બુક માર્ક
બુક માર્ક
સાત વર્ષો પછી આકાશ ભારત પરત આવ્યો. પોતાનો દેશ એ પોતાનો. બચપણની..યુવાનીની..તમામ યાદો સંઘરીને બેઠો હોય છે. પોતાનાપણું દેશની હવામાં રહેલું હોય છે.
અઠવાડિયું તો સગા વ્હાલા મળવા આવ્યાં એમાં વીતી ગયું. સમય મળતા ગામમાં, લટાર મારવાનું મન થયું, એટલે આકાશ ચંપાબાને
"બા હું આટો મારીને આવું કોઈ દોસ્ત મળે તો ભેગો થઈને આવું"
આકાશ ચાલતો નિકળી પડ્યો. એના પગ જૂના રસ્તાઓ પર જાતે જ એને દોરી જતા લાગ્યા. બધુ જ ચીર-પરિચિત. ઘણી જગ્યાએ નાના મકાનો તોડીને મોટા કોમ્પ્લેક્ષ બની ગયા હતાં. તો કોઈ ખખડધજ હાલતમાં એમજ હતા.
મંદિર જતા રસ્તામાં એક મોટું ડહેલુ આવતું. એમાં એક લાયબ્રેરી હતી. ડહેલુ જોઇ એને થયું "લાવ જોઉં તો ખરા હવે ત્યાં શું હશે. ?" એ ડહેલાં ની અંદર નાનકડી બારી જેવા દરવાજામાં વાંકો વળીને પેઠો.
"ઓહ..!! હજુ લાયબ્રેરી એમજ છે!!" એ ભૂતકાળમાં લાયબ્રેરીમાં કલાકો હેમા સાથે વાંચતો.
હેમા એની પડોશમાં રહેતી પણ બંને એ સાથે જ પ્રાથમિક શિક્ષણથી કોલેજ સાથે કરી હતી. બંને ઘરમાં સારો ઘરોબો હતો. પણ કયારેય એકબીજા માટે
વિચારેલું નહિ.
અહીં આવતાની સાથે એને હેમાની યાદ ઘેર વળી..
આકાશને વિદેશ જવાનું હતું. એટલે અહીના બધાં કામ અટોપી નાખ્યાં હતા. લાયબ્રેરીમાં પુસ્તકો જમા કરવાનાં બાકી હતા એટલે આકાશ લાયબ્રેરી આવેલો.
પાછળ ને પાછળ હેમા પણ આવી હતી. અને કઈ પણ બોલ્યાં વિના આકાશના હાથમાં સરસ પેન સેટ અને એક બુક માર્ક જેનાં પર મરોડદાર અક્ષરથી આકાશ અને નીચે માંડમાંડ નજર પડે, એવો એચ લખેલો હતો. અને ગૂડલક કહીને ત્યાંથી જતી રહી હતી. એને પેનસેટ ખિસ્સામાં મૂકી, એના ધ્યાન બાર બૂકમાર્કને હાથમાંના પુસ્તકમાં એમજ મૂકી દીધું.
આકાશ હેમાને જતી જોઈ રહેલો. આજ સુધી કયારેય હેમાનાં સમાચાર મળ્યા નહિ કે બાને પૂછયા નથી.
આકાશને હેમાની યાદે ફરી એને મળવાની તલપ જાગી ઊઠી. હજુ તો કોલેજ પૂરી થઈ ત્યાંજ હેમાનું સારા ઘરનું માંગુ આવતાં એની સગાઈ જાહેર થઈ ગઈ. હેમા માટેની લાગણીઓ પ્રસ્તુત
કરે એ પહેલાં. !!
આજે લાયબ્રેરીમાં એ દિવસ ફરી આવે તો. ?
હેમાને કહીજ દઉં. "હેમા હું તને જ પ્રેમ કરતો હતો. તને કહી શકતો નથી એટલે જ તારાથી દૂર વિદેશ જાવ છું." એ પોતાની હાલની લાચારી પર લૂખુ હસી પડ્યો.
એ લેખિકા 'કલમ' ની નવલકથા પંખીની પાંખે પુસ્તક કબાટોમાં ફેંદવા લાગ્યો. એ જાણતો હતો. હવે 7 વર્ષ વિતે એ પુસ્તક હાથમાં થોડું આવે? અને આવે તો એ બુકમાર્ક થોડું એમ હોય? છતાં પણ એ પાગલની જેમ પુસ્તકો ફેરવવા લાગ્યો.
"હેલો..મિસ્ટર..તમારે કઈ બુક જોઈએ છે. આમ-તેમ બુક્સ નહિ ફેંદો..હલો..અરે આપનું આઇકાર્ડ આપો.."
પણ આકાશ મશગુલ હતો..એનાં કામમાં.
હવે લાઈબ્રેરીયન ગુસ્સે થઈ. એટલે આકાશ એના તરફ ફર્યો. થોડીવાર કંઇક ઓળખાણ જેવો ભાસ થયો. અને બેવ સાથે ચમકયાં.
"આકાશ?"
"હેમા"
બેઉ ઝંખવાય ગયાં. થોડીવાર બેઠા.
વાતવાતમાં દુઃખતી નસ દબાઈ ગઈ. હેમાએ સ્પષ્ટતા કરી.
"મારી સગાઈ તૂટી ગઈ અને છોકરીઓની એકવાર સગાઈ તૂટે એટલે લોકો દોષની નજરે જોવા લાગે અને ત્યારથી આ લાયબ્રેરીમાં હું જોબ કરું છું."
"હું 'પંખીની પાંખે' પુસ્તક શોધતો હતો. મારૂ પ્રિય પુસ્તક હતું તે ખબર છે ને?"
"હા એટલે તો સાચવી રાખ્યું છે. લે " કહી એણે એક ડ્રોઅર ખોલી પુસ્તક આપ્યું.
આકાશ ઝડપ મારી એ પુસ્તક લઈ લીધું અને ફટાફટ ખોલ્યું, તો એજ બુક માર્ક. એને હાથમાં લઈને ધારીને જોયું એનું ધ્યાન એચ પર ગયું. હેમાને બતાવતા. "આનો મતલબ?"
હેમા એ કહ્યું.
"બુધું તું એમજ મૂકી ગયો હતો. મેં સાચવી રાખ્યું જો. આટલું ધ્યાનથી પહેલાં જોયું હોત તો ?"
નીચી નજર કરતા હેમા શરમાઈ ગઈ.
હવે સમજદારી અને લાગણી બેઉ પક્ષે હાજર હતી. હેમા હું ગયો ત્યારે તે મને પેનસેટ આપ્યો હતો.. આજ હું તને કંઈક આપું તું સ્વીકારીશ? અને આકાશ ઘુંટણ પર બેસીને. "હેમા મારુ દિલ તને આપું છું તું સ્વીકારીશ? હજુય ખાલી છે એ જગ્યા તું ભરીશ?"
હેમાની આંખમાં હર્ષનાં આસું આવી ગયા.