ફરજ
ફરજ
રતન શેઠ અને રામજીભાઈ બંનેની આજે ખુશી અપાર હતી. બંનેને પોતાની વિકટ સમસ્યાનો ઉકેલ મળી ગયો હતો. બંનેએ એક ગોપનીય સોદો કરી, એક્બીજાની ફરજ નિભાવવાના વચન આપ્યાં હતાં. રામજીભાઈએ કહ્યું,"શેઠ, મને વચન આપો કે મારી ભાણીબાના મામેરાની જવાબદારી તમે નિભાવશો." શેઠે પણ રામજીભાઈને વચન આપ્યું.
રાધાબેન અને જમાઈ ભાણીબા પૂજાના ઘડિયા લગ્નની જાણ કરવા રામજીભાઇને ઘરે આવ્યાં. ભાઈ - ભાભીએ આગતા - સ્વાગતા કરી, રામજીભાઈએ કહ્યું, "અમે તમારા મોભાની માન - મર્યાદા જાળવી, મામેરું લઇને આવીશું અને અમારી ફરજ પૂર્ણ કરીશું. તમે તમારા રીત - રિવાજ મુજબ જે કંઈપણ લાવવાનું હોય તેની ચિઠ્ઠી મોકલી આપશો."
રાધાબેન પણ ભાઈની પરિસ્થિતિથી વાકેફ હતાં. તેથી કહ્યું, "ભાઈ, તમારી હાજરી મારા માટે મામેરું છે. ખાલી પાનેતર લઇને આવશો તો પણ મારા માટે આનંદ જ છે. સૌ સગા - સંબંધીઓને તથા મિત્રોને લઈને સમયસર આવજો. આ અમારું આમંત્રણ છે અને હવે અમને રજા આપો."
ઢોલના તાલે અને શરણાઇના સૂર સાથે મામાનું આગમન ગામના પાદરે થયું. સૌ કોઈ મામેરું જોવા ઉત્સુક હતાં. મામેરું ભરવાનો સમય આવી ગયો. હાજર રહેલાં સૌ કોઈ અચરજ પામી ગયાં. રાધાબેનની ચિઠ્ઠી કરતાં પણ અનેક ઘણું વધારે હતું. પાનેતરને જોઈને રાધાબેન - ભાણીબા પૂજા તથા હાજર સૌ લોકો આનંદિત થઈ ગયાં. કુટુંબના તમામ સભ્યો માટે પહેરામણી અને ભેટ, દાગીના, વાસણો, રાચરચીલું તમામ હાજર હતું અને રોકડ રૂપિયાનો થાળ પણ ખરો. આ તમામ જોઈને ભાણીબા પૂજા અને રાધાબેન ખુશી - ખુશી મામેરાને વધાવીને, રામજીભાઈ તથા સૌ મહેમાનોને કુમકુમ તિલક કરતાં, હર્ષના આસું સરી પડયાં. આખા ગામમાં રાધાબેનના ભાઈની સારી વાતો થવા લાગી. મામેરામાં આવેલ સૌ મહેમાનોને પ્રેમથી જમાડી રાધાબેન - જમાઈ અને ભાણીબા પૂજા ખૂબ જ ખુશ થયાં.
લગ્નના મંડપમાં ભાણીબા પૂજાને આશીર્વાદ આપી, રામજીભાઈ રાધાબેન - જમાઈની પાસે જઈને કહ્યું , "હવે મને રજા આપો, મારે ખાસ કામ માટે શહેર જાવું પડે તેમ છે." રજા મળતાં જ પોતાનું વચન પાળવા માટે રામજીભાઈ સીધા જ હોસ્પિટલમાં પહોંચી ગયાં. કિડનીના દાતાનું સંમતિ પત્રક ભરી, આગળની કાર્યવાહી શરૂ થઈ. રામજીભાઈ ખુશીથી શેઠની દીકરીને કિડની આપી, નવજીવન આપ્યું અને ભાણીબાનું કન્યાદાન કરી રહ્યાં હોય,એવો અહેસાસ થયો અને પોતાની મામેરાની ફરજ નિષ્ઠાથી બજાવીને, સહર્ષના આંસુઓ સરી પડ્યાં.
