STORYMIRROR

Leena Vachhrajani

Abstract

4  

Leena Vachhrajani

Abstract

છેલ્લી જવાબદારી

છેલ્લી જવાબદારી

2 mins
216

“કલી અને બની, આજ પરીક્ષા છે. બરાબર તૈયારી કરી છે ને !” સ્વાતિ બંને દીકરીઓને જગાડી રહી હતી. બની તો તરત જાગી ગઈ. બાથરુમમાં ચાલી ગઈ પણ કલી હલતી નહોતી. સ્વાતિએ ઢંઢોળીને બૂમ પાડી.“એ કલી, ઊઠ હવે. પરીક્ષા કોણ આપશે ?”

કલી માંડ ઊઠી. પછી તો બંને બહેનો મોં ધોઈ, ચા પી ને વાંચવા બેસી ગઈ. દસ વાગે તૈયાર થઈ ગઈ. નીચે આવી ત્યારે સ્વાતિએ ગરમાગરમ નાસ્તો તૈયાર રાખ્યો હતો. દહીંનું શુકન કરાવીને બંને બહેનોને રવાના કરી.

કલી અને બની કોલેજ પહોંચી. પેપર વહેંચાયાં. બંનેએ મન લગાવીને લખ્યું. આજ તો છેલ્લું પેપર હતું. હવે તો ઘેર જઈને બસ મજા. સ્કૂટી પર બંને વાતો કરતાં કરતાં સોસાયટીના નાકે પહોંચી. “કલી, પપ્પાના ગયા બાદ મમ્મીએ મા-બાપ બનીને આપણને કોઈ કમી મહેસૂસ નથી થવા દીધી.”

“હા બની, હવે આપણે મમ્મીને રાહત આપશું. આ વખતે ઓફિસમાંથી રજા લેવડાવી હિલસ્ટેશન ફરવા લઈ જશું.”

આમ વાત કરતાં કરતાં બંને બંગલાના ગેટ સુધી પહોંચ્યાં ત્યાં ઘર પાસે ટોળું જોઈને બંને સહેજ ઓઝપાયાં. પોલિસ જીપ, એમ્બ્યુલન્સને જોઈને બંને વધુ ગભરાયાં.

બાજુવાળાં મંદાકાકી બંનેને જોઈને દોડીને નજીક આવ્યાં. “અરેરે ! સ્વાતિ આમ દગો દેશે એ ધાર્યું નહોતું હોં!”

“પણ કાકી શું થયું?”

“લે તમને ખબર ન પડી?”

“ના કાકી કહો ને!”

“અરે અગિયાર વાગે સવિતા આવી અને એણે બેલ વગાડી પણ સ્વાતિએ બારણું ન ઉઘાડ્યું. પછી મને બોલાવી ને મેં બારણું બહુ ખખડાવ્યું તોય સ્વાતિએ બારણું ન ખોલ્યું એટલે અમે પાડોશીઓએ પહેલાં પોલિસને જાણ કરી પછી ડોક્ટરને બોલાવ્યા. હમણાં અરધો કલાક પહેલાં પોલિસે બારણું તોડ્યું અને ડોક્ટરને અંદર લઈને ગયા છે. કોઈને ઘરમાં આવવા નથી દેતા. તમે જાવ અને જુઓ તો ખરા !”

બંને બહેનો અધ્ધર શ્વાસે અંદર ગઈ. સ્વાતિ એના રુમમાં પલંગ પર સૂતી હતી. 

બંનેની રાડ ફાટી ગઈ.“શું થયું મમ્મીને?”

ડોક્ટરે બંને તરફ જોયું. લેડીપોલિસ ઓફિસરે બેયને બેસવા કહ્યું,“આવો બેય જરા શ્વાસ નીચો મૂકો.”

“ના પણ મમ્મીને શું થયું?”

ડોક્ટરે કલી સામે જોઈને કહ્યું,“તમે છેલ્લે મમ્મીને ક્યારે મળ્યાં હતાં? એક્ચ્યુલી તમારી મમ્મીને ઊંઘમાં જ હાર્ટએટેક આવી ગયો અને એ મૃત્યુ પામ્યાં છે.” 

“અરે હોય ડોક્ટર શું જેમતેમ બોલો છો? મમ્મી સવારે પાંચ વાગે અમને જગાડવા આવી, ચા બનાવી, દસ વાગે નાસ્તો બનાવ્યો અને અમને દહીં ખવડાવા પરીક્ષા આપવા મોકલ્યાં. ત્યાં સુધી તો એકદમ સ્વસ્થ હતી.” 

ડોક્ટરનો હાથ ધ્રૂજી ગયો. એમણે પોલિસ સામે જોઈને કહ્યું,“ઓફિસર, પેશન્ટનું મૃત્યુ રાત્રે બે થી ચારની વચ્ચે સિવિયર હાર્ટએટેકથી થયું છે.” લેડીપોલિસે કલી અને બની સામે જોયું. બંને બહેનો હક્કાબક્કા હતી. “કલી તેં મમ્મીને હરતીફરતી જોઈ હતી ને?”

“હાસ્તો કેમ આવા સવાલ પૂછે છે?”

“તો પછી આ ડોક્ટર કેમ..”

અને કલીને અને બનીને મંદાકાકીએ સાચવી લીધાં. મનમાં વિચાર કરતાં કરતાં દીવો કર્યો, “વાહ સ્વાતિ તેં દેહત્યાગ પછી પણ દીકરીઓ માટે છેલ્લી જવાબદારી નિભાવી.તને વંદન."


Rate this content
Log in

Similar gujarati story from Abstract