાના ઘરેથી લઈ લેવાની વ્યવસ્થા કરવાના છે."

"હું તો પહેલેથી જ ના પાડતી હતી. ગાડી બુક કરાવવામાં બે દિવસ રાહ જોઈ હોત તો? લોકો મારી મારીને છોતરા ઉખાડી લેશે. મને તો વચ્ચે નાખશો જ નહિ. તમારે જે કરવું હોય તે કરો." તેજલનો અવાજ તરડાઈ રહ્યો હતો. તેની મોટી આંખો આજે બિહામણી લાગતી હતી. અચાનક તે બોલી."છેલ્લું મકાન?" અને નવો પ્લાન ઘડાઈ ગયો. તેજલનો માનેલો ભાઈ નિમેષ  પૈસાની ખેંચમાં હતો. એક લાખમાં એને પણ આ પ્લાનમાં સામેલ કરાયો. થોડી વાર પછી તે સોસાયટીમાં આવ્યો અને બૂમાબમ શરુ કરી. "હું સોસાયટીમાં આવ્યો ત્યાં જ છેલ્લા મકાનમાંથી બે માણસો બહાર આવ્યા. મને ખુબ ગાળો દીધી. હજાર રૂપિયા પણ લૂંટી લીધા અને મારી નાખવાની ધમકી પણ આપી. મારે તો શું? તમારે અહીં રહેવાનું છે. મારી સોસાયટી હોત તો બધાએ એમનું ઘર જ  સળગાવી દીધું હોત." જો આ કામમાં સફળતા મળે તો દેવેશ બધાને કહેવાનો હતો કે,"સોસાયટીના પૈસા પણ એ લોકો એ જ ચોરી લીધા છે. હવે એ  ઘરના બધા બળી ગયા. બાકી હું તો પોલીસ ફરિયાદ જ કરવાનો હતો."

કહે છે કે ટોળાને પોતાની બુદ્ધિ નથી હોતી. અને એવું જ થયું. જે માણસો ઘરની બહાર પણ ભાગ્યે જ નીકળતા હતા તેમને છીંડે ચડાવી દેવામાં આવ્યા. જોત જોતામાં તો ચારસો પાંચસો માણસો ભેગા થઈ ગયા. કેટલાક ઉત્સાહથી તો કેટલાક ભયથી જોડાયા. વળી કેટલાક કોઈને ખબર ન પડી જાય કે એમને કાંઈ ખબર નથી પાડતી એટલે પણ જોડાયા. બહાર બુમાબુમ થતી હતી પણ ઘરની અંદર શાંતિ હતી. લોકો એ દરવાજા પર લાકડીઓ પછાડી પણ અંદરથી કોઈ પ્રતિભાવ જ મળતો ન હતો. હવે બધાનો ગુસ્સો સાતમા આસમાન પર હતો. એમને લડવું હતું પણ સામે કોઈ હતું જ નહિ. દરવાજો ફરી તપાસાયો. તે અંદરથી જ  બંધ હતો. હવે ઘર ને બાળી મુકવાની તૈયારીઓ શરુ થઈ. તેજલને ડર હતો કે જો ભૂલથી પણ કોઈ બચી ગયું તો પોલ ખુલી જશે એટલે તે બૂમો પાડતી હતી,"જો જો કોઈને છોડશો નહિ. આવા લોકોને તો સજા થવી જ જોઈએ. હજુ તો એમની બીજી વાતો પણ મારે તમને કહેવી છે." "બોલો, શું વાત તમારે કરવી છે એમના વિષે?" પેલી બાઈ જે રમકડાં આપવા આવતી હતી તેણે ખભે હાથ મૂકીને પૂછ્યું. તેજલે આખી આપવીતી કહી સંભળાવી અને ગાલ પર જોરદાર તમાચો પડ્યો.

થોડી વારમાં પોલીસ આવી ગઈ. લોકોને ઘરથી દૂર ખસેડાયા. એક નાની બાળકીએ દરવાજો ખોલ્યો. પેલા બેન તેની નજીક ગયા. તેણે ઊંચકી લીધી અને લોકો સામે જોઈને બોલ્યા,"આને જોઈ ને લાગે છે કે એ ગાળો બોલે કે ધમકી આપે?" દેવેશે કહ્યું,"ના આ નહિ બીજા બે ભાઈ ઓ છે તેમણે ધમકી આપી." ઘરના બીજા બધા પણ બહાર આવ્યા એટલે દેવેશે બે ભાઈઓને ઓળખી બતાવ્યા. હવે ઇન્સ્પેક્ટર પણ ઘરના માણસોની બાજુમાં આવી ગયો હતો. પેલા બહેન ખુબ જોરથી હસવા લાગ્યા. તેમના હસવાનું કારણ કોઈને ખબર ન હતી. તે સતત બોલી રહ્યા હતા,"આ લોકોએ ધમકી આપી... ગાળો દીધી... હા હા... આ લોકો એ..?" બધા આશ્ચર્યથી એમને જોઈ રહ્યા હતા. "હું તમારી સોસાયટીમાં જે રમકડાંને કલર આપવા આવતી એ બધું જ આલોકો આપતા હતા. એ તો બિચારા એવું સમજતા હતા કે તમે બધા એમને ખુબજ ચાહો છો. આજે આ ઇન્સ્પેક્ટરને એમણે બે ટ્રક ભરીને સામાન સાબરકાંઠા મોકલવા માટે આપ્યો. એ એક હજાર માટે કોઈની સાથે લડે તે વાત ગળે ઉતરે છે? અને એમની ઈચ્છા પણ ન હતી કે તેમનું નામ કોઈ જગ્યાએ આવે." તેજલના પગ નીચેથી જમીન સરકી ગઈ.

પેલા લોકો શાંતિથી ઉભા હતા. હવે ટોળું પણ શાંત પડી રહ્યું હતું. હવે પેલા સેવિકા બહેને વાત આગળ વધારી. તમે કદાચ ઓર્બીટ ઇલેક્ટ્રોનિક્સ નું નામ સાંભળ્યું હશે. આ પરિવાર તેના માલિકનો પરિવાર છે. ગયા વર્ષે એક કાર એક્સીડંટમાં આ લોકોની શ્રવણ શક્તિ જતી રહી. તેમણે થોડા સમય માટે અલગ જગ્યાએ રહેવાનો વિચાર કર્યો કારણકે એમની ટ્રીટમેન્ટ જ્યાં ચાલે છે તે હોસ્પિટલ અહીંથી નજીક છે. "હા, પણ બોલી તો શકે ને?" નિમેષે સ્વ બચાવમાં કહ્યું. ને પેલા બેન ફરી હસ્યાં. " ના, કારણ કે તેઓ બોલી પણ નથી શકતા. તમને લોકોને શરમ આવવી જોઈએ. આવી રીતે કોઈને જોયા જાણ્યા વિના મારી નાખવાનો વિચાર કેવી રીતે આવે? આ લોકો તો બિચારા તમારા બાળકો માટે દરેક તહેવારમાં ભેટ લાવતા અને તમે? છી... આના કરતા તો જાનવર સારા. એક વાર જરાક ધ્યાન રાખ્યું હોય તો ઉપકાર ન ભૂલે." હજુ પણ પેલા લોકો શાંતિથી ઉભા હતા. સહુથી મોટું સુખ હતું કે તેઓ આમાંની કોઈ જ વાત સાંભળી શકતા ન હતા. હવે દેવેશ અને તેજલને ત્યાંથી નીકળી જવામાં જ શાણપણ લાગ્યું. પેલા પરિવારમાંથી એક વડીલ આગળ આવ્યા અને એક કાગળ ઇન્સ્પેક્ટરને આપ્યો. ઈન્સ્પેક્ટરે તેના પર નજર નાખી અને વાંચવા લાગ્યા. "આ સામાન અમે ભલે આપી રહ્યા છીએ. પણ જરૂર પડે તો મેકર્સ સોસાયટી નું નામ લખાવી દેજો. મેં પૈસા મોકલ્યા પછી કોઈ રસીદ નથી આવી. બની શકે કોઈ એ બારોબાર મદદ લઈ લીધી હોય. પણ સોસાયટીનું નામ તો આગળ આવે તે જરૂરી જ છે. સોસાયટીના લોકો અમને બહુજ પ્રેમ કરે છે. જુઓ, આજે બધાને ખબર પડી કે અમે સારું કામ કર્યું છે તો મળવા આવ્યા. અમે આવી સોસાયટીમાં રહેવાનો ગર્વ અનુભવીએ છીએ." ઇન્સ્પેક્ટરના ગળે ડૂમો ભરાઈ ગયો. પેલા બેનની આંખમાં થી પણ ધાર થઈ. રખેને કોઈ જગ્યાએ ફસાઈ જઈએ એમ માનીને ટોળું વિખેરાઈ ગયું.

અઠવાડિયા પછી તેજલ અને દેવેશ નવી ગાડીમાં બેસી વિચારતા હતા,"હવે બીજી કુદરતી આફત આવે તો એક ફ્લેટ લેવાઈ જાય."


Rate this content
Log in

Similar gujarati story from Comedy