STORYMIRROR

Raman V Desai

Action Classics

3  

Raman V Desai

Action Classics

છાયાનટ પ્રકરણ ૧૪

છાયાનટ પ્રકરણ ૧૪

10 mins
14.8K


કમ્પાઉન્ડની બહાર નીકળતાં જ ગૌતમને લાગ્યું કે તેણે સ્વાતંત્ર્ય મેળવ્યું જ !

શામાંથી ?

પરદેશી સત્તામાંથી તો નહિ જ.

પરદેશી ભણતરમાંથી ખરું, પરંતુ પરદેશી રાજઅમલમાંથી નહિ; પશ્ચિમે ઊભા કરેલા આર્થિક ચૂસણતંત્રમાંથી પણ નહિ.

ત્યારે ?

એ તંત્રને તોડવા જતાં. ગૌતમ માનવજાતના એક મહાબંધનમાં પડતો બચી ગયો !

બહારના લત્તામાં દીવાઓ થઈ ગયા હતા. શેરીઓ સૂમસામ હતી; માત્ર પોલીસના માણસો થોડી થોડી વારે ફરતા દેખાતા હતા. રાત્રે ફરવાની બંધી હોવી જોઈએ એમ માની ગૌતમે સંભાળપૂર્વક સાંકડા રસ્તાઓનો માર્ગ લીધો. કોઈ પણ સ્થળે છરો ખોસાવાની બીક તો હતી જ. પરંતુ લાખો માણસની વસ્તીમાંથી માત્ર દસબાર જણ ઘાયલ થાય એ વીમાની આંકડાગણતરી પ્રમાણે સલામતી ભર્યું જ મનાય. એ દસબાર જણમાં ગૌતમને આવી જવાનો સંભવ ઓછો હતો. એવી જ માન્યતા ગૌતમે રાખવી જોઈએ.

ગૌતમને ખબર પણ પડે તે પહેલાં આકાશમાંથી એકાએક વરસાદ તૂટી પડ્યો. ગૌતમ બની શકે એટલી ઝડપથી આગળ વધ્યો. છત્રી અને ઓવરકોટવાળા પણ ભીના થઈ જાય એવા વરસાદમાં ગૌતમ જોતજોતામાં ભીંજાઈ ગયો.

હિંદુમુસ્લિમ છરાધારીઓનું ધર્માભિમાન પણ વરસાદમાં જરા મુલતવી રહે છે, અને અંગત સલામતી સાચવી છરાધારીઓને ઉશ્કેરતા અને પોષતા આગેવાનોની હુલ્લડ શાન્ત પાડવાના દેખાવ પાછળ ચાલતી હુલ્લડ વધારવાની યોજનાઓ પણ ઠંડી પડી જાય છે. ગૌતમની આંખ આગળ મિત્રા વારંવાર આવતી હતી. વરસાદનું જોમ એને છેલ્લા માનસઅનુભવ તરફ ખેંચ્યે જતું હતું.

સ્ત્રીસ્નેહને શા માટે એ બંધન ગણતો હતો ? જગત ઉપર સ્વર્ગ

ઉતારવાની શક્તિ ધરાવતો એ સંબંધ બંધનરૂપ કેમ લાગ્યો ?

જગત ઉપર હજી સ્વર્ગ આવ્યું નથી; નહિ તો એની આસપાસ આવાં ઝુંપડાં અને ખંડેર સરખાં દરિદ્રતાભર્યા મકાનો હોય ખરાં ! સ્ત્રી સંસારમાં સ્વર્ગ લાવતી હોય તો આ સર્વ મકાનોમાં સ્ત્રીઓ તો હતી જ.

એટલું જ નહિ; સઘન લત્તાઓમાં પણ સ્ત્રીઓ જોઈએ એટલી જોવામાં આવતી - સારી તો કેમ કહેવાય ? પરંતુ સારાં કપડાં પહેરતી ખરી ! પુરુષોની આંખ ખેંચે એટલી જ્વલંત ! છતાં મિત્રા અને તેની માતાનો સંબંધ તેણે જોયો. પિતામાતા વચ્ચેનું સ્વર્ગ પણ અદૃશ્ય થઈ ગયું હોવાની ગૌતમની ખાતરી થઈ ગઈ હતી. સ્ત્રીની આસપાસ યુવાનોનું સ્વર્ગ પણ રચાય છે એનો તેને અનુભવ થયો હતો. બીજાઓનાં દૃષ્ટાંતથી જ નહિ પરંતુ તેની જાતનો અનુભવ નિશા આકર્ષક હતી; મિત્રા એથી પણ વધારે આકર્ષક નીવડી.

પણ એ આકર્ષણનાં પરિણામ ? આજની માનવજાત ! આજના સરખી માનવજાત ઉપજાવતી લાગણી કે ભાવનામાં ભારે દૂષણ રહેલું હોવું જોઈએ !

નહિ તો ધન કરતાં પણ વધારે મહત્ત્વના માનવભાવનું પરિણામ વધારે સારી દુનિયામાં કેમ ન આવે ?

અને પુરુષો જેટલું જ - પુરુષો જેવું જ સ્ત્રીઓને પણ એ સંબંધમાં આકર્ષણ રહેલું હશે ?

નહિ તો લગ્નોનો સંભવ જ ક્યાંથી ? અને કેવાં લગ્ન ? કેવાં યુગ્મ ? ગૌતમ પ્રત્યે મિત્રા સ્નેહ ધરાવે એમાં ધનથી પર રહેલો ભાવ તો ખરો જ ને ? ગૌતમ ધનિક નથી, ધનિક થવા માગતો પણ નથી. એની મિત્રોને ખબર હતી જ. પરંતુ કયી એ ઊણપો રહી જાય છે કે, જેમાંથી લગ્ન સ્વર્ગ નહિ પણ સળગતી ચિતા ઊભી કરે છે !

માનવીને સ્વાદ આપ્યો કુદરતે. માનવી ખાઉધરો બન્યો.

માનવીને સાધનો ભરેલી સૃષ્ટિ આપી. માનવીએ રાજ્યો સ્થાપ્યાં, વ્યાપાર ઉપજાવ્યો, શાપિત ધન સર્જ્યું અને ગુલામીની સાંકળો ઘડી.

માનવતા જીવંત રાખવા માનવીને આબેહયાત મળ્યું. માનવ આકારનાં વાનર, વરુ, વાઘ અને વ્યાલ એ ઉપજાવે છે !

મિત્રોને છોડીને આવ્યો એ જ ઠીક થયું, નહિ ?

ભરવરસાદમાં નાનકડી ગલીમાં પસાર થતા ગૌતમે સામેથી કોઈ માણસ આવતું નિહાળ્યું. ગૌતમ સાવધ થયો. મારામારીમાં કદી પણ ડરવું નહિ એવી તેણે માન્યતા ખીલવી હતી. સામે થવામાં ઓછામાં ઓછું નુકસાન છે એવી તેને પ્રત્યેક ઝઘડામાં ખાતરી થઈ ગઈ હતી.

સ્વર્ગ શોધતા માનવીને માનવસ્વરૂપે દોજખ આવતું દેખાયું.

સામો આવનાર માનવી સ્થિર ન હતો, તે લથડિયાં ખાતો હતો !

માંદો હશે ? વરસાદે અને અંધારાએ તેને ગૂંચવી નાખ્યો હશે ?

સહાય કરવાની સ્કાઉટવૃત્તિ ગૌતમમાં જાગી, સાથે સાથે તેને યાદ આવ્યું કે સ્કાઉટિંગનો સ્થાપક બેડન પોવેલ તો બ્રિટિશ સત્તાની જાસૂસીમાં ઘડાયલો હથિયારપ્રેમી સૈનિક હતો ! હિંદના સ્કાઉટને વફાદારી માટે રાજા ભલે હોય ! એ રાજા ભલે ગોરો હોય ! પણ એને માટે રાષ્ટ્ર કયું? હિંદના સ્કાઉટની વફાદારી અર્થે કર્યું રાષ્ટ્ર બેડન પોવેલના બિરાદરોએ રહેવા દીધેલું છે ?

અને હિંદની દુર્દશા કરનાર ઈશ્વર પ્રીત્યર્થ પ્રતિજ્ઞા લેવાની - જો ઈશ્વર હોય તો !

‘ક્યાં જવું છે ?’ ગૌતમે ગૂંચવાતા માનવીને પૂછ્યું.

‘ઘેર.'

‘ક્યાં આવ્યું ?’

‘આ.... આ રહ્યું. આ જ ઘર... ખરું ને !’ લથડતા પગ સરખી તેની જીભ પણ લથડતી હતી.

શું એ માણસે દારૂ પીધો હશે ?

‘પીધેલો... નહિ... જા, જા... મેં દારૂ પીધો... થાય.... તે... કરી... હા... હા... હા....’ વરસતા વરસાદની ભયંકરતાને ભુલાવે એવી આ માનવભયંકરતા ગૌતમે નિહાળી.

એ માણસ હસતો હસતો પાણીમાં પડ્યો. ગૌતમે તેની પાસે જઈ તેને ઊભો કરવા ખૂબ મંથન કર્યું. પરંતુ એને પાણી અને કાદવમાં સ્વર્ગ મળી ગયું હતું !

‘આજે...બરાબર...બાળી મેલું...જો તો ખરો... વચ્ચે આવે છે ?... જા... મરી ગયો... સાહેબ તારા ઘરનો...’

શક્તિ રહિત બની પાણીમાં પડેલા આ વ્યસની માનવીને ત્યાંથી ઊઠવું જ ન હતું. આસપાસનાં મકાનો બંધ હતાં. અલબત્ત, એ મકાનોને મકાનો કહેવાય એમ હતું જ નહિ. નાનાં પીંઢરિયાં છાપરાંમાં રહેતી જનતા આ વરસાદમાં તણાઈ જાય તો નવાઈ નહિ એમ ગૌતમને લાગ્યું.

એક પાસેનું દ્વાર ઊઘડ્યું. એ દ્વાર કામડાને થેપીને બનાવેલું હતું.

‘આવ્યો કે, મૂઆ, પાછો પીઈને ?’ એક સ્ત્રીનો કાપી નાખતો અવાજ સંભળાયો.

‘પી. લે. ઓ મૂરખા. રામ નામ પાન...” દારૂડિયાએ ભજન શરૂ કર્યું.

સ્ત્રી બહાર આવી. ગૌતમને તેણે જોયો.

‘પાછો જોડીદાર લાવ્યો છે !’

‘હું જોડીદાર નથી.' ગૌતમે કહ્યું.

‘જે હો તે હો. જરા ઘસડીને ઘરમાં નાખવા લાગો... મૂઓ મરતો હોય તોય. જંપીને બેસવા વારો આવે ! સ્ત્રીએ કહ્યું. વરસાદ બંધ પણ પડી ગયો - જરા રહી ફરી પડવા માટે.

ગૌતમે અને સ્ત્રીએ પેલા પીધેલા માણસને પાણી અને કાદવમાંથી ઘસડી ઝૂંપડામાં ખેંચી આણ્યો. દારૂડિયાનું શરીર મજબૂત, ભારે અને કસાયલું લાગતું હતું. પલળેલા માણસને કોરો કરવા માટે આ ઝુંપડામાં ન હતો ટર્કિશ ટોવેલ કે ખાદીનો રૂમાલ. પાણી ઝૂંપડીમાં હતું. જરા સૂકી જગા હતી. ત્યાં બે ચટાઈના ટુકડા પાથરી દીધા અને સ્ત્રીએ પુરુષનાં ભીનાં વસ્ત્ર સાવ દૂર કરી એક ધોતિયું ઓઢાડી તેને સાદડી ઉપર નાખ્યો.

‘શું કામ કરે છે ?’ ગૌતમે પૂછ્યું.

‘હમણાં તો કશુંય નહિ. નોકરીમાંથી કાઢી મૂક્યો છે.’

‘શાની નોકરી હતી ?’

‘મિલમાં મજૂરી; બીજું શું હોય ?’

‘નોકરી નથી. તોય દારૂ પીએ છે ?'

‘શું કરે ત્યારે બીજું ? ઘરમાં ખાવાનું ના મળે. પહેરવાને ચીંથરાંયે નહિ ! રહેવાનું નરકમાં ! દારૂ પીએ તો ભાન તો ભૂલે !’ પત્નીએ દારૂડિયા પતિનો બચાવ કર્યો - જોકે તે એકલી પડતી ત્યારે પતિને ગાળો દેવામાં બાકી રાખતી નહિ !

ગૌતમને પણ કશો જવાબ જડ્યો નહિ.

'મોટા માણસના છોકરા છો, નહિ !’ પેલી સ્ત્રીએ પૂછ્યું.

‘ના, ગરીબ છું. પરંતુ આવી ગરીબી નથી જોઈ.’

‘હુલ્લડમાં નાસી છૂટ્યા છો ?'

‘હા, કાંઈ જવાનો માર્ગ ન રહ્યો અને વરસાદ પડ્યો.'

‘વરસાદને લીધે બચી ગયા.'

‘કેમ ?’

‘આજ તો કોઈ શેઠિયાને કે એના દીકરાને છરો ખોસવાનો સાંભળ્યું'તું.'

‘શા માટે ?’

‘મરીએ અમે બધાં અને શેઠિયા મોજ કરે ?'

આ યુવતીની વાત સાચી હતી. હુલ્લડના પ્રત્યેક પ્રસંગે મરનાર તો ગરીબ માણસ જ હોય ! કોઈ શેઠશાહુકાર, મિલમાલિક, અમલદાર કે એમના છોકરાઓમાંથી કોઈને છરા ખોસાતા હોય તો આ હુલ્લડના રંગ બદલાઈ જાય ! સ્વામી શ્રદ્ધાનંદ કે ગણેશશંકર વિદ્યાર્થીનાં મોતમાં આપણે સમાજસેવકોનાં મોતની શક્યતા જોઈ શકીએ. પરંતુ આ સર્વ હુલ્લડોમાં જાણીતો ધનિક કે નાગરિક હિંદુમુસલમાનોમાંથી ઘવાતો નથી. એ મહાસૂચક સત્ય ધન, નેતાગીરી અને તેમના હુલ્લડ સાથેના સંપર્ક વિષે કોઈ વિચિત્ર પ્રકાશ પાડે છે !

અને આવી ઓરડીમાં વસનારનાં મન વેરરહિત બને તો નવાઈ કહેવાય !

‘ભૂખ્યા હશો, નહિ ?' મજૂર સ્ત્રીએ પૂછ્યું.

‘હા, છું તો ખરો પણ હું ચલાવી શકું એમ છું.' ગૌતમે કહ્યું.

‘આને માટે રોટલો ઘડી મૂક્યો છે. એ તો હવે કાલે ઊઠવાનો. તમને ફાવે તો રોટલો આપું.’

‘નોકરી નથી અને લોટ તું લાવી શી રીતે ?'

‘અમને જેટલું ઓછું પૂછો એટલું સારું.’ રોટલો કાઢી લાવી એ સ્ત્રીએ કહ્યું.

માટીના કલેડામાં મૂકેલો એ રોટલો ઘણો મોટો હતો. તેનો દેખાવ છેક ન ગમે એવો ન હતો, છતાં પાણીનાં છાટાં તેના ઉપર પડેલા હતા.

માટીના ઠોબરામાં રોટલા સાથે સહજ મીઠું અને સૂકું મરચું મૂકી તેણે ગૌતમના પગ પાસે એ વાસણ મૂકી દીધું.

ગૌતમને ગરીબીનું અભિમાન હતું. ગરીબ કહેવડાવવામાં આનંદ માનતો અને જગતના દલિતો જોડે એકતા અનુભવતો. ગરીબીનાં ઊંડાણ એની કલ્પના કરતાં પણ વધારે ભયંકર નીકળ્યાં. એની કલ્પનાની ગરીબીને પડછે આ સાચી ભયાનક ગરીબી કમકમી ઉપજાવી રહી હતી.

‘મારે ખરેખર ખાવું નથી.' ગૌતમે કહ્યું.

એ રોટલા ઉપર ઘીનો છાંટો ન હતો ! રોટલાને સ્વાદિષ્ટ બનાવનાર શાક કે દૂધનો સંગાથ ન હતો ! પછી ગળી વસ્તુ તો હોય જ શાની? તેમાંયે મૂકવા માટે આવું માટીનું વાસણ ! અને તે પણ વર્ષોથી કદાચ વપરાતું હોય ! હૉસ્ટેલમાં રહેતા ગરીબમાં ગરીબ વિદ્યાર્થીંથી આ ગરીબી લાખો ગાઉ દૂર હતી.

‘તમને ન ભાવે.' સ્ત્રીએ કહ્યું.

‘ના ના, ભાવવાનો સવાલ જ નથી. લાવો હું બટકું ખાઈશ.’ કહી ગૌતમે બંટીનો રોટલો ભાંગ્યો.

મીઠું અને મરચું લગાડ્યા છતાં એ ટુકડો કેમેય કર્યો એના મુખમાં ગયો નહિ. વરસાદ, ઓરડી, અંધકાર અને અજાણ્યું સ્થળ, દારૂડિયો બેકાર અને તેની યુવાન પત્ની : આ સઘળું વાતાવરણ ગૌતમને ગૂંગળાવે એવું હતું. તેમાંયે ભયંકર ગરીબી સામે આવતાં ગૌતમને લાગ્યું કે તેનું હૃદય બેસી જશે.

‘ન ખાશો, નહિ ભાવે. હું જાણતી જ હતી. લો આ પાણી.' એક ફૂલડીમાં પાણી લાવી મજૂર સ્ત્રીએ ગૌતમ પાસે મૂકી દીધું.

સ્વચ્છતા, સ્વચ્છતાના નિયમો, આરોગ્યરક્ષણ, જંતુવિનાશ એ વિષે ગૌતમે ઠીક ઠીક વાંચ્યું અને જોયું હતું. નવી દુનિયામાં રચાવાનાં મકાનો અને પાણીનાં સાધનો તેણે વિચારી મૂક્યાં હતાં. પરંતુ આ ઝુંપડીમાં ગાળેલા અડધા કલાકમાં એને સાર્વજનિક આરોગ્યનું મહત્ત્વ કદી ન સમજાત એવું સમજાઈ ગયું.

જંતુઓ ! માનવજાતના મોટા ભાગને જંતુ બનાવનાર અને જંતુ તરીકે જ રહેવા દેનાર સફાઈદાર સ્વચ્છ દુનિયા ઉપર એ માનવજંતુઓ કેટકેટલી રીતે વેર લેતા હશે ! નોકરને સ્વરૂપે એ માનવજંતુ સર્વવ્યાપી બને છે, અને સફાઈદાર સમાજને એ સંસ્થા વગર તો ચાલતું જ નથી; મજૂર તરીકે એ જ રોગની ખાણ સ્થળે સ્થળે ખોદાય છે; દારૂનાં પીઠામાં ઉચ્ચનીચ ભેગા થાય છે; સિનેમા, નાટકગૃહ અને હોટેલોમાં સારી રીતે જંતુઓની આપલે થાય છે; અને એ વર્ગ મોટામાં મોટો ! એના વડે જ સફાઈદાર વર્ગની સફાઈ સચવાય ! માળી, ધોબી...

‘રાતમાં બીજે કશે જવું નથી ને ?’ સ્ત્રીએ પૂછ્યું.

‘હું એ જ વિચારું છું.’

'તે અહીં જ પડી રહો. સવારે વરસાદ પણ નમશે અને મારગ મળી જશે.'

'તમને કશી અડચણ...' ગૌતમ પોતાની ટેવ પ્રમાણે વિવેક કરવા ગયો.

‘અડચણ તમને પડે ! અમને શું ! અમે તો આમાં ઊછર્યા અને આમાં જ મરવાનાં. લો આ સાલ્લો ! તમારાં ભીનાં કપડાં કહાડો અને પછી સૂઈ રહો.' કહી એ સ્ત્રીએ પોતાના દેહ ઉપર પહેરેલો અર્ધ ચીથરિયો સાલ્લો કહાડી ગૌતમને આપ્યો. ચણિયો અને ચોળી પહેરેલી એ મજૂરસ્ત્રી એકલી હોય તો આટલો પોશાક પણ ન રાખે. એને પણ થીંગડા મારેલાં હતાં એટલું જ નહિ, એ થીંગડા પણ સ્થળે સ્થળે ફાટી જઈ મજૂરણના વિધવિધ અંગટુકડાને અનાચ્છાદિત રાખતાં હતાં !

સાદડીનો એકાદ અધભીનો ટુકડો લાવી તેણે ગૌતમને આપ્યો.

બહાર વરસાદ મુશળધાર વરસી રહ્યો હતો. ઝૂંપડીના મોટા ભાગમાં પાણી ગળતું હતું. ગૌતમને પાણી ન ટપકતું હોય એવો એક ખૂણો બતાવી મજૂરસ્ત્રી સહજ સંકોચ સાથે એક બાજુએ આડી પડી.

ગૌતમે પણ આડા પડવાનો પ્રયત્ન કર્યો. એનાં કપડાંની ભીનાશ હજી જેવી ને તેવી જ હતી. જમીનનો ભેજ સાદડીને ચીરીને પણ ગૌતમના દેહમાં પ્રવેશતો હતો. ભીંતે અઢેલવા જતાં તેને લાગ્યું કે મંકોડાની એક હાર તેની પીઠ પાછળ બંધાઈ ગઈ છે ! ભીંતેથી ખસી તે જમીન ઉપર પડ્યો.

ફ્રેન્ચ રેવોલ્યુશનમાં ગરીબોનાં ટોળાં કેમ ખૂને ચઢ્યાં હતાં તે ગૌતમને દીવા જેટલું સ્પષ્ટ થયું. આવી સ્થિતિમાં રહેતાં માનવીઓ ખૂની, વ્યસની, રખડેલ અને ગુનેગાર ન બને તો બીજું શું થાય ?

‘થોડા પૈસા છે - ખિસ્સામાં નહિ ? મેં ખખડતા સાંભળ્યા.’ સૂતે સૂતે મજૂરણે પૂછ્યું.

'હા.'

'સાચવી રાખું ?’

‘ના; છો રહ્યા મારી પાસે.’

‘આવામાં પૈસા લેઈ ફરો છો તે કોઈ છરી મૂકશે ત્યારે ?’

'આટલા પૈસા માટે ?’

‘અરે, એક પૈસા માટે અહીં તો માનવીને માનવી મારી નાખે !’

ગૌતમ બેઠો થયો.

સૂતે સૂતે પેલી બાઈ હસી અને બોલી :

‘ના રે ના, ગભરાશો નહિ. આ તો... હું એમ કહેતી હતી. કે...ટાઢ મટાડવી હોય તો... બે રૂપિયા આમ ફેંકો.’

‘બે રૂપિયામાં શું ચાલશે ?'

‘આઠદસ દહાડા અમે બંને જણની જે કાંઈ ભૂખ ટળે એ ખરી.’

‘એટલામાં અમને કોઈને મજૂરી નહિ મળે ?'

'ન મળી તો ?'

‘તમારા જેવા કોઈ રૂપિયો બે રૂપિયા ફેંકી જાય પણ ખરા.’

‘લે.’ કહી ગૌતમે પોતાના પચીસ રૂપિયામાંથી પાંચ રૂપિયાની ભીંજાઈ ગયેલી નોટ કાઢી. ક્વચિત્ ખખડતા બે છૂટા રૂપિયા કરતાં વધારે રકમ આપવાની ગૌતમને ઈચ્છા થઈ.

મજૂર સ્ત્રી બેઠી થઈ. બેઠે બેઠે તેણે હાથ લંબાવ્યો. નાની ઓરડી એટલી મોટી પણ ન હતી કે હાથ લંબાવ્યે તે ગૌતમના હાથને અડી ન શકે. તેણે પાંચની નોટ ઓળખી, અને સહજ પ્રસન્ન મુખ સાથે તે ગૌતમ તરફ ખસી.

‘ત્યાં જ સૂઈ રહે.’ ગૌતમે જરા જોરથી આજ્ઞા કરી.

‘બહુ સારું. ભગવાન તમારું ભલું કરશે.' કહી મજૂરણ પોતાને સ્થાને જઈ પાછી સૂતી. ગૌતમને ફરી કમકમી આવી. છાપરામાંથી પાણીનું એક મોટું ટપકું તેના દેહ ઉપર પડ્યું. ગૌતમનાં રૂંવાં ઊભાં થઈ ગયાં.

‘તારો ધણી જાગી ઊઠશે તો ?’ ગૌતમે પૂછ્યું.

'નહિ જાગે.'

'પણ વખતે નશો ઊતર્યો ત્યારે ?'

‘ત્યારે એને કહીશું સાચી વાત.'

‘માનશે ખરો ?’

‘નહિ માને તો ક્યાં જશે ? ખાવાનું ખૂટે ત્યારે બધુંય ચલાવી લેવાય.'

‘એમ ? તમારા લોકમાં....’

‘અરે તમારા અને અમારા ! અમારે તો ભૂખનું કારણ. પણ જેમને એ કારણ નથી તેમને પૂછો ને, કે એ શું કરે છે ?'

‘ધનવાનો પણ ?’

‘અરે ! કીસન કે કાસમનું ખાંજરું જોજો. કંઈક સારા ઘરની બાઈઓ

ત્યાં ભેગી થાય છે !’

'કારણ ?’

'કારણ ? નહિ કામ, નહિ ધંધો, નહિ મજૂરી, નહિ ઊંચો જીવ ! એમને બીજું સૂઝે શું ?’

ગૌતમે આગળ પ્રશ્ન પૂછ્યો જ નહિ. વર્તમાનપત્રોમાં અણગમાનો દેખાવ કરી તે ઘણી વાર વાંચતો કે અનીતિના અખાડા - અનીતિનાં ધામ અમુક શેરીઓ અને લત્તામાં મળી આવ્યાં છે અને સારા ઘરની સ્ત્રીઓ પણ એમાં સાથ આપતી માલૂમ પડી છે. ગૌતમને આ માનવપ્રવૃત્તિ સમજાતી નહિ, એની એક અશિક્ષિત અશિષ્ટ મજૂરણે સ્પષ્ટતા કરી આપી. સાધનરહિત સ્થિતિ સાધનો મેળવવાની ઝંખનામાં અનીતિ પ્રેરે ! સાધનસંપન્ન સ્થિતિ નવરાશ અને વિપુલતાને અંગે નીરસ બની જતા જીવનને અનીતિ દ્વારા જાગ્રત રાખે ! આ નીતિ ઉપજાવતી ગરીબી અને અનીતિ ઉપજાવતી સંપત્તિ બંને એક જ ઢાલની બે બાજુ !


Rate this content
Log in

Similar gujarati story from Action