JHANVI KANABAR

Drama Romance Tragedy

4.1  

JHANVI KANABAR

Drama Romance Tragedy

છેક સુધી

છેક સુધી

6 mins
524


"ડોક્ટર રૂમ નં. 301ના પેશન્ટ ભાનમાં આવી ગયાં છે, બટ સિચ્યુએશન ઈઝ વેરી ક્રિટિકલ.." નર્સે ડો.નિશાંતને કહ્યુંં.

"ઓકે. મિસ મેઘના.. લેટ્સ ગો ઈમિજિયેટલી.." નિશાંત નર્સની પાછળ રૂમ નં. 301 તરફ ઝડપભેર ચાલતા થયા.

ડો. નિશાંતે પેશન્ટ સૌરભભાઈ પટેલને ચેક કર્યા. થોડી મેડિસિન્સ અને ઈન્જેક્શન્સની ડિટેઈલ્સ નર્સને આપી. સૌરભભાઈને ચડતા એક ગ્લુકોઝના બાટલામાં ઈન્જેક્શન આપી બહાર આવ્યા. રૂમની બહાર સ્નેહાબેન ચિંતાતુર મુદ્રામાં ઊભા હતાં.

"હેલો મેમ ! તમે જ સૌરભભાઈને હોસ્પિટલ લાવ્યા હતાં ને ? ડોન્ટ વરી ! હી ઈઝ ઓકે નાઉ. સિચ્યુએશન ઈઝ ટોટલી અન્ડર કન્ટ્રોલ." ડો. નિશાંતે સ્નેહાબેનને શાંત્વના આપતા કહ્યુંં.

સ્નેહાબેનના મોં પર ચિંતાના ભાવ અને એક અજાણ્યા વ્યક્તિ માટે આટલી લાગણી જોઈ ડો. નિશાંતને નવાઈ લાગી.

"તમે ચાહો તો તેમને મળી શકો છો. ત્યાં સુધીમાં તેમના કોઈ રિલેટિવ્સ આવી જશે. એમના ખિસ્સામાં મળેલ મોબાઈલ પરથી કોલ ડિટેલ્સ લઈ અમે જાણ કરી દીધી છે." ડો. નિશાંતે કહ્યું.

"નો નો ડોક્ટર ! અહીં જ બહાર બેસુ છું." થોડા ગભરાયેલા સ્વરે સ્નેહાબેને જવાબ આપ્યો.

"ઓકે. એસ યુ વિશ મેમ..". કહી ડો. નિશાંત ચાલ્યા ગયાં.

"મેમ પ્લીઝ તમે થોડીવાર પેશન્ટ પાસે બેસશો ? હજુ એમના કોઈ રિલેટિવ્સ આવ્યા નથી. સ્ટાફમાં કોઈ ફ્રી નથી અને મારે મેડિસિન્સ અને ઈન્જેક્શનનું અરેજમેન્ટ કરવા જવું છે. સો ઈફ યુ ડોન્ટ માઈન્ડ..." મિસ મેઘનાએ વિનંતીભર્યા સ્વરે કહ્યુંં.

ધર્મસંક્ટમાં આવી પડ્યા હોય એમ સ્નેહાબેન થોડીવાર વિચારમાં પડી ગયાં, પણ પછી તેમણે હકારમાં માથુ ધૂણાવ્યું. ધીમા ખચકાતા પગલે તેઓ રૂમમાં દાખલ થયા. સૌરભભાઈની આંખ મિચાયેલી જોઈ તેમને થોડો હાશકારો થયો. બેડની બાજુના સ્ટુલ પર જઈ તેઓ બેઠા અને બાજુમાં પડેલી મેગેઝિન વાંચવા લાગ્યા.

"સ્નેહા તું....?" શબ્દો સાંભળતા જ સ્નેહાબેન એક ધબકારો ચૂકી ગયાં. જોયું તો સૌરભભાઈએ આંખો ખોલી હતી. સ્નેહાબેન અસમંજસમાં નીચુ જોઈ ગયાં. શું કરવું ? એ સમજ પડતી નહોતી.

"સ્નેહા તું અહીં ક્યાંથી ? મેં તને કેટલો શોધવાનો પ્રયત્ન કર્યો ! અનાથાશ્રમમાંથી તારા ગયાં પછી તો હું સાવ એકલો પડી ગયો હતો. સ્નેહા ! તું મને છોડીને ચાલી ગઈ, મારા જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો. હવે તું મને છોડીને ક્યાંય ના જઈશ પ્લીઝ. નહીં જાય ને ? મને વચન આપ..." અધીરાઈથી ક્યારે તેમણે સ્નેહાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો એ ભાન ન રહ્યું. સ્નેહાએ ધીમે રહીને પોતાનો હાથ છોડાવ્યો ત્યારે સૌરભભાઈને પોતાની ભૂલનો અહેસાસ થયો. થોડીવાર રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સ્નેહાબેન અને સૌરભભાઈ ક્યારે સ્નેહા અને સૌરભ બની ભૂતકાળમાં સરી ગયાં એ ખબર જ ન રહી.

સ્નેહા અને સૌરભ અનાથાશ્રમમાં સાથે હતાં ત્યારે એકબીજા વગર એક પળ પણ ચાલે નહીં. કિશોરવસ્થામાં પહોંચતા જ સ્નેહા અને સૌરભની મૈત્રી પ્રેમમાં પરિણમી. બંનેમાં નિર્દોષ, નિશ્છલ શુદ્ધ પ્રેમ પાંગર્યો હતો. ભણવા ઉપરાંત અન્ય પ્રવૃત્તિમાં સ્નેહા ભાગ લેતી. સૌરભને માત્ર ભણવામાં જ રસ હતો. પ્રેમી પંખીડાનો હવે પ્રેમની પરીક્ષા આપવાનો સમય આવી પહોંચ્યો. એક દંપતિ આવ્યું અને સ્નેહાને દત્તક લીધી. સ્નેહા સૌરભને છોડીને જવા પણ તૈયાર નહોતી પણ સૌરભે સ્નેહાને ઉજ્જવળ ભવિષ્ય માટે તેને જવા માટે સમજાવી. સ્નેહાનું રડવું બંધ થતું નહોતું, તે કંઈ સમજવા તૈયાર નહોતી. આખરે સૌરભે વચન આપ્યું કે, "હું ભણીગણીને કંઈ બની જાઉ પછી તારી સાથે જ લગ્ન કરીશ. પછી છેક સુધી આપણે સાથે. તું મારી રાહ જોજે." સ્નેહા સૌરભના વચનને માથે ચડાવી નવા મા-બાપ સાથે વિદાય થઈ. સૌરભ સ્નેહા સાથેના સુખી ભવિષ્યની લાલસાએ ભણવામાં લાગી ગયો. સ્નેહા સૌરભની વાટ જોવામાં સમય પસાર કરતી. આમ ને આમ એક વર્ષ વીતી ગયું અને સ્નેહાને માતા-પિતા સાથે અમેરિકા શિફ્ટ થવું પડ્યું. ઊડતા ઊડતા સમાચાર સૌરભને મળ્યા ત્યારે તે ખૂબ જ રડ્યો હતો. સ્નેહા અને સૌરભના વિરહને વર્ષો વીતી ગયાં. સ્નેહા વિવાહયોગ્ય થતા તેના માતા-પિતાએ વર શોધવાની શરૂઆત કરી. સ્નેહાએ સૌરભ વિશે વાત કરી તો માતા-પિતાએ તેને ઉજ્જવળ ભવિષ્ય વિશે વિચારવા કહ્યુંં અને અનાથાશ્રમમાં ઉછરેલા સૌરભને ભૂલી જવા વિનંતી કરી. સ્નેહાએ અમેરિકામાં જ એક ભારતીય સુખીસંપન્ન પરિવારમાં લગ્ન કર્યા. આ બાજુ સૌરભ હવે એન્જિનિયર સૌરભ પટેલ બની ગયો. અનાથાશ્રમના વડીલ ઈન્ચાર્જ ગૌરાંગ પટેલને તે પિતાતુલ્ય માનતો હોવાથી તેણે પટેલ સરનેમ જ નામ પાછળ લખી. સ્નેહાને આપેલું છેક સુધી સાથે રહેવાનું વચન તે ભૂલ્યો નહોતો. તેણે સ્નેહા વિશે માહિતી મેળવવા બનતા પ્રયત્ન કર્યા. સ્નેહા હવે સ્નેહા અખિલ શાહ બની ગઈ છે. તે કોઈની પરિણિતા છે એ જાણતાં જ સૌરભ ફરી એ જ રીતે રડ્યો જ્યારે સ્નેહા અમેરિકા ગઈ ત્યારે રડ્યો હતો.

સમય વીતતા તેને એક સારી નોકરી મળી. પોતાનું ઘર લીધું. બસ સ્નેહાનું સ્થાન તે અન્ય કોઈને ન આપી શક્યો. જીવન સ્નેહાની યાદો સાથે વીતાવવાનું નક્કકી કરી લીધું. અનાથાશ્રમમાં તે બનતી આર્થિક સેવા પણ આપતો. અનાથાશ્રમના ઈન્ચાર્ય ગૌરાંગભાઈ પટેલે પોતાનો વારસો સૌરભને આપી દુનિયાથી વિદાય લીધી.

સ્નેહાએ અખિલ શાહના ઘરપરિવારને દીપાવ્યું અને બે દીકરાને જન્મ આપ્યા. તેનો સંસાર સુખેથી ચાલતો હતો પણ ત્યાં જ અખિલના જીવનમાં એલીનાનો પ્રવેશ થયો. અખિલ સ્નેહાના પ્રેમ અને ભારતીય સંસ્કાર ભૂલીને એલીનાની મોહજાળમાં ભરાયો. એલીનાએ સુખી સંપન્ન અખિલને ફસાવ્યો અને સ્નેહાનો પરિવારનો માળો પીંખી નાખ્યો. બંને બાળકો હવે પંદર વર્ષના થઈ ગયાં હતાં. પાશ્ચાત્ય રહેણીકરણીનો રંગ તેમને પણ લાગ્યો હતો. અલગથી હોસ્ટેલમાં રહેતા હતાં. અખિલે સ્નેહાને "તારી કોઈ જરૂર નથી" કહી ઘર અને જીવનમાંથી હડસેલી દીધી.

સ્નેહા ભારત આવી અને એક પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરી જીવન પસાર કરતી હતી. એક દિવસ શાળાએથી પાછા ફરતા તેણે ભીડ એક્ઠી થયેલી જોઈ. જોયું તો બેભાન સૌરભનો દેહ લોહીમાં ખદબદ પડ્યો હતો. આભી બની ગયેલી સ્નેહા "હું ઓળખું છું, મારો સૌરભ છે.." બોલતી તેને લઈ એમ્બ્યુલન્સમાં બેસી ગઈ.

રૂમનું લોક ખૂલવાનો અવાજ આવતાં સ્નેહા અને સૌરભ ભૂતકાળમાંથી બહાર આવ્યા.

"હેલો મિ. સૌરભ ! તમને મળવા કોઈ આવ્યું છે." ડો. નિશાંતે હાથના ઈશારો કરતાં કહ્યુંં. જોયું તો અનાથાશ્રમના મેમ્બર મિ. પ્રદ્યુમ્ન દવે હતાંં. ખબર પૂછીને તેમણે સ્નેહાની સામે જોયું.

"તમે સ્નેહા જ ને ? સૌરભ પાસેથી તમારા વિશે ઘણું સાંભળ્યું છે." મિ. પ્રદ્યુમ્ને સ્માઈલ આપતા કહ્યુંં.

સ્નેહા હસીને નીચું જોઈ ગઈ.

ડો.નિશાંતે સૌરભને ચેક કરી કહ્યુંં, "તમે બે દિવસ પછી ઘરે જઈ શકો છો પણ આરામ કરવો જરૂરી છે."

મિ.પ્રદ્યુમ્ન અને ડો.નિશાંતના ગયાં પછી સૌરભ અને સ્નેહા પાછા એકલા પડ્યા. સ્નેહાએ સૌરભની આંખમાં ઘણાંય સવાલ વાંચી લીધા હતાં.

"હું જાણું છું તારા મનમાં શું ચાલે છે ? સૌરભ. એ જ ને કે હું ભારતમાં કેમ ? હું સુખી છું કે નહીં ? વગેરે વગેરે... તો સાંભળ.. હું એકલી છું. ત્યજાયેલી છું. મને દત્તક લઈ જનાર માતા-પિતા મૃત્યુ પામ્યા છે. અખિલે મને ત્યજી દીધી છે અને બાળકોના જીવનમાં મારી કોઈ જરૂર નથી. હું ફરી અનાથ બની ગઈ છું." સ્નેહાએ પોતાના જીવનમાં બનેલી બધી જ વાત વિગતવાર સૌરભને કરી.

"તે કેમ લગ્ન નથી કર્યા સૌરભ ? આઈ મીન.. તારે પણ આગળ વધ...".

"મારા જીવનમાં સ્નેહા જ છે, સ્નેહા જ હતી અને સ્નેહા જ રહેશે." અધવચ્ચે જ સ્નેહાને અટકાવતા સૌરભે કહી નાખ્યું.

સ્નેહા પ્રેમ અને આશ્ચ્રર્યના મિશ્ર ભાવોથી સૌરભને જોતી રહી. બે દિવસ સુધી સ્નેહા સૌરભ પાસેથી ખસી નહીં. તેની કાળજી લીધી. આજે ડિસ્ચાર્જ થવાનું હતું. હોસ્પિટલની ફોર્માલિટીઝ પૂરી કરી સૌરભ અને સ્નેહા ટેક્ષીમાં ગોઠવાયા.

ટેક્ષી સૌરભ પટેલના નિવાસસ્થાન તરફ દોડી રહી હતી. સ્નેહાએ સૌરભને હેમખેમ ઘરે પહોંચાડી પછી પોતાના ઘરે જવાનું નક્કી કર્યું હતું. સૌરભ અને સ્નેહા સૌરભનાં ફ્લેટ પાસે પહોંચ્યા. દિવાલ પરની નેમપ્લેટ પર નજર જતાં જ સ્નેહા ચોંકી ગઈ. "સ્નેહાવીલા"

સૌરભ સ્નેહાના આશ્ચર્યચકિત ચહેરા સામે જોઈ હસ્યો. લોક ખોલી બંને ફ્લેટમાં પ્રવેશ્યા. સૌરભને બેડરૂમમાં સેટ કરી જરૂરી વસ્તુઓ તેની આજુબાજુ મૂકી સ્નેહા જઈ જ રહી હતી ત્યાં સૌરભે તેનો હાથ પકડી લીધો.

"હવે ન જા સ્નેહા ! નાનપણથી આપણે એકબીજાની સાથે હતાં. ભાગ્યએ આપણને વિખૂટા પાડી દીધા હતાં. આજે ઈશ્વરે ફરી આપણને એક થવાની તક આપી છે તેનો અનાદર ન કર. બંને અનાથ એકબીજાનો સહારો અને પ્રેમ બની રહે એ જ ઈશ્વરેચ્છા સમજી જીવનને જીવી લઈએ."

કિશોરવસ્થામાં આપેલા "છેક સુધી સાથે જીવવાનું" વચન આજે બંને પ્રેમી હૈયા નિભાવી રહ્યા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama