અધૂરું ગુંજન
અધૂરું ગુંજન
"હેલો... હિરલબેન, સ્કુલમાં હેલીનું વર્તન ખૂબ બગડી ગયું છે. બધાંને મારી પણ લે છે..તો આપ સ્કૂલે આવી પ્રિન્સિપાલ મેમને મળી જશો..."
સામેથી ફોન કપાઇ ગયો.
હિરલ ચિંતિત થાય ગઈ "ફરી હેલીને કોઈએ સતાવી હશે તો જ એ હાથ ચાલાકી કરે,"
હિરલ રિસેસ સમયે સ્કૂલમાં પહોંચી, હેલીને પ્રિન્સિપાલ મેમે ઓફિસમાં બોલાવી.
હિરલને જોતા જ હેલી એને વળગી પડી. અને રડવા લાગી.."મમ્મી મારી ફ્રેન્ડ મને કહે છે...કે તારા પાપા તો તારી મમ્મીને છોડીને જતાં રહ્યાં છે....આજે ફરી બધા મળીને ચીડવે છે."
"હિરલબેન સત્ય શું છે...આ બાળકી પર ખરાબ અસર પડી રહી છે."
"મેમ સુંદર ફૂલની ખુશ્બૂ લેતું,પતંગિયું...ફૂલમાં રસ હતો ત્યાં સુધી ફૂલની દોસ્તી કરી લૂંટી લીધું. અને જયારે સંધ્યાએ... એને બીડાવા મજબૂર કરું ત્યાં દૂર...ખૂબ..દૂર..મને આમ નોંધારી છોડીને જતું રહ્યું..એમાં ફૂલનો શું વાંક?
"હિરલબેન, તમે તમારો હક્ક ના માંગ્યો?"
"હું ગઈ હતી... એના ઘરે, મારા પેટમાં પાંગરતા જીવ માટે..કાયદાની મહોર વિનાના સંબંધને સ્થાપિત કરવા. પણ કોણ માને ?
એ તો દીવાલ પર તસ્વીર બનીને સ્થિર થઈ ગયા હતા... અને મારું જીવન અહી".