Kavish Rawal

Thriller

2.5  

Kavish Rawal

Thriller

છેલ્લી યાત્રા

છેલ્લી યાત્રા

6 mins
7.1K


સવારની કડકડતી ઠંડીમાં હું મારી રજાઈમાં સુખરૂપ પડ્યો હતો અને કોઈએ મારી રજાઈ ખેંચી લીધી. મેં રજાઈ પાછી ખેંચી અને તે પાછી ખેંચાઈ ગઈ. સાથે એક અવાજ પણ આવ્યો. "પરીક્ષા છે. ચાલ ઉભો થા.." અમારી હોસ્ટેલના વોર્ડનને અમારી ખુબજ ચિંતા રહેતી. અમને પણ હવે એમની ચિંતા થતી. કારણકે જો કોઈ વિદ્યાર્થીને ગુસ્સો આવ્યો તો તકલીફ જ થવાની હતી. આમ તો મેડિસિનમાં ભણવા વાળા વિદ્યાર્થીઓ હોશિયાર જ હોય પણ કેટલાક અલગ રીતે એડમિશન લીધેલા પણ હોય જેમને ભણવામાં રસ ઓછો હોય. મને વોર્ડન વધારે પ્રેમ કરતો કારણકે મારા પપ્પા તેમને દર વખતે કહેતા,"હવે અમારો દીકરો તમારી જવાબદારી છે." અને મને તેમના આ શબ્દો વાગતા કારણકે એમના ગયા પછી મને ઘણી બધી ખાસ વ્યવસ્થા મળતી જેવી કે, સવારે વહેલા ઉઠવું પડતું, બહાર ફરવા જવા ન મળતું, રાત્રે મોડે સુધી વાંચવું પડતું, વિગેરે વિગેરે. પણ હા એ માણસ સારો હતો. બાકી બીજાના છોકરા માટે ઉજાગરા કોણ કરે? એક વાર એમને અમરનાથ યાત્રા પર જવાનું ભૂત વળગ્યું. એમણે યાત્રા બસની  બે ટિકિટ લઈ લીધી. આમ પણ અમારે રજા હતી એટલે એમને મારી ચિંતા ન હતી.

એમના જવાના આગળના દિવસે જ તે બીમાર થઈ ગયા. હું ખબર પૂછવા ગયો એટલે હાથ જોડીને મને કહ્યું કે,"મારી માનતા છે. મારાથી જવાય એમ નથી તો તમે જઈ આવો તો સારું. મારે ના પાડવી હતી પણ મારાથી હા પડાઈ ગઈ. જીવનમાં પહેલી વાર બસની મુસાફરી કરવાની હતી અને અમરનાથ ક્યાં આવ્યું તે મને ખબર પણ ન હતી. એક બેકપેક લઈને હું બસસ્ટેન્ડ પર ગયો. ત્યાં મોટી બેગો લઈને ઘણા બધા મોટી ઉંમરના માણસો આવ્યા હતા. મારાથી સહુથી નજીકની ઉંમરના એક નારી મારાથી માત્ર આઠ વર્ષ મોટા હશે. લગભગ કલાકના કાર્યક્રમ બાદ બસ ચાલી. મારી બાજુમાં એક માજી બેઠા હતા. જેમના પેટની તકલીફ હોય તેવું થોડી વારમાં આસપાસ વાળા બધાને સમજાઈ ગયું. મેં રૂમાલ કાઢીને મોં પર બાંધી દીધો. એક દાદા થોડી થોડી વારે અલગ અલગ ભગવાનની જય બોલાવતા હતા. મને ઊંઘ આવતી હતી પણ આ લોકો મને શાંતિ આપે તો ને? લગભગ રાત્રે બે વાગે કોઈક જંગલ જેવી જગ્યાએ બસ રોકવાનો આદેશ થયો. એક કાકાને ઇમર્જન્સી હતી. પણ ડ્રાઇવરે ના પાડી. મારી ઊંઘ પાછી ઉડી ગઈ કારણકે હવે રકજક ચાલુ થઈ હતી. એક બાજુ સિક્યોરિટીની વાત હતી તો બીજી બાજુ કુદરતી તકલીફ હતી. અંતે વીસ મિનિટ પછી બસ ઉભી રહી. લગભગ બધાજ નીચે ઉતરી ગયા. રજૂઆત એક જણે કરી હતી પણ જરૂરિયાત તો બધાને હતી.

હજુ તો માંડ દસેક જણા બસ પાછા માં ચડ્યા હશે ત્યાં બસ પર ગોળીઓ વરસવા લાગી. ગભરાટનાં માર્યા બધા બસમાં ચડી ગયા. બસ દોડવા લાગી. થોડી વારે કોઈનું ધ્યાન ગયું કે પેલા ભાઈ તો રહી ગયા છે.પાછા જવું કે નહિ તેની ચર્ચા બાદ બસ પાછી વળી. પેલી જગ્યાએ ગયા પછી કોઈ ન મળતા અમે બે ત્રણ માણસો નીચે ઉતાર્યા. ફરી ગોળીબાર થયો. અને અમને ત્યાં છોડીને બસ નીકળી ગઈ. ગોળીઓથી બચવા હું જમીન પર સુઈ ગયો. થોડી વારે ગોળીબાર બંધ થતા મેં આસપાસ જોયું તો મારાથી થોડે દૂર એક સ્ત્રી ઘવાયેલી પડી હતી. થોડેક આગળ બીજો એક માણસ જરાક ઊંચો થઈને મારી સામે જોતો હતો અને મારી બીજી બાજુ નજર કરી તો જે કાકાને શોધવા અમે ઉતર્યા હતા તે ઝાડની પાછળ બોટલ લઈને હજુ પણ બેઠા હતા. થોડી વારે બધું શાંત થતા જ હું ઉભો થવા ગયો. મને પેલી સ્ત્રીની ચિંતા હતી. મેં તેની સામે જોયું. તે પણ સળવળી. તેના ખભા પરથી લોહી નીકળતું હતું. તે બોલી,"સામાન્ય ઇજા છે. ગોળી ઘસાઈને નીકળી ગઈ લાગે છે." અચાનક બે માણસો એક ગાડી લઈને આવ્યા અને અમને ધક્કા મારીને તેમાં બેસાડી દીધા. મેં તેમના વિષે જાણવા પ્રયત્ન કર્યો પણ તેમને જવાબ આપવામાં રસ ન હતો. અમને એક જુના ભવ્ય મકાનમાં લઈ જવામાં આવ્યા. સાવ અંધારી જગ્યા હતી. અમને ઉતારીને ગાડી જતી રહી. મેં ખુલ્લા દરવાજામાં નજર કરી તો કોઈ દેખાતું ન હતું. અમે અંદર ગયા. પવન સુસવાટા ભેર વહેતો હતો. બારીમાંથી પવનનો વિચિત્ર અવાજ ડરાવતો હતો. અચાનક દાદર પરથી હાથમાં મીણબત્તી લઈને એક સ્ત્રી ઉતારતી દેખાઈ. તેની મીણબત્તી સ્થિર હતી. તેની સાથે એક કદાવર કૂતરો પણ હતો. મને પૂછવાનું મન થયું કે તમે ભૂત છો? તે નજીક આવતી ગઈ. મારી બાજુમાં ઉભેલી સ્ત્રીએ મારો હાથ પકડી લીધો. મેં પણ હાથ પકડેલો રાખ્યો કારણકે ડર તો મને પણ લાગતો હતો. પેલી મીણબત્તી વાળી સ્ત્રી નજીક આવી. મારી બાજુ વાળી સ્ત્રીને હાથ પકડીને અલગ રૂમ તરફ ખેંચવા લાગી. તેની આંખોમાં અલગ ચમક હતી. મારી બાજુમાં ઉભેલા કાકા લગભગ બેભાન થઈ ગયા હતા.

અચાનક કોઈ સ્ત્રીની ચીસ સંભળાઈ. હું કઈ વિચારું તે પહેલા મારી આસપાસ ઉભેલા બંને માણસો મને પકડીને થથરવા લાગ્યા. હું પણ ડરી રહ્યો હતો. અચાનક મારા મોં પર કૈક અથડાઈને જતું રહ્યું. મારાથી ચીસ પડાઈ ગઈ. પેલા બોટલ વાળા કાકા બેભાન થઈને નીચે પડ્યા તેનો અવાજ સંભળાયો. મારા કપડાં પરસેવાથી તરબતર થઈ ગયા હતા. અચાનક વાતાવરણમાં ગુલાબની સુગંધ પ્રસરવા લાગી. બાજુ વાળા ભાઈના કંપન નો અવાજ મને સંભળાતો  હતો. તે કૈક બબડવા પ્રયત્ન કરતા હતા. પણ સરખું બોલી સકતા ન હતા. અમારા બંને વચ્ચે થઈ કૈક પસાર થઈ ગયું. અંધારામાં કૈજ ખબર પડતી ન હતી. ફરી કોઈ સ્ત્રીની ચીસ સંભળાઈ. પેલા બીજા ભાઈના પગ પરે પાણી ઢોળાતું હોય તેવો અવાજ આવ્યો. મારા પગ પાસે તે આવતા સુધીમાં શું થયું તે મને સમજાઈ ગયું હતું.

વીસ મિનિટ પછી પવનની ગતિ વધી.હવે બારીમાંથી કીચુક કીચુક અવાજ પણ ચાલુ થયો. પેલા ભાઈ લગભગ મને ભેટી પડ્યા હતા. મને હવે તેમનાથી પણ ડર લાગતો હતો. કડડ અવાજ સાથે દરવાજો ખુલ્યો. એક મોટી ઉંમરનો માણસ હાથમાં ફાનસ લઈને આવ્યો હતો. તેના ચહેરા પર કરચલીઓ સાફ દેખાય તેટલા નજીક આવ્યા પછી તેણે પગથી ચડીને ઉપર જવાનો ઈશારો કર્યો. અમે ઉભા રહ્યા એટલે તે નજીક આવ્યો. ડર હવે ચરમ સીમા પર હતો. અમે ચાલવા લાગ્યા. દાદરા પર વર્ષોની ધૂળ હતી. અચાનક દાદરા પરથી કઈ પડવાનો અવાજ આવ્યો. મેં દાદરાની રેઈલિંગ જોરથી પકડી લીધી. પેલો માણસ જાણે કઈ થયુંજ ન હોય તેમ પગથિયાં ચડી રહ્યો હતો. મને ઉપર મૂકીને તે નીચે જતો રહ્યો. ફરી મારા પગને ઘસાઈને કાંઈ જતું રહ્યું. મારા શરીર માંથી લખલખું પસાર થઈ ગયું. રૂવાંડા ઉભા થઇ ગયા. વોર્ડનને માટે નફરત થવા લાગી. ઈશ્વર માટે મારા વિચારો અલગ હતા પણ તે ખરેખર યાદ આવી ગયા. પેલો માણસ થોડી વારે પાછો આવ્યો. એક રૂમનો દરવાજો ખોલ્યો. આ રૂમમાં થોડો ચંદ્ર પ્રકાશ આવતો હતો. ખૂણામાં એક પલંગ પડ્યો હતો. પેલાએ પલંગ તરફ ઈશારો કર્યો અને ત્યાં ફરી પેલી સ્ત્રીની ચીસ સંભળાઈ. હું પેલા ફાનસ વાળા માણસને જ ભેટી પડ્યો. મને છેક  ત્યારે યાદ આવ્યું કે હું અહીં તેની સાથે એકલો હતો. પેલાએ મને ધક્કો માર્યો. તેની આંખોમાં રતાશ હતી. ફાનસના પ્રકાશમાં તે બિહામણો લાગતો હતો. હું તેના પગમાં પડી ગયો. "મને છોડી દો. હું તો કોઈકના બદલે જાત્રા પર જતો હતો." પેલો જોરથી હસ્યો. તેણે મને ઉભો કર્યો અને અચાનક ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો. હું કોઈક અતિભવ્ય જગ્યાએ હતો. કદાચ કોઈ મહેલ હતો. પેલો માણસ પણ કોઈ સજ્જન લાગતો હતો.

સવારે એક જીપ અમને પાછા મુકવા આવતી હતી ત્યારે ખબર પડી કે અમે જે જગ્યાએ ઉતરી ગયા હતા તે જગ્યાએ કેટલાક અસંતૃષ્ટ લોકો સરકારને સંદેશો આપવા આવતી જતી બસો પર ગોળીબાર કરતા હતા. અમારી પર હુમલો થયો ત્યારે ત્યાંના સ્થાનિક રાજવી પરિવારના લોકો ત્યાંથી પસાર થતા હતા. તે અમને તેમના ગેસ્ટ હાઉસ પર ઉતારીને ગયા અને તેમના સ્ટાફને ફોન કરીને અમને સાચવી લેવાનું કહ્યું હતું. પેલી મીણબત્તી વાળી છોકરી પાસે એલ ઈ ડી કેન્ડલ હતી. તે મારી સાથે આવેલી સ્ત્રીની સારવાર કરી રહી હતી અને જેટલી વાર તેના શરીર માંથી ગોળી કાઢી તેટલી વાર તેણે ચીસ પાડી હતી. આ જગ્યાએ બારીઓ ખુલતા ક્યારેક ચામાચીડિયા આવી જતા હતા. દાદરા પર મારી સાથેના ભાઈ ગભરાઈ ને પડી ગયા તેનો અવાજ હતો અને અમે જયારે પહોંચ્યા ત્યારે લાઈટ જતી રહી હતી.

ઈશ્વર તો બધેજ છે, પણ આપણે તેણે શોધવા ભટકીએ છીએ અને હેરાન થઈએ છીએ. શ્રેષ્ઠ જગ્યાને પણ આપણે આપણા ડરના કારણે ભોગવી નથી સકતા. જો શ્રદ્ધા છે તો પછી ડર શા માટે? આ બધા જ વિચારો આવતા ગયા. પેલા કાકાએ જીપ રોકવા કહ્યું. એક માણસ અમારી જીપમાં બેઠો.પેલા કાકાએ તેને કહ્યું,"તારી બૈરીએ આનો હાથ પકડેલો." પેલો માણસ ગુસ્સે થયો." મને તો ખબર જ હતી. બાપુજીને જાત્રા કરાવવાનું તો બ્હાનુજ હતું. મારે તો તારી સાથે લગન કરવા જ ન હતા. આજે સવારે જ પેલી શનિકાએ નાસ્તો કરતી વખતે પૂછ્યું હતું કે તું જીવતી ન આવે તો અમે લગન કરી લઈએ." હવે શાંતિ હતી. મને ખુબ જ ઊંઘ આવતી હતી. ખરી ભયાનક વાતો તો હવે થવાની હતી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller