STORYMIRROR

Raman V Desai

Action Classics

3  

Raman V Desai

Action Classics

છાયાનટ પ્રકરણ ૧૬

છાયાનટ પ્રકરણ ૧૬

9 mins
14.4K


પ્રભાતની સુરખી વાદળાં નીચે ઢંકાતી હતી, છતાં સમયનું આછું ભાન કરાવતી હતી. ગૌતમનું મન હજી ગોટાળામાં જ પડ્યું હતું. મજૂરની ઓરડીમાં તેને આવેલું સ્વપ્ન હજી છોડતું ન હતું. કૃષ્ણથી શરૂ થયેલી રાસલીલા ગુજરાતના હિંદુમુસ્લિમ નામર્દોની એકતા સુધીની રમત રમી ગઈ !

પણ એને સ્વપ્ન શી રીતે કહેવાય ? સાચ એને નિદ્રામાં આવીને જુદે જુદે સ્વરૂપે ઢંઢોળી જતું હતું. હિંદના લોહીમાં જ એણે નિહાળેલા છાયાનટ રમ્યા કરતા હોય તો ? કૉંગ્રેસની ઓથે આગળ આવી કૉંગ્રેસને પાછલે પગે લાત મારી પ્રધાનો, અધિકારીઓ અને ગવર્નરો બનેલા હિંદીઓ આજ પણ હિંદમાં ક્યાં ફરતા નથી ?

વાદળમાં ગર્જના થઈ અને વીજળી ચમકી.

ગૌતમ પણ ચમકી ઊઠ્યો.

એ પોતે - જાતે હિંદની પરતંત્રતા વધારતો બની જાય તો ? ગૌતમનો દેહ થરથરી ઊઠ્યો. ટાઢથી કે વિચારથી ?

એકાએક તેણે ચેતન અનુભવ્યું. વિલાસીઓ, દેશદ્રોહીઓ, કૃતઘ્નીઓની છાયા એની સન્યુખ હાલ્યા કરતી હતી. પણ એમાંની એક પણ છાયા - એક પણ ભૂત હજી ગૌતમના દેહમાં પ્રવેશી શક્યું નથી ! ગૌતમની તાવણી થતી હતી છતાં ગૌતમ એક પણ સત્તાને તાબે હજી સુધી થયો ન હતો ! પોલીસ, પ્રિન્સિપાલ, કલેક્ટર, ગુંડા, હુલ્લડખોર : એ સર્વની સામે એ નિર્ભયપણે ઊભો રહી શક્યો. એ જ માર્ગ એને માટે સાચો છે.

એથી એણે શું ગુમાવ્યું ?

ભણતર ! એટલે સાંસ્કૃતિક ગુલામી.

નોકરી ! એટલે આર્થિક ગુલામી.

પ્રતિષ્ઠા ! એટલે નૈતિક ગુલામી.

અને એણે મેળવ્યું શું ?

નિર્ભયતા ! સરકાર, પોલીસ કે ગુંડાનો તેને ડર રહ્યો નહિ, ટોળાં તેને ડરાવી શક્યાં નહિ.

સ્વમાન ! પ્રિન્સિપાલ, કલેક્ટર, કીસન કે ધનિક ભગવાનદાસ,

કોઈને પગે એ પડ્યો નહિ.

આત્મભાન ! નિરર્થક જીવવા અને મરવા માટે એ જન્મ્યો ન હતો; સ્વાતંત્ર્યરચનામાં એકબે ઈંટ એ ગોઠવી શકે એમ હતું.

તાકાત ! બાહુબળ વાપરવું એને સરળ થઈ પડ્યું; વાગવાનો ભય રહ્યો જ ન હતો.

ઘા કરતાં ઘાનો ભય વધારે ભયંકર લાગતો હતો; ઘા તો સદાય સહ્ય જ હોય છે.

ઉપરાંત?

સ્ત્રીસૌન્દર્ય એને ચળાવી શક્યું નહિ - જોકે સ્ત્રીસૌન્દર્ય અણગમતું છે એમ તો તેનાથી કહી શકાય એમ હતું જ નહિ. એના પુરુષનયને સ્ત્રી દર્શનીય જ લાગતી હતી. પછી તે છબીલી મિત્રા હોય કે ઝૂંપડીમાં રહેતી અર્ધ આચ્છાદિત મજૂરણ હોય ! ગમતા સૌન્દર્યને પગે પડવાની, સૌન્દર્યપ્રવાહમાં વહી જવાની અશક્તિનો તલપૂર પણ પ્રવેશ તેના હૃદયમાં થયો ન હતો. પરંતુ... કેટલી પ્રબળ શક્તિએ સૌન્દર્યમાં !

અને સાચી ગરીબી એણે એક રાત અનુભવી. અને એ ગરીબીમાંથી જ રોગ, વ્યસન, અનીતિ, ગુના અને અશાંતિની જગત વ્યાપી વેલ લંબાય છે. ધનવાનો એ વેલને પોતાના નિવાસ ઉપર પાથરી, ફેલાવી, વિશ્રામઠામની ઠંડક અનુભવે છે ! એ શીતળતાપ્રેરક, છાયાપ્રેરક, પુષ્પપ્રેરક, સુવાસપ્રેરક, વેલી ન હોય પણ અગ્નિપલ્લવ છે, એનો ખ્યાલ માનવજાતને ક્યારે આવશે ? બીજા પાસે ન હોય એ મારી પાસે હોવું ન જોઈએ એ નિષેધાત્મક આગ્રહ માનવજાતમાં ન થાય ત્યાં સુધી સંપત્તિ, સાધન, સમૃદ્ધિ, એ આગના ટુકડા જ રહેશે.

ચાલતે ચાલતે સૂર્યોદય પણ થઈ ગયો. વરસાદ બંધ પડ્યો હતો છતાં છરી લેઈ સંતાતા ગુંડાઓ કે તેમાંથી ગભરાતાં કંગાળ ગુજરાતી ટોળાં હજી દેખાતાં ન હતાં. ગૌતમે ક્યાં જવું ?

‘ક્યાં ચાલ્યો ?’ ગૌતમને ખભે હાથ મૂકનારે પ્રશ્ન કર્યો. ગૌતમે જોયું કે કીસન પહેલવાન તેની સાથે ચાલતો હતો.

‘ક્યાં જવું એ સમજાતું નથી.’

‘મારી સાથે ચાલ. હું તેને સરસ ગુંડો બનાવી શકીશ.’

‘તમે અનીતિનાં ધામ પણ ઉઘાડ્યાં છે ?'

‘નીતિ અનીતિની વાત જ જવા દે ને ? શરીરને હાનિ કરે એ અનીતિ;

બીજું જે કાંઈ કરો એ નીતિ ! સમજ્યો ?’

ગૌતમ સમજ્યો. આ ગુંડાની સમજ કેટલી બધી સાચી હતી તેનો ખ્યાલ એને તત્કાળ આવ્યો. નીતિની આટલીયે વ્યાખ્યા માનવી સ્વીકારે તો કેટલો ફેર પડે ?

‘હું તો ભગવાનદાસને ઘેરથી રાતનો ચાલ્યો આવ્યો છું.’

'મેં જાણ્યું. માટે જ તને શોધવા નીકળ્યો. બોલ, તારી શી મરજી છે?’

‘પોલીસને આધીન થઈ જાઉં...'

'શા માટે?'

‘ભગવાનદાસ મારા જામીન થયા છે.’

‘ભલે ને એના પાંચસો હજાર જાય ? એટલામાં એ મરવાનો નથી.’

‘અને બીજે જવું પણ ક્યાં ?'

‘તારી ઇચ્છા હોય તો હું તને એવો બદલી નાખું કે તું તને પોતાને પણ ઓળખી નહિ શકે. માત્ર મારી જોડે રહેવું જોઈએ.’

‘જે કામ તમે કરો છો એ કામનો હું સામનો કરું છું.’

‘એટલે એમ કહે ને કે તારે દેશસેવા કરવી છે !’

'હા.'

‘હું સમજ્યો. પણ તારી દેશસેવામાં તારે શું શું સહન કરવું પડ્યું. એનું તને ભાન છે ?'

‘એ ભાન મને ન કરાવશો.'

‘એટલે નહિ પતે. કેદખાનું અને ભૂખમરો એ બે હજી તે જોયાં નથી.’

‘માટે જ પોલીસ પાસે હાજર થવું છે.’

'ગૌતમ, તારા જેવા કંઈક યુવકો પાછા ફર્યા. હિંદુસ્તાનને સેવાની જરૂર નથી. એ નાલાયક પ્રજાનું પતન કોઈ ખાળી શકે એમ છે જ નહિ !’

‘તમે શા ઉપરથી કહો છો ?

‘જાતઅનુભવ ઉપરથી. તારી માફક હું પણ એક દેશસેવક હતો. સેવામાંથી ગુંડાગીરીમાં હું ઊતરી પડ્યો છું.’

'કારણ ?’

'દેશને સેવા જોઈતી નથી.'

‘માટે જ સેવાની વધારે જરૂર.'

'ઠીક, તારી મરજી. જુવાનો ન જ માને. બાકી જો આ ક્ષણ ચૂકીશ તો બધું ચૂકીશ.’

'શી રીતે ?'

‘તારે કૉલેજમાં દાખલ થવું હોય તો તે હું કરાવી આપું.’

‘અં હં.'

‘આરોપમાંથી છૂટવું હોય તો તે પણ મારા હાથમાં છે.'

‘એમ ? સત્તાધીશ તમે કે સરકાર ?’

‘તું તો ભણેલો છે, ખરું ને ?’

ʻસાધારણ.'

‘વાંચનારો પણ ભારે નહિ ?’

‘ખરો.'

‘પશ્ચિમના આઝાદ દેશોમાં રાજ્યસત્તા ગુંડાઓ ઉપર આધાર રાખે છે, તે તું જાણે છે ?'

'કેટલાક કહે છે. પણ હું એટલું બધું માનતો નથી.’

‘લોકમત વિષે ભાષણ આપતી વખતે નેતાઓની સભાઓ ચાલવાતૂટવાનો આધાર ગુંડાઓ ઉપર રહે છે, એ તેં સાંભળ્યું છે ?'

'હા.'

'અને મતનાં વેચાણ થાય છે એની તને ખબર છે ?'

‘કંઈક ખરું.'

‘ધાકધમકી અને સરસિફારસ પણ એમાં ફેલાયલી હોય છે જ, નહિ?'

'હા.'

‘અને છતાં એને લોકશાસનવાદ કહે છે !’

‘હિંદના સત્તાવાદ કરતાં એ વધારે સારું. નિદાન લોકો પાસે જવું તો પડે જ છે.'

'ઠીક. આપણે ત્યાં પણ એ વાત આવે છે. લોકશાસન મારે પણ કબજે કરવું છે.’

‘એટલે ?'

‘પ્રતિષ્ઠાહીન ગુંડો મટી પ્રતિષ્ઠિત ગુંડો થવા માગું છું.' હસીને કીસને કહ્યું.

'કારણ ?’

'સત્તા વધારવા.'

‘તું કદાચ મને ખપ લાગે.’

'કેવી રીતે ?'

‘એક વર્તમાનપત્ર હાથ કર્યું છે. તું જોડાઈશ એમાં ?'

'કેવી રીતે ?'

‘હું કહું તે પ્રમાણે લખવું.’

‘એ મારા મતવિરુદ્ધ હોય તો ?'

‘હમણાં એવું નહિ થાય.'

‘એટલે ?'

‘પ્રજાપક્ષનાં વખાણ કરવાનાં છે અને કેટલાક આગેવાનોને ખુલ્લા પાડવા છે.'

‘શું કહો છો ? તમે પત્ર કાઢશો ?’

‘હા. અને તારે જેને છોલવા હોય તેને છોલજે.'

રાજ્યનો ચોથો સ્તંભ તે વર્તમાનપત્ર, એ સ્તંભ પણ આમ દોદળો બનવાનો ? ચારેપાસ નામર્દાઈ ! ચારેપાસ ઈર્ષ્યા ! ચારેપાસ ગુંડાગીરી ! સેવા ખાતર લીધેલી ઝોળી ખોલીએ તેમાં પણ એ જ ?

એક સરઘસ આવતું દેખાયું. લગ્નસરઘસ નહિ. મૃત્યુસરઘસ. ઘવાયલા કોઈ યુવાનનું મૃત્યુ થતાં તેને સ્મશાને લઈ જતા હતા. પોલીસ ટુકડી સાથમાં હતી. કોઈ પિતા, કોઈ ભાઈ રડતા હતા. માણસો ઘણા જ થોડા હતા. મૃત્યુ બંને કોમો વચ્ચે વૈમનસ્ય વધારે તો મૃત્યુ એ પણ છૂપું જ રહેવું જોઈએ.

થોડાં કૂતરાં અને થોડાં બાળકો પણ એ સરઘસની પાછળ દોડતાં હતાં. મહામુશ્કેલીએ ઠાઠડીનો સામાન મળ્યો. મરનારને ઠાઠડી તો મળે : જીવતાં જે ગતિ હોય તે ખરી. પરંતુ નિદાન મૃત્યુ પછી પણ એને શાંતિ મળે એવી શ્રદ્ધાએ એક કંદોઈની બંધ દુકાન મહામુશ્કેલીએ પોલીસરક્ષણ નીચે ઉઘડાવી મરનારના સ્નેહીઓએ જલેબી વેચાતી લીધી હતી. એ જલેબી સ્મશાનિયા પાછળ દોડતા કૂતરાં અને માનવબાળકો તરફ ફેંકવામાં આવતી હતી - કૂતરાં અને માનવ બાળકો વચ્ચે જમીન ઉપર રગદોળાયલી, વરસાદના કાદવવાળી મીઠાઈ માટે ખેંચાખેંચી પણ ચાલતી હતી. કૂતરાંની દોડ કરતાં આ બાળકોની દોડ ઓછી ન હતી, અને ક્વચિત્ પશુ અને માનવબાળકો વચ્ચે ઝપાઝપી પણ ચાલતી હતી. એકબે વખત તો કૂતરાના મુખમાં અડધી ગયેલી જલેબી ખેંચી કાઢીને પણ બાળકો મીઠાઈની તૃપ્તિ મેળવતાં હતાં.

શબ પાછળની મીઠાઈ ! એની પાછળ માનવબાળકો ! અને તે કૂતરાના મુખમાંથી ખેંચી કાઢીને મીઠાઈ ખાય ! મડદા પર ઓછાડનાં કપડાં પણ માનવી ઉપયોગમાં લે એવી દીનતા ! હિંદના અધઃપતનની આથી વધારે ઝળકતી નિશાની કયી હોઈ શકે ?

હિંદની બધી જ મીઠાઈ શબ ઉપર રચાય છે, ચોત્રીસ કરોડના જીવંત મૃત્યુ ઉપર એકાદ કરોડ માનવીને મીઠાઈ મળતી હોય એ તે માનવ પૃથ્વી કે રાક્ષસપૃથ્વી ?

‘જુઓ પહેલવાન, પેલું દૃશ્ય !’ ગૌતમે કહ્યું.

‘જોવાની જરૂર છે ? જરાક આપણામાં ફેર પડે તો આપણે પણ એમ જ કરતા થઈ જઈએ. ભૂખ એટલે શું તે તું જાણે છે ?' કીસને કહ્યું.

‘ના. એ જાણવા માટે જ મારે કેદખાનું જોવું છે.'

‘કેદખાનું તો સારું. એથી પણ વધારે ભયાનક છૂટાપણું હું તને બતાવું.’

‘આટલું બસ છે - આપઘાત કરવા માટે.'

‘જીવનનો મોહ કોઈને મરવા દેતો નથી.'

‘હું કેદખાનું જોઈ લઉં.’

‘નથી એ જોવા જેવું. અને ત્યાં કાંઈ સત્યાગ્રહીનું સુખ મળવાનું નથી.’

‘મને આખું હિંદ જીવતું કેદખાનું લાગ્યા કરે છે. હું ગૂંચવાઈ ગયો છું; મને એ સ્થળ કશો પ્રકાશ આપશે.'

‘પ્રકાશ આપે સૂર્ય, ચંદ્ર કે વીજળી. બીજા બધા પ્રકાશ ખોટા.’

‘શું દેશને...’

‘ઓ મૂરખ, કોનો દેશ અને કોનો વેશ ? જિવાય એટલું સુખથી, જોરથી જીવી લે. બીજાના ઉદ્ધારમાં પડનાર બધા જ ગૂંચવાઈ જાય છે !’

‘કેદખાને હું સાચા શ્રમજીવીઓને જોઈ શકીશ.’

‘ભલે ! બે વરસ જોઈ આવ. ચાલ હું જ તને પહોંચાડું.'

‘કેમ ?'

‘તું એ રીતે મને કામ લાગીશ.’

'કેવી રીતે ?'

‘જોયા પછી કહેજે.'

કીસન અને ગૌતમ પોલીસથાણે પહોંચી ગયા. રસ્તામાં કીસને ગૌતમને એક સારી હૉટેલમાં નાસ્તો કરાવ્યો. મોટા ભાગની હૉટલો બંધ

થઈ ગઈ હતી, પરંતુ ગુંડાઓની દોરવણી કે ઉત્તેજનથી ચાલતી બેચાર હોટેલોને કશી હરકત પડતી નહીં. હિંદુમુસ્લિમ ઝઘડાખોરો છરી ખોસી, ઘર બાળી, પથરા ફેંકી કે મારામારી કરી પાછા ફરતાં આવી હોટલમાં વિસામો લેતા, અને ચાબિસ્કિટ દ્વારા લાગેલો થાક ઉતારી આગળનો વ્યુહ ગોઠવતા.

‘આવો પહેલવાન ! બહુ દિવસે દેખાયા !’ પોલીસથાણામાં પેસતાં કીસનને આવકાર મળ્યો.

‘આ તોફાનમાં ક્યાં બહાર નીકળાય ? ફોજદાર સાહેબ છે કે ?’

‘હા, અંદર જ છે. જાઓ ને ? તમને કોણ પૂછે એમ છે ?' સિપાઈએ કહ્યું.

અંદરની એક સાધારણ સજાવટવાળી ઓરડીમાં આરામખુરશી ઉપર ફોજદાર સાહેબ અડધી ઊંઘમાં પડ્યા હતા. હોટલમાંથી ત્રીજી વારની ચા હજી આવી ન હતી. કીસનને જોતાં તેઓ જાગૃત થઈ ગયા. કૈંક ઉપયોગી બાતમી આપવા એ આવ્યો હતો એમ એમની ખાતરી થઈ.

‘લો સાહેબ, તમારો એક ગુનેગાર ભાગી જતો હતો. સંભાળી લો.’ કીસને અંદર જતા બરોબર કહ્યું.

‘કયો ગુનેગાર ?’

‘ભગવાનદાસ જામીન થયા છે તે ! બડો ઉસ્તાદ છે. રાતના ભાગી ગયો છે.'

‘અરે હા રે ! આખી રાત ભગવાનદાસે મારો જાન કાઢી નાખ્યો ! ચારે બાજુએથી તપાસ ઉપર તપાસ. સસરો જામીન થયો શા માટે ?’

'કરો ફોન એને, નહિ તો બપોર પહેલાં એનું હૃદય બંધ પડી જશે !’

‘આ પૈસાવાળા જ બધાં તોફાનનાં મૂળ છે. કોઈ એમનો ગાડીવાળો, કોઈ એમનો ઘોડાવાળો, કોઈ એમનો શૉફર ! બધાય તોફાનમાં અને જામીનગીરીમાં મોટા લોકો જ તૈયાર ! પછીથી બૂમ મારે કે પોલીસ કશું કરતી નથી !'

‘લેઈ લો આનો હવાલો, અને મને રજા આપો.' કીસને કહ્યું.

‘અરે બેસો ને યાર ! થાય છે. ચાબા પીઈને જાઓ. આ તો પેલો કૉલેજિયન છે, તે ને ?’

'હા.'

‘હડતાલવાળો ?’

'હં.'

‘પેલા ખૂન કેસમાં બચી ગયો તે ?'

‘હા, જી ! સંભાળવા જેવો છે !’

'હજી મૂછ તો ફૂટી નથી અને એટલામાં આવાં તોફાન !’

‘આજના છોકરાઓને મૂછ ફૂટતી જ નથી ને, સાહેબ ! એમની વાત જ ન કરશો. એમને તો રાજ લેવું છે, રાજ !’

‘માબાપના પૈસા ! કૉલેજમાં મોજ કરવી, અને મોજથી પૂરું ન પડે એટલે આવું તોફાન કરવું ! કોના બાપની દિવાળી ! રાજ કરવું છે ! હવે ખબર પડશે.' કહી ફોજદાર સાહેબ તિરસ્કારભર્યું હસ્યા. કીસને તેમના હાસ્યને પોતાના હાસ્યથી અનુમોદન આપ્યું.

ગૌતમ કીસનની યુક્તિ સમજ્યો. ગૌતમને પોલીસથાણે આવવું જ હતું. એનો લાભ લેઈ જાણે કીસને જ ગૌતમને પકડી આણ્યો હોય એવો દેખાવ કરી ફોજદારનો સદ્ભાવ વધારવો હતો.

કે પછી જાણીબૂજીને કીસન તેને સપડાવતો હતો ?

‘મારે શું કરવું ?’ ગૌતમને આ વાતચીતમાં પોતાનું સ્થાન સમજાયું નહિ એટલે પૂછ્યું.

‘તમને હવે ફૂલહાર કરીશું, સમજ્યા ને ? અલ્યા ચાંદમિયાં, બેસાડ એને બહાર. જરા વાર રહીને એનો જવાબ લેઈએ.' ફોજદાર સાહેબે આજ્ઞા કરી, અને ચાંદમિયાં એને બહાર લેઈ ગયા.

એકાદ કલાક તે બહાર સિપાઈઓ ભેગો બેઠો. ગુનેગારોને બેસવા માટે થાણામાં કાંઈ સાદડી, શેતરંજી, ગાલીચા કે ખુરશીઓ હોતાં નથી. કાંઈ પણ કાર્ય વગર, નિદાન વાંચન વગર પણ બેસી રહેવું એ ભણેલા યુવકો માટે સજારૂપ છે. બીતે બીતે વર્તમાનપત્રો વહેંચતા ફેરિયા પાસેથી પડાવેલા એક દૈનિક ઉપર ભણેલા સિપાઈઓ તૂટી પડ્યા હતા. ગૌતમને વર્તમાનપત્રો વાંચવાનું વ્યસન હતું. કૉલેજના વાંચનાલયમાં જ ગૌતમની વધારેમાં વધારે હાજરી રહેતી. તેનાથી વર્તમાનપત્ર મંગાઈ ગયું. પરંતુ ગુનેગારને એ લાભ આપવાની જરૂર પોલીસને ન દેખાય એ સ્વાભાવિક કહેવાય.

કલાક પછી ગૌતમને ફોજદાર પાસે લેઈ જવામાં આવ્યો. ત્યાં એનો જવાબ થયો. કીસને ફોજદાર સાહેબના દેખતાં જ ફરી ગૌતમને પૂછ્યું :

‘કેમ ? આ છેલ્લી તક છે. છૂટવું છે કે રહેવું છે ?’

‘જે સાચું હશે તે કહીશ, છૂટું કે નહિ તેની પરવા નથી.’

‘ચાલવા દો. ફોજદાર સાહેબ ! તમને અને મને બંનેને જશ મળશે.'

ગૌતમે જે બન્યું હતું તે લખાવ્યું. સચ્ચાઈ માનવીને પ્રત્યેક પળે ગુનેગાર ઠરાવી શકે એમ છે. હોશિયાર ફોજદાર એવી ઢબે જવાબ લેતા હતા કે ગૌતમ ઝડપથી ગુનાની ચુંગાલમાં ફસાઈ પડે. ગૌતમનો ગુનો ન્યાયની અદાલતમાં પણ પહેલો જ દાખલ થઈ ગયો, અને પાંચછ દિવસમાં તો એના ઉપરનું કામ શરૂ થઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Action