Kavish Rawal

Fantasy Drama Thriller

4  

Kavish Rawal

Fantasy Drama Thriller

છેલ્લી વાર્તા

છેલ્લી વાર્તા

6 mins
14K


મયંક, ચાંદ જેવું ચમકતું ગોળ મોઢું અને જાણે વાદળની ઘટા છવાઈ હોય તેવા ઘૂંઘરાળા વાળ. મોટી બદામ જેવી આંખો અને ચુસ્ત શરીર. સાંભળીને કોઈ એડ્વર્ટાઈઝનો મોડેલ હશે તેવું લાગે પણ આતો કર્મયોગી.

એને ધર્ માં પણ વિજ્ઞાન દેખાય અને માણસોમાં ભગવાન. નાનપણથી એને ઘોડા દોડતા હોય તેવા અવાજો આવે. દીવાલોમાં કંડારેલી હજારો આંખો દેખાય. કોઈ મંદિરનું શિખર અને બાજુમાં પાણી દેખાય. શિખર પણ પાછું લાકડાનું. આવું મંદિર ક્યાં હોય?

નાનપણથી અર્ધી રાત થાય અને તેનું સપનું જાગે. એક મહેલ દેખાય. જેમાં મોટા હોલના સામેના છેડે ગોળાકાર દાદરા બે બાજુથી શરુ થઈને વચ્ચે ભેગા થઈ જાય. મહેલની દીવાલો પર મોટા મોટા તૈલચિત્રો અને તેની પાછળ રૂમો. ઉપર મોટી સળંગ રવેશ અને રવેશની પછી? અચાનક તેને લાકડાનું શિખર દેખાય ઘોડાના અવાજો આવે. હજારો આંખો દેખાય અને તે ઝબકી ને બેઠો થઈ જાય.

નાનપણમાં માં ને ભેટી ને બેસી જતો, હવે તે ટેવાઈ ગયો હતો. નાનપણથી તે વિદ્વાનો જેવી વાતો કરતો એટલે દાદા કહેતા, "પૂર્વ જન્મમાં કોઈ મોટો જીવ હશે."

જેમ જેમ તે મોટો થતો ગયો તેને સપનામાં રસ પડવા મંડ્યો. હવે તે સપનાની પાછળ ભાગતો. કોઈ સાધુ કહે કે મને ભૂત ભવિષ્ય બધાની ખબર છે. તો તેને સપનાનું રહસ્ય પૂછી  લેતો અને પેલા અદ્રશ્ય થઈ જતા. ન જાણે કેટલાય ભવિષ્યવેત્તા અને સાધુઓ એના ગામમાં આવતા ગભરાતા. બધા વાતો કરતા કે દરિયા કિનારે લાકડાના શિખરવાળું મંદિર વળી ક્યારે જોવા મળે?

એક વાર એ મિત્રો સાથે સોમનાથ ગયો અને દિશા મળી ગઈ. અહીં દરિયો પણ હતો ને એક જમાનામાં લાકડાનું મંદિર પણ. અગિયારમી સદીમાં અહીં લાકડાનું મંદિર હતું. પણ પેલો મહેલ. અને ઘોડાના અવાજો? બધાજ મિત્રો મંદિરમાં દર્શન કરતા હતા અને મયંક પાટણની ગલીઓમાં ઈતિહાસનું સંશોધન કરવામાં ખોવાઈ ગયો હતો.

રાત્રે બધા ધર્મશાળામાં સુતા હતા અને ફરી પેલું સપનું શરુ થઈ ગયું. તે ઝબકીને બેઠો થઈ ગયો. તેની સામે એક સફેદ આકૃતિ હતી. સાવ સફેદ પણ આકર્ષક. એની મદ ભરી આંખોમાં એક અનેરું આકર્ષણ હતું. તેણે હાથથી ઈશારો કર્યો અને પાછળ આવવા કહ્યું. મયંકે પૂછ્યું કે, "તમે કોણ છો?" અને અટ્ટહાસ્યથી વાતાવરણ ભરાઈ ગયું. સામેની દીવાલ પર એક સુંદર કન્યાનું ચિત્ર સર્જાયું. ઈંડા આકાર ચહેરો, લાંબા વાળ, નશીલી આંખો અને... અચાનક આકૃતિ ગાયબ થઈ ગઈ. અવાજ સંભળાયો. "તમે કે અમે સોમનાથ ને તૂટતાં ન રોકી શક્યા. હજુ કેટલા જન્મ લેવા છે તમારે? અને કેટલા મંદિરો બચાવવા લડવું છે?" ફરી અટ્ટહાસ્ય સંભળાયું અને પેલી આકૃતિ ગાયબ થઈ ગઈ.

આસ પાસ જોતા સમજાયું કે તે નદી કિનારે સ્મશાન પાસે ઊભો હતો. એક ચિતા હજુ પણ સળગી રહી હતી. તેના હૃદયમાં પણ પોતાને જાણવાની આગ જાગી. આ મંદિર અને પોતાનો સંબંધ જાણવા માટે.

સવારે તે ઊઠ્યો ત્યારે તે ગાડીમાં હતો. મિત્ર ગાડી ચલાવતો હતો. તે સફાળો બેઠો થઈ ગયો. ગાડી પુરપાટ ભાગી રહી હતી. તે લોકો વીરપુરથી રાજકોટની વચ્ચે હતા. સવાલ કરતા મિત્રો હસવા લાગ્યા. "તું ઊઠ્યો જ નહિ એટલે સામાન સાથે તને પણ ઉઠાવીને ગાડીમાં ચડાવી દીધો. અને તું... તું પેલું શું બોલતો હતો? મેવાડ જીવે છે ત્યાં સુધી સોમનાથને કાંઈ નહિ થાય. મહારાણી ચૌલાદેવી, બાપા રાવળનું આ વચન છે? હા હા હા... ફરી કોઈ સપનું જોતો હતો કે ?" મયંકને પેલું સપનું યાદ આવ્યું. પછી વિચાર કર્યો કે "ના. એ સ્ત્રી ચૌલા દેવી જ હશે. અને હું? બાપા રાવળ?" એને શરીર દુખતું હતું અને મિત્રો મઝાક ના મૂડમાં હતા. તેણે આંખો બંધ કરી. ફરી સપનું ચાલુ થયું. ના, પેલું મંદિર સોમનાથ જેવું દેખાતું ન હતું. અચાનક પેલી સ્ત્રીનો અવાજ આવ્યો રાજા સોમચંદ, કત્યુરી નરેશ. નાગનાથના રક્ષક... તે ઝબકી ગયો. ભર શિયાળામાં તેણે પરસેવો થઈ રહ્યો હતો.

હવે તેને પોતાના સપનાથી ડર લાગી રહ્યો હતો. ઘરે પહોંચતા સુધીમાં તો તે સાવ ગુમસુમ થઈ ગયો હતો. મિત્રો સમજતા હતા કે મજાકનો ઓવરડોઝ થવાથી તે બોલતો નથી. માંડ રાત્રે ઘરે પહોંચ્યા.

બીજા દિવસે કોલેજના કામથી મધ્યપ્રદેશમાં માન્ડુ જવાનું હતું. ટ્રાવેલ્સની બસમાં મજાક મશ્કરી કરતા બધા નીકળ્યા. બોર્ડર પાસે એક નાની હોટેલમાં જમીને પછી મછલિયાં ઘાટ પરથી બસ નીકળી. બધાને શાંત થવાની સૂચના મળી. ઘાટ પૂરો થતા સુધીમાં બધા ઊંઘી ગયા. સવારે વહેલા જો ઊઠ્યા હતા. અચાનક પેલું સપનું શરુ થયું અને મયંક ઝબકીને ટટ્ટાર થઈ બેસી ગયો. બારીની બહાર નજર કરી તો સાંજના આછા અજવાળામાં પેલી આકૃતિ દેખાઈ. "તો, તું ફરી મને મળવા આવી રહ્યો છે ને? કેટલા યુગો? કેટલા જન્મો? કેટલા અધૂરા કાર્યો? હવે તો તારે એકલા હાથે પુરા કરવા પડશે."

સામે પર્વત પર એક આકૃતિ રચાઈ. ફરી એ જ આંખો. લંબગોળ ચહેરો, ઘુઘરાળા વાળ અને મધુર સંગીતમય અવાજ. એના હાથમાં તાનપુરો હતો. ના, એ ચૌલાદેવી ન હતી. તો કોણ હતી એ? શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. બાપા રાવળ? સોમચંદ? કે પછી? સુરજ ઢળી ગયો. ખુબજ થાક લાગ્યો હતો. તેની આંખ મળી ગઈ.

અચાનક જોર જોરથી હસવાના અવાજથી તે ઊઠી ગયો. આસ પાસ નજર કરી તો બધા કોઈ હોટેલની રૂમમાં તેના વિષે વાત કરતા હતા. ફરી તેને ઊંચકીને અંદર લાવવો પડ્યો હતો. આ વખતે તે કોઈ બાજ બહાદુર હતો, કોઈ રૂપમતી સાથે ભીમેશ્વરની રક્ષા માટે વાત કરતો હતો. તેને પેલી હજારો આંખો અને ઘોડાના અવાજ યાદ આવ્યા. બહાર નીકળતા જ તેને માન્ડુની દરેક જગ્યા પરિચિત લાગી. બે વાર તો એણે ગાઈડને ટોક્યો કે "ના આવું નહોતું થયું." હવે તેના મિત્રો ખરેખર ચિંતિત હતા.

ઘરે પાછા આવ્યા પછી સહુથી પહેલા તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. તેના બધા જ રિપોર્ટ નોર્મલ હતા. ઘર માં બધા ચિંતિત હતા. મિત્રો પરેશાન હતા અને મયંક? એ ગભરાઈ રહ્યો હતો. હવે શું? હજુ કેટલી વાર્તાઓ બાકી છે? થોડા દિવસમાં બધું બરાબર થવા લાગ્યું. હવે તેના વિચારો ભયમુક્ત બની રહ્યા હતા.

માએ સૌરાષ્ટ્રમાં આવેલા અડતાળાના સોમનાથની માનતા રાખી હતી. ત્રણ કલાકમાં તો  ત્યાં પહોંચી ગયા. દર્શન કર્યા આરતી ગાઈ અને શ્રીફળ વધેર્યું. મયંક અહીં પહેલી વખત આવતો હતો. એના જન્મ પહેલા બધા શહેરમાં જતા રહ્યા હતા. મા પ્રદક્ષિણા ફરતી હતી. તે પીપળાના વૃક્ષ નીચે શાંતિથી બેઠો હતો. અચાનક વૃક્ષની પાછળથી એક આકૃતિ બહાર નીકળી. પેલી જ આંખો. લંબગોળ ઘઉંવર્ણો ચહેરો. ગુલાબી હોઠ. મધ્યમ બાંધો. "હા, એ જ, હા, એ જ." મનમાંથી અવાજો નીકળ્યા. તેના ભરાવદાર ગાલ એક સ્મિત સાથે જરાક ખેંચાયા. "આવી ગયા? હું ક્યારની રાહ જોતી હતી. હજુ કેટલા કામ બાકી છે?" મયંકે આંખો બંધ કરી..." બસ હવે નહિ. હું કોઈ નથી. મારે ઈતિહાસ નથી બનવું." તે સ્વગત બબડ્યો ત્યાં મા આવી ગઈ. "લે દીકરા, તું આવી ગઈ? તારા બાપુને જાણ કરેલી કે દર્શન કરવા આવીએ છીએ. વળી આટલે દૂર બીજું ઘર ક્યાં શોધવું? ઉતાવળ છે એટલે જમીને નીકળી જશુ."

એ ગામના સરપંચની દીકરી યમુના હતી. મયંકના બાપ - દાદાના મંદિરનું ધ્યાન હવે આ પરિવાર રાખતો હતો. "ભાભી, આસપાસવાળાનો ઉપદ્રવ વધી રહ્યો છે. મંદિરની પેટી તોડીને પૈસા ચોરી જાય છે. અને બહાર હોંકારા પડકારા સંભળાયા. સરપંચે ડાંગ લીધી અને બીજી ડાંગ એની દીકરીને દીધી. પેલી મયંક સામે જોઈને માર્મિક હસી. મયંકે પણ એક ડાંગ ઉઠાવી. તેની નજર સરપંચના ઘર પર પડી અને મા બોલી, "આ હવેલી તારા દાદાએ બનાવી હતી." આ એ તો મહેલ હતો જે એણે સપનામાં જોયો હતો. અને હા, લાકડાના શિખરવાળું મંદિર? બાજુમાં ઘેલો નદી બધું જ સપના જેવુંજ હતું. ઘોડાના અવાજો નજીક આવી રહ્યા હતા. માત્ર ત્રણ લડવૈયા હતા, અને કદાચ છેલ્લી વાર્તા.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy