અસલી ચહેરો
અસલી ચહેરો
"પાપા ચાલો આઈસ્ક્રીમ ખાવા..."
મમ્મી-પપ્પાની બેઉ જવાબદારી ઉઠાવતો વિવેક પોતાના લાડલા વિહારને કયારેય કોઈ ડિમાન્ડ સામે ના નહોતો કહી શકતો.
"હા ચાલો જઈએ આમ પણ ગરમી છે. એટલે બહાર આંટો મારતા આવીએ..ચલ..."
બને બાપ-દીકરો... કોમર્સ કોલેજ રોડ પર આવેલા પાર્લરમાં આઈસ્ક્રીમ ખાવા પહોંચી ગયા. આઈસ્ક્રીમ ઓર્ડર કરી વિવેક મોબાઈલમાં મેસેજ જોવા લાગ્યો. વિહારની સામે ફુગ્ગાવાળા ને બંસરીવાળો લલચાવતા સામે જ વગાડતાં હતા. પણ વિહારને એમાં કોઈ રસ નહોતો એતો આઈસ્ક્રીમની રાહ જોતો હતો. એનું ધ્યાન સામે લગાવેલા બેનર પર પડ્યું...એના ચહેરા પર સ્માઈલ આવી ગઈ...વિવેકનું ધ્યાન એ તરફ નહોતું ગયું.
પરત ફરતા વિહારે "પપ્પા તમે પેલું પોસ્ટર જોયું... મારા ટીચર અસલ એવા જ છે."
વિવેકે ના કહીને ટૂંકમાં જવાબ આપ્યો...
વિહાર સ્કુલ ટીચરને ખૂબ વ્હાલો લાગતો. ઘણીવાર ટીચર પોતાની પાસે બેસાડીને વ્હાલ કરી લેતી હતી. માસુમ વિહારને ટીચરનું વ્હાલ સમજ બહાર હતું. સ્કુલમાં એન્યુઅલ ફંકશનનો પાસ વિવેકને બતાવતા.." તમારે મારી સ્કુલના ફંક્શનમાં આવવાનું છે, તમને હુ મારા ટીચરને મળાવીશ હો કે પપ્પા..."
વિવેકે પેરેન્ટ્સ મીટીંગમાં પણ વયસ્તતા બહાને હાજર નહોતો થતો.પણ ફંકશન રવિવારે હતું "જવું જ પડશે..." આમ વિચારી વિહાર સાથે પ્રીમિસ કર્યું. ફંકશનના દિવસે વિહાર ખુશ ખુશ હતો,એમાંય સમૂહ દેશ-ભક્તિ ગીતમાં, રાષ્ટ્ર ધ્વજ સાથે સૌથી આગળ એને ઉભું રહેવાનું હતું. ખૂબ રોમાંચ અનુભવતો વિહાર...
"પપ્પા તમને મારા ટીચર સાથે વાત કરાવીશ. મારા ફેવરિટ ટીચર..." વિહારનો ઉત્સાહ બાળ-સહજ હતો. પ્રોગ્રામ પેલા ટીચરને મળવાની તાલાવેલી સાથે પપ્પા સાથે ડ્રેસિંગ
રૂમ સુધી પહોંચી ગયો. પણ મેમ તો પ્રોગ્રામના ભાગ રૂપે...તો જોકરનો વેશ કાઢીને બેઠા હતા. વિહાર પણ ઓળખી ના શક્યો. વિવેકને પણ હસવું આવી ગયું...ફૂલ મેક-ઓવર કાજળ ઘેરી આખો, પફ પાવડરના થપેડા, હોઠ પર ઘેરી લાલ લિપસ્ટિક બરાબરની વેશભૂષા કરી હતી.
ટીચરને જોઈને વિહારને પહેલી વાર ચીડ ચઢી. વિહાર પોતાના દોસ્તો સાથે પ્રોગ્રામમાં વ્યસ્ત થયો. ચાલુ પ્રોગ્રામમાં વિવેકને ફોન આવતા એ હોલની બહાર આવ્યો ત્યાં ટાવર ન પકડતાં હોલની પાછળની લોબીમાં ગયો. ફોનમાં વાત કરતા કરતા એનું ધ્યાન વોશ રૂમમાંથી બહાર નીકળતી માનસી ઉપર ગયું.
એ ફોન કાપી ત્વરાએ એની પાછળ રીતસર ભાગ્યો. માનસી એની સામે આવી જતાં નજર ચોરાવા લાગી. વિવેક ગુસ્સામાં આવી ગયો. "વાહ. મેડમજી તો વિહારના ફેવરીટ ટીચર તમે હતા. ! ટીચરની આડમાં, વિહારને કાબુ કરવાનું ષડ્યંત્ર ? અને શું પરફેક્ટ સમય ગાળો પસંદ કર્યો છે. વાહ માનસી તારી ચતુરાઈને સલામ કરવી પડે. મારા દીકરા સાથે લાગણીનું નાટક...અને આજ મારી સામે જોકર..છી.." અને નફરતથી માનસી સામે જોતા ગુસ્સામાં મોટેથી ભાન ભૂલી બરાડી ઉઠ્યો.
"ખબરદાર...મારા દીકરાની નજીક આવી છે તો..તારી મોડેલિંગની લાઈફ માટે, અમને છોડીને જતી રહી ત્યારે તારી મમતા કયા ગઈ હતી ? હવે મારા પાસેથી મારા દીકરાને છીનવવા આવી છે. વાહ હજી તારી ફિદરત ના ગઈ..."
મુંગા મોઢે નીચી નજરે, વિવેકને સાંભળી રહેલી માનસીમાં વિવેક સામે આંખ મિલવાની તાકાત નહોતી. ઢળતી જુવાનીમાં પ્રેમ, પૈસાના ફાંફાં પડતાં, એક માત્ર શસ્ત્ર પણ નકામું થઈ ગયું હતું. પોતાની લાલસાની લ્હાયમાં પ્રેમાળ પતિને તો ક્યારની ખોઈ ચુકી હતી અને હવે આજે, થોડે દુર પપ્પાને શોધતો બહાર આવી ચુકેલો વિહારને પણ !