Jaydip Bharoliya

Children Stories Inspirational

4.5  

Jaydip Bharoliya

Children Stories Inspirational

મમ્મી! તમે પપ્પાને સમજાવોને

મમ્મી! તમે પપ્પાને સમજાવોને

6 mins
663


ડિયર મમ્મી,

રાધે રાધે. આશા છે કે તમે સ્વસ્થ અને તંદુરસ્ત હશો. હા, મારો પત્ર આવ્યો છે એ ખબર પડતાં જ તમે ખુશખુશાલ થઈ ગયા હશો. તમારી ખુશીઓનો પાર નહીં રહ્યો હોય. જો કે પત્ર મળ્યા પહેલા તમે ખૂબ જ ઉદાસ રહ્યા હશો. મારા પત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો. અત્યારે આ પત્ર વાંચતી વખતે તમારા ચહેરા પર અપાર ખુશીઓ છલકાઈ રહી હશે. કેમ ન છલકાઈ? ઘણા સમય પછી તમારા એકના એક દીકરાનો પત્ર આવ્યો છે. હા, હું જાણું છું કે તમે મને પત્ર લખ્યો હતો. પરંતુ અહીં કામમાં બહુ વ્યસ્ત હોવાને કારણે હું ઉત્તર નહોતો આપી શક્યો. જો કે હું ઈચ્છેત તો થોડો સમય કાઢીને ફટાફટ પત્ર લખીને મોકલી દીધો હોત. પરંતુ તેમ કરવા માટે મારું મન નહોતું માન્યું. કારણ કે હું વધારે સમય કાઢીને એકદમ શાંતિથી તમને પત્ર લખવા માંગતો હતો. જેમાં હું મારી નાનામાં નાની વાતને બારીકાઈથી લખીને મોકલી શકું.

મમ્મી, તમે પત્રમાં લખ્યું હતું કે તું અહીં પાછો આવી જા. સાચું કહું મમ્મી? ખરેખર તો હું પણ ઘરે પાછો આવવા માંગુ છું. જેવી રીતે તમારે તમારા દીકરા વિના નથી ચાલતું એવી જ રીતે મારે પણ મારી મમ્મી વિના નથી ચાલતું. જેવું રીતે તમે કોઈવાર ઉદાસ રહીને તો કોઈવાર રડીને દિવસો પસાર કરો છો એ જ રીતે હું પણ ઘણી વખત રડીને સમય પસાર કરી લઉં છું. અત્યારે આ પત્ર લખતી વખતે પણ મારી આંખમાંથી એક ટીપુ સરકીને પત્રના કાગળ પર પડી ગયું છે. મારા ગળે ડૂમો ભરાઈ આવ્યો છે. એમ થાય છે કે પત્ર લખવાનું માંડી વાળું. પછી તરત જ એ વિચાર પણ આવે છે કે તમે જ્યારે મને પત્ર લખતા હશો ત્યારે તમારી પણ આ જ સ્થિતિ હશે.

મમ્મી, તમે પપ્પાને સમજાવો ને. એક વર્ષથી અમારી બંનેની એકબીજા સાથે વાત નથી થઈ. મને ખૂબ જ બેચેની લાગી રહી છે. હું પપ્પાને જે સમજાવવા માંગુ છું એ વાત તે શા માટે નથી સમજતા? તે પોતાની જૂની માન્યતાઓને શા માટે ઢીલ નથી આપતા? ઘણી વખત એવું થતું હોય છે કે આપણા વિચારોની સામે બીજાના વિચારો સાચા હોવા છતાં વિકસી નથી શકતા. મમ્મી, હું સમજી શકું છું કે પપ્પા ખોટા નથી. પરંતુ હું પણ ક્યાં ખોટો છું? પપ્પા એમની રીતે, એમની જગ્યા પર, એમના વિચારોની સાથે સાચા છે. પણ મમ્મી, હું પણ મારા વિચારોની સાથે મારી જગ્યા પર સાચો છું.

પપ્પા કહેતા હતા કે તેઓ મારા લગ્ન એવી છોકરી સાથે કરવા માંગે છે જે સંસ્કારી હોય, વડીલોનું સન્માન કરતી હોય, રસોડાનું કામકાજ જાણતી હોય. મમ્મી, તું જ કહે કે શું રાધિકા એવી છોકરી નથી? શું રાધિકામાં એ ગુણો નથી? મમ્મી રાધિકા સર્વગુણ સંપન્ન છે. કદાચ તેનામાં રહેલા વધારે ગુણો પપ્પાને નથી પસંદ. જેમ કે તે નોકરી કરે છે, વિદેશમાં મોટી થઈ છે, તેની સહેલીઓ સાથે કોઈવાર પાર્ટી કરે છે. શા માટે લોકો પોતાની નજરમાં જે ગુણો છે તેને જોવાનું છોડીને પોતાની નજરમાં જે અવગુણો છે તે જોવાનું પસંદ કરે છે?

મારી અને પપ્પાની વચ્ચે જે દિવસે ઝઘડો થયો તેના આગળના દિવસે રાત્રે મેં પપ્પાને ઘણું સમજાવ્યું હતું. પરંતુ તેઓ મારી વાત સમજવાનો પ્રયત્ન પણ નહોતા કરવા માંગતા. તેઓ પોતાની બસ એક જ વાત દોહરાવતા હતા કે "તારા લગ્ન એ જ છોકરી સાથે થશે જે હું તારી માટે પસંદ કરીશ." તેઓ એ શા માટે પસંદ નથી કરતા જે મને પસંદ છે? તેઓ શા માટે રાધિકાને મારી માટે પસંદ નથી કરતા? મમ્મી, તમે એક વખત રાધિકાને મળશોને, તો તમને જરાયે નહીં લાગે કે રાધિકા વિદેશમાં મોટી થઈ છે. જ્યારથી હું ઘર છોડીને અમેરિકા આવતો રહ્યો છું ત્યારથી રાધિકા દરરોજ મને સમજાવે છે કે તું આમ ઉદાસ ન બેસી રહીશ. બધું જ પહેલા જેવું થઈ જશે. આપણે બંને ઘરે પાછા જઈશું અને મમ્મી પપ્પાને મનાવી લઈશું. મમ્મી અત્યારે મારી આંખો પાણીથી ભરાઈ આવી છે. મને એક વાત યાદ આવી ગઈ છે. જ્યારે હું ઘર છોડીને અહીં અમેરિકા આવતો રહ્યો ત્યારે રાધિકાએ મને કહ્યું હતું.

"જયદિપ, તારામાં અક્કલનો છાંટોય નથી. તને ખબર છે તું શું કરીને આવ્યો છે?" રાધિકાએ મને ગુસ્સામાં કહ્યું હતું.

"રાધિકા, એવું તો મેં શું કર્યું છે? હું પણ ઘર છોડવા નહોતો માંગતો. પરંતુ પપ્પા મારી વાત જ નહોતા સમજી રહ્યા. રાધિકા, સંબંધોમાં કોઈકે તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડેને? તો જ સંબંધ ટકી શકે."

"તો તું કોમ્પ્રોમાઈઝ નહોતો કરી શકતો?" રાધિકાના આ શબ્દો સાંભળીને મારી પર જાણે આભ તુટી પડ્યું. મારું શરીર ધ્રુજી ઉઠ્યું. રાધિકાએ થોડું અટકીને આગળ કહ્યું હતું.

"શું કોમ્પ્રોમાઈઝ ફક્ત માબાપે જ કરવાનું હોય છે? તેમના સંતાનોની કોઈ ફરજ નથી? તેઓ નાના છે તો શું તેમણે કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું? જયદિપ" રાધિકાએ મારા ખભે હાથ મૂકીને કહ્યું હતું.

"દુનિયામાં જ્યારે તારી સાથે કોઈ નહીં હોયને ત્યારે ફક્ત અને ફક્ત તારા માબાપ જ તારી સાથે હશે. હું પણ નહીં. આપણી માટે આપણા માબાપથી વધારે ઇમ્પોર્ટેડ કોઈ ન હોવું જોઈએ. તું તારા પપ્પા સાથે ઝઘડો કરીને અહીં તો આવી ગયો. પરંતુ શું તું તારા પપ્પા સાથે વાત કર્યા વિના અહીં રહી શકીશ? જેવી રીતે અત્યારે તું અહીં ઉદાસ બેઠો છે એવી જ રીતે તારા પપ્પા પણ ઉદાસ બેઠાં હશે."

"રાધિકા." મેં રાધિકાના હાથ મારા હાથમાં લઈ લીધા. એટલે મને થોડી હિંમત મળી ગઈ. "તો હું શું કરું? હું મમ્મી પપ્પા વિના પણ નહીં રહી શકું અને તારા વિના પણ નહીં રહી શકું. મારી સ્થિતિ અત્યારે એક તરફ ખાઈ તો બીજી તરફ કૂવા જેવી છે. મને તમારા બંનેમાંથી કોઈ એકને ખોવાનો ડર લાગ્યા કરે છે." મારી આંખોમાં આંસુ આવી ગયાં હતાં. રાધિકાએ મને પોતાની છાતીએ લગાવી દીધો હતો.

"જયદિપ, જિંદગીમાં ઉતાર ચડાવ આવતા હોય છે. એવું જ કંઇક અત્યારે પણ છે. પરંતુ આપણે બંને સાથે મળીને આગળ વધીશું. આપણે તારા પપ્પાને મનાવી લઈશું. બધું જ પહેલા જેવું થઈ જશે." મમ્મી, મારી સાથે રાધિકાની આંખો પણ ભરાઈ એવી હતી. એ તો મને ત્યારે ખબર પડી જ્યારે તેની આંખમાંથી ટીપું સરકીને મારા ગાલ પર પડ્યું.

તમને ખબર છે મમ્મી? આજે રાધિકા સાડી પહેરે છે, તેણે પોતાની સહેલીઓ સાથે પાર્ટીઓમાં જવાનું તદ્દન બંધ કરી દીધું છે. હા, અમે બંને કોઈવખત સાથે બહાર હોટલમાં ડિનર કરવા જઈએ છીએ. તેને રસોડાનું બધું જ કામ આવડી ગયું છે. તે મસ્ત સ્વાદિષ્ટ ભોજન પણ બનાવવા લાગી છે. પણ...

પણ તેણે નોકરી કરવાનું નથી છોડ્યું. કારણ કે તેની પોતાની પણ અમુક ઈચ્છાઓ છે. તેણે પોતાની ઈચ્છાઓ સાથે કોમ્પ્રોમાઇઝ કરીને તેનાથી જે થઈ શકતું હતું તે બધું જ કર્યું. બસ, હવે પપ્પા પણ થોડું કોમ્પ્રોમાઇઝ કરશે તો આપણી જિંદગી ફરી પહેલા જેવી થઈ જશે. રસોડામાં તમારો સાથ આપવા માટે તમારા દીકરાની વહુ આવી જશે. હું જેને પ્રેમ કરી છું તેની સાથે મારા લગ્ન થઈ જશે. મારી અને પપ્પા વચ્ચે ફરી બોલવાનું શરૂ થઈ જશે.

પપ્પા, હું જાણું કે અત્યારે આ પત્ર મારા મમ્મી નહીં પરંતુ તમે વાંચી રહ્યા છો. કારણ કે પહેલા હું જ્યારે પણ પત્ર લખતો ત્યારે સવારમાં વહેલા પત્ર આપણા ઘરે પહોંચતો. સવારમાં મમ્મી રસોડાના તથા ઘર કામમાં વ્યસ્ત રહે છે એટલે પત્ર સૌથી પહેલા તમારા જ હાથમાં આવે છે. આજે પણ આ પત્ર મમ્મી વાંચે એ પહેલા તમે વાંચી રહ્યા છો. પપ્પા, મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું નાનો હતો ને જ્યારે પણ કોઈ ભૂલ કરતો ત્યારે તમે મારો કાન ખેંચતા. પણ અત્યારે મારા પપ્પા મારો કાન ખેંચવા માટે મારી પાસે નથી. પપ્પા, હું તમને સમજી ગયો છું. હું જાણું છું કે આ પત્ર વાંચીને તમે પણ મને સમજી ગયા છો. અત્યારે તમે રડતા રડતા હસી રહ્યા છો. સાચું ને? જો જો... હસવા લાગ્યા. તમે તરત જ બૂમ પાડી હશે.

"જયદિપ ની મમ્મી... જયદિપ નો પત્ર આવ્યો છે." ને મારા મમ્મી રસોડાનું બધું જ કામ બાજુ પર મૂકી દઈ દોડતા દોડતા તમારી પાસે આવી ગયા છે. પણ, તમારે હજુ થોડુક વાંચવાનું બાકી છે એટલે તમે પત્ર મમ્મીને થોડીવાર નહીં આપો.

પપ્પા, હું પરમ દિવસે જ ઘરે પાછો આવી રહ્યો છું. સાથે રાધિકા પણ આવી રહી છે. રાધિકાએ મને કહ્યું કે આપણે બંને તારા પપ્પાને મનાવી લઈશું. પરંતુ તમને આ પત્ર લખ્યા પછી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે હું અને રાધિકા ઘરે આવીશું અને તમને પેજ લાગીશું ત્યારે તમે અમને બંનેને ખુશીથી સદા સુખી રહેવાના આશીર્વાદ આપશો. કારણ કે મારા પપ્પા મારી વાત ન સમજે એવું બની જ ન શકે.

મારા પપ્પા દુનિયાના બેસ્ટ પપ્પા છે. હવે એકલા એકલા મૂછમાં હસવાનું બંધ કરીને આ પત્ર મમ્મીને પણ વાંચવા આપી દો.

તમારા કાળજાનો કટકો

જયદિપ


Rate this content
Log in