છેલ્લી બેંચ ભાગ-૧
છેલ્લી બેંચ ભાગ-૧
"લાગણી એટલે પ્રેમની વ્યાખ્યા અને પ્રેમ એટલે લાગણીની વ્યાખ્યા. કેટલાંકને મળે છે તો કેટલાંકને નથી મળતો. પણ કેમ નથી મળતો? આ પ્રશ્નનો ઉતર કોઈની પાસે નથી અને છે તો સાચો નથી, કોઈ રડે છે તો કોઈ હસે છે, કોઈ ભુલી જાય છે તો કોઈને ભુલાતો નથી, કોઈ ખુશ થાય છે તો કોઈ દુ:ખી થાય છે, કોઈ અલગ થઈને પણ અલગ નથી થતાં તો કોઈ મળીને પણ અલગ થઈ જાય છે. કેમ આવું થાય છે?" કોલેજથી છુટ્યાં પછી આજે ઘરે જઈને રાધીએ પોતાની નોટબુકમાં પ્રેમ વિષે લખવાનું ચાલું કર્યું. મનની અંદર થતાં આવાં અનેક પ્રકારના સવાલોને અને મનમાં જ હસાવી ને રડાવી દે એવાં શબ્દોને કોરાં કાગળ પર શણગારી રહી હતી. પોતાનાં વિચારોને રાધી કાગળ પર લખી રહી હતી. પરંતુ અચાનક લખતાં લખતાં એ પોતાની જૂની યાદોમાં અને વીતી ગયેલી પળોમાં ખોવાઈ જાય છે.
***
કોલેજનો પહેલો દિવસ હતો. રંગબેરંગી, ફેશનેબલ અને સ્ટાઈલીશ કપડાંઓથી કોલેજ વધારે સુંદર દેખાઈ આવતી હતી. ચારેય બાજુએ મોજ, મસ્તી અને આનંદનો માહોલ છવાયેલો હતો. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ કરનાર વિધ્યાર્થીઓને અંતરમનથી ખુશીઓની લહેરથી ભિંજાયાનો આનંદ હતો. લાગણી સભર છોકરાં-છોકરી બંનેને એકબીજા સામે સૌંદર્યનું આકર્ષણ હતું. જો કે કોલેજ આ સૌંદર્યથી જ સુંદર લાગતી હોય છે. નવાં નવાં અને અજાણ્યા સારાં અને ખરાબ મિત્રોની આજે અહીં મહેફીલ જામી હતી. આવો હતો કોલેજનો પ્રથમ દિવસ અને આ પહેલાં જ દિવસે પહેલાં જ લેક્ચરમાં કોલેજના પ્રિન્સિપલ સરે આવીને સ્ટુડન્ટને મજા આવે તેવું ભાષણ આપવાનું ચાલું કર્યુ હતું.
"લાગણીનો પહેલો અહેસાસ એ પ્રેમ. એક બાજુથી પલ્લું નીચું થાય તો બંને બાજુએ સરભર કરી દેવું ( નારાજ થાય તો મનાવી લેવું )" કોલેજના પ્રથમ દિવસે સવારે જ ઘરે ચા ન મળતાં પ્રિન્સિપલ પોતાનાં ધર્મપત્ની પર હડકાયાં કુતરાંની જેમ વિસ્ફોટ થયાં હોય. આવી ઘટના બની હોય તેમ પ્રિન્સિપલ સર આજે ભાષણ આપી રહ્યાં હતાં. અને કોલેજીયનને લાગણીનો પહેલો અહેસાસ એટલે પ્રેમ, સમજાવી રહ્યાં હતાં.
ક્લાસરુમની અંદર ઉભી દસ બેંચોની કુલ ચાર લાઈનો હતી. જેમાં બે લાઈન છોકરીઓને અને બે લાઈન છોકરાંઓને ફાળે કરાઈ હતી. ક્લાસરુમનાં દરવાજાં બાજુની બે લાઈન છોકરાંઓ માટે હતી અને ક્લાસરુમમાં એક આગળ અને એક પાછળ એમ કુલ બે ડોર હતાં.
"મેં આઈ કમ ઈન સર?" ક્લાસરુમનાં પાછળના બારણેથી પોતાનો ડાબો હાથ ક્લાસરુમની અંદર લાંબો કરી સાહિલે અંદર આવવાની પરમિશન માંગતા કહ્યું.
મેં આઈ કમ ઈન સર કાને પડતાંની સાથે જ પ્રિન્સીપલ તથા દરેક સ્ટુડન્ટનું ધ્યાન પાછળના બારણાં તરફ જાય છે. લેક્ચર ચાલું થયાંની દસેક મિનિટ પછી સાહિલ અને આશિષ લેક્ચર એટેન્ડ કરવાં માટે આવ્યાં હતાં.
"સાહિલ" કહીએ તો લાગણીથી ભીંજાયેલો અવસર. હસમુખો એનો સ્વભાવ. થોડો સ્ટાઈલીશ પણ મર્યાદામાં જ મોજ શોખને રાખતો. દીલમાં લાગણીઓ ભરપુર છે. દેખાવથી જ એ આકર્ષક હતો. પણ નીચો નમતો અને ઉદાસ ચહેરો એની સુંદરતાને નીખારતો હતો. અને આશિષ એનો બાળપણનો મિત્ર હતો.
"કોલેજનાં પ્રથમ દિવસે જ તમે બંને મોડાં આવ્યાં છો તો બાકીના દિવસોએ તો ક્યાંથી સમયસર આવવાનાં! આજે કોલેજનો પ્રથમ દિવસ છે એટલે તમને બંનેને લેક્ચરમાં આવવાં દઉં છું." પ્રિન્સીપલ સરે સાહિલ અને આશિષ બંનેને ક્લાસરુમમાં આવવાની પરમિશન આપતાં કહ્યું.
પ્રિન્સીપલ સરની પરમિશન મળી જતાં સાહિલ અને આશિષ બંને ક્લાસરુમનાં પાછળનાં દરવાજે ઉભા ઉભા આખાં ક્લાસરુમમાં પોતાની નજર દોડાવે છે. તે બંનેને ઉભા જોઈને ફરીવાર પ્રિન્સીપલ સરે કહ્યું.
"તમારી બંને માટે શું વી.આઈ.પી બેંચની વ્યવસ્થા કરાવી આપું કે ગોર મહારાજને બોલાવી મુર્હુત કઢાવરાવું?"
"વી.આઈ.પી બેંચ સર! અમારી માટે! ચાલશે તેના વિના. અમે ક્લાસમાં બસ એ જ જોઈ રહ્યાં હતાં કે આગળની કોઈ બેંચ ખાલી કેમ નથી?" સાહિલે પ્રિન્સીપલ સરના પ્રશ્નનો ઉતર આપતાં કહ્યું.
પ્રિન્સીપલ સરને આ પ્રશ્નનો ઉતર આપવો જરુરી ન લાગ્યો એટલે તે કંઈ બોલતાં નથી. છેવટે સાહિલ અને આશિષ છોકરાંઓની બેંચની બીજી લાઈનની 'છેલ્લી બેંચ' પર બેસી જાય છે. બસ આ જ છેલ્લી બેંચથી શરુ થવાની હતી સાહિલની પ્રેમકહાની.
દરવાજા બાજુએથી બેંચની પ્રથમ બંને લાઈન છોકરાંઓની હતી. જ્યારે ત્રીજી અને ચોથી લાઈન છોકરીઓની હતી. છેલ્લી બેંચ પર સાહિલ ત્રીજી લાઈન તરફ બેઠો હતો. એટલે કે છોકરીઓની બાજુએ બેઠો હતો. પ્રિન્સીપલનું લેક્ચર ક્લાસરુમમાં બધાં વિધ્યાર્થીઓને આનંદ આપી રહ્યું હતું. પરંતુ સાહિલનું ધ્યાન આજે મસ્તમગન થઈને ક્લાસરુમની ચારેય દિવાલો જોવામાં જ હતું. સાહિલની નજર ક્લાસરુમની ચારેય દિશાઓમાં શિકારીની જેમ દોડી રહી હતી. એટલામાં સાહિલની નજર બાજુમાં છેલ્લી બેંચમાં વચ્ચે બેસેલી છોકરી પર ગઈ.
આછો પિંક કલરનો ડ્રેસ, માથાનાં ખુલ્લાં કેશ, ચહેરા પર લટકી રહેલી કેશની લટ અને પ્રિન્સીપલના ભાષણથી થોડી થોડી વારે મલકાતો તેનો ચહેરો આ દરેક બાબતોનું અત્યારે સાહિલ નિરીક્ષણ કરી રહ્યો હતો. હવે સાહિલનું ધ્યાન ક્લાસની ચાર દિવાલોમાં ન ઘુમતાં થોડી થોડી વારે એ છોકરી પર જતું હતું. પરંતુ તેનો ચહેરો સાહિલને સરખી રીતે દેખાતો ન હતો. તે વારંવાર તેનો ચહેરો જોવાની કોશિશ કરતો હતો. એટલામાં જ આશિષનું ધ્યાન સાહિલ પર જાય છે.
"શું ખોળે છો ભાઈ? કેમ ઉંચો નીચો થાય છે?"
"ના કંઈ નહી. બસ આટલું કહી સાહિલ વાતને દબાવી દે છે."
" ઓકે " કહી આશિષ પણ એ વાતને છોડી દે છે.
આશરે પંચાવન મિનિટનો લેક્ચર આપી પ્રિન્સીપલ સર વિરામ લે છે.
"મજા આવી મિત્રો?" લેક્ચર પૂરો કર્યાં પછી પ્રિન્સીપલે ક્લાસરુમનાં વિધ્યાર્થીઓને પ્રશ્ન કર્યો.
" હા " ક્લાસરુમનાં દરેક વિધ્યાર્થીએ એકસાથે પ્રિન્સીપલ સરના પ્રશ્ર્નનો ઉતર આપતાં કહ્યું.
પ્રિન્સીપલ સરનો લેક્ચર પુરો થયાં પછી રીસેસ પડે છે. સાહિલ અને આશિષ ક્લાસરુમની બહાર લોબીની પાળીને અડેલીને ઉભા હોય છે. ત્યાં પેલી પિંક ડ્રેસવાળી પોતાની સહેલીઓ સાથે નીકળે છે. અત્યારે તેનાં ચહેરો તદન સાફ દેખાતો હતો. તેનો ચહેરો જોઈને સાહિલના દીલમાં ઘંટડીઓ વાગવા લાગે છે. એકી ટચે સાહિલની નજર તે પિંક ડ્રેસવાળીને જોઈ રહી હતી. સાહિલની નજર તેના પરથી હટવાનું નામ જ ના લઈ રહી હોય એવું લાગી રહ્યું હતું. ત્યાં જ આશિષે સાહિલનાં રંગમાં ભંગ પાડતાં કહ્યું.
"ઓ ભાઈ ક્યાં ખોવાયો?"