બનાસનો કાનુડો
બનાસનો કાનુડો
બનાસકાંઠા જિલ્લામાં જન્માષ્ટમીને'કાનુડો' તરીકે ઓળખવામાં આવે છે. બધા જ તહેવારમાં કાનુડાનું ખાસ મહત્વ છે અને ખૂબ જ પ્રખ્યાત છે. તેની ઉજવણી અલગ પ્રકારની જોવા મળે છે. આ ઉત્સવ સમસ્ત ગામનો બની જાય છે.
શીતળા સાતમના દિવસે કુંવારી છોકરીઓ'બધી હળી - મળીને, તળાવમાંથી ચીકણી માટી લાવે છે. ગામના મુખ્ય ચોકમાં ભગવાન શ્રીકૃષ્ણની માટીમાંથી સુંદર મૂર્તિ બનાવે છે. તેને સરસ રીતે શણગારે છે. આસોપાલવના તોરણ બનાવી સુંદર સુશોભન કરે છે. શીતળા સાતમની સાંજે તે ગામની પરણિયત દીકરીઓ પિયરમાં આવી જાય છે. આખા ગામમાં આનંદ - આનંદ છવાઈ જાય છે.
જન્માષ્ટમીના દિવસે સવારે તમામ દીકરીઓ નવીન કપડાં પહેરી ગામના મુખ્ય ચોકમાં આવી જાય છે. તમામ સખીઓને જોઈને આનંદથી એકબીજાને ભેટી પડે છે, આનંદથી વાતો કરે છે. બધાના ચહેરા પર ખુશીઓ જોવા મળે છે. ઢોલી પણ ઢોલને શણગારીને ચોકમાં આવી જાય છે. ઢોલના તાલે ગરબાની - ગીતોની રમઝટ ચાલે છે. સૌ સહિયરો સાથે મળીને કૃષ્ણભક્તિમાં લીન થઈ, ગીતો ગાય છે અને રમે છે. આખું વાતાવરણ અનોખું સર્જાય છે. ઢોલી પણ તાનમાં આવીને ઢોલના ઢીબાકા બોલાવે છે. ગામના સૌ લોકો જોવા ઉમટી પડે છે. બપોર સુધી રમે છે અને સૌ સહેલીઓ છૂટી પડે છે.
સાંજની વેળાએ સૌ સહિયરો ઉમંગથી શ્રીકૃષ્ણના ગીતો ગાતી, કાનુડાને વિદાય કરવા તળાવે જાય છે. આ સમયે ગામની કોઈપણ વ્યક્તિ કાનુડાને પાછો વાળે છે. કાનુડો પાછા વળતાં સૌ દીકરીઓના આનંદનો પાર રહેતો નથી. સૌ સાથે આનંદથી ગીતો ગાતાં - ગાતાં તે વ્યક્તિના ઘરે જાય છે. તે વ્યક્તિના ઘરે સાંજના જમણવારની તડામાર તૈયારીઓ થાય છે. ગામની તમામ દીકરીઓને પ્રેમભાવથી લાડુ, દાળ - ભાત, શાક - પૂરી જમાડે છે. સમસ્ત ગામના યુવાનો મદદ માટે તૈયાર રહે છે. સાંજે મોડે સુધી ઢોલીના તાલે કાનુડાના ગીતો ગાય છે અને રમે છે.
બીજા દિવસે પછી કોઈ કાનુડો વાળે નહીં તો વિદાય કરવામાં આવે છે. સૌ દીકરીઓ ગીતો ગાતી જાય અને ભક્તિ સાથે તળાવમાં કાનુડાનું વિસર્જન કરવામાં આવે છે. ઢોલીને પણ સૌ દીકરીઓ પોતાની યથાશક્તિ મુજબ દાન કરે છે. સૌ ખુશી - ખુશી છૂટા પડે છે. બનાસનો કાનુડો પ્રખ્યાત - વખણાય છે. તેની આગવી વિશેષતા છે. બનાસકાંઠાના મોટાભાગના ગામોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સમસ્ત ગામનો પ્રસંગ હોઈ, સૌ ખુશી - આનંદથી ઉજવણી કરે છે.
