બંધન
બંધન
સીમા પુત્ર યશ સામે જોઈ રહી, યશ મોબાઈલમાં ગુંચવાયેલો હતો. યશ સતર વર્ષનો છે. સીમા પણ ઘરકામમાં પરોવાઈ ગઈ. સમીર આવતા સીમા ચા બનાવીને વરંડામાં ગઈ. બંને સાંજની ચા સાથે વાતો કરતાં હતાં. યશની ચિંતા કરતા સીમા કહે છે કે ‘યશ મોબાઈલનો વપરાશ વધારે કરે છે.‘
સમીરે કહ્યું કે ‘હું વાત કરું છું‘ ‘આપણે બંને જિદ કરીએ, તો એ પણ જિદ કરશે.‘
સીમા વિચારે ચડી ગઈ. સમીરે ઢંઢોળી. સમીરે કહ્યું કે ‘સીમા આપણી સગાઈ સમયે મોબાઈલ ન હતાં, નહીં તો આપણે બંને મોબાઈલ કોલ કરીને ઓડિયો અને વીડિયો બંનેનો આનંદ ઉઠાવ્યો હોત. સીમા શરમાઈ ગઈ. સીમા સમીરને કહે છે કે ‘શું તમે પણ..‘
સમીરે કહ્યું કે ‘ એમાં શું શરમાવાનું.‘ ‘જીવનની એ ખાટી મીઠી યાદો જ જીવનને પ્રેરણા આપે છે.‘
સીમાને દાદીની વાતો યાદ આવી ગઈ. જીવનનો ઢાળ હંમેશા એકસરખો હોતો નથી. ગુસ્સો, જિદ, ચીડ ઘણુંબધું મગજમાં આવતું રહે છે, પણ એ બધાને ક્યારેય નફરત ન બનવા દેજે. જે પહેલાં પતિમાં ન ઠરે, એ બીજે કયાંય ન ઠરે. પોતાને કસુવાવડનો બનાવ બન્યો ત્યારે સમીર કેવો બેબાકળો બની ગયો હતો! એ યાદ આવતાં
સમીર પર વધારે પ્રેમ ઉભરાઈ આવે છે. સીમા સમીરને કહે છે કે
‘આપણે રાત્રે જમવા બહાર જશું, એ સમયે યશ જોડે વાત કરજો‘.
સમીર ખુશીથી ઊછળી પડે છે, સીમાના ગાલે હાથ ફેરવી હળવી ટપલી મારતા કહે છે પાકું ને ? સીમાનું ધ્યાન સમીરના ચહેરા પર પડતા જ...ના હો, કહીને જતી રહે છે.
વીસ વર્ષ પછી...
સમીર: સીમા, હવે તો તું ખુશ છો ને ?
સીમા: હા, યશની ઉંમર જ ત્યારે એવી હતી, એટલે ચિંતા તો થાય ને ?
સમીર: જીંદગીના વર્ષો ફટાફટ પસાર થઈ ગયા હોય એવું લાગે છે.
સીમા : એ જ તો સફળ દામ્પત્યજીવનની નિશાની છે.
સમીર: આપણે ટૂંકી આવકમાં એટલું ન ફરી શક્યા, તું યશને અને વહુને કહેજે, અઠવાડિયું જઈ આવે. નાનકાને આપણે સાચવી લઈશું.
સીમા : યશ અને વહુને તો ઝઘડો થયો છે ને !
સમીર: લે બોલ, કયારે ?
ત્ત્યાં તો યશ અને યાસ્વી બંને આવે છે, નાનકાને દાદીના ખોળે આપી દે છે.
સમીર અને સીમા પોતાના એકબીજાના વાંક અને ભૂલો એવી રીતે વહુ દીકરાને કહે છે કે બંને હસી પડે છે. યુવાનીમાં અહં, જિદ, ગુસ્સો આવવાથી સીધો સંબંધ તોડવાની વાત જ સરળ લાગે છે. અત્યારે અમે ઘડપણમાં એકબીજાને સુખી અને આનંદમાં કેવી રીતે રાખી શકીએ, એ જ વિચારીને જીવીએ છીએ. પતિ પત્નીએ એકબીજાને પ્રેમ વિશ્વાસ અને સન્માન આપવા જોઈએ.
અચાનક જ દરવાજે ઘંટડી વાગી. સીમા ઝડપથી ગઈ.
ફૂલોના બે ગુલદસ્તા, સાથે વાડકીમાં રવાનો શીરો લઈને આવી. સીમાએ સમીરને ફૂલનો ગુલદસ્તો આપી જન્મદિવસની શુભકામનાઓ આપી. સીમાએ રવાનો શીરો ખવડાવતી વખતે કહ્યું કે ‘હવે આટલું જ હો, હવે કામ થતું નથી.‘
સમીરે પણ કહ્યું કે ‘ તારે કરવાનું પણ નથી.‘
યશે વચ્ચે જ પુછી લીધું કે ‘ મમ્મી, આ બીજો ગુલદસ્તો ?‘
સીમાએ કહ્યું કે ‘ બુધ્ધુ, મારા લાલ, જા તારી પત્નીને આપજે, કદાચ તારા પપ્પાનો જન્મદિવસ જોઈને યાસ્વીને લગ્નતિથિ યાદ આવી ગઈ હોવાથી જતી રહી.
યશ નાનકાને લઈને યાસ્વી પાસે ગયો, એ પહેલાં એક ફોટો પાડતો ગયો. સમીર અને સીમા હાથમાં ગુલદસ્તો રાખીને ઊભા હોય એવો....., બંને ખૂબ જ ખુશ થઈને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આવો જ પ્રેમ મરતાં સુધી રાખીએ, મૃત્યુ સુધારીએ.

