છેલ્લી બસ
છેલ્લી બસ
શિયાળાનો સમય હતો. ચાર દિવસથી ઠંડીમાં ભારે ચમકારો હતો. એવામાં કમોસમી માવઠું થયું. ઠંડા પવનો સાથે ઠંડીમાં બમણો વધારો થયો. હાડ થીજાવી દે, તેવી ઠંડી પડતી હતી. ગામડામાં સૂર્યાસ્ત થતાં જ સૂનકાર થઈ જતો.
બસ - સ્ટેશનના ખૂણામાં, એક બાંકડે બેસી, ઈશ્વરભાઈ, પોતાના નાનોભાઈ પ્રહલાદની આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. ગયાં શનિવારે ભાઈ આવ્યો ન હતો, પણ આ શનિવારે તો ચોક્કસ આવશે જ અને યેવલા બીડીના ગોટે - ગોટા ઉડાવી રહ્યાં હતાં. હજી છેલ્લી બસ આવવાની બાકી હતી.
નાની - મોટી દુકાનો પણ બંધ થઈ રહી હતી. તેથી બાંકડા પરથી ઊભા થઈ, બીડી - માચીસ દુકાનેથી લીધી. દુકાનદારે કહ્યું, " આજે કેમ બસ - સ્ટેશને ?" તેમને કહ્યું, " આજે મારો નાનોભાઈ નોકરી પરથી ઘરે આવશે એટલે રાહ જોઈ રહ્યો છું." દુકાનદારે કહ્યું," તમે ભાઈઓ તો છેલ્લા દસ વર્ષથી અલગ રહો છો. તો પણ રાહ જોવો છો. આજે ઠંડી વધુ લાગી રહી છે અને બસ પણ મોડી આવશે. ચાલો, આપણે સાથે ઘરે જઈએ." તેમને કહ્યું," ના, ભાઈ. હું તો છેલ્લી બસની રાહ જોઈશ. ભલે, તમે રાહ જુઓ, એમ કહીં દુકાનદાર પણ ચાલી ગયો.
ચારે કોર ગાઢ અંધકાર, સૂમસામ રસ્તાઓ અને નીરવ શાંતિ હતી. છતાં પણ ધીરજ રાખી, પોતાના ભાઈની રાહ જોવા લાગ્યાં. આખરે રસ્તા પર થોડું - થોડું અજવાળું નજીક આવી રહ્યું હતું અને બસનું હોર્ન પણ વાગી અને છેલ્લી બસ આવી પહોંચી.
બસમાંથી એક પછી એક મુસાફર ઉતરી રહ્યાં હતાં. પોતાના ભાઈને જોઈને, હર્ષ સહિત કહ્યું, " ભાઈ, પ્રહલાદ. આવી ગયો." અંધકારમાં અવાજની દિશામાં જોઈને , " હા, મોટાભાઈ. આવી ગયો. આવી ઠંડીમાં મોટાભાઈ, મને આવકાર આપવા આવ્યાં. મને તો એમ હતું કે આજે મોટાભાઈ નહીં આવે." મોટાભાઈએ કહ્યું," ભાઈ, હું દર શનિવારે આવું છું અને છેલ્લી બસ સુધી તારી રાહ જોવું છું." નાનોભાઈ પ્રહલાદ મોટાભાઈને ભેટી પડયો અને રડતાં - રડતાં બોલ્યો," મોટાભાઈ લેશમાત્ર સ્વાર્થ વિના આપ મને આવકાર આપવા છેક બસ - સ્ટેશન સુધી આવો છો. ખરેખર, હું નસીબદાર છું કે તમે મારા મોટાભાઈ છો. મોટાભાઈ નાનાભાઈને શાબાશી આપતાં કહ્યું, " ભાઈઓ તો સુખ - દુઃખમાં સાથે જ હોય." બંને ભાઈઓ હસતાં - હસતાં ઘરે ગયાં.
