Kavish Rawal

Drama Fantasy Romance

1.7  

Kavish Rawal

Drama Fantasy Romance

છેલ્લો સ્પર્શ

છેલ્લો સ્પર્શ

6 mins
14.5K


નાઈલ નદીનાં તટ પર એ રેતીમાં ચિત્રો બનાવતો હતો. પ્રવાહનો ખળભળાટ એને ગમતો એટલે તે દરરોજ અહીં રમવા આવી જતો. એની ઉંમરનાં બીજા છોકરા જાત જાતની રમતો રમતા. પણ એને નદીની રેતીમાં પગ રાખીને કૂવા બનવવા ગમતા, રેતીમાં ચિત્રો બનવવાં ગમતાં અને નદીનું સંગીત ગમતું.

મા-બાપ તો નાનપણમાં જ ગુજરી ગયાં હતાં એટલે દાદી સાથે રહેતો. દાદી સુંદર રાણીની વાર્તા કહેતી રાણી પોતે ખુબ જ સુંદર હતી. અને તેને માત્ર સુંદર સ્ત્રીઓ જ ગમતી. એટલેજ એ રાણી એ સમગ્ર સ્ત્રી જાતિ માટે બુરખા પ્રથા શરૂ કરી હતી. તે એવું માનતી કે આખા શરીરમાં માત્ર આંખોની સુંદરતા જ જીવન પર્યન્ત રહે છે તેથી તેણે આંખો ખુલ્લી રાખવાની છૂટ આપી હતી.

ઓસિરિસ ત્યાર બાદ આવતા જતા બધી જ સ્ત્રીઓની આંખોને તાક્યા કરતો અને પછી પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોતો ત્યારે વિચારતો, "આ બધાં કરતાં તો મારી આંખો સારી છે!"  આજે પણ તે મોં જોવા પાણી તરફ ઝૂક્યો અને તેણે પોતાની આંખો જોઈ. જરાક વારમાં જ આંખો વમળોમાં ખોવાઈ ગઈ.

પાણીમાં વરસાદની બુંદોથી ચકરડા બની રહ્યા હતા. તે ઘર તરફ ભાગ્યો. પણ વરસાદે તેને રોકી લીધો. તે નજીકના એનોનનાં મંદિરમાં ઊભો રહી ગયો. સામેથી એક રંગ બેરંગી વસ્ત્રોમાં કમનીય કાયાવાળી આકૃતિ આવી રહી હતી.

વરસાદના પાણીમાં જાણે કોઈ પ્રતિમા કંડારાઈને આવી રહી હોય તેવું ચુસ્ત અને સુંદર શરીર અને તેની આંખો એકજ જગ્યાએ ચોંટી ગઈ.

'અદભુત...!" તે સ્વગત જ બોલ્યો. શરીરને ચપોચપ અડેલા બુરખા વચ્ચેથી માત્ર આંખો દેખાતી હતી. કદાચ આજ એ આંખો હતી જેને તે શોધતો હતો. તે એકીટશે પેલી સ્ત્રીને તાકતો રહ્યો. જાણે એ આંખોને આજે મન ભરીને પીવા માંગતો ન હોય?

વરસાદ વધી રહ્યો હતો. બાર વરસનો ઓસિરિસ જાણે જુવાન બની ગયો હતો. તે પેલી આંખોનાં પ્રેમમાં હતો. તે પેલી સ્ત્રીનાં તરફ સરક્યો. અને જેવો તે પાસે ગયો પેલી સ્ત્રી સરકી ગઈ. જાણે કોઈ હૂર વરસાદની ધારમાં ઓગળી ગઈ.

વરસાદ ઓછો થતાં જ તે ઘરે ગયો. દાદીએ કપડાં બદલાવી પગમાં તેલની માલીસ કરીને સુવરાવી દીધો. પણ એમ ઊંઘ થોડી જ આવે? આંખો બંધ થતાં જ પેલી બદામ જેવી આંખો દેખાતી હતી. આખી રાત તેણે પડખાં ફેરવ્યાં કર્યાં.

સવારમાં દાદીનાં ઊઠતાં જ તે બેઠો થઈ ગયો. "દાદી મને પેલી રાણીની વાર્તા કહે ને. એ કેવી દેખાતી હતી? એની પાસે પચરંગી બુરખો હતો? એ મંદિર જાય ખરી?"

દાદી માટે આ નવાઈનો વિષય હતો. દરરોજ ચાર પાંચ વાર બૂમો પડ્યા પછી ઊઠનાર છોકરો આજે વહેલો ઊઠી ગયો હતો અને આજે તે ઘરનાં કામમાં મદદ પણ કરતો હતો. દાદીએ એને માથે ટપલી મારી અને બહાર બેસવા કહ્યું. આજે તેનું મન તેના કાબુમાં ન હતું. તે પેલા મંદિર તરફ ભાગ્યો. આજે તેને તાપ પણ લાગતો ન હતો.

થોડી વાર રાહ જોઈને તે નદી પાસે ગયો. હંમેશની માફક નદીમાં ચહેરો જોવા નમ્યો પણ આજે તેની આંખો એટલી સુંદર લગતી ન હતી. તે પાછો ઘર તરફ આવ્યો. ઘર માંડ દસ ડગલાં દૂર હશે ત્યાં સામે નજર ગઈ. "એજ એજ.." તેના હૃદયમાંથી અવાજ આવ્યો. તે ફરી પેલી આંખોમાં ખોવાવા લાગ્યો. તેને એ સ્ત્રીને મળવું હતું એટલે તેની પાછળ ચાલવા લાગ્યો.

લચકદાર ચાલથી આગળ જતી એ આકૃતિનું તેને આલિંગન લેવું હતું. અચાનક વરસાદ શરુ થયો. તેને ભીંજાવું ઓછું ગમતું. જરાક નજર ચૂકી અને આકૃતિ ગાયબ થઈ ગઈ.

'ઓસિરિસ...' દાદીની બૂમ સાંભળતા જ તે ઘરમાં આવ્યો. બે ત્રણ દિવસમાં તેની દીવાલો પર કોલસાથી પેલી આંખો ચિતરાઈ ગઈ હતી. "દીકરા, તારી દાદી ઘરડી થઈ ગઈ છે. મારે કામ ઓછાં છે કે તું દીવાલો બગાડે છે? ચાલ સાફ કરી નાખ." "ના દાદી. મને તે ગમે છે." દાદીએ ફરી માથા પર ટપલી મારી, "તું મોટો થઈ જાય એટલે એની સાથે પરણાવી દઈશ, પણ હમણાં મારી પર રહેમ કર."

આખો દિવસ અલગ અલગ લોકો પાસે લગ્ન વિશેની માહિતી લઈને તે ઘરે આવ્યો. કંટાળીને પગ લટકાવીને બેઠોજ ત્યાં ફરી પેલી આકૃતિ દેખાઈ. નસોમાં લોહી ઝડપથી દોડવા લાગ્યું. તેણે અંગરખાંમાંથી છીપલાં કાઢ્યાં. જરાક આગળ સરકીને પેલી સ્ત્રીનાં હાથમાં મૂકીને બોલ્યો, "દુનિયાની સર્વશ્રેષ્ઠ સ્ત્રીને મારા તરફથી ભેટ." પેલી આંખોમાં અલગ પ્રકારનું સ્મિત આવ્યું. તેણે મુઠ્ઠી વળી અને ચાલવા લાગી.

હવે ઓસિરિસના જીવનનો ક્રમ બદલાઈ ગયો. સવારે વહેલો ઊઠીને તે અવનવી ભેટ શોધતો અને સાંજે પેલી સ્ત્રીને આપીને રાજી થતો.

આજે ફરી વરસાદ હતો. ડર હતો કે તે નહિ આવે. ઓસિરિસ વરસાદમાં પલળતો બહાર બેસી રહ્યો. દાદીની બૂમો તેના કાન સુધી પહોંચતી ન હતી. અંધારું થવાની તૈયારીમાં હતું અને પેલી આકૃતિ દેખાઈ. સાવ તરબતર હતી. તેના કપડાં એટલાં બધાં પલળી ગયા હતા કે તેનું શરીર સુંદર કલાકૃતિ જવું લાગતું હતું. તે નજીક આવી. તેણે ઓસિરિસ સામે જોયું.

ઓસિરિસે પૂછી જ લીધું, "આપણે લગ્ન કરીશું?" સ્ત્રીની આંખોનાં ભાવ બદલાયા પણ તેણે ઓસિરિસને નજીક ખેંચીને કપાળ પર ચુંબન આપ્યું. તેણે બુરખો ખોલ્યો પણ મુખ જોવા ન મળ્યું! ઓસિરિસ કંઈ પણ વિચારે તે પહેલાં પેલી સ્ત્રી જે રસ્તે આવી હતી ત્યાંજ પાછી જતી રહી. આજે તે ઊંધી દિશામાંથી આવી હતી. ઓસિરિસના મનમાં હિલોળા લેવાવા લાગ્યા. તેને આજનો વરસાદ વહાલો લાગતો હતો. બાર વરસનો છોકરો જાણે એકવીસનો થઈ ગયો હતો.

"દીકરા મને તપારો લાગે છે. ક્યારની બોલાવું છું પણ..." દાદીનાં અવાજથી તેના વિચારો તૂટ્યા. તેણે જડીબુટી વાટીને દાદીને પીવરાવી.

પેલા દિવસ પછી એ આકૃતિ ક્યારેય ન દેખાઈ. બાર વરસ વીતી ગયા. ઓસિરિસ પણ રાહ જોઈને થાકી ગયો. દાદીની સેવા કરવામાં તે પોતેજ યુનાની ચિકિત્સા પદ્ધતિ શીખી ગયો. તેના દરવાજે સ્ત્રીઓની ભીડ જામતી.

છ ફૂટ ઊંચો, ગૌર વર્ણ, વાંકડિયા વાળ અને લંબગોળ મુખ પર પાતળી મૂછો રાખતો ચિકિત્સક હોય તો હૃદયની બીમારી તો આવેજ ને? તે દરેક સ્ત્રીમાં પેલી આંખો શોધતો. પણ વ્યર્થ. ક્યારેક સ્ત્રીઓ પણ તેના અડપલાં કરી લેતી પણ તેને રસ હતો માત્ર પેલી અદભુત આંખોમાં.

ફરી એક વાર એવોજ વરસાદ પડતો હતો. સાંજ પડી ગઈ હતી. તે દરવાજો બંધ કરવા જતો હતો ત્યાંજ એક ટોળું આવ્યું. એક અઢારેક વર્ષની સ્ત્રીને સર્પદંશથી મૂરછા આવી હતી. ઓસિરિસે આખી રાત મહેનત કરી. સવારનું પહેલું કિરણ જેવું મુખ પર પડ્યું અને પેલી સ્ત્રી એ આંખ ખોલી. "એજ... એજ..." ઓસિરિસના મુખમાંથી અવાજ નીકળી ગયો. ફરી એજ આંખો, અને હું એને ઓળખી પણ ન શક્યો?"

જેમિલા નામ હતું એનું. એના નામની માફક જ એ સુંદર હતી. દાદી પછી પહેલીવાર તે કોઈ સ્ત્રીનું મુખ જોઈ રહ્યો હતો. માત્ર એક ચાદર પાછળ છુપાયેલ એ આકૃતિને હવે તે અલગ રીતે નીરખી રહ્યો હતો. ગોળ મુખ, લાંબા કાળા વાળથી ઘેરાયેલ હતું. અણીદાર ચિબુક અને પાતળા હોઠ. વાળ ફેલાઈને તેના સ્તન પર થઈ ખાટલાની નીચે સુધી જતા હતા.

"જો આ ન હોત તો તું જીવતી ન હોત." ટોળામાંથી કોઈએ જેમિલાને કહ્યું. ઓસિરિસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યોને મંજુર પણ થઈ ગયો.

સમયને જતા ક્યાં વાર લાગે છે? જેમિલા પાસે ઓસિરિસની આપેલી બધીજ વસ્તુ હતી પણ તેની પાસે કેવી રીતે આવી તે તેને યાદ ન હતું. બે વરસમાં તો તેમનાં ઘરે દીકરી પણ આવી ગઈ. દીકરીનું મુખ ઓસિરિસ જેવું જ સુંદર હતું. આંખો પણ એના જેવીજ. દાદી પણ હવે વહુનાં ભરોસે જીવવા ટેવાઈ ગયા હતા. ઓસિરિસ ખુશ ન હતો. એક દિવસ એનાથી બોલી જવાયું, "આપણી દીકરીની આંખો તારા જેટલી સુંદર નથી." જેમિલા સરકીને ઓસિરિસ પાસે આવી. "તને ખબર છે મારી આંખો કોના જેવી છે?" ઓસિરિસે માથું હલાવ્યું. બહાર વરસાદ પડવાની તૈયારી હતી. અને ઠંડો પવન આવી રહ્યો હતો. "મારી આંખો મારી દાદી જેવી છે. દાદા દાદીને પ્રેમ ન હતા કરતા. પણ અચાનક જ દાદી બહુજ ખુશ રહેવા લાગી. એક સાંજે ખુબજ વરસાદ હતો. તે અમારી ના છતાં બહાર નીકળી અને સર્પ દંશ થતા મૃત્યુ પામી. પણ મરતા પહેલા મને કહેતી ગયેલી કે, તારી આંખોને પ્રેમ કરનારો જ તને સાચવશે. તું મને મળી ગયો." બહાર વરસાદ શરૂ થઈ ગયો. ભીની માટીની સુવાસ ફેલાવા લાગી. ઓસિરિસે વિચાર્યું," હું જેમિલા ને ચાહું છું કે પછી..?" તે જેમિલાના મુખ તરફ ઝૂક્યો. પોતાની હથેળી તેના હોઠ પર રાખી. હવે માત્ર આંખોજ દેખાતી હતી. વીજળીના કડાકે બંને એક થઈ ગયા. બહાર વરસાદ પડતો હતો. બારીમાંથી વાછટ આવતી હતી. બંને ભીંજાતા હતા. જેમિલાએ હાથ લાંબો કરી બારી બંધ કરી. બધુંજ હવે એકાકાર હતું.


Rate this content
Log in

Similar gujarati story from Drama