Shobha Mistri

Action Crime

4  

Shobha Mistri

Action Crime

ચાલબાજ શિકારી

ચાલબાજ શિકારી

7 mins
394


નીરજા, છેલ્લા બે કલાકથી બાલકનીમાં આરામ ખુરશી પર બેઠી હતી. બાજુના ટેબલ પર પડેલો કોફીનો મગ કુસુમબેન બે વખત લઈ ગયાં અને ઠંડી કૉફીના બદલે ગરમ મગ મૂકી ગયાં પણ નીરજાનું જરાપણ ધ્યાન નહોતું. એ તો ગોરંભાયેલા આકાશને એકટક નિહાળી રહી હતી. ક્યારે ગોરંભાયેલું આકાશ વરસીને સ્વચ્છ થઈ જાય અને ક્યારે એનું હૃદય પણ. 

નીરજા ખુરશીમાં પીઠ ટેકવીને બેઠી જ. એટલી વારમાં દૂર આકાશમાં ગડગડાટ થવા લાગ્યો અને ગોરંભાયેલું આકાશ જાણે વરસીને પોતાની પીડા રજૂ ન કરી રહ્યું હોય એમ મૂશળધાર વરસવા લાગ્યું. જાણે ગોરંભાયેલા આકાશના વરસવાની જ રાહ જોતી હોય તેમ નીરજાની આંખમાં છૂપાયેલું વાદળ પણ ધોધમાર વરસવા લાગ્યું. વરસાદી છાંટાને લીધે દીકરી પલળી જશે એ ચિંતામાં કુસુમબેન પોતાના હાથમાં રહેલાં બધાં કામ પડતાં મૂકી ત્યાં દોડી આવ્યા. હજી તો નીરજાને બૂમ પાડી ઉઠાડવાનું વિચારતાં જ હતાં, ત્યાં તો દીકરીને ધ્રુસકે ધ્રુસકે રડતાં સાંભળી આવ્યા તેવાં જ પાછા વળી ગયાં. 

ઉદાસ દીકરીને કેટલાં સમય પછી મન મૂકીને રડતી જોઈ એમનું હૃદય પણ ભરાય આવ્યું પણ તેઓ જાણતા હતાં આ જરૂરી છે. એકવાર મન મૂકીને રડી લે તો એનું મન હળવું થઈ જાય. છેલ્લાં ત્રણેક મહિનાથી નીરજા જાણે પહેલાંની નીરજા રહી જ નહોતી. હંમેશાં એના કલબલાટથી ઘર ગૂંજતું રહેતું હતું ત્યાં હવે સ્મશાનવત્ શાંતિ છવાયેલી રહેતી. એમણે ઘણી વાર નીરજાના મનના પેટાળમાં જવાની કોશિશ કરી પણ ત્યારે નીરજા એવી ભેંકાર આંખથી જોતી કે પછી એમની હિંમત ન ચાલતી. આજે દીકરીને મન મૂકીને રડતી જોઈ એમને કંઈક આશા બંધાય. 

થોડી વાર સુધી સારું એવું રડ્યા પછી નીરજા વોશરૂમમાં મોં ધોવા ઊભી થઈ. તેવાં જ કુસુમબેન પડદા પાછળ સંતાઈ ગયાં. નીરજા વોશરૂમમાંથી બહાર આવી ત્યારે જ જાણે એમણે પ્રવેશ કર્યો હોય તેમ એમણે પૂછ્યું, "શું થયું બેટા, કેમ તારું મોઢું રડેલું દેખાય છે ?"

"કંઈ નહિ મમ્મી, એ તો પાણીની વાછટ સાથે આંખોમાં કચરો ગયો ને એટલે." 

કુસુમબેને વધારે પૂછપરછ કરવાનું યોગ્ય ન લાગ્યું. "ઠીક છે બેટા, આંખોમાં કે દિલમાં લાંબો સમય કચરો ભરી ન રાખવો. એ આપણી તંદુરસ્તી માટે હાનીકર્તા છે." કુસુમબેને મભમ વાત કરી. નીરજા થોડી વાર એમ જ ઊભી રહી પછી દોડીને મમ્મીને વળગીને ફરી હિબકાં ભરવા લાગી. કુસુમબેન એની પીઠ પર સ્નેહથી હાથ ફેરવતાં રહ્યાં. જ્યારે એના હિબકાં પૂરાં થયા પછી એને ત્યાં હિંચકા પર બેસાડી.

"ચાલ, હવે તારા મનના જેટલાં પણ પડળ હોય તે ખોલવા માંડ. મને તારી મા નહિ તારી સખી સમજી મને બધું કહી દે. તારા હૈયાના ગોખમાં છુપાવી રાખેલી બધી પીડા મારા પાલવમાં ઠાલવી દે. "

નીરજા પોતાનું દર્દ ઉઘાડું કરતાં ડરતી હતી. એ અચકાવા લાગી. "જો બેટા, તારે મને ન કહેવું હોય તો પણ કાંઈ નહિ. ચાલ, આપણે બીજી વાતો કરીએ." કુસુમબેને વાતનો વિષય બદલતાં કહ્યું.

"ના, મમ્મી, આજે હું તને બધું જ કહી દઈશ. મારી વાત સાંભળ્યા પછી તારે જે નિર્ણય લેવો હોય તે લેજે." નીરજાએ એની પીડાના જે એક પછી એક પડળ ખોલ્યા તે સાંભળી કુસુમબેન અંદર સુધી ખળભળી ઊઠ્યાં. પરંતુ એમણે નીરજાને એની ગંધ પણ ન આવવા દીધી. આવા અલ્લેટપ્પુઓ ભોળી નાદાન છોકરીઓની લાગણીનો ગેર ઉપયોગ કરતાં હોય છે. તે તો તેમને ખબર હતી પણ આ રીતે ?

પહેલાં એ ક્યારેક ક્યારેક નીરજાને બસ સ્ટોપથી ઘર સુધી બાઈક પર મૂકી જતો. ધીમે ધીમે એણે નીરજાની લાગણીઓ સાથે રમત માંડી. ઑગસ્ટ મહિનાની આઠમી તારીખે નીરજાનો જન્મદિવસ આવે છે એવી માહિતી એણે મેળવી લીધી. તે દિવસે નીરજા બસસ્ટોપ પર ઉતરી ત્યાં એ ચાલાક શિકારી બરાબર જાળ બિછાવી બેઠો હતો. એણે પહેલાં તો એને જન્મદિવસની શુભેચ્છા આપી પછી એને પટાવીને નજીકની હોટલમાં લઈ ગયો. ત્યાં એના ચાર પાંચ મિત્રો હતાં. બધાએ એને જન્મદિવસની શુભેચ્છા આપી. કેક કાપી બધાએ એને ખવડાવી. 

ભોળી કબૂતરી જેવી નીરજા એ લોકોની જાળમાં ફસાઈ ગઈ. પોતે એ ચાલબાજ શિકારી પર પોતાની લાગણી ઓળઘોળ કરી બેઠી હતી. પછી એ નીરજાને એના ઘર નજીક છોડી ગયો. આવું થોડા દિવસ કરી એણે નીરજાનો વિશ્વાસ અને લાગણી બંને જીતી લીધા. 

ઑગસ્ટના છેલ્લા દિવસે શાળા બે પિરિયડ વહેલી છૂટી. એણે એ તકનો લાભ લઈ એની શાળા પાસેથી જ એને બાઈક પર બેસાડી દીધી. વરસાદ ધીમે ધીમે પડી રહ્યો હતો. અચાનક વરસાદનું જોર વધતાં એ ચાલાક શિકારીએ કહ્યું, "આપણે થોડી વાર આ જૂના મકાનમાં આશરો લઈએ. પછી વરસાદનું જોર ઘટતાં હું તને તારા ઘર પાસે છોડી દઈશ."

દુનિયાદારીના કાવા દાવાથી અજાણ નીરજા એની સાથે મકાનમાં પ્રવેશી. એને નહોતી ખબર કે ત્યાં તો એના બીજા સાગરિતો ટાંપીને શિકારને દબોચવાની તૈયારીમાં હતાં. ઘણાં બધાં અજાણ્યા ચહેરા જોઈ એ ડરી ગઈ. એણે ભાગવાની પેરવી કરવા વિચાર્યું. "જો, નીરજા, ભાગવાની તૈયારી કરશે તો અમે તને પકડી પાડીશું માટે ચૂપચાપ હું કહું તેમ કરશે એમાં જ તારી ભલાઈ છે." આજે નીરજાને સમજાયું કે એ ભોળપણમાં ખોટા માણસ પર પોતાની લાગણી વરસાવી બેઠી હતી. એણે કહ્યું, "તમે જેમ કહેશો તેમ હું કરીશ પણ મને હાથ ન લગાવતાં." 

"અરે! હોતું હશે કંઈ ? તું જેમ કહે તેમ. પહેલાં તું મારા સવાલના જવાબ આપ. તારે તારા ઘરે બધાં કપડાં વ્યવસ્થિત પહેરીને જવું છે કે ફાટેલા કપડાં પહેરીને ?" નીરજા એનો કહેવાનો મતલબ ન સમજી. એણે કહ્યું, "પ્લીઝ, મારા કપડાં ન ફાડશો ? ફાટેલાં કપડાં પહેરીને હું ઘરે કેવી રીતે જઈશ ?" "ચાલ, ઠીક છે તો તું જ્યાં ઊભી છે ત્યાંથી મારી પાસે એક એક કપડાં ઉતારતી આવ." નીરજા અવાચક થઈ ગઈ. શું બોલવું એ ન સૂઝતાં એ રડવા લાગી. હવે જ પેલા શિકારીએ પોતાનો રંગ બતાવતાં કહ્યું, "જો, તું જાતે તારાં કપડાં નહિ કાઢે તો મારા મિત્રો જબરદસ્તીથી કાઢશે. એમાં તારાં કપડાં ફાટવાનું પૂરેપૂરું જોખમ છે." 

શિકારી કૂતરાઓએ બરાબર જાળ બિછાવી હતી. ડરી ગયેલી નીરજા પોતાની જગ્યા પરથી ચાલતાં ચાલતાં પોતાના કપડાં પોતાના હાથે જ ઉતારતી એની સામે આવી. એણે એનો આખો વિડીયો ઉતારી લીધો. એ ચાલાક શિકારીએ એવો ત્રાગડો રચ્યો જેથી કહી શકાય કે અમે તો એને હાથ પણ નથી લગાવ્યો. એણે જાતે જ પોતાની જાત મને હવાલે કરી છે. નજીક આવેલી નીરજાને એણે ઝાપટ મારી પોતાના બે હાથમાં મસળી નાંખી. એક પછી એક ત્રણ જણાએ એના પર બળાત્કાર કર્યો અને એ બધાની પણ વિડીયો ઉતારી લીધો. ત્રણ રાક્ષસોના હાથે પીંખાયેલી નીરજા બેભાન થઈ ગઈ. ત્યારે બાકીના મિત્રોને રવાના કરી એ રાક્ષસ ત્યાં જ બેસી નીરજા ભાનમાં આવે એની રાહ જોવા લાગ્યો. 

થોડીવારે અસહ્ય પીડાથી કરાંજતી નીરજા ભાનમાં આવી એટલે જાણે ઉપકાર કરતો હોય તેમ બોલ્યો, "ચાલ, ફટાફટ કપડાં પહેરી લે. હું તને ઘરે ઉતારી દઉં." બે ઘડી તો એને એ રાક્ષસની મદદ લેવાની બિલકુલ ઈચ્છા ન થઈ. પણ પછી વિચાર્યું આમ પણ આટલી પીડા સાથે મારાથી એકલાં જવાશે નહિ. એણે જેમતેમ કરી કપડાં પહેર્યા. પોતાની બાઈક પર બેસાડતાં એણે એને ધમકી આપી, "જો કોઈને પણ આજની ઘટના વિશે વાત કરી છે તો તારા વિડીયો આખા શહેરમાં ફેરવી દઈશ. માટે ગુપચુપ રહેજે અને બોલાવું એટલે જરાપણ આનાકાની કર્યા વગર આવી જજે. નથી આવી તો તારા નાનાભાઈને કાપીને ફેંકી દેતા મને વાર નહિ લાગે." નીરજાને ખોટા માણસ પર પોતાની લાગણી વરસાવવા બદલ ખૂબ દુઃખ થયું.

પછી તો એ એના સંકજામાં એવી ફસાય ગઈ કે એ બોલાવે એટલે ગયા વગર ચાલે જ નહિ. એણે તો રીતસર એનો ધંધો શરૂ કરી દીધો. કુસુમબેન એને પૂછતાં, "ક્યાં જાય છે ?" ત્યારે તે નિત નવા બહાના બતાવતી. સોળ સત્તર વર્ષની નાદાન ઉંમરમાં જાણે એ કેટલાય વર્ષો જીવી ગઈ હોય. પણ હવે એની સહન શક્તિ હદ વટાવી ગઈ હતી. આખરે એણે રડતાં રડતાં પોતાનું દુઃખ કુસુમબેનને કહી દીધું.

કુસુમબેને એને પડખામાં લીધી અને ખૂબ સાંત્વના આપી. "મમ્મી, એ મારા ભઈલુને મારી નાંખશે." કંઈક ડરથી એ બોલી. કુસુમબેને એને શાંત રહેવા કહ્યું અને પોતાની સખીના પતિદેવ પોલીસમાં મોટી પોસ્ટ પર હતાં એમને સાદા કપડાંમાં ઘરે આવવા કહ્યું. વાત કંઈક ગંભીર લાગે છે એમ જાણી તેઓ તરત આવી પહોંચ્યા. કુસુમબેને એમને અથથી ઈતિ સુધીની બધી વાત કરી. એમણે તરત જ નીરજાનો મોબાઈલ સર્ચ પર મૂકી દીધો. ડિપાર્ટમેન્ટને તાત્કાલિક કામે લગાવી દીધું. એટલીવારમાં નીરજાના મોબાઈલ પર એનો ફોન આવ્યો. ફોન રિસીવ કરવા પહેલાં એમણે નીરજાને એની સાથે લાંબી લાંબી વાત કરવા કહ્યું. જેથી એનું પગેરું પકડી શકાય. 

બહુ વાર પછી નીરજાએ ફોન લીધો એટલે એણે એને ધમકાવવા માંડી. નીરજાએ બાથરૂમમાં હતી એટલે વાર લાગી એમ કહી એની સામે શબ્દોની જાળ પાથરવા માંડી. એણે પોતાના શબ્દોમાં મીઠાશ ઘોળી ઘોળી એની સાથે પંદર વીસ મિનિટ વાત કરી. એટલીવારમાં એનું લોકેશન પકડાઈ ગયું. પોલીસ પાર્ટી ત્યાં પહોંચી ગઈ અને એ કંઈ સમજે એ પહેલાં એને ઝબ્બે કરી લીધો. 

પોતાની ખાસ લાગવગથી એને બરાબર મેથીપાક આપતાં નીરજા જેવી તો કેટલીયે દીકરીઓના વિડીયો એના મોબાઈલમાંથી મળી આવ્યા. નાદાન દીકરીઓ લાંબો ટૂંકો વિચાર કર્યા વગર આવા અલ્લેટપ્પુની જાળમાં ફસાઈને એના પર પોતાની લાગણીઓ વરસાવી દે અને પછી પીડા સહન કરતી રહે છે. પોલીસના સંકજામાંથી છૂટાય એવું ન લાગતાં એણે કપડાં ઉતારતો વિડીયો બતાવી કહ્યું, "સર, એ જાતે જ આવી હતી જુઓ." 

પોલીસ પાસે તો આવાં કેટલાય કિસ્સા આવતાં હોય એમણે ચમચમાવીને એક તમાચો એની કાનપટ્ટી પર માર્યો. એ સાથે એના નાક કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. એ રીઢા ગુનેગારને પોલીસ ગાંજો, બ્લેક મની જેવા કેટલાય ગુનાસર શોધતી હતી. એ અનાયાસ પકડાઈ ગયો. એના પર કેસ ચાલ્યો અને અનેક ગુનાસર એને દસ વર્ષની સખત કેદની સજા થઈ. 

નીરજાને સમજાઈ ગયું કે એમ ગમે તેના પર ચાલ લાગણી વરસાવીએ કરી વરસી ન પડાય. એક વરસાદે એનું બધું છીનવી લીધું હતું પણ એવી જ એક વરસાદી સાંજે એને એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આપ્યો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Action