છેલ્લી રાત
છેલ્લી રાત
મોના અને હર્ષ બંને ખૂબ જ ખોવાયેલા હતા. સામ સામે હતા તે છતાં જાણે હતા નહોતા. આ છેલ્લી રાત હતી એમની આ ફ્લેટમાં. મોના અને હર્ષએ આ ઘરમાં દામ્પત્યના સાડા ત્રણ વર્ષ પસાર કર્યા હતા. પણ, બીજી સવારે આ ફ્લેટ ખાલીખમ થઈ જવાનો હતો. મોના અને હર્ષના અરેન્જ મેરેજ હતા. પણ , સાડા ત્રણ વર્ષમાં સાડા ત્રણ હજાર વખત એ બંને ઝગડી ચૂક્યા હતા. હર્ષની નોકરીને લઈને ઘરથી દૂર પુના સેટલ થયા હતા. પણ, બસ. બંને પોતપોતાના ઘરે થિડો દિવસ જવાના હતા અને પછી આ ફ્લેટમાં માત્ર હર્ષ પાછો ફરવાનો હતો.
મોના ખૂબ જ મહત્વકાંક્ષી છોકરી હતી અને હર્ષ એટલો જ જીદ્દી. બંને વચ્ચે કોઈ પણ રીતેે મનમેળ શકય જ નહોતો. છતાં પ્રયત્નો કરતા આટલો સમય તો વિતાવ્યો હતો. સ્વભાવે બંને ખૂબ જ ભિન્ન હતા પણ, કંઈક હતું જે એ બંનેને બાંધી રાખતું હતું. બંનેને સાથે જ ગુસ્સો આવે અને બંને સાથે જ શાંત પણ થઈ જાય. પણ, આ વખતે .. છેલ્લી રાત હતી, પછી બં
ને છુટા પડવાના હતા.
ગેલેરીમાં બેસીને વ્યાકુળતામાં અને હારેલા થાકેલા મનથી મોનાએ એક ચિત્ર બનાવ્યું, દિલ આકારનું વૃક્ષ અને એના પરથી ખરતા પર્ણો, અને મોડું થતા એ સુઈ ગઈ. અડધી રાતે હર્ષની આંખ ખુલી અને ગેલેરીમાં સિગારેટ પીવા ગયો તો એણે એ ચિત્ર જોયું, એ હસ્યો અને એણે એ વૃક્ષને ટેકવીને ઉભેલો યુવક દોર્યો, ચિત્ર ત્યાં જ મૂકી સુઈ ગયો.
સવારે એની આંખ ખુલી તો જોયું કે મોના ફ્લેટમાં નહોતી. એને ખાતરી થઈ ગઈ કે મોના નીકળી ગઈ હશે. એ થોડો હતાશ થયો કે બાય પણ ન બોલી છેલ્લે. એ પોતાના રૂમમાં ગયો ત્યાં જ મેઇનડોર ખોલી મોના પ્રવેશી.
"તું અહીં જ છે ? ક્યાં ગઈ હતી? મને એમ કે ? એક બાય..."
"મારા હૃદયના વૃક્ષની છાંયમાં તું રહેવા માંગતો હોય, અને હું ચાલી જાઉં ? આજે પાનખર છે, સાથે હોઈશું તો કાલે વસંત પણ હશે."
"પણ..."
"થોડી મમત તું છોડ થોડી હું છોડીશ."
પેલું ચિત્ર બતાવતા એ બોલી.