ચેક એન્ડ મેટ
ચેક એન્ડ મેટ


"રાજુ અને રાની જાણે લક્ષ્મી-નારાયણની જોડી! બંનેએ કેટલી મહેનત કરી ઘર બનાવ્યું. હવે બે પાંદડે થઈ નિરાંતે જીવવાના દિવસો આવ્યાં ને..!” એકઠાં થયેલા લોકો બોલ્યે જતાં હતાં.
ગઈ રાતે સૂતેલી રાનીનાં માથે કોઈએ પથ્થર ઝીંકીને... રાજુના કલ્પાંતે આખી શેરી ડરી ગઈ. પોલીસને બોલાવી ત્યારે તે પણ અચરજમાં પડી, ઘરમાં ઘૂસીને મારવાની આટલી હિંમત કોની?
અકુદરતી મૃત્યુ થાય એટલે પોસ્ટમોર્ટમ તો કરાવવું પડે ! રાનીને પોસ્ટમોર્ટમ માટે લઈ જતાં હતાં ત્યારે તેની નાની બેન સિમ્મી આગળ આવી, હાથ પહોળા કરીને ઊભી રહી ગઈ," ના મારી બહેને બહુ ઘા સહન કર્યા હવે હું તેની ચીરફાડ નહીં કરાવવા દઉં." બધાએ જેમતેમ કરીને તેને છોડાવી, લાશને પોસ્ટમોર્ટમ કરાવવા મોકલી.
રિપોર્ટ પ્રમાણે રાનીએ જાતને બચાવવા કરેલી ઝપાઝપી બાદ તેને માથે પથ્થર ઝીંકીને મોતને ઘાટ ઉતારાઈ છે.
"કોઈ સાથે વેર નહીં. અરે નાનો ઝગડો થયો હોય એવું પણ નથી સાંભળ્યું", અંતિમ દર્શને આવેલા બધાંના મુખેથી સાંભળવામાં આવતી વાત પરથી પોલીસને સમજાઈ ગયું હતું કે ગુનેગારને શોધવો સહેલું કામ નથી. પોલીસે તપાસ આદરી. રાજુના સગામાં ફક્ત મા હતી, તે વરસ પહેલાં જ મરી ગઈ છે. રાનીના પરિવારમાં મા-બાપ અને અપરણિત નાની બહેન સિમ્મી. સામાન્ય પૂછપરછ કરી પોલીસની જીપ નીકળી ગઈ.
રાનીના શરીરને વળાવીને આવેલાં ડાઘુઓના નાકમાંથી હજી બળતાની વાસ નીકળી ન હતી ને રાજુનાં બારણે ફરી પોલીસની જીપ આવી ઊભી રહી. જોતજોતામાં ટોળું ભેગું થઈ ગયું.
"ખૂની મળી ગયો છે બસ તે બધાની સામે ગુનો કબૂલ કરે એટલી જ વાર." સાથે રતન ટોપીને પોલીસની જીપમાંથી ઉતરતો જોઈ ગામનાં લોકોને ખાતરી થઈ ગઈ કે બસ આનું જ કામ છે. મારામારી અને ખંડણીમાં સંડોવણીને કારણે ઘણી વખત તે જેલનો મહેમાન થઈ આવ્યો છે.
ઇન્સ્પેકટર ઝાલાએ એમનાં અંદાજમાં વાતની શરૂઆત કરી. "રાજાને બચાવવા જતી રાણી પર સીધો વાર થયો છે એ નક્કી. હાથી-ઘોડાને ચાલની મર્યાદા નડી", પાડોશીઓ તરફ આંગળી ચીંધતા વાત આગળ ચલાવી.
“હવે જયારે બધા મહત્વના પ્યાદાઓને પોતાની મર્યાદા નડે ત્યારે સૈનિક સિવાય કોઈ મદદે ન આવે. હવે જુઓ આ સૈનિકની ચાલ. ચેક એન્ડ મેટ." કહી હાથકડી સિમ્મીનાં હાથે બંધાઈ ગઈ.
"સાહેબ મેં..." સિમ્મીના મુખેથી શબ્દ નીકળે તે પહેલા મહિલા પોલીસે તેને એક થપ્પડ ઝીંકી દીધી.
"ઈર્ષા અને લાલચ! બહેનનો સુખી સંસાર ન જોઈ શકી. રાજુને મનાવવાની કોશિશ કરી જોઈ પણ તે ન માન્યો એટલે જો રાજુ ન રહે તો રાનીએ પણ મારી જેમ એકલી-અટુલી રહીને જીવન ગુજારવું પડે. અંધારામાં બંને સૂતા હોય ત્યારે કામ પતાવવાનું હતું પણ રાજુને મારવા જતા રાની જાગી ગઈ. તે વચ્ચે આવી એટલે તેને મારવી પડી. અવાજ થતાં જાગી ગયેલા રાજુએ બૂમાબૂમ કરતા ત્યાંથી અમે ભાગી ગયાં." સિમ્મીનું બયાન લેવાઈ ગયું.
સિમ્મી જીપમાં બેસવા પહેલાં રતન તરફ જોઈ થૂંકી," આખરે જાત પર ઉતરી આવ્યો. ગદ્દાર!"
રતને મૂકેલા લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકારીને સિમ્મીએ કરેલી ભૂલનો બદલો લેવાતા રતન ખુશીથી હાથકડી પહેરીને જીપમાં બેસી ગયો. સામેની સીટ પર બેઠી સિમ્મીને ચીડવતા "ચેક એન્ડ મેટ" બોલીને તેણે આંખ મીચકારી!